Shobha Mistry

Horror Thriller

4.6  

Shobha Mistry

Horror Thriller

ભેદ

ભેદ

5 mins
326


ઝરણા. કેવું સરસ નામ. જાણે હમણાં જ એના મોઢામાંથી ખળખળ કરતાં શબ્દો વહેવા લાગશે અને એ એની મીઠી વાણીમાં તણાતો જશે. એને થયું ક્યારની આ એમ જ શાંત ઊભી છે. કેમ કંઈ બોલતી નથી ? એટલી વારમાં તો પ્રિતેશ કરીને એના નામની બૂમ પડી એટલે એણે નજર ફેરવી અવાજની દિશામાં જોયું. તો એનો ખાસ મિત્ર એને બોલાવી રહ્યો હતો. એણે હાથ હલાવી એને પ્રતિસાદ આપ્યો અને ફરીથી ઝરણા તરફ જોવા નજર ફેરવી પણ એ ત્યાં નહોતી. એણે આમતેમ નજર ફેરવી એને શોધવા પ્રયત્ન કર્યો પણ એને નિષ્ફળતા સાંપડી. એ નિરાશ થઈ પોતાના મિત્રો પાસે જતો રહ્યો. 

સમય પસાર થતો ગયો પણ પ્રિતેશના મન પરથી એ મુલાકાતની યાદ વિસરાતી નહોતી. એણે તો એક પણ વખત એની સાથે વાત પણ નહોતી કરી. ફક્ત એની સાથેની યુવતીએ એના નામની બૂમ પાડી હતી તેના પરથી એનું નામ જ જાણવા મળ્યું હતું. જો કે એ દેખાતી હતી તો સંગેમરમરની પૂતળી જેવી. એણે તો ફક્ત એક જ નજરે એને જોઈ હતી પણ એનું સૌંદર્ય પ્રિતેશની આંખોમાં વસી ગયું હતું. એના નામ સિવાય બીજી કોઈ માહિતી એની પાસે નહોતી. એ ક્યાંથી આવી છે ? ક્યાં રહે છે ? બસ કશું જ નહીં. છતાં પ્રિતેશ એના પ્રેમમાં પડી ગયો હતો. 

આઠ નવ મહિના પછી પ્રિતેશ એના મિત્રો સાથે એ જગ્યાની મુલાકાતે ગયો. ફરતાં ફરતાં તેઓ નજીકની આર્ટ ગેલેરીમાં ગયાં. અંદર પ્રવેશતા જ એનું ધ્યાન સામે જ મૂકેલા મોટા પોર્ટ્રેટ પર ગયું અને એનું અંતર ખુશીથી નાચી ઊઠ્યું. "આજ, આજ." એ બોલ્યો. એના મિત્રો એની સામે જોવા લાગ્યા. "આજ કોણ ?" વિરેને પૂછ્યું. 

"આ એ જ યુવતી છે જેની શોધમાં હું અહીં આવ્યો છું. એનું નામ ઝરણા છે એટલી મને ખબર છે. ચાલો આપણે અહીંના મેનેજરને પૂછીને એના વિશે તપાસ કરીએ." પ્રિતેશે કહ્યું અને બધાની રાહ જોયા વગર એ મેનેજરની કેબિનમાં દાખલ થયો. 

"સર, બહાર એન્ટ્રન્સમાં એક યુવતીનું મોટું પોર્ટ્રેટ છે. મને એના વિશે માહિતી જોઈએ છે." 

"સર, એ પોર્ટ્રેટ વેચવાનું નથી." મેનેજરે કહ્યું. 

"મેનેજર સાહેબ, મારે એ પોર્ટ્રેટની નહીં એમાંની યુવતીની માહિતી જોઈએ છે." 

"ભાઈ, હું તો હમણાં જ અહીં જોડાયો છું. તમે ઊભા રહો હું આ ચિત્રો તૈયાર કરનાર ચિત્રકારને જ બોલાવું. તેઓ તમને તેના વિશે વધુ માહિતી આપી શકશે. તેઓ અહીં નજીક જ રહે છે." મેનેજરે ફોન કરી ચિત્રકાર અરજીતને બોલાવ્યો. 

"સર, મારે આ પોર્ટ્રેટમાંની યુવતીની માહિતી જોઈએ છે. હું નવ મહિના પહેલાં અહીં આવ્યો હતો ત્યારે મેં એને અહીંના સનસેટ પોઈન્ટ પર જોઈ હતી. હું ત્યારથી એના એક તરફી પ્રેમમાં પડી ગયો છું. આટલા મહિનાથી હું શાંતિથી સૂઈ નથી શક્યો. એ રોજ મારા સપનામાં આવે છે. એટલે એની શોધમાં હું અહીં આવ્યો છું." 

પ્રિતેશની વાત સાંભળી અરજીત સ્તબ્ધ થઈ ગયો. પછી થોડીવારમાં એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. "એ કેવી રીતે બની શકે ? ઝરણા તો ત્રણ વર્ષ પહેલાં જ મૃત્યુ પામી છે. અમે બંને પ્રેમમાં હતાં. એણે કેટકેટલી વિનંતી કરી ત્યારે એના પિતા અમારા લગ્ન કરાવવા તૈયાર થયા હતા. લગ્ન પછી અમે ખૂબ આનંદથી જીવન પસાર કરતાં હતાં પણ એક સાંજે અમે સનસેટ પોઈન્ટ ફરવા ગયાં હતાં ત્યાં એનો પગ લપસ્યો અને એ ખીણમાં પડી ગઈ. ત્યારથી હું એના બિમાર પિતા સાથે બંગલામાં રહી એમની સેવા કરું છું અને મારી ઝરણાના પોર્ટ્રેટ બનાવી મનની શાંતિ મેળવું છું." અરજીતે કહ્યું.

"હેં શું વાત કરો છો ? એ કેવી રીતે બને ? હજી નવ મહિના પહેલાં જ મેં એને જોઈ હતી. તો શું એ મારો ભ્રમ હશે ?"  

અરજીત પ્રિતેશ સામે થોડી વાર તાકી રહ્યો પછી એ પ્રિતેશને ભેટીને રડી પડ્યો. પ્રિતેશ હજી અવઢવમાં હતો કે ઝરણા સાથેની એ મુલાકાત શું એ ભૂલી શકશે ? જો એ મૃત્યુ પામી હતી તો બીજા કોઈને નહીં અને એને જ કેમ દેખાય ? એને વાતમાં કંઈક બીજી ગંધ આવી. એણે મનોમન વધુ તપાસ કરવાનું નક્કી કર્યું. 

બીજા દિવસે એના મિત્રોને પાછા મોકલી પ્રિતેશે પોતાની રીતે તપાસ કરવા માંડી. ઝરણાના પિતાના બંગલે એ જાણે ફરતાં ફરતાં ઓચિંતો પહોંચી ગયો હોય તેમ ગયો. ત્યાં અરજીત ટેબલ પર ડ્રીંકની બોટલ અને શીંગ લઈ બેઠો હતો. દૂર બીજા રૂમમાંથી કોઈના પાણી પાણીના પોકાર સંભળાતા હતાં. 

પ્રિતેશને જોઈ અરજીત છોભીલો પડી ગયો. "અરે ! આવો, આવો." કરી એણે એને આવકાર આપ્યો. અરજીતે ડ્રીંક ઓફર કર્યું તે એણે નકારી કાઢ્યું. 

"હુ અહીં ચાલતો જતો હતો તો મને થયું ચાલો તમને મળતો જાઉં. ઝરણા નહીં તો એના પપ્પાને મળી લઉં. મળી શકું ?" 

"અરે! તમે મને કહ્યું હોત કે તમે ઝરણાના પપ્પાને મળવા આવવાના છો તો મેં એમને રોક્યા હોત. તેઓ આજે સવારે જ કામ અર્થે મુંબઈ ગયા છે."

"અરે! કંઈ વાંધો નહીં. બીજી કોઈ વાર." કહી પ્રિતેશ ત્યાંથી ઊભો થઈ ગયો પણ એને કંઈક શંકા તો પડી જ ચૂકી હતી. નાનકડા હવાખાવાના સ્થળના રહેવાસીઓ લગભગ બધા એકબીજાને ઓળખતાં જ હોય. એણે ત્યાંના સ્થાનિક દુકાનદારો અને બંગલામાં કામ કરતા માણસો સાથે મૈત્રી કેળવી. થોડા દિવસમાં તો એણે બધાનો વિશ્વાસ સંપાદન કરી લીધો. એ બધાની સાથેની વાતચીત દરમિયાન એને જે જાણવા મળ્યું તે જાણી એ ચોંકી ગયો. એની શંકા સાચી પડી હતી. થોડા દિવસ રહી એ પાછો પોતાના ઘરે આવી ગયો. 

પોતાના ડિટેકટીવ મિત્ર કૈલાસને એણે બધી વાત કરી. કૈલાસે આ કેસ વાંચ્યો હતો એટલે એણે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોતાના સોર્સ લગાવ્યા. પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી સ્થાનિક પોલીસ પર દબાણ લાવી કેસને રિ ઓપન કર્યો. એમાંથી ઘણાં છૂપા સત્યો બહાર આવ્યા. 

અરજીત એક ઐયાશ અને લફંગો ચિત્રકાર હતો. એણે પૈસાદાર બાપની એક માત્ર દીકરી એવી ભોળી ઝરણાને પોતાની વાતમાં ફસાવી, એના નગ્ન ચિત્રો દોર્યા. પછી એ ચિત્રો બહાર જાહેર પ્રદર્શનમાં મૂકવાની ધમકી આપી, એની સાથે લગ્ન કર્યા. દીકરીના સુખ ખાતર એના પપ્પાએ બધી મિલકત અરજીતના નામે કરી દીધી. થોડો સમય બહાર બધાને બતાવવા માટે એણે ઝરણા અને એના પપ્પાની ખૂબ કાળજી લેવા માંડી. લોકો બે મોઢે એના વખાણ કરવા લાગ્યાં. 

ધીમે ધીમે અરજીતે પોતાનું પોત પ્રકાશવા માંડ્યું. બંગલાના એકાંતમાં એ ઝરણાને અને એના પપ્પાને મારતો, ધમકી આપતો. એક દિવસ ફરવા લઈ જવાના બહાને એ સનસેટ પોઈન્ટ પર ઝરણાને લઈ ગયો અને લાગ જોઈ એને ધક્કો મારી ખીણમાં ધકેલી દીધી. પછી બૂમાબૂમ કરી જાણે પોતાની પત્ની અચાનક ખીણમાં પડી ગઈ હોય, તેવું નાટક કર્યું. ઘણાં દિવસ સુધી શોકાતુર બની ફરતો રહ્યો. પૈસા ખવડાવી કેસ બંધ કરાવી દીધો પણ છેવટે ઝરણાએ પોતાના મોતનો ભેદ ઉકેલવા માટે પ્રિતેશને દેખા દીધી. 

ઝરણા સાથેની એ મુલાકાતે એક ભેદ પરથી પરદો ઊંચકી લોકો સામે સત્ય મૂક્યું અને ખરા અપરાધી એવા અરજીતને જેલના સળિયા પાછળ ધકેલી દીધો.  કેસનો નિકાલ આવ્યા પછી ફરી પ્રિતેશ સનસેટ પોઈન્ટ ગયો. ત્યાં ફરી એને ઝરણા જોવા મળી. ઝરણાએ એને "થેન્ક યુ" કહ્યું અને એક ધ્રૂમસેર વાતાવરણમાં ભળી ગઈ. જાણે એના આત્માની સદગતિ થઈ ગઈ. પ્રિતેશે હવામાં હાથ હલાવી ઝરણાને વિદાય આપી. 


Rate this content
Log in

Similar gujarati story from Horror