Read a tale of endurance, will & a daring fight against Covid. Click here for "The Stalwarts" by Soni Shalini.
Read a tale of endurance, will & a daring fight against Covid. Click here for "The Stalwarts" by Soni Shalini.

mariyam dhupli

Drama Inspirational

4.5  

mariyam dhupli

Drama Inspirational

બહાનું

બહાનું

8 mins
753


ફ્લેટની અંદર ઉધમ મચ્યો હતો. આવો ઉધમ દરરોજ સવારે મચતો. એક નિયતક્રમ સમો. બાળકો યુનિફોર્મ પહેરી ટેબલ ઉપર ગોઠવાઈ ચૂક્યાં હતાંં. એમની સ્કૂલબેગ ઘરમાંથી બહાર નીકળવા તત્પર દરવાજાની નજીક ગોઠવી દેવામાં આવી હતી. એ બેગની અંદર આજના ટાઈમટેબલ અનુસાર પુસ્તકો, કમ્પાસ, નાસ્તાનો ડબ્બો અને પાણીની બોટલ નિયત સ્થળે વંદનાએ ગોઠવી દીધી હતી. બંને બેગ બે વાર તપાસી પણ લીધી હતી. બધુજ એની જગ્યાએ વ્યવસ્થિત હતું. 

" મમ્મી...." 

કામિયાનું મોઢું ઉતરેલું હતું. એના ગોળમટોળ ગાલ વધુ વર્તુળાકાર લઈ બેઠા હતાં. એની નજર નાસ્તાની પ્લેટને ઢીલી નજરે તાકી રહી હતી.  

" કામિયા...ફિનિશ યોર પ્લેટ.....આ રોજનુંજ નાટક છે તારું....જમવાના સમયેજ તારું મોઢું લટકી પડે છે...નહીંતર ચોકલેટ આપો તો તારા પેટમાં હંમેશા બહુ જગ્યા હોય છે..ચુપચાપ નાસ્તો પૂરો કર...."

મમ્મીના ગુસ્સા વડે એના હાથને ધક્કો મળ્યો હોય એમ કામિયાની ગાડી ફરી શરૂ થઈ અને બળજબરીએ એણે નાસ્તો પૂરો કરવા પ્રયાસ આદર્યો. 

" સાર્થક. તારું દૂધ હજી ત્યાં નું ત્યાંજ છે. ઓહ માય ગોડ..."

ટેબલ ઉપરથી દૂધનો મગ ઊંચકી વંદનાએ અતિ ઉતાવળમાં દીકરાના હાથમાં થમાવ્યો. એના ચહેરા ઉપર અકળામણ અને ચિંતા દરરોજ જેમજ ઉપસી આવ્યા. 

" હરિ અપ્પ. તમે બંને શાળાએ જવાના સમયેજ કેમ આવા સ્લો મોશન મોડ ઉપર મૂકાઈ જાવ છો ? રજાના દિવસે તો તમારું એન્જીન ધક્કા માર્યા વિનાજ ઓટો સ્ટાર્ટ મોડ ઉપર ફિક્સ હોતું હોય છે."

કમને કામિયાએ આખરે નાસ્તાની પ્લેટ અને સાર્થકે એનું સહેજે ન ભાવતું દૂધ મોઢા બનાવીને પૂરું કર્યું. વંદનાના ફૂલેલા શ્વાછોશ્વાસ થોડા હળવા થયા જ કે ધ્વનિત એના ફાઈલ અને મોબાઈલ વચ્ચે અટવાતો શયનખંડમાંથી બહાર નીકળ્યો. એનો ચહેરો દરરોજ કરતા બમણો તાણયુક્ત હતો. ક્યારેક એની નજર ફાઈલની અંદર તો ક્યારેક એની નજર ઉતાવળથી પહેરેલા કપડાં ઉપર પડી રહી હતી. આસપાસના વાતાવરણથી એ સંપૂર્ણ કપાયેલો હતો. બાળકોનું 'ગુડમોર્નિંગ ' એના કાન સુધી પ્હોંચ્યુંજ ન હતું. હાંફી રહેલી વંદના તો જાણે ઘરમાં હતીજ નહીં. ઘરના કોઈ પણ સભ્ય જોડે આંખનો કે વાર્તાલાપનો સમ્પર્ક સાધ્યા વિનાજ એનો બરાડો વાતાવરણમાં છૂટ્યો. 

" મારા મોજા ક્યાં છે યાર ? " 

બહાર રસ્તા ઉપરથી બસના હોર્નનો અવાજ ગુંજ્યો. વંદના પહેલા કઈ દિશામાં આગળ વધે એની મૂંઝવણમાં મુકાઈ. 

" લેટ્સ ગો. બસ આવી પણ ગઈ. " 

બાળકોને દરવાજા તરફ હડસેલવાને પ્રાધાન્ય આપી વંદના બંનેને સ્કૂલબેગ તરફ દોરી ગઈ. સ્કૂલબેગ ઉપાડી બંને દોડતા દોડતા દાદર ઉતર્યા. વંદના એમની પાછળ અનુસરી. આખરે સ્કૂલ બસ બંનેને લઈ શહેરના માર્ગ ઉપર આગળ વધી ને વંદનાએ એક મોટો હાશકારો લીધો. હજી તો શ્વાસમાં શ્વાસ બરાબરથી આવે એ પહેલાજ થોડા સમય પહેલા ઘરમાં ગૂંજેલો ધ્વનિતનો બરાડો એની સ્મૃતિમાં ફરી ગુંજ્યો. 

દોડતી ભાગતી ફરી દાદર ચઢી એક જ શ્વાસે એ ફ્લેટમાં પ્રવેશી. ધ્વનિત મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો. ગઈકાલે સાંજે જ એણે વંદનાને જણાવ્યું હતું કે આવતી કાલે વ્હેલા ઓફિસે પહોંચવું પડશે. ખુબજ જરૂરી પ્રેઝન્ટેશન છે. આંતરાષ્ટ્રીય બિઝનેસ ટિમ એની કંપનીની મુલાકાતે આવવાની હતી. દર વખત જેમજ બધીજ વ્યવસ્થાનો ભાર બોસે એના ખભે સોંપ્યો હતો. એ જાણતા હતાં કે ધ્વનિત જેવો શિસ્તબદ્ધ અને જવાબદાર એમ્પ્લોયી જ એ ફરજ સંપૂર્ણતાથી નિભાવશે. ધ્વનિત કદી રજા લેતો નહીં. જો રવિવારે પણ ઓફિસ કાર્યરત રહેતી હોત તો રવિવારે પણ હોંશે હોંશે ઓફિસ આવવામાં એને કોઈ વાંધો ન નડતે. ઓફિસ કલાકો દરમિયાન એ દરેક મિનિટ, દરેક સેકંડનો કર્તવ્ય નિષ્ઠ વપરાશ કરતો. ઘણીવાર લંચબ્રેક દરમિયાન પણ એના સહકાર્યકરો એને કાર્યમાં ડૂબેલો નિહાળી અચરજ પામતા. આજના પ્રેઝન્ટેશનની તૈયારી એણે એક મહિના અગાઉથીજ આદરી દીધી હતી. આજે તો ફક્ત એણે ફાઈનલ ટચ આપવાનો હતો. 

શયનખંડમાં જઈ વંદના અલમારીમાંથી ધ્વનિતના મોજા લઈ આવી. ધ્વનિત હજી પણ મોબાઈલમાં માહિતીની આપ-લે કરી રહ્યો હતો. એની આંખોનો સંપર્ક મેળવવાનો વંદનાનો પ્રયાસ તદ્દન નિષ્ફ્ળ નીવડ્યો. રસોડામાં જઈ વંદનાએ ધ્વનિતનો નાસ્તો તૈયાર કરવાની શરૂઆત કરી. સાથે સાથે એનું ટિફિન પણ તૈયાર કરવાનું હતું. જોકે આ કામ ગીતાનું હતું. પણ હજી એ પહોંચી ન હતી. ઘડિયાળના કાંટા સમયની કટોકટી જોડે એના હૃદયના ધબકાર વધારી રહ્યા હતાં. ડાઈનિંગ ટેબલ ઉપર ભેગા થયેલા બાળકોના નાસ્તાનાં વાસણ એણે ઝડપથી સિન્કમાં સરકાવ્યાં. 

" વંદના...બ્રેકફાસ્ટ...આમ ગેટિંગ લેટ....."

રસોડાના પ્લેટફોર્મ ઉપર કામ શરૂ કરતા વંદનાના હાથ થોડા ધ્રુજ્યા. સામે તરફના મોબાઈલ સ્ટેન્ડ ઉપર ગોઠવાયેલો મોબાઈલ પણ ધ્રુજી ઉઠ્યો. રાત્રે સાઈલેન્ટ મોડ ઉપર મુકેલો મોબાઈલ સતત વાઈબ્રેટ થઈ રહ્યો હતો. વંદના પાસે મોબાઈલ ઉપર વાત કરવા એક સેકન્ડનો પણ સમય ન હતો. સ્ક્રીન ઉપર ઉપસી આવેલું ગીતાનું નામ નિહાળતાંજ વંદનાની રીસ પરાકાષ્ઠાએ પહોંચી. એને તો હતું કે ગીતા હમણાંજ ડોરબેલ વગાડશે. કોલ ઉપાડતાજ વંદનાના મોઢે જાણે ચીસ જ નીકળી આવી. 

" ગીતા...શું કરી રહી છે ? કઈ ભાન પડે છે ? કેટલા વાગ્યા ખબર છે ?"

" શું ?"

" આઈ કાન્ટ બીલીવ ઈટ. "

" તને ખબર છે આજે સાહેબની કેટલી જરૂરી મિટિંગ છે. એમને વ્હેલા...."

" ના, મારે કઈ સાંભળવું નથી. આ બધા બહાના તારી પાસે રાખ. "

" તને કામ ન કરવું હોય તો ભલે. હવે આવવાની જરૂર નથી. "

વંદનાએ ગુસ્સામાં લાલપીળા થયેલા ચહેરા જોડે કોલ કાપી નાખ્યો. ક્યાંથી કામ ફરી શરૂ કરે એની મૂંઝવણથી એ થોડા સમય માટે સ્તબ્ધ બની અને પછી પોતાની સભાનતા ઉપર કાબુ મેળવતી એ એકચિત્ત થઈ કામે વળગી. 

ગીતા વિનાજ સવારનો બધો કાર્યભાર એના માથે આવી પડ્યો હતો. એનો થાક એના ચહેરા અને શરીરના હાવભાવોમાં સ્પષ્ટ છલકાઈ રહ્યો હતો. આમ છતાં બધુજ કામ સમયસર પાર પડ્યાનો સંતોષ પણ હતો. 

" વંદના. મારું લેપટોપ....."

ડાઈનિંગ ટેબલ ઉપર ગોઠવાતા ધ્વનિતે ફરી વંદનાની મદદ માંગી. ધ્વનિતનો નાસ્તો ટેબલ ઉપર એની રાહ જોઈ રહ્યો હતો. 

" લાવી...." એનું ટિફિન ઓફિસ બેગ પાસે ગોઠવી વંદના શયનખંડ તરફ ઉપડી. એ જ સમયે ધ્વનિતનો મોબાઈલ ફરી રણક્યો અને કોલ ઉપાડી એ ફરી વાતોમાં પરોવાયો. 

વંદના લેપટોપ લઈ બહાર આવી ત્યારે ધ્વનિત ડાઈનિંગ ટેબલ ઉપર ન હતો. એની ઓફિસ બેગ અને ટિફિન પણ ત્યાંથી ગેરહાજર હતાં. નાસ્તો એમનો એમ જ પડ્યો હતો. વંદના અતિ ઝડપે દરવાજા તરફ ધસી. ધ્વનિત જોડા પહેરી રહ્યો હતો. 

" નાસ્તો તો....." 

વંદનાના હાથમાંથી ઉતાવળમાં લેપટોપની બેગ લઈ એ દાદર તરફ ભાગ્યો.

" સમય નથી મારી પાસે. દસ મિનિટમાં પહોંચવાનું છે...." 

વંદના થાકેલા હારેલા ચહેરે ચિંતિત દ્રષ્ટિએ દાદર ઉતરી રહેલા ધ્વનિતને નિહાળી રહી હતી જ કે એના મોઢામાંથી અનાયાસે ચીસ નીકળી આવી. 

" ધ્વનિત......." 

અત્યંત ઝડપ જોડે દાદર ઉતરી એ ધ્વનિત પાસે પહોંચી ગઈ. 

" તું ઠીક છે ?" 

ધ્વનિતના ચહેરાના હાવભાવો એની પીડાનો અરીસો બની રહ્યા હતાં. વંદનાએ એનો હાથ પકડી એને દાદર ઉપરથી ઉઠવા ટેકો આપ્યો. ધ્વનિતનો પગ ઉઠવા તૈયાર જ થઈ રહ્યો ન હતો. દાદર પરથી જે રીતે એ લપસ્યો હતો પગના હાડકામાં હજી સુધી ધ્રુજારો અનુભવાઈ રહ્યો હતો. ઓફિસનું બેગ, લેપટોપ અને ટિફિન જુદી જુદી દિશામાં ગબડી પડ્યા હતાં. ધ્વનિતના મોબાઈલની રિંગટોન સતત એકધારી વાગી રહી હતી. 

માંડ માંડ વંદનાના ટેકા વડે ધ્વનિત શયનખંડ સુધી પહોંચ્યો. વંદનાએ તરતજ પોતાના ફેમિલી ડોક્ટરને ફોન લગાવ્યો. ઈમર્જન્સી કેસમાં તેઓ શીઘ્ર ધસી આવ્યા. ધ્વનિતના પગનું દરેક તરફથી સૂક્ષ્મ અવલોકન કરી તેમણે કેટલીક દવાઓ આપી. 

" પગ મચકોડાઈ ગયો છે. હાડકામાં પણ માર વાગ્યો છે. આ દવાઓથી રાહત મળશે. જો આવતીકાલ સુધી બધું સામાન્ય થઈ જાય તો ચિંતાનો કોઈ વિષય નથી. પણ દવા લેવા છતાં જો દરદ એટલું જ રહે કે ચાલવામાં સમસ્યા થાય તો પછી હું સ્પેશ્યાલિસ્ટનો રેફ્રન્સ આપીશ. પણ આજે આરામ લેવો જરૂરી છે. સ્નાયુઓ ઉપર ભાર ન આવવો જોઈએ. કોઈ ઈમર્જન્સી હોય તો તમે મને ફોન કરી શકો છો. "

વંદના ડોક્ટરને મુકવા દરવાજા સુધી ગઈ. જયારે એ પરત ફરી ત્યારે ધ્વનિત મોબાઈલ ઉપર બૉસ જોડે વાત કરી એમને પરિસ્થિતિથી અવગત કરી રહ્યો હતો. 

" આઈ અન્ડરસ્ટેન્ડ સર. બટ આઈ કાન્ટ વૉક......"

સામે તરફના પ્રત્યાઘાત ઉપર એના કાન ધ્યાનથી મંડાયેલા હતાં. ચહેરા પરના હાવભાવો એ પ્રત્યાઘાતની સકારાત્મકતા અંગે શંકા ઉપજાવી રહ્યા હતાં. નિઃશબ્દ બની એ ચુપચાપ દરેક શબ્દ સાંભળી રહ્યો હતો. 

" ઓ કે સર......"

એક કોલ કપાયો કે એણે બીજો કોલ જોડ્યો. 

" રાઘવ સાંભળ. ઈટ્સ એન ઈમર્જન્સી. મને પીકપ કરતો જા....."

કોલ કપાયોજ કે વંદનાનું ધૈર્ય તૂટી પડેલા બંધમાંથી છૂટેલા પ્રચંડ પૂર ના પ્રવાહ સમું ઉષ્ણ શબ્દોમાં વહી પડ્યું. 

" આ હાલતમાં ક્યાં જાઓ છો ?"

" ઓફિસ બીજે ક્યાં ?" વંદનાનો ટેકો લઈ ધ્વનિત બળજબરીએ પથારી છોડી ઊભો થયો. 

" સાંભળ્યું નહીં ડોકટરે શું કહ્યું ? તમને આરામની જરૂર છે." 

" હા, સાંભળ્યું. પરંતુ મારા બોસ કઈ પણ સાંભળવા તૈયાર નથી. એમણે સીધું કહી દીધું. નો એક્સ્ક્યુઝીસ. " પોતાનો ઓફિસનો સામાન વંદનાના ટેકા વડે ધ્વનિતે ભેગો કરવા માંડ્યો. 

" એક્સક્યુઝ ? તમે એમના માટે કેટલી ગધ્ધામજૂરી કરો છો. એમની કૉફોથી લઈ દરેક મિટિંગ સુધી બધુજ ઊભાં પગે સંભાળો છો. તમારી દરેક ફરજ નિયમિત નિભાવો છો ને એ....આ હાલતમાં પણ....... "

વંદનાએ દવાની ટીકડી ધરતા હૈયાની વરાળ ઠાલવી. 

" દુનિયા બહુ પ્રેક્ટિકલ છે વંદના. બધાજ પોતપોતાનો નફો અને ફાયદો સંભાળે છે. બીજાના દરદની કોઈને પડી નથી. આ પ્રોજેક્ટ એમની કંપની માટે અનિવાર્ય છે અને મારા માટે મારી નોકરી. " 

ડોરબેલ વાગી. ધ્વનિતનો કલીગ રાઘવ એને પીકપ કરવા પહોંચી ગયો હતો. રાઘવનાં સહારે પોતાનું દરદ સમેટી ધ્વનિત પગને ઘસડતો, લંગડાતો દાદર ઉતરી ગયો. 

બાલ્કની ઉપર ઊભી વંદના ધ્વનિતની પરિસ્થિતિ નિહાળી મનોમન એની દયા ખાઈ રહી. એનું મન વ્યાકુળ થઈ ઊઠ્યું. ધ્વનિતના શબ્દો એના કાનમાં ગુંજવા લાગ્યા. ' બધા પોતાનો નફો અને ફાયદોજ સંભાળે છે. બીજાના દરદની કોઈને પડી નથી. ' એના એ શબ્દો માનવતાના અસ્તિત્વ સામે મોટો પ્રશ્નાર્થ બની ઊભાં હતાં. એ જ સમયે વંદનાની નજર આગળ વધી ગયેલી રાઘવની કાર પાછળથી ધીમે ધીમે ડગલે આગળ વધી રહેલી ગીતા ઉપર આવી પડી. 

વંદનાનો ચહેરો શોકથી સ્તબ્ધ થઈ ગયો. એને ના પાડી દીધી હતી છતાં એ.......

ડોરબેલ વાગી અને વંદનાએ ધીમે રહી દરવાજો ખોલ્યો. નજર નીચે તરફ ઢાળી ગીતા સીધી રસોડાની દિશામાં આગળ વધી ગઈ. વંદનાએ એક ઊંડો નિસાસો નાખ્યો. રસોડામાં વ્યસ્ત ગીતાની પાછળ ઊભી રહી એણે હળવેથી પૂછ્યું. 

" કયો હાથ ?"

રિસાયેલા બાળક જેવા હાવભાવો જોડે ગીતાએ પોતાનો જમણો હાથ ધીમે રહી આગળ વધાર્યો. 

" અહીં આવ. " 

થોડા સમય સુધી એકજ સ્થળે સ્તબ્ધ ઊભી ગીતાએ વંદનાના મક્કમ હાવભાવો સામે આખરે હથિયાર નાખી દીધા. 

પોતાની શેઠાણીથી દોરવાતી એ બેઠકખંડમાં પ્રવેશી. 

" બેસ. " 

શેઠાણી કોઈ જરૂરી વાત કરવા ઈચ્છતી હતી એવું અનુમાન સાધતા ગીતાએ પોતાનો બચાવ શરૂ કર્યો.

" સાચું કહું છું...દુઃખતું હતું એટલે......" 

વંદનાને અતિ વ્યસ્ત રસોડાના કાર્યો વચ્ચે ગીતાએ ફોન ઉપર આપેલી માહિતી ફરી એક વાર સાંભરી આવી. 

' આજે નહીં અવાશે. હાથ દુઃખે છે. '

નજીકના ડ્રોવરમાંથી આયોડેક્ષ નીકાળી વંદના ગીતાની પડખે ગોઠવાઈ. પોતાના શેઠાણી પોતાને આમ સ્પર્શી શકે એટલા નજીક આવ્યા. ગીતા જાણે કોઈ સ્વપ્ન જોઈ રહી હતી.

" હાથ આપ."

ગીતા કઈ સમજી શકે એ પહેલા એના આગળ વધેલા સૂઝેલા હાથ પર હળવો મસાજ થઈ રહ્યો. ગીતા માટે એ અનુભવ એની કલ્પના શક્તિને પરે હતો. આ પ્રેમ અને દરકારની એને ટેવ જ ક્યાં હતી ? એના સ્નયુઓમાં મળી રહેલી રાહત કરતા એના હૃદયને મળી રહેલી રાહત દસ ગણી હતી. 

ફરીથી આયોડેક્ષ ડ્રોવરમાં મૂકી વંદનાએ મેડિકલ બોક્ષમાંથી એક એન્ટી ઈન્ફ્લેમેટરી દવાની ટીકડી પાણીના ગ્લાસ જોડે આગળ ધરી. 

" આ લઈ લે. રાહત મળશે. "

ટીકડી લેવા પહેલાંજ શેઠાણીના શબ્દોથીજ જાણે ગીતાનું દરદ મટી રહ્યું હતું. ટીકડી પાણી જોડે લઈ એ ધીમે રહી ઊભી થઈ. 

રસોડા તરફ આગળ વધી રહેલા એના ડગલાં શેઠાણીના કડક શબ્દોથી અટકી પડ્યા. 

" ક્યાં જાય છે ?"

" કામ....."

ગીતાના હાથમાં થોડાક પૈસા થમાવી વંદનાએ એને ફ્લેટની બહારનો રસ્તો દેખાડ્યો. 

" જો દરદ ન જાય તો ડોક્ટરને બતાવી દેજે ને જો હાથ સારો થઈ જાય તો સીધી કામ પર આવી જજે. " 

કોઈ ચમત્કાર નિહાળી રહી હોય એમ ગીતાએ હેરત ભર્યા હાવભાવો જોડે ગરદન હલાવી બહાર તરફનો માર્ગ પકડ્યો. 

બાલ્કનીમાં ઊભી વંદના રસ્તા ઉપર ગીતાની દૂર જઈ રહેલી પીઠ તાકી રહી. વંદનાના ચહેરા ઉપર પહેલા ક્યારેય નહીં અનુભવાયેલો સંતોષ દર્શન આપી રહ્યો હતો. એને ફરી ધ્વનિતના શબ્દો યાદ આવ્યા. 

' બધા પોતપોતાનો ફાયદો અને નફો સંભાળે છે. બીજાના દરદની કોઈને પડી નથી. '

બધા શું કરે એ મારી સમસ્યા નથી. હું માનવી માનવ થાઉં તો ઘણું. પોતાના મનને પ્રોત્સાહન આપતી વંદના રસોડામાં ગીતાના ભાગનું કાર્ય કરવા ઝડપથી આગળ વધી ગઈ. 


Rate this content
Log in

More gujarati story from mariyam dhupli

Similar gujarati story from Drama