ભાડુઆત
ભાડુઆત
મંજરી ઊંઘમાં જ હતી. પરંતુ બહારના અવાજો સાંભળી જાગી ગઈ. શરૂઆતમાં થોડો ધીમો અવાજ હતો પરંતુ ધીરેધીરે ઘાંટાઘાટ થવા લાગી. ત્યારબાદ તો ઘરમાંથી બહાર વાસણો ફેંકવાના પણ અવાજો આવવા લાગ્યા. મંજરીને થયું મારે શા માટે પારકી પંચાતમાં પડવું જોઈએ ? હશે મારે શું ?
એને નક્કી કરેલું કે કોઈ ની પણ સાથે આત્મિયતા રાખવી નહિ પરંતુ એનો પ્રેમાળ સ્વભાવ એનો પીછો છોડવા કયાં તૈયાર હતો.?
બીજી જ પળે કંચનનેા દયામણાે અવાજ સંભળાઈ રહ્યો હતો, "હું તમારા પગે પડું છું, બે દિવસ રાહ જુઓ. હું અડધી રાત્રે મારા બે બાળકો અને પથારીવશ પતિને લઈને કયાં જઉ ? "
મંજરી પાસે પુષ્કળ પૈસો હતો. પણ હવે તો જાણે કે એને મનુષ્ય જાત પ્રત્યે નફરત થઈ ગઈ હતી. એ કંચનના ભાડાના પૈસા ભરવા સક્ષમ હતી. પણ હવે એ લાગણીમાં તણાવા માંગતી ન હતી.
એ કોલેજમાં હતી ત્યારે મોક્ષના પ્રેમમાં હતી. પરંતુ મોક્ષને એના કરતાં પણ રૂપાળી અને ધનવાન છોકરી મળી જતાં એને મંજરીને કહી દીધું કે તું યોગ્ય પાત્ર જોઈ ને પરણી જજે. જાણે કે કોઈ ઘરધણીને વધુ ભાડું આપનાર ભાડુઆત મળી ગયો હોય.! ત્યારબાદ મંજરી એ નક્કી કર્યુ કે એ આજીવન કુંવારી જ રહેશે. નોકરીમાં પગાર શરુઆતમાં જ લાખ રૂપિયા મહિને હતો. નોકરી દરમ્યાન એનો પગાર સતત વધતો જ રહેલો. ઘરમાં એ પોતે એકલી જ હતી. માબાપ મૃત્યુ પામ્યા હતા. કોઈ જવાબદારી હતી નહિ. એકની એક હોવાને કારણે માબાપ ની એક માત્ર વારસ હતી.
પૈસાની તો કોઈ તકલીફ જ કયાં હતી ? વિશાળ બંગલામાં એ એકલી જ રહેતી હતી. એને નક્કી કરેલું કે એ હવે જરુરિયાતમંદોને મદદ કરશે.
વર્ષોથી જે બહેન રસોઈ કરતાં હતાં. એમના દીકરાની પહેલા સેમેસ્ટર ની ફી પચાસ હજાર હતી. મંજરી એ કહ્યું, "હું તારી ફી ભરવા તૈયાર છું પણ મારી શરત છે કે તારે ફર્સ્ટકલાસ લાવવાનો. તો તું જયાં સુધી ભણીશ એ બધાે ખર્ચ હું આપીશ. "
એનો ફર્સ્ટકલાસ આવતો રહ્યો અને મંજરી એની ફી ભરતી રહી. એ જયારે છેલ્લા વર્ષમાં હતો ત્યારે જ એની માતાનું મૃત્યુ થયું. ત્યારે મંજરી એ કહ્યું, "તું મારા ઘેર રહે. તું કોઇ વાતની ચિંતા ના કરીશ. " એની ઓફિસના પટાવાળાનો છોકરો પ્રથમ આવ્યો પરંતુ મેડિકલમાં જવા માટે પૈસાની જોગવાઈ થઈ શકે એમ ન હતું. ત્યારે મંજરી એ જ કહેલું ," એને જયાં સુધી ભણવું હોય ત્યાં સુધી ભણવા દેજો. બધો ખર્ચ હું આપીશ"
ત્યારબાદ તો મંજરી ઘણા બધાને મદદ કરતી રહેતી હતી. છતાં પણ રસોઈવાળી બાઈનો દીકરો ચંદ્રેશ તથા પટાવાળાના દીકરા હિંમત પ્રત્યે તેને વધુ લાગણી થતી. એતો એવું જ માનતી કે ઈશ્વરે ચંદ્રેશ તથા હિંમતના રુપ માં મને બે પુત્રો આપ્યા છે. બંને જણ ની જીભ પર હંમેશ આન્ટી.. આન્ટી... શબ્દ જ હોય.
બંને નું ભણતર પુરુ થતાં જ સારી નોકરી મળી ગઈ હતી.
મનુષ્ય નો સ્વભાવ જ એવો છે કે એક ઈચ્છા પરિપૂર્ણ થાય ત્યાં બીજી ઈચ્છા ઉદભવે. એને થતું કે હવે ચંદ્રેશ અને હિંમતના લગ્ન થાય તો સારું.
કહેવાય છે કે તમે બીજા માટે પ્રાર્થના કરો તો ઈશ્વર જરૂરથી સાંભળે છે. હિંમતે તો એની સાથે ભણતી છોકરી સાથે જ લગ્ન કર્યા. બંને ડોકટર હતા. પરંતુ શરૂઆતમાં વ્યસ્તતાનું બહાનું બતાવતા હતા. ત્યારબાદ તો ધીરે ધીરે આન્ટી ની માયા છૂટતી જ ગઈ. મંજરી કેટલાય ફોન કરે ત્યારે માંડ એકાદ વાર વાત કરે.
તે દિવસે તો મંજૂરીની તબિયત સારી નહતી. એને હિંમતને અને એની પત્નીને ઘણા ફોન કર્યા પરંતુ એનો ફોન સતત વ્યસ્ત આવતો હતો.
આખરે એ જાતેજ દવાખાને પહોંચી અને રિસેપ્શન પર પુછ્યું કે , "તમારો ફોન કેમ સતત વ્યસ્ત આવે છે ? "
ત્યારે એને જે જવાબ મળ્યો એ સાંભળીને એને એટલો આઘાત લાગ્યો કે હિંમતને મળ્યા વગર જ પાછી ફરી. કારણ રિસેપ્નીશે કહ્યું કે, "મેડમે અમુક નંબર બ્લોક કરી દેવાની અમને સૂચના આપી છે. અમે તો ચિઠ્ઠી ના ચાકર" એ ઘણું બધું સમજી ગઈ હતી. એણે નક્કી કર્યુ કે હવે ક્યારેય હિંમત ને ફોન કરવો નહિ કે મળવા જવું નહિ. હિંમતની પત્ની તો પારકી હતી પરંતુ હિંમત પણ...
પણ એ પોતાની વ્યથા કોને કહે ?
ચંદ્રેશ પણ લગ્ન પછી ઘણુંજ ઓછું આવતો. શરુઆતમાં તો મંજરીને જન્મ દિવસે ફોન કરતો કે નવા વર્ષે ફોન કરતો. ધીરે ધીરે એ પણ બંધ થઈ ગયું !
એટલી વારમાં કંચનનો મોટે મોટેથી રડવાનો અવાજ આવવા લાગ્યો. આખરે એનો પરોપકારી જીવ મદદ કરવા તત્પર થઈ ગયો. કારણ નાના બાળકો અને બિમાર પતિ ને લઈ ને એ અબળા કયાં જશે ?
આખરે એને ભાડું ભરી દીધું. ત્યારે કંચન બોલી, "બેન હું તમારો ઉપકાર નહીં ભૂલુ હું તમારા ઘરનું બધુંજ કામ કરી તમારા પૈસા વાળી દઈશ. "
મંજરી વિચારતી હતી કે કંચન ભાડુ આપે ત્યાં સુધી જ રહી શકે ભાડું આપવાનું બંધ કરે તો ઘરમાંથી કાઢી મૂકે.
અત્યાર સુધી હિંમત અને ચંદ્રેશને પૈસા આપતી રહી ત્યાં સુધી તેમના દિલમાં રહી. પૈસાની જરૂર ના રહી ત્યારે એના દિલમાં જગ્યા ના રહી એ તો બધાના દિલમાં એક ભાડુઆત બનીને જ રહી હતી.
