ભાગ્ય
ભાગ્ય
ઓફીસના કામથી છ મહિના માટે મુંબઈ ગયેલો સુધીર મોડી રાતે વતનમાં પાછો આવ્યો હતો. ઓફિસમાંથી તેને રજા આપવામાં આવી હતી તેમ છતાંયે સવારે વહેલા ઉઠવાની આદતને કારણે સુધીર પથારીમાંથી વહેલો ઉભો થયો. રસોડામાં જઈ તેણે ચા બનાવી અને સવારના આલ્હાદક વાતાવરણનો આનંદ લેવા તે ચાનો કપ લઇ બાલ્કનીમાં ઉભો રહ્યો. અમસ્તી તેની નજર પાડોશના ઘર તરફ ગઈ. તેણે જોયું કે તેના બાળપણના મિત્ર અને પડોશી એવા મનોહરની પત્ની ઉર્મિલાભાભી દરવાજા પર લીંબુ મરચા લગાવી રહી હતી. ઉર્મિલાભાભી જેવી ભણેલી ગણેલી સ્ત્રીનું આવું વર્તન જોઈ સુધીરને મનોમન હસવું આવ્યું. જોકે ઉર્મિલાભાભી સ્વભાવે ખૂબ સરળ અને શાંત હતા સામે મનોહર પણ ભગવાનનો માણસ હતો. બંને દંપતી ખૂબ જ સમજદારી અને પ્રેમપૂર્વક રહેતા હોવાથી તેઓનું લગ્નજીવન એકદમ સુખી હતું. તેઓ એકબીજાને દિલોજાનથી ચાહતા હતા. ઉર્મિલાભાભી મનોહરની નાનામાં નાની બાબતોની કાળજી રાખતી સામે મનોહર પણ તેનો પડ્યો બોલ ઝીલતો. ચાની ચુસકી લેતા લેતા સુધીરે વિચાર્યું કે મનોહરે જરૂર કોઈ પુણ્ય કર્યું હશે કે જેથી તેને ઉર્મિલાભાભી જેવી સુદંર અને સુશીલ પત્ની મળી.
અચાનક સુધીરના વિચારોના પ્રવાહને તોડતો ઉર્મિલાબેનનો કર્કશ અવાજ સંભળાયો. સુધીરના હાથમાંથી ચાનો કપ છટકતા છટકતા રહી ગયો. સુધીર હજુ કંઇ વિચારે તે પહેલા તો મનોહરની પણ રાડારાડી સંભળાઈ! મનોહર જેટલું જોરથી બોલતો હતો તેનાથી બમણા અવાજે ઉર્મિલાભાભીનો તાડૂકવાનો અવાજ સંભળાયો. તેમની રાડારાડી વચ્ચે તેમના સંતાનોનો હેબતાઈ જઈને રડવાનો અવાજ સંભળાયો. ધ્રુસકા, ગાળો અને ચીસાચીસથી એ ઘર કોઈ ભયાવહ યુદ્ધના મેદાન જેવું બની રહ્યું. લડી લડીને થાકેલા તેઓ હવે જાણે હાથોહાથની મારામારી પર ઉતરી આવ્યા હોય તેવા અવાજો મનોહરના ઘરમાંથી આવવા લાગ્યા. તેઓની બુમાબુમ સાંભળી આડોશપાડોશના લોકો પોતપોતાના ઘરમાંથી બહાર નીકળી આવ્યા. સામેના ઘરમાં ઉભેલા હરીભાઈ સુધીરને જોઇને બોલ્યા, “રોજનો તમાશો છે આ...” આડોશપાડોશના લોકો પણ જાણે હરીભાઈની વાતને સમર્થન આપતા હોય તેમ પોતપોતાના કામે વળગી ગયા. આ જોઈ સુધીર વિસ્મય પામ્યો, “ભગવાન જાણે તેમના સુખી સંસારને કોની નજર લાગી ગઈ હશે!” ત્યાં ધડામ સાથે બંધ થયેલા દરવાજાના અવાજથી ચોંકીને સુધીરે જોયું તો મનોહર એક હાથમાં બેગ લઈને ઓફીસ જવા માટે ગુસ્સામાં બબડતા બબડતા ઘરની બહાર નીકળ્યો. મનોહરના જતા જ ઉર્મિલાભાભી ઘરમાંથી બહાર નીકળી આવ્યા અને જાણે ગાળો બોલતા હોય તેમ ગુસ્સામાં મંત્રોચાર કરતા કરતા મનોહર જે દિશા તરફ ગયો હતો ત્યાં કંકુ ચોખાનો ઘા કરી પાછા ઘરમાં જતા રહ્યા. સુધીર આ દ્રશ્ય જોઈ ડઘાઈ ગયો. એક પળ માટે તેને આ બધું શું ચાલી રહ્યું છે તે સમજાયું જ નહીં! ક્યાં છ મહિના પહેલાના શાંત અને સુશીલ એવા ઉર્મિલાભાભી અને ક્યાં આજની આ કર્કશા ઉર્મિલાભાભી! છ મહિનામાં એવું તો શું થઇ ગયું કે ઉર્મિલાભાભીમાં આટલું મોટું પરિવર્તન આવી ગયું!! સુધીર આ પ્રશ્નને વાગોળતો વાગોળતો બાલ્કનીમાંથી તેના ઓરડામાં પાછો આવ્યો. ચા ઠંડી થઇ ગઈ છે એ ધ્યાનમાં આવતા તેણે ચાનો કપ એકબાજુએ મૂકી દીધો. પોતાના મિત્રના સુખી સંસારમાં લાગેલી આગે તેની ચા પીવાની ઈચ્છાને જાણે ઠંડી કરી દીધી હતી. હવે તો ઉર્મિલાભાભી અને મનોહરના વચ્ચેનો ઝઘડો જાણે રોજનો ક્રમ બની ગયો હતો.
***
એક રાતે સુધીર બાલ્કનીમાં બેસીને તેના લેપટોપ પર જરૂરી ઈમેલ તપાસી રહ્યો હતો. ઓચિંતા આવેલા “ખટ..”ના અવાજથી એ ચોંકી ઉઠ્યો. કુતુહલથી તેણે અવાજની દિશામાં જોયું તો ઉર્મિલાભાભી તેમના ઘરનું બારણું હળવેકથી વાસીને બિલ્લીપગે ઘરના આંગણાના ઝાંપા પાસે આવ્યા. કોઈ જોતું તો નથી ને? તેની ચોમેર નજર ફેરવી ખાતરી કરી લીધા બાદ તેઓ ઝાંપો ખોલી બહાર રસ્તા પર આવ્યા. બાલ્કનીમાં ઉભેલા સુધીરે જોયું કે ઉર્મિલાભાભીના હાથમાં એક થેલી હતી અને તેમાં વિચિત્ર પ્રકારનું હલનચલન થઇ રહ્યું હતું. સુધીર આ જોઈ મૂંઝાયો હજુ એ કંઇ વિચારે એ પહેલાં તો ઉર્મિલાભાભી સડસડાટ ખુલ્લા મેદાન તરફ નીકળી ગયા. વિચારોમાં ગરક સુધીર થોડીવાર સુધી ત્યાં બાલ્કનીમાં જ ઉભો રહ્યો અને પછી ફરી પોતાના કામે વળગ્યો. સુધીર લેપટોપ પર ઈમેલ ચેક કરી રહ્યો હતો પરંતુ તેનું સંપૂર્ણ ધ્યાન રસ્તા પર જ હતું. એકાદ કલાક પછી રસ્તા પર પાયલની છમ છમ સંભળાતા એણે ફરીથી ડોકિયું કરી માર્ગ પર જોયું તો તેને સામેથી ઉર્મિલાભાભી આવતા દેખાયા. સુધીરે ઉર્મિલાભાભીના હાથમાં જોયું તો હવે થેલીમાં કંઇ હલનચલન જણાયું નહીં પરંતુ તેમાં કોઈક લાંબી વસ્તુ લપેટાયેલી હોય તેમ જણાતું હતું. સુધીર ધ્યાનથી જોઇને સમજી શકે એ પહેલાં તો ઉર્મિલાભાભી સડસડાટ બારણું ખોલીને તેમના ઘરમાં પ્રવેશી ગઈ.
સુધીર માટે ઉર્મિલાભાભીનો બદલાયેલો વ્યવહાર અજીબ હતો. સુધીરે ઉર્મિલાભાભી પર નજર રાખતા તેના ધ્યાનમાં આવ્યું કે, ઉર્મિલાભાભી રોજ સવારે બારણા પર લીંબુ મરચા લગાવતા. ક્યારેક ક્યારેક ચાર રસ્તા પર જઈ ઉતારો મૂકી આવતા. મનોહર જયારે પણ ઘરમાંથી બહાર નીકળે ત્યારે તેઓ બહાર આવી તે જે દિશા તરફ ગયા હોય ત્યાં કંકુ અને ચોખાનો ઘા કરતા! વળી અઠવાડિયામાં બે વાર તેઓ રાતે ચુપચાપ ઘરમાંથી બહાર નીકળી મેદાન તરફ પણ જતા!
સુધીરને હવે દિવસરાત બસ એક જ વિચાર આવતો કે ઉર્મિલાભાભી રાતે મેદાન તરફ કેમ જતા હશે? શું તેમને કંઇ લફરું હશે? ના... ના... ઉર્મિલાભાભી આવી આછકલી પ્રવૃત્તિ કોઈ દિવસ ન કરે... તો પછી તેઓ તેમની થેલીમાં શું લઇ જતા હશે??? આખરે પોતાના પ્રશ્નોના જવાબ મેળવવા સુધીરે ઉર્મિલાભાભીનો પીછો કરવાનું નક્કી કર્યું.
એક રાતે જયારે ઉર્મિલાભાભી ઘરમાંથી બહાર નીકળી ત્યારે સુધીર એક સલામત અંતર રાખી તેમની પાછળ પાછળ ચાલવા માંડ્યો. ઉર્મિલાભાભી ઝડપથી મેદાનમાં પહોંચી એક અવાવરું જગ્યા તરફ ગયા. ધડકતે હૈયે સુધીરે પણ તેમનો પીછો કરવાનું ચાલુ જ રાખ્યું. આખરે એક મોટા પથ્થર પાસે આવી તેઓ અટક્યા. સુધીર પણ એક ઝાડની ઓથમાં લપાઈને જોવા લાગ્યો. ઉર્મિલાભાભીની પીઠ સુધીર તરફ હોવાથી તેમણે થેલીમાંથી કાઢેલી વસ્તુ સુધીરને જોવા મળી નહીં. સુધીરે ધીમે પગલે થોડું આગળ વધીને જોયું તો તેની આંખો પર તેને વિશ્વાસ થયો નહીં. ઉર્મિલાભાભીએ તેમના ખોળામાં એક કૂકડો મુક્યો હતો અને તેઓ મંત્રોચ્ચાર કરતા કરતા કૂકડાની કંકુ ચોખા વડે પૂજા કરી રહ્યા હતા. સુધીર ધ્યાનથી ઉર્મિલાભાભીની હરકતોને જોવા લાગ્યો. મંત્રોચ્ચાર પૂર્ણ થતાં ઉર્મિલાભાભીએ નજીક પડેલી થેલીમાં હાથ નાખ્યો અને તેમાંથી એક છરો બહાર કાઢ્યો. આ જોઈ સુધીરના રૂવાડાં ઉભા થઇ ગયા. ઉર્મિલાભાભીએ મંત્રોચ્ચાર કરતા કરતા છરાવાળો હાથ ઉગામ્યો. તેઓ કૂકડાનું ડોકું ઉડાવવા જ જતા હતા ત્યાં સુધીરે મરણતોલ બૂમ પાડી, “ભા....ભી.... આ શું કરી રહ્યા છો?”
પોતાને કોઈક જોઈ ગયું છે તે વાત ધ્યાનમાં આવતા ઉર્મિલાભાભી હેબતાઈ ગયા. તેઓએ અવાજની દિશામાં જોયું તો તેમને ભય અને ગુસ્સાથી થરથર કાંપતો સુધીર દેખાયો. સુધીરે નજીક આવીને પૂછ્યું, “ઉર્મિલાભાભી, તમને આ શું થઇ ગયું છે? તમે આ શું કરવા જઈ રહ્યા હતા?”
ઉર્મિલાભાભીએ આક્રંદ કરતા કહ્યું, “સુધીરભાઈ, હું પણ શું કરું? હું લાચાર છું... મારા બગડેલા ભાગ્યને સુધારવા આ કૂકડાની બલી ચઢાવવી મારે માટે ખૂબ જ જરૂરી છે...”
સુધીર, “આમ કરવાથી તમારું ભાગ્ય સુધરશે એમ તમને કોણે કહ્યું?”
ઉર્મિલાભાભી, “ગંગરાજ બાબાએ...”
સુધીર, “આ કોણ છે? તમે એમના સંપર્કમાં કેવી રીતે આવ્યા?”
ઉર્મિલાભાભી બોલ્યા, “સુધીરભાઈ, લગભગ પાંચેક મહિના પહેલા મારી એક મિત્ર મલ્લિકાએ મનોહરને એક સ્ત્રી જોડે વાતચીત કરતા જોયો હતો. જયારે મલ્લિકાએ મને આ વિષે કહ્યું ત્યારે મને તો પહેલા વિશ્વાસ જ ન આવ્યો. હું મલ્લિકાની વાત માનવા તૈયાર જ નહોતી. થોડા દિવસ પછી મલ્લિકાએ જ મને ગંગરાજ બાબા વિષે જાણ કરી. ગંગરાજ બાબા અંતરયામી છે તેઓ ભૂત, ભવિષ્ય અને વર્તમાન બધું જ જાણે છે. મને જોતા જ તેઓ બોલ્યા કે... બેટા, તું બધા માટે વિચારે છે પરંતુ તારા માટે કોઈ વિચારતું નથી. તું બધાની કાળજી લે છે પરંતુ તારી કાળજી લેવાવાળું કોઈ નથી! હવે તારા પતિને જ જોને! ઘરમાં તારા જેવી સુશીલ અને સુંદર પત્ની હોવા છતાંયે તે બીજી સ્ત્રીના ચક્કરમાં ફસાયો છે... અને તે પછી તેઓએ મને કેટલાક ઉપાય બતાવ્યા અને....”
સુધીર વચ્ચે જ બોલ્યો, “સમજી ગયો, એટલે એ ધુતારા અને ઢોંગી તાંત્રિકની વાત સાંભળી તમારા મનમાં શંકાના કીડો જન્મ્યો. ભાભી દરેક વાતનો ઉપાય છે પરંતુ શંકાના કીડાનું કોઈ સમાધાન નથી. એકવાર જો તેણે તમારા મનમાં પ્રવેશ કરી દીધો કે બસ પછી તો તે પોતાનો પગપેસારો કરતો જ રહે છે. હવે તમને જ જુઓને... મલ્લિકાએ તમને કહ્યું કે મનોહરનું બીજે ક્યાંક લફરું હશે ત્યારે તમે એની વાત પર વિશ્વાસ કર્યો જ શા માટે? શું કોઈ સ્ત્રી સાથે વાત કરવાનો મતલબ એવો જ થાય છે કે તેની સાથે કોઈ લફરું હશે? તો પછી આ મોડીરાતે હું તમારી સાથે આ અવાવરું જગ્યામાં ઉભો રહીને તમારી સાથે વાતો કરી રહ્યો છું તો તેનો શું મતલબ કાઢવો?”
ઉર્મિલાભાભી નીચું જોઈ ગયા.
સુધીરે આગળ ચલાવ્યું, “ઉર્મિલાભાભી, તમે કદાચ મલ્લિકાને ઓળખતા નથી પરંતુ હું તેને સારી રીતે ઓળખું છું. કોલેજકાળથી એ મનોહરની પાછળ હાથ ધોઈને પડી હતી. પરંતુ મનોહર તેને કોઈ ભાવ આપતો નહોતો! તમને ખબર છે? મલ્લિકાના ડિવોર્સ થયા ત્યારથી તે મનોહરને પોતાની મોહજાળમાં ફસાવવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ મનોહર તેની જાળમાં ફસાતો જ નથી. આખરે કંટાળીને તેણે તમારા લગ્નજીવનમાં ભંગાણ આવે એવા ભૂંડા આશયથી તમારી કાનભંભેરણી કરી. તમને ભરમાવી તેણે તમારા મનમાં શંકાનો કીડો જન્માવ્યો. જે ઢોંગી સાધુની વાતોમાં તમે આવ્યા એ જરૂર મલ્લિકાનો જ સાથીદાર હશે. ભાભી, દુઃખતી નસ દબાવી લોકોને ભરમાવવાની ઢોંગી અને ધૂતારાઓની ચાલ વર્ષો જૂની છે. તું બધા માટે વિચારે છે પરંતુ તારા માટે કોઈ વિચારતું નથી. તું બધાની કાળજી લે છે પરંતુ તારી કાળજી લેવાવાળું કોઈ નથી! તારા નજીકના જ તારી ઈર્ષા કરે છે. વગેરે વગેરે એવા વાક્યો છે કે જે બધાને પોતીકા લાગે છે અને એટલે જ તેઓનો શિકાર તેમાં આબાદ ફસાઈ જાય છે. તમે પણ પેલા ઢોંગીની વાતોમાં આવી ગયા. પહેલાં તમે મનોહરની નાનામાં નાની વાતની કાળજી લેતા હતા. પરંતુ જયારે એ ઢોંગી સાધુએ તમને કહ્યું કે મનોહર બીજી સ્ત્રીના કારણે તમને છોડી દેવાનો છે ત્યારે તમે એને બ્રમ્હવાક્ય સમજી તમારું વર્તન જ બદલી નાખ્યું! હવે મનોહર તમને કંઈ પૂછે છે કે માંગે છે તો તમે સીધા મોઢે વાત પણ કરતા નથી! કોઈ પુરાવા કે ખુલાસા વગર તમે તેને દોષિત માની સજા આપવાની શરૂ પણ કરી દીધી અને ઉપરથી એમ ઈચ્છો છો કે મનોહર તમારી સાથે પહેલા જેવો જ વ્યવહાર કરે. આ... આ... કેવી રીતે શક્ય છે? બોલો.”
ઉર્મિલાભાભી બે હાથ જોડીને બોલ્યા, “મને માફ કરી દો સુધીરભાઈ... મને મારી ભૂલ સમજાઈ ગઈ...”
ઉર્મિલાભાભીના હાથમાંથી છટકીને આનંદથી પાંખો ફડફડાવી ભાગી રહેલા કૂકડા તરફ જોઈ સુધીર બોલ્યો, “ભાભી, બગડેલા ભાગ્યને સુધારવા તમારે આમ કૂકડાની નહીં પરંતુ તમારા શંકાશીલ સ્વભાવની બલી ચઢાવવી પડશે.”
ઉર્મિલાભાભી બોલ્યા, “હવેથી હું ક્યારેય ખોટેખોટી શંકા નહીં કરું.”
સુધીર, “ભાભી, યાદ રાખજો કે ગ્રહણ બાદ પણ તેની અસર ખાસા સમય સુધી રહે છે.”
ઉર્મિલાભાભી, “મતલબ? હું કંઈ સમજી નહીં.”
સુધીર, “ભાભી, જીભ એવી બેધારી તલવાર છે કે તેના વડે થયેલો ઘા જલદી રુઝાતો નથી. મલ્લિકાની ચઢવણીમાં આવી તમે મનોહર સાથે જે કટૂ વ્યવહાર કર્યો છે તેની કડવાશ તેના મનમાંથી દૂર થતાં વાર લાગશે. એ માટે તમારે ખૂબ ધીરજ અને સમજદારી દાખવવી પડશે. જોકે મનોહર સમજદાર છે. તમે સાચા દિલથી તેની માફી માંગશો તો એ જરૂર તમને માફ કરી દેશે. હું પણ મનોહરને મારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ... ભાભી તમે જરાયે ચિંતા ન કરશો... તમારા વાણીવર્તન બગડતા તમારા ભાગ્યને લાગેલું ગ્રહણ હવેથી તમારા વાણીવર્તન સુધારશો તો ફરીથી ઝળહળી ઉઠશે તમારું ભાગ્ય.”
(સમાપ્ત)