અવિસ્મરણીય પહેલો પ્રેમ
અવિસ્મરણીય પહેલો પ્રેમ
નઝમાને વરસાદ એટલો ગમતો કે ન પૂછો વાત,નઝમા વરસાદને જોઈ બાળક બની જાતી,એની તેને પણ ખબર ન રહેતી. વર્ષ પહેલાં એ અને રવિ પહેલાં વરસાદમાં મળેલા,બંને મન મૂકી ભિંજાઈ ગયેલા,બંને યુવાનીના આવેશમાં આવી શાનભાન ભૂલી બેઠેલા...તેઓના પ્રેમસબંધને કોઈ નામ મળી શકે તેમ નો'હતું,એનું કારણ બે ધર્મ વચ્ચે નડતરરુપ દિવાલ...જેના કારણે બેઉ એક ન થઈ શક્યા.
નઝમાના પરિવારને આ પ્રેમપ્રકરણની ખબર પડી તો તેના રાતોરાત નઝમાના જબરજસ્તીથી નિકાહ એમની પસંદગીના છોકરા અહેઝાઝ સાથે કરાવી દીધા. નઝ્માની કંઈ જ વાત સાંભળવામાં ન આવી.
તો અહીં રવિના લગ્ન પણ જબરજસ્તીથી તેના પરિવારે તેમની જ્ઞાતિની છોકરી સાથે કરાવી દીધા. બેઉના સજાવેલા સપનાં પળમાં વિખરાઈ ગયાં,બંનેના રસ્તા અલગ થઈ ગયા. બંનેની મંઝિલ પણ...પણ સમય સંજોગ બધું જ ભૂલાવી દે છે. આમને આમ જીવનરુપી ડાયરીના પન્નામાં ખાટીમીઠી યાદોને લખતાં ગયાં પણ જૂની યાદને બેઉએ હૈયે હજીયે અકબંધ રાખી છે, મોસમ બદલાય છે. પહેલા "વરસાદની બુંદો"જોઈ બેઉથી અકાળે રડાઈ જવાય છે.

