બેચેની
બેચેની


એમ તો આજે સવારથી જ મન બેચેન હતું, પરંતુ ઘેરાતાં વાદળો સાથે બદલાતાં વાતાવરણે એને વધુ બેચેન કરી મૂક્યું. અનિકેતે કારને રોડની સાઈડ પર ઊભી રાખી, સીટ-બેલ્ટ ખોલી એક ઊંડો શ્વાસ લેવાનો પ્રયત્ન તો કર્યો, પણ જાણે શ્વાસ રૂંધાઈ ગયો હોય તેવો અહેસાસ થયો.
બહાર વાદળો ઘેરાઈ ચૂક્યાં હતાં અને વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો. કારની છત પર પડતાં વરસાદનાં અવિરત ધ્વનીએ અનિકેતને વધુ અકળાવી મૂક્યો. એણે આંખો બંધ કરી માથું કારની સીટ પર ઢાળી દીધું.
વરસાદ ઓર તેજ થયો અને હવે તેનો ધ્વની અનિકેત માટે અસહ્ય બન્યો. મન બહેલાવવાં એણે એફ.એમ.ની સ્વીચ દબાવી અને એક જાણીતો સ્વર તેનાં કાનમાં ગૂંજી ઊઠ્યો.
"...તો પેશ-એ-ખિદમત હૈ ગુલદસ્તાં કે આજ કે પ્રોગ્રામ કી યે આખરી ગઝલ, જિસે લીખા હૈ કાતિલ શિફાઈને ઔર જિસે અપની મખમલી આવાઝ સે નવાઝા હૈ જગજિત સિંઘને...."
ગઝલની શરૂઆત સંતૂરના સ્વરોથી થઈ. સંતૂરના એ સ્વરોએ જાણે અતિતના તાર છંછેડી દીધાં. સંતૂર સાથે હવે વાયોલિનનો સ્વર પણ ઉમેરાયો અને વાયોલિનના એ દર્દભર્યા સ્વરોએ મનમાં પીડાના ભાવ જગાડી દીધાં.
કારના કાંચમાંથી દેખાતા અવિરત વરસતા વરસાદે એ ભયાનક રાતનું દ્રશ્ય તાજું કરી દીધું ને અનિકેતના આખા શરીરમાં જાણે કંપારી છૂટી ગઈ.
* * *
"સાલા... હરામખોર... વકીલસાબ કી... બેટી સે... ઈશ્ક લડાયેગા... ઉનકી... બેટી કો... ભગા કર... લે જાયેગા... પૂરે જિલે મેં... ઉનકી ઈજ્જત... ઉછાલેગા... ઝોપડપટ્ટી કા કીડા.... મહેલોં કે ખ્વાબ દેખેગા...."
લોખંડનાં એક મજબૂત ટેબલ પર અનિકેતને ઊંધો સૂવડાવી તેના હાથ-પગ મજબૂત દોરડાંથી બાંધેલાં હતાં. મોઢામાં પાનના ડૂંચા સાથે દરોગા બોલી રહ્યો હતો. તે પોતાના દરેક શબ્દ પર વાંસના જાડા મજબૂત ડંડા વડે અનિકેતની ઉઘાડી પીઠ પર પૂરી ખૂન્નસ અને તાકત સાથે ઘાત કરી રહ્યો હતો. દરેક ઘાત સાથે અનિકેતના મોઢામાંથી એક કારમી ચીસ નિકળતી જતી અને તેનાં મનમાં એક નામ ગૂંજી ઊઠતું, "બરખા....." ને જાણે બરખાનો હસતો ચહેરો એના જહેનમાં ઉપસી આવતો. તેની પીઠ પર પડતો દરેક ઘાત એક લાલ-ચટ્ટક નિશાન છોડી જતો. કાળી અંધારી એ રાતમાં અનિકેતની ચીસો ધીમે ધીમે શમી ગઈ. કેટલાય દિવસો બાદ જ્યારે અનિકેતની આંખો ખૂલી તો એ કોઈ નાના શહેરના સરકારી હોસ્પિટલના બિછાને આજીવન ન ખૂંટી શકે તેટલી પીડાનું ભાથું લઈ પડ્યો હતો.
* * *
અનિકેતની આંખોમાં પીડા ઉપસી આવી અને તેના કાને પડ્યા ગઝલના શબ્દો.
સદમા તો હૈ મૂઝે ભી, કે તૂઝસે જૂદા હૂઁ મૈં |
લેકિન યે સોચતા હૂઁ, કે અબ તેરા ક્યા હૂઁ મૈં ||
અનિકેતે આંખો બંધ કરી તો આંસુ તેના ગાલ પર સરકી પડ્યાં. જગજિત સિંઘનો એ દર્દભર્યો અવાજ તેની પીડા પર મલમનું કામ કરી રહ્યો હતો.