Ankita Soni

Drama Tragedy

4  

Ankita Soni

Drama Tragedy

ભિખારીદાદા

ભિખારીદાદા

2 mins
382


મંદિર પાસે આવેલા ચોગાનમાં એક ભિખારી રોજ બેસે. એમ તો કોઈ એને ખાસ ઓળખે નહીં પણ ઉંમરે વયોવૃદ્ધ એટલે સૌ એને દાદાનું સંબોધન કરતા. મંદિરે દર્શન કરવા આવતા શ્રધ્ધાળુ જે કંઈ ખાવા આપે એના પર એ નભે. એ માણસ હતો ભિખારી પણ ભારે મિજાજી. આવતા જતા લોકો પાસેથી પૈસા માંગે નહીં. પણ કોઈ ખાવાનું આપે તો હોંશે હોંશે ખાય. કોઈ પૈસા આપે તો ઉતારી પાડે. ને અપશબ્દો બોલે.

રવિવારના દિવસે મંદિરને અડીને આવેલા બગીચામાં બહુ ભીડ જામે. બાળકોને નિશાળમાં રજા હોય એટલે સાંજ પડતામાં આખું ઉદ્યાન શોરબકોરથી ગુંજી ઊઠે. ભીખારીનો સમય બાળકોને જોવામાં વ્યતિત થાય.

અઠવાડિયામાં માત્ર રવિવાર જ એવો હતો કે ભીખારીના ચહેરા પર સ્મિત આવતું. એનું કારણ હતું નાનકડો પિંકુ. દર રવિવારે પિંકુ એની મમ્મી સાથે અહીં અચૂક આવે. મંદિરે દર્શન કરે ને પછી બગીચામાં લપસણી ને હિંચકા ખાવા જાય. ક્યારેક દડાથી રમે તો ક્યારેક રમતરમતમાં બીજા બાળકો સાથે ઝપાઝપી કરે.

એક વાર એનો દડો ભિખારી પાસે જઈ પડ્યો ને દૂરથી એણે બૂમ પાડી. "ભિખારીદાદા. મારો દડો આપો ને." એની મમ્મીએ "બેટા ! આવું ન કહેવાય " કહીને ટોક્યોય ખરો. પણ એ દિવસથી જ્યારે પણ એ આવતો ત્યારે ભિખારી પાસે "ભિખારીદાદા" કહેતો કહેતો જતો ને ખિસ્સામાંથી ચોકલેટ કાઢીને આપતો. ભિખારી પણ એને જોઈને ખુશ થઈ જતો.

આવા જ એક રવિવારે પિંકુ બગીચે રમીને મમ્મી સાથે ઘરે પરત ફરી રહ્યો હતો. એ દિવસે ટ્રાફિક પણ બહુ હતો. રોડ ક્રોસ કરવા જતાં એનો દડો પડી ગયો ને મમ્મીની આંગળી છોડાવીને દડો લેવા જતા અકસ્માત થયો. માથાના ભાગે ગંભીર ઈજા થવાથી લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું. પિંકુની મમ્મી તો સુધબુધ ગુમાવી બેઠી. લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી એને હોસ્પિટલ પહોંચાડ્યો.

હમણાં જ હસતો રમતો પિંકુ આઈ.સી.યુ.માં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો હતો. મશીનમાંથી આવતો ટિકટિક અવાજ એના ધીમા પડતાં શ્વાસ અને એની મમ્મીની ખૂટતી જતી આસનો એકમાત્ર સાક્ષી હતો. બહાર ઉમટતી ભીડ સમય જતાં ઝાંખી પડી રહી હતી. અવરજવર કરતા ડોકટર અને નર્સોના મોંઢા ગંભીરતા પકડી રહ્યા હતાં.

હોસ્પિટલની લૉબીમાં ઠીચૂક ઠીચૂક કરતી આવતી એક આકૃતિએ બધાનું ધ્યાન ખેંચ્યું. જોયું તો ભિખારીદાદા. સિક્યુરિટીવાળાએ રોકવાનો પ્રયત્ન કર્યો પણ પિંકુની મમ્મીએ એમને આવવા દેવાની વિનંતી કરી એટલે આવવા દીધા. 

ડોક્ટરોના મતે પિંકુ માટે ચોવીસ કલાક કાઢવા બહુ કપરા હતાં. પણ આ ચોવીસ કલાક નીકળી જાય તો એના બચવાની કોઈ આશા દેખાય એમ હતી. પિંકુની મમ્મી તો આંસુ સારતી એના ઓશીકે બેઠી બેઠી આખી રાત ભગવાનને વિનવતી રહી. પણ ભિખારીદાદા. એ તો સીધા મંદિરે ગયા ને એકીટશે ભગવાનની મૂર્તિને તાકતા બેઠા.

રાતનું અંધારું મિટાવીને સવારનો સૂરજ અજવાળા પાથરી રહ્યો હતો. ભિખારીદાદા ધીમે ધીમે પાછા આઈ.સી.યુ.માં આવ્યા. ફાટેલા ખિસ્સામાંથી એક લોલીપોપ કાઢીને પિંકુના હાથમાં મૂકી અને એના માથે હાથ ફેરવી આશીર્વાદ દઈને પાછા વળ્યા મંદિર તરફ. રોજની જગ્યાએ આંખો મીંચીને ટેકો દઈને બેઠા.

આ તરફ ઝબુક ઝબુક થતો પિંકુનો જીવનદીપ ફરીથી પ્રજ્વલિત થવા માંગતો હોય એમ એણે આંખ ખોલી. ને બીજી તરફ કોઈ સમાચાર લાવ્યું કે ભિખારીદાદા...!


Rate this content
Log in

Similar gujarati story from Drama