Mariyam Dhupli

Drama

3  

Mariyam Dhupli

Drama

ભિખારી

ભિખારી

2 mins
579


હું દરરોજની જેમ સાહેબની ગાડી હાંકી રહ્યો હતો . પાછળની સીટ ઉપર ગોઠવાયેલા મારા સાહેબ મોબાઈલમાં અતિ ઉત્સાહિત સ્વરે વાર્તાલાપમાં વ્યસ્ત હતા . ખડખડાટ હાસ્ય જોડે સાહેબે પોતાનું અંતિમ વાક્ય ઉદ્દઘારી આખરે કોલ કાપ્યો . 


" વક્ત આને પે ગધે કો ભી બાપ બનાના પડતા હે . "


સાહેબનો અભિમાની સ્વર એમની અતિ કિંમતી ગાડીને ગૂંગળાવી રહ્યો, બેક મિરર થકી મળેલા ઈશારા જોડે એસી બંધ કરી , ધીરે રહી ગાડીના ગાઢ કાલા કાચ થોડા નીચે ઉતાર્યા જ કે ધૂળની ડમરી સાહેબના નાકને પજવી રહી. ગજવામાંથી રૂમાલ કાઢી થોડા સમય માટે પોતાની શ્વાસો એમણે નવા વાતાવરણ જોડે બંધબેસતાં કરવાનો પ્રયાસ કર્યો . 


આ વાતાવરણ એમના માટે નવું હતું અને એ નવા વાતાવરણમાં એમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા લોકો પણ.

ગાડીને બ્રેક લગાવી આદેશને અનુસરતા એકતરફ પાર્ક કરી . પાછળની સીટ પરથી સાહેબની આંખો અર્ધ ખુલ્લા કાચમાંથી ભેગા થયેલા ટોળાનું ઝીણવટથી છૂપું નિરીક્ષણ કરી રહી . 


સાહેબનો આ પહેલો વહેલો અનુભવ હતો. કદાચ એટલેજ એ લોકોના પહેરવેશ , રહેણીકરણી , ભાષા વ્યવહાર દૂરથી જ નિહાળતા એમની દ્રષ્ટિમાં દેખીતો અણગમો અને ખચકાટ ઉપસી આવ્યો .

પરંતુ કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પણ પડે . કદાચ એવોજ કંઈક વિચાર એમના મનમાં પ્રગટ થયો હોય એ રીતે એમણે પોતાના ચ્હેરા ઉપરના અણગમા અને ખચકાટને એક ઔપચારિક હાસ્યથી ખંખેરી નાખ્યા, પોતાના વ્યક્તિત્વને બહારના નવા વાતાવરણ જોડે મળતું દેખાડવા સક્રિય કૃત્રિમ પ્રયાસ આદર્યો .


બીજીજ ક્ષણે સાહેબ ગાડીમાંથી બહાર નીકળ્યા . લાંબા સમયથી રાહ જોઈ રહેલ ટોળું એમને ઘેરી વળ્યું . સુરક્ષાકર્મીઓની મદદ દ્વારા તેઓ ટોળાના કેન્દ્રસ્થાને પહોંચી ગયા . 

ગરીબ , લાચાર અને ભિખારી જેવા ચ્હેરાઓ વચ્ચે તેઓ બન્ને હાથ આજીજીપૂર્વક જોડી ઉભા હતા . 


મોઢામાંથી એકજ રટાયેલો સંવાદ વારેઘડીએ બહાર નીકળી રહ્યો હતો . 

" આપનો કિંમતી મત અમનેજ આપશો . "


સાહેબની બી એમ ડબલ્યુના કાચમાંથી બહાર ડોકાઈ રહેલી મારી દ્રષ્ટિમાં એકજ દ્વિધા હતી .

' ભિખારી કોણ ?'


Rate this content
Log in

Similar gujarati story from Drama