nayana Shah

Tragedy

4  

nayana Shah

Tragedy

અતિની ગતિ નહીં

અતિની ગતિ નહીં

7 mins
627


જાનકીના મોં પર ખુશી છવાયેલી હતી. અને કેમ ના હોય ! એની પસંદગીનું ઘર બન્યું હતું અને આજે એનું વાસ્તુપૂજન હતું. જાનકી દરેકને પોતે કેટલો જાતે રસ લઈને ઘર બંધાવ્યું એ સમજાવી રહી હતી. વાસ્તુશાસ્ત્રનો મારો અભ્યાસ પણ ઘણો છે તેથી જ વાસ્તુશાસ્ત્રને મેં મારો વ્યવસાય બનાવ્યો છે.

મારી દીકરીના લગ્ન કરવાનું નક્કી કર્યું કે મેં એની સૂવાની જગ્યા બદલી કાઢી. એના પગ વાયવ્ય દિશા તરફ રાખી સૂવાનું કહ્યું અને તરત એના લગ્ન થઈ ગયા. આ મારા ઘરમાં ઇશાન ખૂણામાં દેવની દિશા છે. તેથી ત્યાં મેં પૂજાની ઓરડી બનાવી છે. અગ્નિ ખૂણામાં રસોડું છે, ત્યાં જ ઇલેક્ટ્રિક સાધનો રાખવાની સગવડ કરી છે. નૈઋત્ય દિશામાં જ મેં બેઠક ખંડ અને ખુલ્લી જગ્યા રાખી છે. વાયવ્ય ખૂણામાં તો સ્ટાેરરૂમ અને ટોયલેટ હોય એ સ્વાભાવિક છે. મારો મુખ્ય દરવાજો પણ વાયવ્ય અને ઈશાન વચ્ચે છે. મેં તો ઝીણીઝીણી બાબતોનું ઘણું ધ્યાન રાખ્યું છે.

વાસ્તુશાસ્ત્રની રીતે આ ઘરમાં ક્યાંય કશી જ ખામી નથી. બાકી મારા જ એક 'કલાયન્ટ'ની વાત કરું તો બંને વચ્ચે પુષ્કળ ઝઘડા ચાલતા હતા. અરે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી. પરંતુ મેં જઈને જોયું કે સૂવાની રૂમમાં અરીસો છે. મેં માત્ર એટલું જ કહ્યું કે અહીં પડદો કરી દો અને તમે માનસો, બંને જણા વચ્ચેનો અણબનાવ દૂર થઈ ગયો. આજે એમને ત્યાં એક બાબો પણ છે. સુખી દાંપત્ય જીવન છે . જાનકીએ ધર ખરેખર સુંદર બનાવ્યું હતું. એની પસંદગી ખૂબ સારી હતી. ઘરમાં નાની-નાની વાતોનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

પુત્ર આશિષ પણ એન્જિનિયર હતો. ખૂબ જાણીતી કંપનીમાં ઊંચા પગારે નોકરી કરતો હતો. પુત્રી પણ ઘણા સુખી ઘરમાં પરણી હતી. લાગતું હતું કે જિંદગીમાં ક્યાંય કંઈ જ કમી નથી. કોઈપણ વ્યક્તિ સંપૂર્ણ રીતે સુખી હોતું જ નથી અને દરેક વ્યક્તિ સુખ શોધવા માટે ફાંફા મારતું જ હોય છે. એ ન્યાયે જાનકીનું વાસ્તુશાસ્ત્ર ખૂબ ચાલતું હતું. લોકો સુખ પાછળ ફાંફા મારે જ જતા હોય છે અને એનો લાભ મોટેભાગે જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્રવાળા ઉઠાવી લેતા હોય છે .જો કે ક્યારે ફાયદો થતો પણ હશે. જાનકીની વાસ્તુશાસ્ત્રની સલાહ આપવાની ફી તગડી હતી. પતિ તો વકીલ હતો જેની વકીલાત પુષ્કળ ચાલતી હતી. પુત્ર એન્જિનિયર હતો. પૈસા જોઈએ એના કરતા ઘણાે વધારે આવી રહ્યો હતો. હવે જાનકીની ઈચ્છા એક જ હતી કે પુત્ર આશિષ માટે ખૂબ સારી કન્યા મળી જાય. 

જાનકી એવી પુત્રવધૂની તલાશ હતી કે જે વ્યવસાયમાં પડી હોય. ઘરમાં બેસી કોમ્પ્યુટર પર કામ કરતી હોય જેથી પુત્રવધૂ ઘરમાં જ રહે. ઘરમાં વસતી રહે. જાનકીએ એની કિટી પાર્ટીમાં, વાસ્તુશાસ્ત્રના ક્લાઈન્ટોમાં બઘે વાત વહેતી મુકેલી કે,  'સંસ્કારી, ઠરેલ, ભણેલી-ગણેલી કન્યા હોય તો બતાવજો.'

જો કે દરેક વખતે દરેક વ્યક્તિને પોતાની ઇચ્છાપૂર્તિ થાય એ જરૂરી હોતું નથી. એક દિવસ આશિષે આવીને

એની મમ્મીને કહ્યું, "મારા ખાસ મિત્રની બહેન મને ગમે છે, તને બતાવવા માટે લઈ આવ્યો છું."

જાનકી જાણતી હતી કે વડીલોએ પોતાનું માન જાળવવું હોય તો દીકરાને "ગમી ?" પ્રશ્નનનાે જવાબ ખુશીથી "હા" જ આપવાે નહીં તો એ જ પુત્ર એ જ છોકરીને ઘરમાં લાવશે અને કંકાસનો આરંભ થશે. અત્યારે મારું માન જાળવવા પૂછે છે. બાકી એ પ્રશ્નાર્થ નથી પણ પૂર્ણવિરામ છે કે મને ગમી તું ગમાડ."

ધિમહી પુત્રવધૂ તરીકે પસંદ કરતા પહેલાં એને કેટલાય પ્રશ્નો પૂછવાનું જાનકીને મન હતું, પણ જ્યારે દીકરાને જ પસંદ છે તે ઉપરાંત એ જ્ઞાતિની જ છે માટે ના પાડવાનો સવાલ જ ન હતો. કુટુંબ પણ જાણીતું હતું.

ધિમહી ડાન્સના ક્લાસ ચલાવતી હતી. ચિત્રાે પણ દોરતાં બાળકોને શીખવાડી હતી. ડાન્સમાં એ એમ. મયુઝ થઈ હતી. ચિત્રાે તો ખૂબ સારા દોરતી હતી. જે એને માેસાળ તરફનો વારસો હતો. 

લગ્ન બાદ જાનકીએ ધિમહીને કહી દીધું કે તારે ડાન્સના ક્લાસ ચલાવવા હોય તો એનો સમય બદલી કાઢ. મારો દીકરો આવે એ સમયે ઘેર જ રહેવાનું. ચિત્રો શીખવા બાળકો ઘરે આવે તો એમના આવતાં પહેલા અને એમના ગયા બાદ કચરા-પોતા તારે કરી લેવાના. હું સ્વચ્છતાની પુષ્કળ આગ્રહી છું. 

થોડો સમય તાે ધિમહી સાસુનું ધાર્યું કરતી રહી, કલાસનો સમય બદલવાથી વિદ્યાર્થીનીઓ ઓછી આવવા લાગી. આવક ઓછી થઈ ગઈ એ ધિમહીને ગમતું ન હતું. પિયરથી નજીક રહેનાર વિદ્યાર્થીઓ જે ચિત્ર શીખવા આવતા હતા એમને ધિમહીનું સાસરું ઘણું દૂર પડતું.

ધીરે ધીરે ક્લાસ બંધ કરવા પડયા. ચિત્રો માટે વિદ્યાર્થીઓ પણ ઓછા આવવા લાગ્યા .ધિમહીએ એ માટે છાપામાં જાહેરાત આપી કે ટૂંક સમયમાં ડાન્સ ક્લાસ અને ચિત્રોના વર્ગ ચાલુ થશે. પણ જોઈએ એવો પ્રતિભાવ સાંપડ્યો નહીં. ધિમહી ઉદાસ રહેવા લાગી. આશિષ સમજાવતો હતો કે વ્યવસાયમાં આવા ચડઉતર આવ્યા જ કરે અને આપણે પૈસાની કયાં કમી છે ? તું કંઈ પણ નહીં કરે તો પણ અમને કંઈ જ ફરક પડવાનો નથી. પણ ધિમહીને લાગતું કે તેનું જ્ઞાન કટાઈ જશે. 

ધિમહી ઘરમાં વધુ વખત રહેવા લાગી. જાનકી તો વાસ્તુશાસ્ત્રના વ્યવસાય અર્થે બહાર નીકળી જતી. ધિમહી ઘરમાં રહેતી એટલે એને સલાહસુચનાે આપતી. આપણા બગીચામાં આટલા બધા ફૂલો થાય છે. દરરોજ ગજરો બનાવીને માથે નાખતી હોય તો ! અને સાંભળ સાંજ પડે ત્યારે તારે "વેલડ્રેસ" રહેવાનું. મારા દીકરાની આંખોને જોવું ગમે તેવું તૈયાર થઇને રહેવાનું. ક્યારેક ખૂણેખાંચરે રહેલી ધૂળ બતાવીને કહેતી, 'આવા ફુવડવેળા મને પસંદ નથી. આ ઘરમાં આવી વાત હું ચલાવી જ ના લઊં. હું ઘરનું અને બહારનું બધુંય કામ કરું છું. હંમેશ "વેલડ્રેસ" રહું છું. હંમેશા મારા માથે ગજરો પણ હોય છે. આ બધું હું સહજ રીતે કરું છું અને છતાંય મારી પાસે સમય હોય છે. સ્ત્રીઓએ સવારે ઊઠી પરવારી સૂર્યપૂજા કરવાની એ આ ઘરનો નિયમ છે. કયારેક કહેતી, "જો આજે ગુરુવાર છે. ગુરૂવારે સૂર્યોદય પહેલાં હાથપગના નખ કાપી કાઢવાના. પછી જો આખું અઠવાડિયું કેટલું સરસ જાય છે !" 

ધિમહી વિચારતી કે નખ કાપવાને અને અઠવાડિયું સારું જવાને કંઇ જ સંબંધ નથી. હા, એ વાત સાચી છે કે અઠવાડિયે એક વાર નખ કાપવા જોઈએ. ધિમહીને જે દિવસે ઊઠતાં મોડું થતું એ દિવસે આડકતરી રીતે કેટલાય મહેણાં મારતી. જાનકી અને ધિમહી વચ્ચેનું અંતર વધતું જતું હતું. ઘણીવાર ધિમહીને થતું કે એ કહી દે, "મમ્મી, હું ભણીને તરત પરણી ગઈ છું. મને મ્હેણાંટાેણાં મારવાને બદલે તમે તમારી દીકરીની જેમ પ્રેમથી સમજાવી પણ શકો છો."

ધિમહીએ આખરે સાસુને પૂછ્યા વગર જ નોકરી ચાલુ કરી દીધી. શરૂઆતમાં તો કહ્યું કે હું થોડા દિવસ પિયર રહેવા જવું છું ત્યાં જ એણે નોકરી શોધી લીધી. એક દિવસ જાનકીએ ધિમહીને પિયર ફોન કર્યો ત્યારે એની મમ્મીએ કહ્યું, "ધિમહી નાેકરીએ ગઈ છે." 

સાંજે જાનકીએ આશિષને નોકરી બાબતે વાત કરી ત્યારે આશિષે કહ્યું, "હા, પણ હજી તો એને ત્યાં ફાવશે તો જ નોકરી કરશે, નહીં તો છોડી દેશે. નક્કી થાય પછી હું તને કહેવાનો જ હતો. પણ હજી કંઈ નક્કી નથી."

જાનકી સમજી ગઈ કે એનાથી વાત છુપાવવામાં આવી છે, પણ પોતે ચૂપ રહી. થોડા દિવસ બાદ આશિષે કહ્યું, "મમ્મી, હવે ધિમહીને નોકરીમાં ફાવી ગયું છે." ધિમહી સાસરે આવી ત્યારે સાસુ વહુમાં મનદુઃખ ઘણું વધી ગયું હતું. જાનકી વારંવાર કહેતી હું સંપૂર્ણતાની આગ્રહી છું. ઘર ચકાચક જોઈએ ક્યાંય કશી ધૂળ ના જોઈએ. 

ધિમહી સાસુથી કંટાળી ગઈ હતી. ઘણી વાર કહેવાનું મન થતું કે ,"જે ઘરમાં નારીનું સન્માન કરવામાં આવે છે ત્યાં દેવતાઓનો નિવાસ કરે છે અને દરેક પરિવારનું કેન્દ્ર નારી હોય છે. ગૃહિણી ખુશ ના હોય એ ઘરમાં ખુશીની આશા રાખી જ ના શકાય. તમને તો વહુને દીકરી બનાવીને રાખતાંય આવડયું નથી.  ઓફિસના કામમાં મોડું થાય તો થાકીને સવારે ઊઠતાંય મોડું થાય તો રાત્રે પહેરેલા ગાઊનમાં નીચે આવી જાય તો સાસુ માેં બગાડતા બોલતી કપડાં તો ઢંગનાં પહેરવા જોઈએ. 

ધિમહીની સહનશકતી ધીમે ધીમે ઓછી થતી ગઈ. ઘરમાં કામ કરનાર બાઈ પાસે વધારાનું કામ, ઝાપટઝુપટ કરાવી શકાય છે. કારણ કે ઘરમાં આવક ઘણી છે. જેટલા માણસો છે એટલા જ કમાવનાર છે. પૈસાને કારણે ઝઘડા થતા હોય છે.અહીં આવક ઘણી છે તો મનદુ:ખ શા માટે ? 

ધિમહી એ આશિષે વાત કરી તાે આશિષ બોલી ઉઠ્યાે, "ધિમહી, ઘરની કોઈ પણ વાત મારી પાસે કરવાની નહીં. તારે મમ્મીનું કહ્યું માનવું હોય તો માનવાનું , ના માનવું હોય તો નહિ માનવાનું, તું જાણે ને મારી મમ્મી જાણે'. 

રસોઈમાં પણ અમુક રીતે જ રસોઈ બનાવવાની. મંગળવારે કંસાર, બુધવારે મગ, ગુરુવારે ચણા, રવિવારે દૂધપાક, એમાં કંઈ પણ ભૂલચૂક થવી ના જોઈએ. કયારેક કોઈ ચીજ રહી જાય તો સાસુનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જતો. ઘરમાં સ્મશાનવત શાંતિ ફેલાઈ જતી. જાણે કે યુદ્ધ પહેલાં શાંતિ. ક્યારેક મમ્મીની વધુ પડતી ચોકસાઈ જોઈ આશિષ બોલી ઊઠતાં, "મમ્મી, ક્યારેક અસ્તવ્યસ્ત ઘર પણ સારું લાગે. પૂર્ણતા સારી છે પણ એનો અતિરેક શા માટે ? સાત દિવસમાં જુદી-જુદી વાનગીઓ બને એની પાછળ તો હેતુ એ છે કે બધી જાતના વિટામિન્સ તમારા શરીરને મળી રહે. ધર્મ તો હંમેશા મહાન હોય છે અને ધર્મને વિજ્ઞાન સાથે જોડી દેવામાં આવે છે. જાનકી આશિષ સામે જોઈ ગુસ્સાથી બોલી,"હવે તને પણ પાંખો આવી ગઈ છે."

"મમ્મી, મને ઘરની કોઈ વાતમાં રસ નથી. પરંતુ તું ધિમહી વિશે બોલે, ધિમહી તારા વિશે બોલે, મને ફરિયાદ કરે તો મારે શું કરવું ? માણસને ઘરમાં શાંતિ જોઈએ. નહીં કે લડાઈ ઝઘડા. ડ્રોઇંગરૂમમાં તે પિરામીડની ડિઝાઇન કરી પણ એનાથી શું ફાયદો ? ખરેખર માનસિક શાંતિ મળે છે ? 

દિવસે-દિવસે સાસુ-વહુ વચ્ચે અંતર વધતું જતું હતું. કયારેક જાનકી કહેતી, "જો તારા માથામાં ખોડો લાગે છે. તું બરાબર સાચવતી નથી. આજે શનિવારે માથે તેલ કેમ નાખ્યું ?"

ધિમહીને કહેવાનું મન થતું મમ્મી, આ બધી માન્યતાઓ તમે તમારી પાસે રાખો. મને તમારી જેમ પૂર્ણતાનો આગ્રહ રાખવો નથી ગમતો. ધિમહીની ફરિયાદ આશિષ સાંભળતો ન હતો કે ન તો એની મમ્મીની ફરિયાદ. દિવસે દિવસે મનદુ:ખમાંથી ઝઘડાઓએ ઉગ્ર સ્વરૂપ લઇ લીધું અને છેવટે ધિમહીએ કંટાળીને કહી દીધું, "આશિષ, આ ઘરમાં રહેવું મારે માટે શક્ય નથી, હવે આપણે બંને છૂટાછેડા લઈ લઈએ તો બંને જણા શાંતિથી જીવી શકીશું." અને ધિમહી કાયમ માટે પિયર જતી રહી. 

સમાધાન કરાવવા જાનકી ધિમહી પાસે ગઇ ત્યારે ધિમહીએ કહ્યું, "મમ્મી, પૂર્ણતા ભલે તમને સારી લાગતી હોય, પણ ચંદ્રમાં પૂર્ણ રૂપ ધારણ કરે છે ત્યારે એમાં ડાઘ દેખાય છે. સૌંદર્ય તો બીજના ચાંદનું પણ છે અને ચૌદસના ચાંદનું પણ છે. વાસ્તુશાસ્ત્ર સારું છે એમાં બેમત નથી, પણ મુખ્યવાત મનુષ્ય જો એનો સ્વભાવ ના સુધારે તો એને વાસ્તુશાસ્ત્ર તો ઠીક ખુદ ભગવાન પણ મદદ ના કરી શકે. હવે સમાધાનની કોઈ શક્યતા નથી. પરંતુ જતાં જતાં મારી વાત સાંભળતા જાવ કે જ્યાં અતિરેક થાય ત્યાં અતિરેકનો ત્યાગ કરવો. તમારો દીકરો વધારે પડતો વિવેકી અને સંસ્કારી હતો જે માને કે પત્નીને કંઈ કહી શકતો ન હતો. એનામાં અતિ વિવેક હતો. મમ્મી, જતાં-જતાં સાંભળી લો કે અતિના આગ્રહી હંમેશાં દુઃખી થાય છે. તેથી જ કહેવાય છે કે અતિની ગતિ નહીં. અને સંસ્કૃતમાં પણ કહેવાયું છે કે "અતિ સર્વત્ર વર્જયેત્"


Rate this content
Log in

Similar gujarati story from Tragedy