Sharad Trivedi

Romance

5.0  

Sharad Trivedi

Romance

બે બહેનપણીઓ

બે બહેનપણીઓ

4 mins
632


રીના અને જિનલ બંને પાકી બહેનપણીઓ. એક બીજાના જીવ જુદાં. બંને એકમેકને કોઈ વાત કર્યા વગર રહે નહી. બંનેના જીવનની ઘણી બધી ધટનાઓ એકસાથેજ બનેલી. બંનેની બર્થ ડેટ પણ એક જ. એટલું જ નહી દસમા ધોરણની બોર્ડની એકઝામમાં પણ બંનેને સરખા માર્કસ્ આવેલા.

કૉલેજમાં આવી એટલે બંને બહેનપણીઓ સ્માર્ટફૉન લાવી. ફેસબુક પર એકાઉન્ટ બનાવી બંને દુનિયા સાથે જોડાઈ ગઈ. નવી પૉસ્ટ, નવા ફ્રેન્ડ બંનેને મજા પડી ગઈ. એમ કરતાં કરતાં બંને નવા મિત્રો સાથે ચેટિંગ કરવા લાગી. બંનેએ પોતપોતાની પ્રોફાઈલમાં પોતાના સરસ ફોટા મુકેલાં. એક તો છોકરીઓનું એફ.બી. એકાઉન્ટ અને આવા સરસ પ્રોફાઈલ ફોટો એટલે છોકરાંઓની ફ્રેન્ડ રીકવેસ્ટનો મારો રહેતો. બંને મિત્રો બનાવતા સાવધાની રાખતી, તેમ છતાંય ખાસા છોકરાંઓ ફેસબુક ફ્રેન્ડ બનેલાં.

એમાંથી ધણા મિત્રો સાથે ઓનલાઈન ચેટીંગ પણ શરુ થયેલું. કોઈ ખરાબ અનુભવ થાય તો એને બ્લોક પણ કરી દેતી. બંને એકબીજાને બધી વાત કરતી એટલે ફેસબુક ચેટીંગની વાત પણ એમાં આવી જતી.

એમાં રીનાને એક છોકરા અરવિંદ સાથે ઘણી વાતો થતી. અરવિંદ દેખાવમાં પણ હેન્ડસમ લાગતો હતો. એની વાતોમાં રીનાને રસ પડવા લાગેલો. બંને એકબીજાની નજીક કયારે આવી ગયા. ખબર ન પડી. મુગ્ધા અવસ્થાનું આ ઓનલાઈન ચેટીંગ ઓનલાઇન પ્રેમમાં પરિણમ્યું. રીનાને ઓનલાઈન પ્રેમ થયો એટલે જીનલ પણ એમાં પાછળ રહે તો રીનાની બહેનપણી શાની ? એને પણ એજ વખતે શિવમ નામના છોકરાથી ઓનલાઈન ચેટીંગ દરમિયાન રીનાની જેમજ ઓનલાઈન પ્રેમ થઈ ગયેલો. બંને પ્રથમ પ્રેમનો રોમાંચ અનુભવતી હતી. બંને પંખી બનીને આકાશમાં વિહરવા લાગી હતી.

અલબત્ત તેમના આકાશ અલગ અલગ હતાં. એમના આ ઓનલાઈન પ્રેમ વિશે તેમના બે સિવાય બીજું કોઈ જાણતું ન હતું. હા,બે બહેનપણીઓ તેમના ઓનલાઈન પ્રેમી સાથે શું વાત થાય છે એ વાત એકબીજા સાથે શેર ન કરતી. બંને એ નકકી કરેલું કે કમસે કમ બંનેએ એટલી પ્રાઈવસી તો રાખવી જ, ઓનલાઈન પ્રેમી સાથે થયેલી વાત એકબીજાને ન કરવી.

એક દિવસ જીનલે કહ્યું 'રીના,ચાલ મારી સાથે બજારમાં મારે એક ગુલાબી રંગનો સરસ મજાનો પંજાબી ડ્રેસ લેવો છે. ' રીનાએ કહ્યું'હા, યાર મારે પણ ગુલાબી રંગનોજ પંજાબી ડ્રેસ લેવો છે.' બંને બજારમાં ગઈ. બંનેએ એક જેવોજ પંજાબી ડ્રેસ લીધો. મેક-અપનો સામાન, ડ્રેસને મેચિંગ ચંપલ,પર્સ વગેરે ખરીદ્યુ. જીનલે કહ્યું 'રીના,કયાંય અરવિંદને મળવા નથી જવાનુંને ?'રીનાએ કહ્યું, 'હા, યાર આ રવિવારે એણે બરાબર પાંચ વાગે મને બૂટબાગના દરવાજે મળવાનું કહ્યું છે, એને ગુલાબી રંગ બહુ પસંદ છે એટલે મેં આ ગુલાબી રંગનો પંજાબી ડ્રેસ ખરીદ્યો. જીનલે કહ્યું'વાઉ !શું વાત છે ! મને પણ શિવમે આ રવિવારેજ મળવા બોલાવી છે પણ બૂટબાગના દરવાજે નહી, શહેરથી થોડે દૂર રસ્તામાં સાંઈબાબાનું મંદિર છે ત્યાં, બરાબર સાડા છએ, એને પણ ગુલાબી રંગ બહુ ગમે છે, લે આ બાબતમાં પણ સેમ ટુ યુ !' બંને બહેનપણીઓ રવિવારની આતુરતાપૂર્વક રાહ જોવા લાગી.

રવિવાર આવી ગયો. બંને એકસાથે એક જ એકટીવા લઈ એક જેવા ગુલાબી રંગના કપડાં પહેરી નીકળી. બંને સાથે હોય એટલે ઘરમાંથી પણ કોઈ પ્રશ્ન ન થાય. પહેલા રીનાનો વારો હતો, ઓનલાઈન પ્રેમીને મળવાનો. બૂટબાગના દરવાજે રીનાને ઉતારી જિનલ બૂટબાગમાં જઈ બેઠી. થોડીવાર રહી વાદળી રંગના શર્ટ અને બ્લેક પેન્ટમાં સજ્જ એક છોકરાં સાથે રીના બાગમાં આવી. જીનલે બંનેને જોયાં. એ એની જગ્યાએ બેસી રહી, એને પેલો છોકરો અરવિંદના એફ. બી. પર પ્રોફાઈલ ફોટો હતો એવો ન દેખાયો. એને થયું કે કદાચ ઘણાં સમય પહેલા ફોટો જોયો હતો, એટલે એવું લાગતું હશે. રીના એની સાથે સારી રીતે વાત કરી રહી હતી એટલે એને કે થયું પોતાનીજ કંઈ ભૂલ થતી લાગે છે,એ અરવિંદજ હશે.

રીનાની મુલાકાત પુરી થઈ. અરવિંદ ગયો. રીના એકટીવા પાસે જઈને ઉભી રહી. જીનલ પણ થોડીવાર રહીને ત્યાં પહોંચી. 'કેવી રહી પહેલી મુલાકાત ?'જીનલ હસીને બોલી. રીનાએ કહ્યું 'સરસ,અરવિંદના એફ.બી. એકાઉન્ટ પર એનો ફોટો નથી. એ તો ગુગલની ઈમેજમાંથી એણે મુકેલો છે. હું તો એનેજ અરવિંદ માનતી હતી,પણ આ તો ફોટોમાં જે અરવિંદ દેખાતો હતો એનાથીયે સ્માર્ટ અરવિંદ છે.' રીનાએ એકટીવા સ્ટાર્ટ કર્યું. બંને સાંઈબાબા મંદિર પહોંચી. રવિવારના કારણે મંદિરે ભીડ હતી. જીનલને દરવાજે ઉતારી રીના એકટીવા પાર્ક કરી મંદિરમાં આવી. થોડીજ વારમાં વાદળી શર્ટ અને કાળા પેન્ટમાં સજ્જ એક છોકરો ગુલાબી કપડાં વાળી જીનલ પાસે પહોંચ્યો. જીનલને આશ્ચર્ય થયું. અરવિંદે આજ કપડાં પહેર્યા હતાં, શિવમે પણ આ જ. શિવમના ફેસબુક પ્રોફાઈલ ફોટામાંજે ફોટો છે એ આ છોકરો નથી. એ તરત જ બધુ સમજી ગઈ. રીના આ બધુ થોડે દૂરથી જોઈ રહી હતી. એને અરવિંદ જેવા જ કપડાંમાં શિવમને જોઈ બધુ સમજાઈ ગયું.

બંને બહેનપણીઓએ એકબીજીને ઈશારો કર્યો. જીનલ છોકરાને લઈ રીના પાસે પહોંચી. બંને ગુલાબી ડ્રેસ એકસાથે જોઈ છોકરાના હોશ ઉડી ગયાં. એ કંઈ સમજે એ પહેલા તો જીનલે એને કૉલરથી પકડી બે લાફા ઝીંકી દીધા. રીનાય પાછળ ના રહી. એનીય બે થપ્પડ છોકરાને પડી. છોકરો ગમે તેમ કરી બીજા લોકો કંઈ સમજે એ પહેલા ઊભી પૂંછડીએ નાઠો.

બંને બહેનપણીઓ એકબીજા સામે જોઈ હસી પડી. એક સાથે બોલી અહીં પણ બર્થડેટ અને દસમાના માર્કસની જેમ એકજ છોકરો આપણને પ્રેમ કરનાર મળ્યો. એ પછી એ બંને ગુલાબી રંગના કપડાં વાળી બહેનપણીઓએ એકસાથે એફ.બી. એકાઉન્ટ ડીલીટ કર્યુ.


Rate this content
Log in

Similar gujarati story from Romance