ભેળ
ભેળ


"આજે મારે મંદિરે જવાનું છે. વહેલી આવજે" ઓફીસે જવા નીકળતી વીણાને સાસુજીના શબ્દો કાને પડતાં ચીડાઈ. ગઈકાલે નક્કી થયા મુજબ, ઓફીસેથી ઘરે આવતા તેણે ખાસ મિત્રો સાથે ભેળ ખાવા જવાનું હતું. પણ હવે સાસુજીના આદેશની અવગણના એટલે મગરના મોંમાં હાથ નાંખ્યા બરાબર!
તેને ભેળ ખાવાનું મન ઘણાં દિવસથી હતું, તેણે જ બધાને જવા મનાવ્યા પણ! હવે અડધો કલાક વહેલા નીકળીને સાસુને મંદિરે લઈ જવાના. અકળાતા ઓફીસે પહોંચી, કમને કામમાં મન પરોવ્યું.
તબિયતનું બહાનું કાઢીને મિત્રોને જણાવી દીધું કે સાંજની પાર્ટીમાં તે નહીં આવી શકે.
બરાબર સાડા ચાર થતાં તે ટેબલ પરથી ભેળ તરસ્યું મન લઈ ઊભી થઈ. ઘરે જતાં રસ્તામાં વળી કાશીનાથ ભેળવાળાની સુગંધથી લલચાઈ. ખાઈને જાઉં? ના ભાઈ ના મોડું થયું તો! તેણે ચાલવાની ઝડપ વધારી.
"ઘરે જઈશ એટલે પહેલાં ચા-પાણી, પછી સાંજની રસોઈની તૈયારી પણ કરી જ લઈશ કે આવતાં મોડું થયું તો વાંધો નહીં." વિચારતાં શેરી સુધી પહોંચી ગઈ.
ઘરમાં પ્રવેશતાં સાસુમાનું સિંહાસન, એમની સોફા-ખૂરશી ખાલી જોઈ. હાશ, જવાની તૈયારી થવા માંડી છે એટલે બહું મોડું નહીં થાય. ઉતાવળે હાથ ધોઈ ચાની તપેલી શોધવા માંડી. તપેલી એની જગ્યા પર ન મળતા અકળાઈ. “ઉતાવળ હોય ત્યારે જ..”
"વીણા થાકી ગઈ હોઈશ. પહેલાં હાથ-પગ ધોઈને ચા પી લે. આજે મને ભેળ ખાવાનું બહું મન થયું હતું તો ખાસ કાચી કેરી નાંખીને ભેળ બનાવી છે! તને ભાવશે?" રસોડાના જે ખૂણામાં તેની નજર પહોંચી ન હતી તે એક ખૂણેથી ન કલ્પેલો મીઠો અવાજ આવ્યો.
"હા મમ્મી, મને પણ મન હતું." વીણા એ ભેળ ભરેલી પ્લેટને લાંબો સમય તાકતી ન રહી શકી. તીવ્ર ઈચ્છા અને ભૂખે સાથ આપ્યો. ઝપાટાભેર તેના પર તૂટી પડી. ખાટામીઠા સ્વાદથી તરબતર થઈ ગઈ.
ખાતા અચાનક તેનું ધ્યાન ગયું કે સાસુજી તેને અપલક જોઈ રહ્યા છે. પહેલા થોડી શરમાઈ, પછી ઔપચારિક સંબંધની દાબડી ખૂલી અને તેમાંથી ખડખડાટ કરતાં હસતાં બે ચહેરા ડોકાઈ રહ્યાં.