Rohit Kapadia

Drama Thriller

4  

Rohit Kapadia

Drama Thriller

અષાઢની મેઘલી રાત

અષાઢની મેઘલી રાત

7 mins
1.0K


"અશેષ,આ અષાઢની મેઘલી રાતનું તોફાન હર પળ વધી રહ્યું છે. બારે મેઘ ખાંગા થયાં છે. ચારે બાજુ કેડ સમાણા પાણી ભરાયાં છે. આખી સોસાયટી પાણીમાં તરી રહી હોય એવું લાગે છે આપણે પણ આપણા બંગલામાં નીચેના માળેથી ઉપર આવી ગયાં છીએ. કંઈ કેટલીયે મહેનતથી સજાવેલું આપણું રાચ-રચીલું પાણીમાં તણાઈ ગયું છે. જો આવો જ વરસાદ ચાલુ રહેશે તો પાણી ઉપર આવી જશે અને આપણી પાસે બચવાનો કોઈ ઉપાય નહીં રહે. લાઈટ પણ ઉડી ગઈ છે. આ વીજળીનાં ચમકારા અને વાદળોની ગર્જના વાતાવરણને વધુ ભયાનક બનાવે છે. આવી જ એક મેઘલી રાતે. . . . . કંઈ નહીં. જવા દે. મને બહુ ડર લાગે છે. મારો હાથ પકડી રાખજો. "આશાની વાત સાંભળીને અશેષે થોડી હળવાશથી કહ્યું "ગાંડી,આટલી બધી ગભરાય છે શા માટે ?આપણે બંને સાથે હોઈએ ને મૃત્યુ આવી જાય તો એનાથી રૂડું શું ?ને જો જીવી ગયાં તો આપણે સાથે મળીને ફરી એક વાર આપણો બંગલો નવેસરથી સજાવીશું. કદાચ,ઈશ્વર આપણાં બંગલાના રાચ-રચીલાથી ખુશ નહીં હોય એટલે જ એ વરસાદના બહાને બધું તાણી ગયો અને આપણને નવસર્જનની તક આપતો ગયો. જે પરિસ્થિતિમાં આપણે કંઈ કરી શકીએ એમ ન હોઈએ ત્યારે ઈશ્વરની મરજીને ચૂપચાપ સ્વીકારી લેવામાં જ ડહાપણ છે. જો વરસાદનું જોર પણ તારો ડર જોઈને ઓછું થઈ ગયું છે. થોડાં સમયમાં તો પાણી ઉતારવા પણ માંડશે. ખેર ! થોડી વાર આપણે ઉપર જ રહેવું પડશે. ચાલ,થોડી મીઠી મીઠી વાતો કરીએ. અરે હાં! તું કંઈ કહેતી હતી કે આવી જ મેઘલી રાતે. . . અને પછી તે વાત જવા દીધી. તો શું થયું હતું આવી કોઈ રાતે ? જો મને જણાવવામાં તને વાંધો ન હોય અને કહેવાથી તારા મનનો બોઝ હળવો થાય હોય એમ હોય તો જ કહેજે. "


       "અશેષ,એ વાત કહેવામાં ખચકાટ તો થાય છે, પણ તમારાં પ્રેમ આગળ મને દંભી રહેવાનું યોગ્ય નથી લાગતું. આજે મોત જ્યારે આટલું નજીકથી પસાર થઈ ગયું છે,ત્યારે હું જિંદગીની એ વાતને છુપાવવા નથી માંગતી. આમ પણ પાણી નહીં ઉતરે ત્યાં સુધી આપણે ઉપર જ રહેવાનું છે . તો ચાલ,મારો અતીત તારી પાસે ખુલ્લો કરું. આપણા લગ્નને પાંચ વર્ષ થઈ ગયાં. આ પાંચ વર્ષમાં તે મને અસીમ પ્યાર આપ્યો. મારી હર ઈચ્છા,હર ચાહત અને હર માંગણી તમે પૂરી કરી. લગ્ન પછીનાં શરૂઆતના મહિનાઓમાં તો હું તમારાં સાથથી અકળાતી અને દૂર રહેવાં ચાહતી. તમે ઘણીવાર પ્રેમથી સ્પર્શ કરવાં જતાં તો હું દૂર ખસી જતી. રાતે પણ આપણા વચ્ચે થોડું અંતર રહે તેમ હું ઈચ્છતી. તમને કદાચ મારી આવી વર્તણૂકથી તકલીફ તો થતી હશે, પણ તમે ક્યારે પણ મને કોઈ પ્રશ્ન કર્યો નહીં કે તમારી નારાજગી જતાવી નહીં. તમને વગર વાંકે સજા આપતાં મારું મન મને ડંખતું હતું, પણ હું લાચાર હતી. જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ મારામાં થોડો બદલાવ આવતો ગયો. તમારાં અવર્ણનીય પ્રેમે મને અતીતને ભૂલવામાં સફળતા આપી. મેં પણ પછી તો બધો સંકોચ દૂર કરી તમને સાચા દિલથી પ્રેમ કરવાં માંડ્યો. અલબત,આવી કોઈ અંધારી રાતે અતીત ફરી ટકોરા મારવાની કોશિષ કરતો,પણ હું તરત જ તમારામાં ખોવાઈ જતી. તો, સાંભળો મારાં અતીતની એ વાત. "


       "મધ્યમ આવક ધરાવતાં સુખી પરિવારની હું એકની એક દીકરી હતી. સાવ સામાન્ય કહી શકાય એવાં મારાં રૂપરંગ હતાં. જો કે પપ્પાના માટે તો હું પરી હતી. મારાં પપ્પા કર્મકાંડી બ્રાહ્મણ હતાં. સ્વભાવે થોડાં ગરમ પણ મારાં માટે તો સાવ જ ગાંડા હતાં. હું પાણી માંગુ તો મને દૂધ મળતું. ભણવામાં હું ખૂબ જ હોંશિયાર હતી. શાળાના મારાં દરેક સુંદર પરિણામે એમની છાતી ગજગજ ફૂલતી. ભણાવી ગણાવીને સુખ સંપન્ન પરિવારમાં પરણાવવાની એમની ઈચ્છા હતી. એ કારણે જ મારી મમ્મીની અનિચ્છા હોવાં છતાં એમણે મને કોલેજનાં અભ્યાસ માટે મુંબઈ મોકલી. આપણા શહેરમાં કોલેજ હતી પણ એમની ઈચ્છા તો મને શ્રેષ્ઠ કોલેજમાં ભણાવવાની હતી. હોસ્ટેલમાં રહીને મેં દિલથી ભણવા માંડ્યું. ચાર વર્ષના કોર્સમાં ત્રણ વર્ષ તો મેં બહુ જ જ્વલંત સફળતાથી પસાર કર્યા. ચોથા વર્ષનાઁ પ્રથમ છ મહિના પણ પસાર થઈ ગયાં. તે અરસામાં જ કોલેજનાં પચાસ વર્ષ પૂર્ણ થતાં હોવાથી એક સાંકૃતિક કાર્યક્રમ યોજાયો હતો. અત્યંત ભવ્ય રીતે આયોજન કરાયેલા આ કાર્યક્રમમાં કોલેજનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી અનુપે 'જિંદગી એક પડકાર' વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યું. પ્રભાવશાળી અવાજમાં એણે પોતાનાં વિચારો એટલાં ઊંડાણથી અને અસરકારક રીતે રજૂ કર્યા કે જિંદગીમાં પ્રથમવાર મારાં દિલમાં કોઈ છોકરા માટે ભીતરથી ભાવ ઉઠ્યા. કાર્યક્રમ પૂર્ણ થયાં પછી મેં અનુપને મળીને અભિનંદન આપ્યાં. પ્રથમવાર થયેલાં અમારાં નેત્ર-મિલનમાં જ પ્રેમના અંકુર ફૂટી નીકળ્યા. કોલેજનાં એ અંતિમ વર્ષના છેલ્લાં ચાર મહિનામાં અમે અનેક વાર મળ્યાં. અનુપ ખૂબ જ સંસ્કારી હતો અને તેથી જ સ્પર્શની ઇચ્છાથી દૂર અમે મળતા રહ્યાં અને એક-બીજાને સમજતા રહ્યાં. અનુપની જિંદગીની ફિલસૂફી, પ્રેમની પરિભાષા, ઈશ્વર અને ધર્મની ઊંડી સમજ મને વિચાર કરતાં મૂકી દેતાં. મેં અમારાં પ્રેમની અને જીવનભર માટે સાથે બંધાવાની વાત મારાં ઘરે કરી ન હતી. મુંબઈથી પાછાં ફર્યા બાદ મમ્મીની ઓથ લઈ પપ્પાને એ વાત કરી મનાવી લેવાશે એની મને ખાતરી હતી. અનુપ અમારી જ્ઞાતિનો ન હોવાથી પપ્પા નારાજ તો થશે પણ એની લાડકી દીકરી ખાતર માની પણ જશે એનો મને વિશ્વાસ હતો. જે દિવસે મારાં અંતિમ વર્ષની પરીક્ષાનું પરિણામ આવશે તે જ દિવસે પપ્પાને વાત કરવાની મારી ઈચ્છા હતી. ખેર! વિધાતાને કંઈક જૂદું જ મંજૂર હતું. હું મારી પસંદગીની વાત પપ્પાને કરું તે પહેલાં જ મારી કિસ્મતમાં અંધારું છવાઈ ગયું. મારો સ્વપ્નાનો મહેલ કડડભૂસ થઈને પડી ગયો.


         અષાઢની આવી જ મેઘલી રાત હતી. સવારથી અનુંપનો ફોન આવ્યો ન હતો તેથી હું બેચેન હતી. મારો ફોન પણ લાગતો ન હતો. મુંબઈથી પાછાં ફર્યા બાદ એકે દિવસ એનો ફોન આવ્યો ન હોય એવું બન્યું ન હતું. વરસાદ જેમ જેમ વધતો જતો હતો, મારું મન અમંગળ શંકાઓથી ઘેરાતું જતું હતું. રાતનાં અગિયાર વાગ્યાં હતાં તો યે ઊંઘ આંખમાં આવવાનું નામ લેતી ન હતી. ત્યાં જ ફોનની ઘટડી વાગી. મેં ખુશીથી પાગલ થતાં ફોન ઊંચક્યો. પણ એ ફોન અનુપનો નહીં પણ મારી કોલેજની મિત્ર વર્ષાનો હતો. અનુપનું એક ગમખ્વાર સ્કૂટર અકસ્માતમાં મૃત્યુ થયું છે તે સમાચાર આપવાં તેણે ફોન કર્યો હતો. ફોન પર એ સમાચાર સાંભળતા જ મારાં હોશકોશ ઉડી ગયાં. મારી સાથે વિધાતાએ ક્રૂર મજાક કરી હતી. જિંદગી મારાં માટે એક પ્રશ્ન બની ગઈ હતી. મમ્મી સિવાય મેં બીજા કોઈને આ વાત કરી ન હતી,તેથી મારું દુઃખ પણ મમ્મી સિવાય બીજા કોઈ પાસે વ્યક્ત કરી શકતી ન હતી. મમ્મીએ આ કપરા સંજોગોમાં મારો સાથ આપ્યો. ત્યાં જ તમારાં ઘરેથી મારાં હાથ માટે માંગુ આવ્યું. જ્યાં જીવવામાં જ મને રસ રહ્યો ન હતો,ત્યાં લગ્નની વાત તો મારી સમજની બહાર હતી. પપ્પાને જો છોકરો જોવાં માટે નાં કહીશ તો પપ્પા નહીં માને માટે એક વાર તું છોકરો જોઈ લે પછી પસંદ નથી એમ કહીને ના પાડી દે જે . મમ્મીએ મને એમ કહીને મનાવી લીધી. જો કે તમારી સાથે પ્રથમ મુલાકાત થઈ તે પછી એમ લાગતું હતું કે તમે સામેથી જ નાં પાડી દેશો. તમારી પાસે રૂપ,ગુણ અને સંપતિ ત્રણે ય હતાં, જ્યારે તમારી તુલનાએ હું ત્રણેમાં પાછળ હતી. પણ મારાં આશ્ચર્યની વચ્ચે તમારી હા આવી. મારાં માટે તો નાં પાડી શકવા માટે કોઈ કારણ જ ન હતું. અલબત,તમારી સાથેની એ પ્રથમ મુલાકાતમાં તમારાં વિચારો માટે પણ મને માન થયું હતું. મમ્મીએ' દુઃખનું ઓસડ દહાડા'એમ કહી મને સમજાવી લીધી. પછી તો આપણા લગ્ન થઈ ગયાં. એ પછીની બધી જ હકીકત મેં તમને જણાવી દીધી છે. અશેષ,અનુપ મારો પ્રથમ પ્રેમ હતો પણ અમે ક્યારે ય અમારી મર્યાદા ઓળંગી ન હતી. અમે તો એક-બીજાને સ્પર્શ પણ કર્યો ન હતો. શરૂ શરૂમાં હું એને ભૂલાવી શકી ન હતી,પણ લગ્નનાં છ મહિના બાદ તો તમારાં અસીમ પ્રેમમાં મેં એને લગભગ ભૂલાવી જ દીધો છે. આટલા વિસ્તારથી મેં વાત એટલે કરી કે તમે સચ્ચાઈને બરાબર સમજી શકો. આ વાત આટલા વર્ષ સુધી છુપાવી તે બદલ મને માફ કરવી કે નહીં એ હું તમારાં પર છોડું છું. હાં !મારાં આ ગુનાની તમે જે સજા આપશો તે મને મંજૂર છે. "


         રડતાં રડતાં અતીતની કથા કહેતી આશાને ગળે વળગાડીને પ્રેમથી એનાં માથા પર હાથ ફેરવતાં અશેષ હસીને બોલ્યો "આશા,તારી વાત સાંભળીને મને લાગે છે કે મારે તને સજા આપવી તો પડશે જ. પણ એ પહેલાં મારે પણ તને અતીતની એક ન કહેલી વાત કહેવી છે. અનુપ,તારો પ્રથમ પ્રેમ હતો,તો મારો એ ખાસ મિત્ર હતો. દસ વર્ષ પહેલાં અમે અહીં રહેવાં આવ્યાં, તે પૂર્વે હું અનુપની બાજુમાં જ રહેતો હતો. અમે બંને લંગોટિયા મિત્ર હતાં. અનુપે તારા વિષે મને બધું જ જણાવ્યું હતું. અષાઢની જે મેઘલી સાંજે એનો સ્કૂટર અકસ્માત થયો ત્યારે હું ઓફિસનાં કામે મુંબઈ જ હતો. સવારે જ અમે મળ્યાં હતાં,અને રાતે પાછાં મળવાના હતાં. અફસોસ ! અમે મળીયે તે પહેલાં તેનાં અકસ્માતનો ફોન આવ્યો. અનુપ મને યાદ કરતો હતો એ જાણીને હું ભાગતો હોસ્પિટલ પહોંચ્યો. અનુપના ઘરના બધાં જ અવાક થઈ ગયાં હતાં ને ઈશ્વરને પ્રાર્થના કરતાં હતાં. ત્યારે જ અનુપે મને પાસે બોલાવીને તૂટક તૂટક શબ્દોમાં કહ્યું "અશેષ,મારી જિંદગીની આ અંતિમ ઘડીઓ છે. તું તો આશા વિષે બધું જ જાણે છે. મારા વગર જીવવું એનાં માટે બહુ કપરું હશે. તું મને વચન આપ કે આશાને કંઈ પણ જણાવ્યા વગર તું એનો હાથ. . . . . . ને એણે મારો હાથ છોડી દીધો. બસ પછી તો મારાં ખાસ મિત્રને આપેલું વચન પૂરું કરવાં મેં તારો હાથ સામેથી માંગી લીધો. આશા ,હું તારાથી બહુ જ ખુશ છું. બોલ,હવે શું સજા આપું ?" અશેષને વળગીને આશા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. આશાને છાની રાખતાં અશેષ બોલી ઉઠ્યો "એય,બસ કર રડવાનું, નહીં તો તારાં આ આંસુઓથી ફરી પૂર આવી જશે. "અષાઢની એ મેઘલી રાત પ્રેમની પાવનતાથી મહેંકી ઊઠી. 

                                Rate this content
Log in

Similar gujarati story from Drama