ભેટ - સ્નેહની
ભેટ - સ્નેહની
સ્નેહલે જિંદગીમાં વેલેન્ટાઇન ડે નિમિતે પ્રથમવાર તેની પાસેથી કોઈ ભેટ માંગી હતી. સ્નેહલને શું આપવું એ વિચારમાં ખોવાયેલી હતી. અચાનક જ તેની સામે કોલેજનો એ વેલેન્ટાઇન ડે ઉભરી આવ્યો. સ્નેહલ મંચ પરથી બોલી રહ્યો હતો.
“પ્રેમ એટલે ત્યાગ, પ્રેમ એટલે સમર્પણ, પ્રેમ એટલે સ્વીકાર, પ્રેમ એટલે દિવ્ય અહેસાસ, પ્રેમ એટલે અલૌકિક અનૂભુતિ, પ્રેમ એટલે પરમનું સાનિધ્ય, પ્રેમ એટલે ભક્તિ, પ્રેમ એટલે આરાધના, પ્રેમ એટલે પૂજા, પ્રેમ એટલે ઓગળી જવું, પ્રેમ એટલે ખોવાઈ જવું, પ્રેમ એટલે એકાકાર થઈ જવું, પ્રેમમાં શર્ત ન હોય, પ્રેમમાં પ્રશ્નો ન હોય, પ્રેમમાં વાદ ન હોય, પ્રેમમાં વિવાદ ન હોય, પ્રેમ એટલે મૌન. સાચો પ્રેમ સ્પર્શની ઝંખના વગરનો હોય છે. પ્રેમ એટલે બે આત્માનું મિલન, પ્રેમ એટલે બે દિલનું મિલન, પ્રેમ એટલે બે મનનું મિલન. પ્રેમમાં બે દેહનું મિલન એ તો બહુ ગૌણ વાત છે.”
આવી તો કંઈક કેટલી યે વાતો એણે એનાં વક્તવ્યમાં કહી. કંઈક કેટલાયે ઉચ્ચ પ્રેમના દાખલાઓ એણે આપ્યા. વક્તવ્યના અંતમાં જ્યારે એણે કહ્યું કે પ્રેમની પાવન પગદંડી પર ચાલવા માટેની આ એની બહુ જ નાની પા પા પગલી છે, ત્યારે તો હાજર રહેલાં સહુએ એને તાલીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. એ જ વખતે મેં શ્રોતાગણમાંથી ઊભા થઈને પ્રશ્ન કર્યો હતો, “શું આવો પ્રેમ આજનાં જમાનામાં શક્ય છે?” સ્નેહલે તરત જ કહ્યું હતું, "પ્રેમને સમય અને સ્થળનાં બંધન નથી હોતા. પ્રેમ કરવો નથી પડતો, પ્રેમ થઈ જાય છે.આજે પણ લયલા-મજનુ, સિરી-ફરહાદ, મીરા-કૃષ્ણ મોજૂદ છે." વક્તવ્ય પૂર્ણ થયા પછી સ્નેહલને અભિનંદન આપતાં એનાં હાથમાં એક નાનકડી ચિઠ્ઠી એણે સરકાવી દીધી હતી. જેમાં પોતાનો ફોન નંબર આપીને લખ્યું હતું, “પ્રેમ વિષે વધુ ચર્ચા કરવાનું ગમશે.”
પછી તો એ હોલમાંથી બહાર નીકળે તે પહેલાં જ સ્નેહલનો ફોન આવ્યો અને બંને વચ્ચે કોફી શોપમાં મળવાનું નક્કી થયું. બેસતાની સાથે જ સ્નેહલે કહ્યું, "હું બહુ અધીરો લાગ્યો હોઈશ ખરું ને? ખેર! તમે જ્યારે આજનાં જમાનામાં સાચ્ચા પ્રેમના અસ્તિત્વમાં શંકા ધરાવતો પ્રશ્ન કર્યો તે જ વખતે તમારાં અવાજના રણકાર સાથે બીજું કંઈક પણ મારાં દિલ સાથે અથડાયું. દિલમાં ઉઠેલા એ તરંગો શમે તે પહેલાં તો તમે ચિઠ્ઠી આપી ગયાં. તમારી એ ચિઠ્ઠી આપણા બે હાથની વચ્ચે પડદારૂપ હોવા છતાં વગર સ્પર્શે મને ઘણું બધું સ્પર્શી ગયું. વગર જોયે, વગર મળ્યે મારાં મનમાં તમારાં માટે કંઈક જૂદી જ લાગણીનો અનુભવ થયો. કહો કે મને તમારાથી પ્રેમ થઈ ગયો. અલબત, આ તો માત્ર મારાં વિચારો છે, તમે ચાહો તો ના પાડી શકો છો.
ત્યારે હસતાં હસતાં એણે કહ્યું હતું કે પ્રેમ માટેનાં તમારાં વિચારો બહુ જ ઉચ્ચ કક્ષાનાં છે પણ વાસ્તવિકતાની દુનિયાથી ખૂબ જ દૂર છે.
રૂપ, રંગ, સમય, સ્થાન, સ્પર્શ, ઝંખના આ બધું જ પ્રેમની આડે આવતું હોય છે. તમે તમારી મરજી તો જણાવી દીધી અને મારી મરજી તો હા જ હોવા છતાં મને ખાતરી છે કે હવે..... એમ કહીને એણે પોતાનાં ગળા પરનો સ્કાર્ફ દૂર કરીને એનાં ગોરા દેહની ખૂબસૂરતીને હણી લેતા બે કોઢનાં ડાઘ બતાવ્યા ને વાક્ય પૂરું કરતા બોલીઃ "તમે તમારો વિચાર હવે એક પળમાં બદલી નાખશો." પણ સ્નેહલે તો જરાયે વિચલિત થયા વગર કહ્યું હતું કે મેં પ્રેમ ને શબ્દોમાં ઢાળ્યો છે ને પીંછી દ્વારા ચિત્રમાં એને નિખાર આપ્યો છે તો સાથે સાથે મારાં દિલમાં પણ એને ઉતાર્યો છે. તમારી સાથે હમસફર બનીને અમર થઈ જાય એવો ઇતિહાસ રચવાનું મને ગમશે ને પછી એક કલાકારની જેમ કોફી ટેબલ પર પડેલી ફૂલદાનીમાંથી ફૂલ લઈ એની સામે ધરતા કહ્યું હતું કે શું તમે મારી જિંદગીભરની વેલેન્ટાઈન બનશો અને ત્યારે સજળ નેત્રે એનાં હાથમાંથી ફૂલ લઈ એ પ્રેમની અલૌકિક સૃષ્ટિમાં ખોવાઈ ગઈ હતી. પછી તો એ બંને પરણી ગયાં હતાં.
વર્ષો વિતતા ગયાં. સ્નેહલનો પ્રેમ દિન-પ્રતિદિન વધતો જ ગયો. કોઢનાં ડાઘ એમનાં પ્રેમની આડે ક્યારે પણ ન આવ્યાં. પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી એ ડાઘ વધુ ન વિસ્તર્યા હતાં. પ્રિતી જેવી માસૂમ બચ્ચીના જન્મ પછી તો સ્નેહલ જાણે પાગલ જ થઈ ગયો હતો. સ્નેહા, સ્નેહલ અને પ્રિતીના ત્રિકોણમાં જ એની દુનિયા સમાઈ ગઈ હતી. પ્રીતિને સાસરે વળાવ્યાં બાદ પણ એનો પ્રેમ ક્યારે પણ ઓછો ન થયો. રિટાયર થયાં પછી તો એનો પ્રેમ ચરમસીમાએ પહોંચી ગયો હતો. એની હર ખુશી, એની હર જરૂરિયાત, એની હર ચાહ એ પૂરી કરતો.
દર વેલેન્ટાઇનનાં દિવસે એ એને અનોખી ભેટ આપતો અને સાથે એક સુંદર ચિત્ર અને દિલથી લખેલી એક કવિતા આપતો. ગઈ કાલે હોસ્પિટલમાં પણ સ્નેહલે કેટલાં પ્રેમથી મારો હાથ એનાં હાથમાં લઈને કહ્યું હતું, "સ્નેહા, કાલે મને હોસ્પિટલમાંથી રજા મળશે અને ઘરે આપણે પચાસમો વેલેન્ટાઇન ડે ઉજવશું. હું જાણું છું કે હવે મારી પાસે વધુ સમય નથી. ડોક્ટરનાં બધાં જ રિપોર્ટ મેં વાંચ્યા છે. જિંદગીની આટલી લાંબી સફર પ્રેમથી સાથે કાપ્યાં પછી તને એકલાં છોડી જવાનું દુઃખ તો થશે પણ પ્રેમ તો યાદોમાં પણ અમર રહેતો હોય છે. જિંદગીને મેં માણી છે અને મોતને પણ મારે માણવું છે. મોત આપણાં બે વચ્ચેનો પ્રેમ ક્યારેય ઓછો નહીં કરી શકે.
એય, સ્નેહા! આ વખતે મનમાં એક ઈચ્છા થઈ છે કે તું મને ‘વેલેન્ટાઇન ડે’ની ભેટ આપે. એવી અણમોલ ભેટ કે જેને હું એક પળ માટે પણ મારાથી અળગી ન કરું. આપીશ ને એવી ભેટ?"
આંખોમાં આવેલાં આંસુનાં ઘોડાપૂરને પાંપણની આડે જ રોકી એણે ભારે હૈયે હા પાડી હતી, અને કહ્યું હતું કે સ્નેહલ તને કલ્પનામાં પણ ન આવે એવી ભેટ હું તને આપીશ. ભેટના વિચાર સાથે જ એ ખયાલોની દુનિયામાંથી બહાર આવી. કંઈક કેટલી યે ભેટ માટે એણે વિચાર્યું પણ એનું મન માનતું જ ન હતું. સ્નેહલે પ્રથમવાર એની પાસે કંઈક માંગ્યું હતું ને એથી જ એ સર્વશ્રેષ્ઠ ભેટ આપવાં માંગતી હતી. અચાનક જ એનાં મુખ પર સ્મિત આવી ગયું.એક કાગળ લઈ એણે લખવા માંડ્યું.
મારી જિંદગીના ધબકાર સ્નેહલ તને અણમોલ ભેટ આપવાં માટે બહુ વિચાર્યું. ખુશીઓના ફૂલોથી મારી જિંદગીને મહેંકતી કરી તે એને અણમોલ બનાવી દીધી છે. મારી આ જિંદગીની ભેટ જ હું તારા ચરણોમાં ધરું છું. સ્વીકારીશ ને? તારી જ સ્ને.... અને તે ઢળી પડી.
હોસ્પીટલમાંથી સ્નેહલનું અવસાન થયું છે એ કહેવા માટે આવેલાં ફોનની ઘંટડી વાગતી જ રહી, વાગતી જ રહી. બહાર હવામાં ગીત ગુંજી રહ્યું હતું. "તેરા મેરા પ્યાર અમર......."

