બે અજાણ્યાં જણ
બે અજાણ્યાં જણ
ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી. શૈલા રોજની જેમ ફર્સ્ટ કલાસના ડબ્બામાં ચડી. પોતાના કાયમી કંપાર્ટમેન્ટમાં જતી હતી ત્યાં જ આગલા સીંગલ કંપાર્ટમેન્ટમાંથી "શૈલુ" અવાજ આવ્યો. અવાજ સાંભળી એનું હૃદય જાણે એક ધબકારો ચૂકી ગયું. તેની નજર ત્યાં ગઈ અને એ કંપાર્ટમેન્ટના દરવાજે જ સ્થિર થઈ ગઈ.
"આલોક, તું ? તું અહીં ક્યાંથી ?" એ સ્થળ સમયનું ભાન ઘડીભર ભૂલી ગઈ અને હેતથી એને ભેટી પડી. આલોક પણ પોતાના મન પર કાબૂ ન રાખી શક્યો અને એને બાહુપાશમાં ભીંસી દીધી. થોડી વાર પછી બંને સ્વસ્થ થયાં અને સીટ પર બેસી ગયાં. નાના કંપાર્ટમેન્ટમાં એ બંને એકલાં જ હતાં.
"શૈલુ, આજે મારા માટે સમય ફાળવી શકીશ ? મારે આટલાં વર્ષોથી સંઘરેલી ખૂબ બધી વાતો કરવી છે."
"આલોક, મારે પણ તારી સાથે ઘણી વાતો વહેંચવી છે. ઠીક છે આગલા સ્ટેશને ઉતરીને હું મારી ઑફિસમાં ફોન કરી રજાનું કહી દઉં."
બંને અમદાવાદ જવાના બદલે મણીનગર ઉતરી ગયાં. શૈલાએ ઑફિસમાં ફોન કરી રજા મંજૂર કરાવી દીધી. હેમાંગને ફોન કરી આજે પોતે ઑફિસના કામે બહાર નીકળી છે એટલે ઑફિસ પર ફોન કરવાની ના પાડી દીધી. બંને સ્ટેશન સામે આવેલી શકુંત હોટલમાં ગયાં. આલોકે એક રૂમ બુક કરાવ્યો. રૂમમાં પહોંચી બંને એકબીજાને ભેટીને ક્યાંય સુધી રડતાં રહ્યાં. શૈલાના આંસુ રોકાતાં નહોતાં. આખરે આલોકે પહેલાં સ્વસ્થ થઈ શૈલાને પોતાનાથી અળગી કરી. એને પાણી આપ્યું અને પોતે પણ પાણી પી સ્વસ્થ થયો.
"આલોક, આમ મને કંઈ પણ જાણ કર્યા વગર ક્યાં જતો રહ્યો હતો ? તને એ વિચાર ન આવ્યો કે તારી પાછળ તારી આ શૈલુની શી હાલત થશે ? તારી પાછળ તારી આ પ્રિયતમા પાણી વગર માછલી તરફડે એમ તરફડશે ?"
"શૈલુ, હવે વહી ગયેલાં પાણી પર આંસુ સારવાનો કોઈ અર્થ નથી. તે સમયના મારા સંજોગો એવા હતા કે હું તને કંઈ જાણ ન કરી શક્યો અને તારી સાથેના સર્વે સંપર્કો કાપી નાંખી હું મારા મમ્મી પપ્પાની દુનિયામાં સમાઈ ગયો. વર્ષો વીતી ગયાં પણ ન હું તને ભૂલી શક્યો ન મારી પત્નીને માનસિક રીતે અપનાવી શક્યો."
ફરી શૈલાની આંખો ઉભરાવા લાગી. "હું મનોમન મારી જાતને ધિક્કારતી રહેતી કે મારાથી જ કોઈ ભૂલ થઈ હશે. મેં ક્યાંક તારું દિલ દુભવ્યું હશે, જેથી તું મને જણાવ્યા વગર મારાથી દૂર થઈ ગયો."
"ના, શૈલુ. તારી કોઈ ભૂલ નહોતી પણ તે સમયના મારા સંજોગોમાં મને તને જાણ કર્યા વગર જ તારાથી દૂર જવાનું યોગ્ય લાગ્યું એટલે હું દૂર થઈ ગયો. છતાં ઈશ્વર સાક્ષી છે હું એક પળ માટે પણ તને ભૂલી નહોતો શક્યો. દૂર રહીને પણ હું તારી ભાળ મેળવતો રહેતો. તારા લગ્ન થયાં અને તું સુરતથી વડોદરા આવી તે મને ખબર હતી. તું રોજ વડોદરાથી અમદાવાદ અપડાઉન કરે છે. એ જાણી આજે જાણી કરીને મેં આ ટ્રેન પકડવાનું નક્કી કર્યું. જેથી તારો આ ભૂતકાળનો બેવફા પ્રિયતમ તને એકવાર મળીને પોતાની હકીકત જણાવી શકે."
"આલોક, તું મને છોડી ગયો પછી મારી માનસિક હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. મારા મમ્મી, પપ્પાએ પરાણે મારા લગ્ન હેમાંગ સાથે કરાવ્યાં પણ જાણે તારી જુદાઈનો બદલો વાળવો હોય તેમ ઈશ્વરે મને ખૂબ પ્રેમાળ પતિ આપ્યો. શરૂઆતના દિવસોને બાદ કરતાં મેં પરિસ્થિતિને સ્વીકારી લીધી. તારી યાદને દિલના એક ખૂણામાં સંઘરી હું મારા સંસારમાં ઓતપ્રોત થઈ ગઈ. મારા બે સુંદર બાળકો અને પતિ સાથે આનંદથી રહું છું. જો કે ક્યારેક કોઈ વરસાદી રાત્રે તારી યાદ મારા હૈયાને વલોવી નાંખે છે પણ પછી હું વધારે વહાલથી મારા સંસારમાં ખૂંપી જાઉં છું."
"આલોક, આજે મળ્યા પછી અને તારી સાથે વાત કરી, રડીને મારું હૈયું હવે હળવું ફૂલ થઈ ગયું છે. મારે તારા એ સમયના કોઈ સંજોગો જાણવા નથી. મને એટલી ખબર પડી કે મારા કોઈ વાંકગુના વગર તેં તારા એ સમયના સંજોગો પ્રમાણે નિર્ણય લીધો. આજે તો હું તારી સાથે આવી છું. આજે આપણે આપણી મર્યાદામાં રહી શક્યા છીએ પણ વારંવાર મળવાથી કદાચ કોઈ નબળી પળે આપણે મર્યાદા ભંગ કરી બેસીએ તો આપણી જાત સાથે આપણે આપણાં જીવનસાથીને પણ છેહ દઈ બેસીશું." આંખમાં આવી ગયેલાં આંસુને થોડીવાર વહેવા દઈ, પાણી પીને સ્વસ્થ થઈ શૈલાએ આગળ કહ્યું.
"આલોક, સૌથી ઉત્તમ રસ્તો એ જ છે કે આપણે આજે વર્ષો પછી પહેલી અને છેલ્લી વખત મળી રહ્યાં છીએ. આજ પછી જીવનના કોઈ રસ્તે કદાચ આપણે મળી પણ જઈએ તો બે અજાણ્યાં જણ મળે એમ એકબીજા સામે જોઈ, એક હળવું સ્મિત આપી આગળ વધી જઈશું. હું હવે પ્રફુલ્લિત હૃદયે મારા સંસારમાં રમમાણ થઈ જઈશ. તું પણ ભૂતકાળ ભૂલી તારાં સંસારમાં ખૂંપી જજે. તારી પત્નીને દિલથી અપનાવી ખૂબ પ્રેમ કરજે. તારા બાળકોનો પ્રેમાળ પિતા અને પત્નીનો હેતાળ પતિ બની જજે. કરી શકીશને ?"
"શૈલા, તારી સમજદારી માટે મને માન થાય છે. હવે મનમાં કોઈ સંતાપ નથી. છે તો ફક્ત એક સ્નેહભરી યાદ. બસ, એને પણ તારી જેમ જ હૃદયના કોઈ ખૂણે ભંડારી દઈશ. તારી અને તારા પરિવારની સુખાકારી માટે ઈશ્વરને પ્રાર્થના કરીશ. ચાલ, હવે મન તો ભરાય ગયું પણ પેટ ખાલી છે તેનું કંઈ કરીએ." આલોકે શૈલાના કપાળ પર સ્નેહભર્યું એક ચુંબન કરતાં કહ્યું.
"આલોક, તેં હમણાં કરેલું સંબોધન મને ગમ્યું." શૈલાએ કહ્યું અને પછી વોશરૂમમાં જઈ મોં ધોઈ સ્વસ્થ થઈ બંને રૂમની ચાવી કાઉન્ટર પર આપી નજીકની હોટલમાં જમવા ગયાં. જમીને સ્ટેશન પરથી આલોકે અમદાવાદની અને શૈલાએ વડોદરા જવાની ટ્રેન પકડી. પ્લેટફોર્મ પરના સ્ટોલ પર રેડિયોમાં ગીત વાગી રહ્યું હતું જાણે એ બંનેને ઉદેશીને જ ન ગવાતું હોય !
ચલો, એકબાર ફિર સે અજનબી બન જાયે હમ દોનો.

