બાઈનું પોલકું
બાઈનું પોલકું
આલાપ ઘરમાં પ્રવેશ્યો અને પોતાની મા દિવ્યાંશીને ( બાઈને ) જોઈને બોલ્યો, આજે બહુ જ થાક્યો છું બાઈ. બાઈ ત્યાં જ બોલ્યા, આલાપ તું હાથ પગ ધોઈ લે, કપડાં બદલ. હું જમવાનું પિરસું છું. જમી લે પછી તારા માથામાં તેલ નાખી આપું એટલે તારો થાક ઉતરશે. પછી તું શાંતિથી સૂઈ જજે.
આલાપનું ઘડિયાળ ત્યાં જ રણક્યું. પરોઢના છ વાગ્યા હતાં. ઉઠતાની સાથે આખા ઓરડામાં આલાપની નજર બાઈને શોધતી હતી. આલાપે એક નિરાશાનો નિસાસો નાખ્યો. ઓશીકાના નીચે હાથ સરકાવીને બાઈનું પોલકું હાથમાં લીઘું અને છાતીએ લગાવ્યું.
આલાપ ને ફરી હકીકતનો અહેસાસ થયો કે દેવગતી પામ્યાને બાઈને પાંચ વર્ષ થયા. પરંતુ આજે પણ એનો થાક બાઈ માથામાં તેલ નાખીને જ ઉતારે છે. પ્રત્યેક મા પોતાના બાળકને ગર્ભથી લઈને એમના મૃત્યુ પછી પણ નિ:સ્વાર્થ પ્રેમ જાળવી રાખે છે. આ વાત સાચી છે ને! વિચાર કરજો એક વાર.