ભમરાળૂ જીવન
ભમરાળૂ જીવન


આલોકનું હૈયું ચિરાઈ ગયું. એનાં જીવનમાં ફરી, મુશ્કેલીનાં વમળ ફરી વળ્યાં. એ વિચારી નથી શકતો કે અવની મારી સાથે આવું કરી શકે? બે વર્ષની જેલની સજાએ આલોકની બહારની દુનિયા બદલી નાખી. આલોક નાનો હતો, ત્યારે એના પપ્પા બીજી સ્ત્રી માટે, એની મમ્મીને છોડીને જતા રહ્યા હતા. ત્યારે માંડ માંડ એની મમ્મીએ ખાખરા, પાપડ બનાવીને ઘર ચલાવ્યું અને આલોક અને એની નાની બહેન ઇશાનું ભણતર પૂરું કરાવ્યું.
આલોકને હવે એટલી તો ખબર પડી ગઈ હતી કે જિંદગીમાં કોઈ વસ્તુ સરળતાથી નહિ મળે એના મારે ઝઝુમવું પડસે એ નક્કી છે. યુવાનીનાં પ્રવેશદ્વાર સુધી પહોંચતાં સુધી તો આલોકે જીવનમાં ઘણા ચઢાવ ઉતાર જોઈ લીધાં હતાં. એ મમ્મીને મદદ કરવા માટે, નાના-મોટા કામ શીખી પૈસા લાવતો હતો. એમાં એને ધંધો કરવાની ધગશ અને આવડત આવી ગઈ હતી. ભણતર સાથે ગણતર અને આલોકે મહેનતથી સી.એ. થઈ સારી જોબ મેળવી. ઘરમાં સારી આવક શરૂ થતા, સમાજમાં સારી ઓળખ ઉભી થવા લાગી. આજ સુધી કોઈ સામે પણ જોતું નહોતું એ, હવે સંબંધ વધારવા લાગ્યાં.
આલોકે સમાજની સુંદર યુવતી નિશા સાથે લગ્ન કર્યા. સંસારરથ આગળ વધારવામાં ચાર પૈડાંની સરખામણી હોય તો આગળ વધે...નિશાને તો આવતાની સાથે સામ્રાજ્ય મળી ગયું એટલે આઝાદ થઈ ગઈ અને આલોકને.."હું રસોઈ નહિ બનાવું..." "મારે બાળક નહિ જોઈએ..." "હા આ તારી મા અને બેનની ટકટક તો બિલ્કુલ નહી જ ફાવે..."
આમ પણ ઘણું કામકાજ મા અને બહેન સંભાળતા હતા. દિવસે દિવસે મગજ મારી ચાલી છૂટાછેડા સુધી વાત પહોંચી ગઈ. ખોટા પ્રુફ..ને દાવા કરીને સારી એવી રકમ લઈને નિશા છૂટી થઈ ગઈ. પણ જતાં જતાં
આલોકની મૂડી પણ લઈ ગઈ. ફરી આલોકે ફરી ઉભો થવા પોતાની ઓફિસ શરૂ કરી મહેનત કરવા લાગ્યો.
સમય જતાં ગરીબ ઘરની નાની ઉંમરની વિધવા અવની સાથે પુનર્વિવાહ કર્યા. ખૂબ દેખાવડી ને મીઠા સ્વભાવની અવનીએ. નાની બહેન ઇશા માટે સારો છોકરો જોઈને વળાવી દીધી. સગાં-વહાલાંનુંને સાસુમાનું દિલ જીતી, ઘરનો ઘણો ખરો ભાર અવનીએ ઉપાડી લીધો હતો. સમય મળે ત્યારે અવની આલોકને ઓફિસના કામમાં મદદ કરતી એટલે ઓફીસમાં પણ પોતાની સારી છાપ ઉભી કરી હતી.
"અવની...આપણે બીજા સારા ફ્રેશરને રાખી લઈએ. અને આપણે ટ્રાવેલ એજન્ટનું કરીએ તો કેવું ?"
"અરે..આલોક નેકી ઓર પુછ પુછ..હું અહી સંભાળી લઈશ તું તારે ટ્રાવેલ એજન્સીનું કરીશ તો દેશ-વિદેશમાં ફરવા મળશે"
અવનીનો ઉત્સાહ જોઈને આલોક ખુશ થઈ ગયો. નવો બિઝનેસ ચાલુ કર્યો એમાં પણ સારી પ્રગતિ થઈ. વિદેશમાં એક માણસ ધંધાની આડમાં ડ્રગ સપ્લાયમાં ફસાયો. એના પાસપોર્ટ અને બીજા ડોક્યુમેન્ટ જોતા એમાં લોચો જણાયો, પોલીસ મૂળ સુધી પહોંચતા...આલોક સુધી હાથ લંબાયો. આલોક આ બધી માહિતીથી અજાણ હતો. વિદેશી કાયદાની જોગવાઈ થકી, આલોકને ત્યાંની જેલ થઈ.
આલોકને છોડાવવાની બધી જવાબદારી અવની પર આવી ગઈ. એટલે એણે વિદેશ આવીને, જરૂરી ડોક્યુમેન્ટમાં આલોકની સહી કરાવી. પાવર ઓફ એટર્ની પર સહી કરીને આલોકે બધો વહીવટ અવનીને સોંપી અહીંથી બહાર નીકળવાની રાહ જોવા લાગ્યો.
આજ પુરા બે વર્ષે એ બહાર આવ્યો. "કોઈ લેવા ન આવ્યું???" એણે ઘરે ફોન લગાવ્યો.
"હેલો...કોણ..અવનીને આપો."
સામેથી એક અજાણ્યો અવાજ આવ્યો..."હેલો..અવની મેડમ બહાર ગયા છે.આપ કોણ ?
"તો મમ્મીને ફોન આપો."
"કોણ મમ્મી ? એતો એકલા જ છે. તમે કોણ એતો કહો. ને આલોકે ફોન કાપી નાખ્યો..
આલોકે એની બહેન ઇશાને કોલ લગાવ્યો.. ઇશા રડવા લાગી..અને બધીજ આપ વીતી ભાઈને કહી સંભળાવી.
"અવની તું આવું કરી જ કેમ શકે ? મારી મિલકત ઓફીસ પર હક્ક જમાવીને મને રોડ પર લાવી દીધો અને હું માનતો રહ્યો..કે દેશમાં મારો ધંધો સુરક્ષિત છે. અરે મારી માને ઘરડાઘરમાં ? મીઠું બોલીને મને છેતરી ગઈ !"
એની આંખમાંથી આંસુ ટપકી પડયાં...શાંત જળમાં એક તોફાન ઉમટયું. અવનીના જીવનમાં ત્રાટકવાની તૈયારી સાથે.