બાર દિવસ
બાર દિવસ
શહેરમાં શાંતિમય વાતાવરણ ટકાવી રાખવા માટે સતત વ્યસ્ત રહેતા સબ. ઈ. સુબોધના અંગત જીવનમાં ઝંઝાવાતભર્યા કલેશનું નિર્માણ થયું હતું. સબ ઈ. સુબોધની પત્ની ઉન્નતિ તેમની ચોવીસ કલાકની વ્યસ્ત ડ્યુટીથી કંટાળી ગઈ હતી પરિણામે તેમનું દાંપત્યજીવન જોખમાયું હતું. એકવાર તો તેણે સબ ઈ. સુબોધ સાથેના તમામ સબંધો ઉપર કાપ મૂકી દેવાનો નિર્ણય લીધો હતો પરંતુ પરિવારના મધ્યસ્થીઓની દરમિયાનગીરી અને તેઓના એકના એક વહાલસોયા પુત્ર કિશનના ભાવિની ચિંતાને કારણે બંને જણા વચ્ચે જેમ તેમ કરીને સમાધાન થયું હતું. મને કમને સાથે મળીને દાંપત્યજીવનનું ગાડુ ધકેલી રહેલા તેઓના જીવનને ધ્વસ્ત કરવા માટે ક્લેશની એક ચિનગારી જ પૂરતી હતી. જોકે સબ ઈ. સુબોધ પોતાના પરિવારજનોને ખુશ રાખવા માટે સતત પ્રયત્નો કરતા રહેતા હતા પરંતુ વારે તહેવારે ફાટી નીકળતા કોમી રખમાણો અને પ્રજાની નાદાનિયતને કારણે શહેરમાં વારંવાર ફેલાતી અરાજકતાને કાબુમાં લાવવાના પ્રયાસમાં પોતાના પરિવારને ખુશ રાખવામાં તેઓ સતત નિષ્ફળ જતા હતા. આજે તેમણે મનોમન ગમે તેમ કરીને પોતાના પરિવાર માટે સમય કાઢવાનો નિર્ણય લીધો હતો. જરૂર પડ્યે નોકરીમાંથી રાજીનામું આપવાનું મનોમન નક્કી કરી તેઓ પોલીસ સ્ટેશનના પગથિયા સડસડાટ ઉતરી ગયા...
*****
મીઠી નીંદર માણી રહેલા પોતાના પુત્ર કિશનને ખલેલ ન પહોંચે એ રીતે સબ ઈ. સુબોધ તેની સમીપ આવીને ધીમેકથી બેઠા. તેઓને આવેલા જોઈ તેમની પત્ની ઉન્નતિએ ઉદાસીન સ્વરે પૂછ્યું, “હમણાં સમય મળ્યો?”
સબ ઈ. સુબોધે ખચકાટમાં કહ્યું, “પોલીસ સ્ટેશનમાં થોડું કામ હતું.”
ઉન્નતિ રોષમાં બોલી, “આજે પણ તમને કામમાંથી ફુરસદ ન મળી?”
સબ ઈ. સુબોધ વિવશતાથી બોલ્યા, “મેં બાર દિવસની રજા લીધી છે. હવે હું કશે જવાનો નથી.”
ઉન્નતિ અકળાઈને બોલી, “આ તમારે પહેલા કરવા જેવું હતું. આખો દિવસ બસ કામ... કામ... ને કામ. કિશન રોજ રાત્રે ઊંઘતા પહેલા મને પૂછે છે કે પિતાજી ક્યારે આવશે અને સવારે ઊઠીને સહુથી પહેલો પ્રશ્ન તેનો એ જ હોય છે કે પિતાજી આવ્યા? પરંતુ તમને ક્યારેય ફુરસદ મળી જ નહીં. તમારો દીકરો ક્યારે અને કેવી રીતે મોટો થયો તેની તમને જાણ સુદ્ધાં નથી.”
સબ ઈ. સુબોધે કહ્યું, “ઉન્નતિ, તું તો જાણે જ છે કે પોલીસવાળાની ડ્યુટી ચોવીસ કલાકની હોય છે. વાર તહેવારમાં પણ અમને કોઈ રજા મળતી નથી ઉલટાનું તે દિવસોમાં અમે કડક બંદોબસ્તમાં હોઈએ છીએ. શહેર સુરક્ષિત રહે તે માટે અમારે સતત જાગૃત રહેવું પડે છે.”
ઉન્નતિ ફિક્કું હસતા બોલી, “કમાલ છે? જેમને તમારા કામની કોઈ કદર નથી તેમના માટે દિવસ રાત સમય કાઢો છો અને જે પરિવાર તમારી સતત ચિંતા કરે છે તેની માટે તમારી પાસે ફુરસદ નથી!”
સબ ઈ. સુબોધે હેતથી દીકરા કિશનના માથા પર હાથ ફેરવ્યો. પ્રેમ ભર્યો સ્પર્શ થતા જ કિશને આંખો ખોલી. સામે સબ ઈ. સુબોધને બેઠેલા જોઈ તેણે પૂછ્યું, “પિતાજી, તમે ક્યારે આવ્યા?” બીજી જ ક્ષણે તેણે નિરાશાથી પડખું ફેરવતા કહ્યું, “હમણાં તમારો મોબાઈલ રણકશે અને તમે મને છોડીને જતા રહેશો.”
સબ ઈ. સુબોધે મોબાઈલને સ્વીચ ઓફ કરતા કહ્યું, “બસ, હવે કોઈનો ફોન નહીં આવે અને હું તને છોડીને ક્યાંય નહીં જઉં. તું જાણે છે? મેં બાર દિવસની રજા લીધી છે.”
કિશને આનંદથી પૂછ્યું, “બાર દિવસની રજા!!! કેમ પિતાજી?”
સબ ઈ. સુબોધે ઉન્નતિ તરફ જોયું.
ઉન્નતિએ નિરાશાથી કહ્યું, “મેં તેને કોઈ વાતની જાણ થવા દીધી નથી.”
કિશન બોલ્યો, “કઈ વાતની જાણ પિતાજી?”
સબ ઈ. સુબોધે કહ્યું, “બેટા. આપણે બાર દિવસ માટે બહારગામ જવાના છીએ. એ વાતની તારા મમ્મીએ તને જાણ થવા દીધી નથી.”
કિશને રિસાઈને કહ્યું, “આપણે બહારગામ જવાના છીએ? અને મમ્મી તેં આ વાત મારાથી છુપાવી રાખી?”
ઉન્નતિએ આંખમાં આવેલા અશ્રુઓને લૂછતા કહ્યું, “બેટા, તારા પિતાજીને રજા ન મળી હોત તો આપણો બહારગામ જવાનો પ્રોગ્રામ કેન્સલ થઇ ગયો હોત એવી હાલતમાં તેં આખુ ઘર માથે લીધું હોત.”
કિશને કંઈક વિચારીને કહ્યું, “પણ મારી સ્કૂલ? અઠવાડિયા પછી અમારી સ્કૂલમાં પરીક્ષા શરૂ થવાની છે.”
સબ ઈ. સુબોધે કહ્યું, “બેટા, તેની ચિંતા કરીશ નહીં. મેં તારા પ્રિન્સિપાલને ધમકાવીને કહી દીધું છે કે, જુઓ સાહેબ મારે મારા દીકરા જોડે આ બાર દિવસ સાથે રહેવાનું છે તેથી એ સ્કૂલમાં નહીં આવે અને હા, તેની પરીક્ષા પણ તમે જ આપી દેજો.”
કિશને કહ્યું, “તેઓ માની ગયા?”
ઉન્નતિએ કહ્યું, “બેટા, તારા પપ્પા પોલીસવાળા છે એટલે તારા પ્રિન્સિપાલ એમની વાતને કેવી રીતે ટાળી શકે? તેમને આ શહેરમાં રહેવું છે કે નહીં.”
આ સાંભળી કિશન ખિલખિલાટ હસી પડ્યો.
ઉન્નતિ અને સબ ઈ. સુબોધ એકમેકને શૂન્યમનસ્ક નજરે જોઈ રહ્યા.
કિશને તેના માતાપિતાનો હાથ પકડતા પૂછ્યું, “મમ્મી પપ્પા, તમે સાચે જ મને છોડીને નહીં જાઓ ને?”
સબ ઈ. સુબોધે રૂંધાયેલા સ્વરે કહ્યું, “બેટા, અમે ક્યાં તને છોડીને જઈ રહ્યા છીએ!!!”
ઉન્નતિ બોલી, “ચાલ બેટા, સુઈ જા. હવે તારા પપ્પા ક્યાંય જવાના નથી. તેથી સાંજે એમની સાથે ખૂબ વાતો કરજે.”
કિશને કહ્યું, “પિતાજી, આ બાર દિવસ આપણે ખૂબ મજા કરીશું.”
સબ ઈ. સુબોધે
કહ્યું, “હા બેટા.”
કિશને કહ્યું, “પિતાજી, આપણે આપણી સાથે મારા ડોગી વોગીને પણ લઇ જઈશું ને?”
સબ ઈ. સુબોધે આશ્ચર્યથી ઉન્નતિ તરફ જોયું. ઉન્નતિએ કહ્યું, “હા બેટા, આપણે તારા રમકડાના ડોગીને પણ આપણી સાથે લઈ જઈશું.”
કિશને કંઈક વિચારીને કહ્યું, “પિતાજી, હું મારા અભ્યાસના પુસ્તકો પણ મારી સાથે લઈ લઇશ.”
સબ ઈ. સુબોધે કહ્યું, “કેમ?”
કિશને કહ્યું, “તમે નહીં સમજો પિતાજી, જો હું પ્રેક્ટીસ નહીં કરું ને, તો પેલો વિનય મારાથી આગળ નીકળી જશે.”
સબ ઈ. સુબોધે કહ્યું, “પણ બેટા, તારી પરીક્ષા તો પ્રિન્સિપાલ સાહેબ આપવાના છે ને.”
કિશને કહ્યું, “હા પણ એ તો ફક્ત આ વખતે જ ને, ત્યારબાદ જે પરીક્ષા આવશે તેનું શું?”
સબ ઈ. સુબોધે કહ્યું, “હા બાબા, હા, તું તારા અભ્યાસના પુસ્તકો પણ સાથે લેજે. બસ.”
કિશન થોડીવાર ચુપચાપ પથારીમાં પડી રહ્યો. સબ ઈ. સુબોધે તેના માથે હેતથી હાથ ફેરવતા તેણે આંખો મીંચી. અચાનક કંઈક યાદ આવતા કિશને ફરી આંખો ખોલીને પૂછ્યું, “પિતાજી, આપણે મારા નવા કપડાં પણ સાથે લઈશું ને?”
સબ ઈ. સુબોધે કહ્યું, “હા, આ બાર દિવસ તું નવા નવા કપડાં જ પહેરજે.”
કિશન બોલ્યો, “મજા આવશે. પરંતુ બહાર તમે મને આઈસ્ક્રીમ તો ખાવા દેશો ને?”
સબ ઈ. સુબોધે કહ્યું, “આઈસ્ક્રીમ, પીઝા, બર્ગર તારે જે ખાવું હોય તે ખાજે. આ બાર દિવસ આપણે બસ મજા જ મજા કરવાની છે.”
કિશને કહ્યું, “પિતાજી, આપણે ટ્રેનમાં ખૂબ ધમાલ મસ્તી કરીશું. અમે સ્કૂલની પિકનિકમાં જયારે જઈએ છીએ ત્યારે રસ્તામાં અંતાક્ષરી રમીએ છીએ. આપણે પણ ટ્રેનમાં અંતાક્ષરી રમીશું ને?”
સબ ઈ. સુબોધે હકારમાં માથું હલાવ્યું. ઉન્નતિએ પાલવને મોઢા પર દબાવી એક તરફ મોઢું ફેરવી લીધું.
કિશન આગળ બોલ્યો, “મારો દોસ્ત કહેતો હતો કે ટ્રેનમાંથી બારી બહારના દ્રશ્યો ખૂબ સુંદર દેખાતા હોય છે. વૃક્ષો, ડુંગરો આંખ સામેથી ખસતા જોવાની ખૂબ મજા આવે છે. એ કહેતો હતો કે તેને જોઇને એમ લાગે છે કે જાણે આપણે નહીં પરંતુ તેઓ જ આપણને છોડીને દુર જઈ રહ્યા છે.”
ઉન્નતિએ કિશનના મોઢા પર હાથ મુકતા કહ્યું, “ચુપ બેટા. આમ ન બોલીશ.”
અચરજથી કિશન બોલ્યો, “કેમ શું થયું મમ્મી? ખરેખર, ટ્રેનમાંથી આમ જ દ્રશ્યો દેખાતા હોય છે.”
બોલી બોલીને થાકેલા કિશનની આંખો હવે ઉંઘથી ઘેરાવા લાગી હતી તેણે ફરી એકવાર ખાતરી કરવા સબ ઈ. સુબોધને પૂછ્યું, “પિતાજી, તમે આ બાર દિવસ મારી સાથેને સાથે જ રહેશો ને? પછી હંમેશની જેમ કોઈ બહાનું કાઢીને તમે મને છોડીને જતા તો નહીં રહો ને?”
સબ ઈ. સુબોધથી હવે રહેવાયું નહીં તેમની આંખોમાંથી અશ્રુ વહી આવ્યા. વેદનાને હ્રદયમાં સમાવવા તેમણે પોતાની આંખો મીંચી દીધી ત્યાં તો તેમના મન:ચક્ષુ સામે આખી ટ્રેન ખડી થઇ ગઈ!!! બાર દિવસના પ્રવાસનો સામાન લઈને તેઓ તેમના વહાલા દીકરા કિશન સાથે આનંદથી એ ટ્રેનમાં ચડતા જ હતા ત્યાં પ્લેટફોર્મ પર કાળા કપડાં પહેરીને ઉભેલા ડોક્ટરને જોઇને તેમણે આશ્ચર્ય થયું. ડોક્ટરને આવા પોશાકમાં ઉભેલા જોઈ ટ્રેનમાં ચડવાને બદલે તેઓ તેમની નજદીક ગયા. યમદૂત સમાન દેખાતા એ ડોકટરે પોતાના હાથમાંનો રીપોર્ટ સબ ઈ. સુબોધને દેખાડી કલાક પહેલા તેમને કહેલો સંવાદ ફરી કહી સંભળાવ્યો, “ઇન્સ્પેકટર સુબોધ, તમારા દીકરા કિશનનું બ્લડ કેન્સર લાસ્ટ સ્ટેજ ઉપર છે. અમે ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ મને એ કહેતા દુઃખ થાય છે કે તે વધારેમાં વધારે બાર દિવસ સુધી જ જીવિત રહી શકશે. તમે જાણો છો બેભાન અવસ્થામાં પણ કિશન એક જ વાતનું રટણ કરતો હતો કે, મારા પિતાજી આવ્યા? મારા પિતાજી આવ્યા? તમારા દંપતિના સબંધોમાં નિર્માણ થયેલી કડવાશે તમારા દીકરા કિશનના મસ્તિષ્ક પર માઠી અસર કરી છે. કદાચ તેની ગંભીર બીમારીનું કારણ તેની આ મન:સ્થિતિ જ છે.”
કલ્પનામાં ખડી થયેલી ટ્રેનની તીણી સિટીના અવાજ સાથે સબ ઈ. સુબોધની કલ્પનાની પાંખો તૂટી અને તેઓ વાસ્તવિકતાની ધરતી પર આવી પછડાયા. હોસ્પિટલના બીછાને પોઢેલા કિશનના માથા પર વહાલથી હાથ ફેરવી તેઓ બોલ્યા, “બેટા, ટ્રેનમાં તો આપણે નહીં જઈ શકીએ પરંતુ આ બાર દિવસ હું અને તારી મમ્મી તારી સાથેને સાથે જ રહેવાના છીએ.”
કિશને હર્ષથી કહ્યું, “મમ્મી પપ્પા, તમે સાચે જ મને છોડીને નહીં જાઓ ને?”
સબ ઈ. સુબોધે રડમસ સ્વરે કહ્યું, “બેટા, અમે ક્યાં તને છોડીને જઈ રહ્યા છીએ. પરંતુ...”
ઉન્નતિના મુખમાંથી ધ્રુસકું સરી પડ્યું.
સબ ઈ. સુબોધની આંખમાંથી અવરિત અશ્રુઓ વહી રહ્યા.
કિશન બોલ્યો, “પરંતુ શું પિતાજી???”
સબ ઈ. સુબોધે કિશનને બાથમાં ભીંસી વહાલથી ચુમી લેતા કહ્યું, “સોરી બેટા, તારા આ પિતાજીને માફ કર. મને માફ કર.”
ઉન્નતિ પણ ચોધાર આંસુએ રડી પડી.
કિશન સબ ઈ. સુબોધને ભેટી પડતા બોલ્યો, “પપ્પા, તમે મને આમ સોરી ન કહો. આપણે ટ્રેનમાં ક્યાંય જવાના નથી તેનો મને જરાયે અફસોસ નથી. તમે મારી સાથે રહેશો એ આશાએ જ હું ટ્રેનમાં જવા માંગતો હતો પરંતુ જયારે તમે નોકરીમાંથી બાર દિવસની રજા લઈને મારી સાથે જ આ હોસ્પિટલમાં રહેવાના છો ત્યારે મને બીજું શું જોઈએ? ખરેખર, મારા જીવનના યાદગાર બની રહેશે આ બાર દિવસ.”
(સમાપ્ત)