બેટા, તારું નામ શું છે?
બેટા, તારું નામ શું છે?
એક યુવાને દોડતા આવી વૃદ્ધાના હાથમાંથી માલસામાનની થેલી લીધી.
“અરે! બેટા, તું કોણ છે? મારા માલસામાનની થેલી તેં કેમ ઉઠાવી?”
“મને તમારો દીકરો જ સમજો... ચાલો હું તમને ઘરે છોડી દઉં...”
“બેટા, તારું નામ શું છે?”
“વિનોદ...”
“વિનોદ... ખૂબ સરસ નામ છે... અરે!!! મારા હાથમાંની થેલી ક્યાં છે?”
“એ મારા હાથમાં છે... તમે મગજ પર કોઈ જોર આપો નહીં અને શાંતિથી મારી સાથે ચાલો...”
“ખૂબ ખૂબ આભાર બેટા... પણ તારું નામ શું છે?”
“વિનોદ...”
“બેટા, તું મને ક્યાં લઇ જઈ રહ્યો છે?”
“હું તમને તમારા ઘરે લઇ જઉં છું...”
“અરે!!! મારી થેલી?”
આ જોઈ વિનોદના દોસ્ત કમલેશે અકળાઈને કહ્યું, “વિનોદ, મને તો આ ડોહી પાગલ લાગે છે...”
વિનોદે કહ્યું, “કમલેશ, મોઢું સંભાળીને બોલ. આ મારી માતા છે. તેમને અલ્ઝાઇમર નામની ભૂલી જવાની બીમારી છે. અમે તેને કેવી રીતે સાચવીએ છીએ એ અમારું મન જાણે છે.”
“બેટા, તારું નામ શું છે?”
આંખમાં આવેલ અશ્રુને લૂછતા લૂછતા વિનોદે કહ્યું, “વિનોદ...”
(સમાપ્ત)