બેટીનું ભાગ્ય
બેટીનું ભાગ્ય
“ભગવાન, કેટલાય દિવસોથી શું લખી રહ્યા છો?” સૃષ્ટિના નિર્માતાના કક્ષમાં પ્રવેશતા દેવદૂતે પૂછ્યું.
ભગવાને દેવદૂત તરફ ધ્યાન આપ્યા વગર એકચિત્તે લખવાનું ચાલુ જ રાખ્યું.
દેવદૂતે કહ્યું, “થોડો વિશ્રામ કરી લો ભગવાન, કેટલાય દિવસોથી આપ નિરંતર લખાણ લખવામાં વ્યસ્ત જ રહ્યા છો. એવું તે શું લખી રહ્યા છો તમે?”
ભગવાન :- "ભાગ્ય"
દેવદૂત :- "કોનું?"
ભગવાન :- "એક છોકરી જે થોડા જ મહિના બાદ ભારત દેશના એક નાનકડા ગામમાં જન્મ લેવાની છે, હું તેનું જ ભાગ્ય લખી રહ્યો છું.”
દેવદૂતે હસતાં હસતાં કહ્યું, "ભારતના ગામડાની દીકરી! તેનું વળી કેવું ભાગ્ય!”
ભગવાને ક્રોધિત સ્વરમાં કહ્યું, “દેવદૂત, આ કોઈ સામાન્ય છોકરી નથી. તું એ કેમ ભૂલે છે કે તેનું ભાગ્ય જાતે હું લખી રહ્યો છું.”
દેવદૂતે પૂછ્યું :- "આવું તે શું ભાગ્ય લખ્યું છે તેનું?”
ભગવાન :- "આ છોકરી ખૂબ ખૂબ ભણશે.”
દેવદૂતે કટાક્ષ કર્યો :- "ગામમાં તેને કોણ ભણવા દેશે?"
ભગવાન :- "આ છોકરી જાત મહેનતથી ભણી તેના ગામની સાથે સાથે ભારત દેશનું નામ રોશન કરશે. સામાન્ય ગામની ભણેલી ગણેલી આ દીકરી આખાય દેશમાં ક્રાંતિ લાવશે. સમાજને સુધારશે. બીજી છોકરીઓ માટે એ આદર્શરૂપ બનશે. જોજે તેની પ્રગતિ જોઇને દેશની કોઈ દીકરી અભણ નહીં રહે. દેશના મોટા મોટા નેતાઓ તેના કાર્યોથી પ્રભાવિત થશે. તેનું સન્માન કરી તેને પુરસ્કારો આપશે. જોજે એક દિવસ આ દીકરી દેશનો સર્વોચ્ચ એવો ભારતરત્ન એવોર્ડ મેળવી તેના માં-બાપનું નામ રોશન કરશે. એમ સમજ કે આ દીકરીના સ્વરૂપમાં હું સાક્ષાત માં લક્ષ્મીનું બીજું સ્વરૂપ બનાવી રહ્યો છું. તે અઢળક ધન કમાવી તેના
માં-બાપના દુઃખોને દુર કરશે. તેમને ગામના નાનકડી ઝુંપડીમાંથી મહેલ જેવા આલીશાન બંગલામાં રહેવા લઇ જશે.”
દેવદૂતે કહ્યું :- "પણ શું કામનું? દીકરી તો પરાયું ધન કહેવાય. એકદિવસ તે તેના સાસરે જતી રહશે. પછી?”
ભગવાને કહ્યું, :- "ના... ના.. આ દીકરી લગ્ન બાદ પણ તેના માતાપિતાની કાળજી લઇ સમાજ સમક્ષ એક આદર્શ ઉદાહરણ મુકશે. અરે! જયારે તેનો ભાઈ પત્નીની ચઢવણીમાં આવી તેના માબાપને ઘરમાંથી હાંકી મુકશે ત્યારે આ દીકરી જ તેમનો સહારો બની તેમને કોઈ જાતનું દુઃખ પડવા નહીં દે..” અચાનક ભગવાન બોલતા બોલતા અટકી ગયા.
ભગવાનની છાતીમાં અસહ્ય પીડા થવા લાગી.
દેવદૂતે ભગવાનને સંભાળતા પૂછ્યું, “શું થયું ભગવાન?”
ભગવાનની આંખમાં આંસુ હતાં. “દેવદૂત, મારી સઘળી મહેનત પર પાણી ફરી વળ્યું. મારા રાત રાતના ઉજાગરા નકામા થયા.”
દેવદૂત :- "કેમ શું થયું?"
ભગવાન :- "હવે એ દીકરી ક્યારેય જન્મ લઇ શકશે નહીં."
દેવદૂત:- "કેમ ભગવાન?"
ભગવાન :- "તેની માતાએ તેને જન્મતા પહેલા જ મારી નાખી છે.”
અચંબો પામતા દેવદૂતે પૂછ્યું :- "પણ કેમ ..........?
ભગવાન :- "સાંભળ .... તેમનો અવાજ... તે પાપીઓનો અવાજ.... તેઓ કહી રહ્યા છે કે તેમને દીકરી નહીં પણ દીકરો જોઈએ... દીકરો જોઈએ.....”
દેવદૂત :- “અરેરેરે.. આ દીકરો એટલે એ જ દુષ્ટ ભાઈને? હે ભગવાન! આ મૂરખાઓને આ કેવી કુબુદ્ધિ સુઝી?”
ભગવાન, “દેવદૂત, ખબર નહીં આ લોકો કેમ આવી નીચતા કરે છે? કેમ દીકરીઓનાં જન્મ લેતા પહેલા જ તેમના શ્વાસ રોકી નાખે છે. કેમ દેવદૂત.. કેમ??”
દેવદૂત ચુપચાપ ભગવાનના અશ્રુઓ વડે કાગળ પર લખેલ એ બેટીના ભાગ્યને વહેતા જોઈ રહ્યો.