JHANVI KANABAR

Tragedy Inspirational

4.5  

JHANVI KANABAR

Tragedy Inspirational

અપરાજિતા

અપરાજિતા

14 mins
1.0K


કોસ્મોસ હાઈસ્કુલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી વૈદેહિ શાળામાં યોજાયેલ વિજ્ઞાનમેળામાં વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પ્રેરણાત્મક કાર્ય કરવાની તેમજ દેશનું નામ રોશન કરવાની સ્પીચ આપી, સૌને અભિનંદન પાઠવી ઘર તરફ જવા નીકળી. શાળાના પ્રાંગણમાં ડ્રાઈવર કાર લઈ સજ્જ હતો. કાર ઘર તરફ ચાલવા લાગી. સાંજના પાંચ વાગ્યે ગરમ હવાની લહેરકી વૈદેહિના વાળને અસ્તવ્યસ્ત બનાવતી હતી. વૈદેહિ ક્યારેય કારની વિન્ડો બંધ ન કરતી. તડકો હોય કે પછી ગમે તેવી હવા હોય.... તેને બંધ કારમાં ગૂંગળામણ થતી. આમ તો આ ગૂંગળામણ સાથે તેને ખૂબ જૂનો સંબંધ હતો. પહેલા ગૂંગળામણ તકલીફ આપતી હતી પણ સમય જતા તેની આદત બની ગઈ હતી.... “ચાંદ કે સાથ કઈ દર્દ પુરાને નીકલે...” અચાનક જગજીત સિંઘની ગઝલ કાને પડતા વૈદેહિએ ડ્રાઈવરને અવાજ વધારવાની સૂચના આપી. ગઝલના શબ્દોએ જાણે વૈદેહિના ચિત્કાર કરતા હ્રદયની વાચા આપી. વિધાન સાથે થયેલ કંકાસ, દલીલો તેમજ ઘરેલું હિંસા બધુ જ નજર સામે એક પછી એક આવવા લાગ્યું. ત્યાં કાર અચાનક થંભી જતાં વૈદેહિ વિચારોના વમળથી બહાર આવી. જોયું તો ઘર આવી ગયું હતું. વૈદેહિએ ડ્રાઈવરને સવારે દસ વાગે આવી જવા સૂચન કરી પર્સ અને ફાઈલ લઈ ઘરમાં પ્રવેશ કર્યો.

વૈદેહિ રૂમમાં દાખલ થઈ, ફાઈલ અને પર્સને બેડ પર મૂકી તરત જ બાથ લેવા ગઈ. ફુવારા નીચે ઊભી રહી જાણે બધી દિલ દુભાવનારી ઘટનાઓને પાણીના ધોધની જેમ શરીર પરથી અને મન પરથી નીચે વહાવી દેવા માંગતી હતી. સલવારસુટ અને દુપટ્ટો ઓઢી વાળને ઝાપટતી અરીસા સામે જોઈ રહી... તેની સુડતાલીસી ડોકિયા દેતી હતી. વાળને બાંધી, પોતાના માટે ચા બનાવી, બાલ્કનીમાં બેઠી. બાલ્કનીમાં સૂરજ હવે ઢળી રહ્યો હતો. ચાની ચુસ્કી અને ઢળતી સાંજમાં તેને આહ્લાદક શાંતિ અનુભવાતી. આ તેનો રોજનો ક્રમ હતો. અડધો કલાક થયો ત્યાં ડોરબેલ વાગી. વૈદેહિએ બારણું ખોલ્યું તો રસોઈયણ કાંતા બોલતા બોલતા પ્રવેશી ; ‘બેન આજે જરા વહેલી આવી ગઈ, મારે મારા ઘરવાળા જોડે ફિલ્લમ જોવા જવાનું છે...’ વૈદેહિએ તેની સામે આશ્ચર્ય અને ઠેકડી ઉડાડતી સ્માઈલ સાથે જોયું તો કાંતા શરમાઈ ગઈ.. ‘બેન આજે થેપલા અને શાક બનાવી નાખુ તો ચાલશે ?’ વૈદેહિએ હકારમાં માથું હલાવ્યું. કાંતા એના કામે લાગી ત્યાં પાછો ડોરબેલ વાગ્યો. બારણું ખોલતા જ શ્રુતિ વૈદેહિને ગળે વળગી પડી... ‘મમ્મી 2 દિવસ પછી કોન્વોકેશન છે મારી સ્કુલમાં, તારે આવવાનું છે, બધાના મમ્મી પપ્...પા...’ બોલતા બોલતા શ્રુતિ અટકી ગઈ. વૈદેહિએ આંખ આડા કાન કરી શ્રુતિને ગાલ પર ટપલી મારી કહ્યું ; ‘આવીશ જ ને બેટા હું.. ચોક્કસ આવીશ. મને ટાઈમ કહી દેજે.’ શ્રુતિ વાતાવરણને હળવું કરવા પૂછવા લાગી, ‘આજ શું બનાવ્યું મમ્મી ડિનરમાં ?’ ‘થેપલા શાક’ વૈદેહિએ જવાબ આપ્યો. શ્રુતિએ મોં મચકોડ્યું. વૈદેહિ સમજી ગઈ... ‘ડિનર પછી આઈસ્ક્રીમ મંગાવશું બસ ?’ શ્રુતિએ પ્રેમથી વૈદેહિના ગાલ પર ચુંબન કરી દીધું. થોડીવારમાં સ્મૃતિ પણ આવી ગઈ. શ્રુતિએ સ્મૃતિને પણ ગુડન્યુઝ આપ્યા સ્મૃતિએ શ્રુતિને આલિંગન આપ્યું. સ્મૃતિએ બી.એસ.સી કરી યુ.પી.એસ.સી. ની પરીક્ષા આપી. અત્યારે બરોડામાં એસ.પી. ની પોસ્ટ પર સ્મૃતિનો દબદબો પડતો.

સ્મૃતિએ આવીને તરત જ વૈદેહિને ‘જરૂરી વાત કરવી છે મમ્મી.’ કહી તેને બેસવા કહ્યું. વૈદેહિએ જોયું તો સ્મૃતિના ચહેરા પર મૂંઝવણના ભાવ હતા. કાંતાને સ્મૃતિ માટે પાણી લાવવા કહ્યું અને પોતે સ્મૃતિ પાસે બેઠી. સ્મૃતિએ પાણી પીતા પીતા જ વાત શરૂ કરી, ‘મમ્મી આજે પપ્પા પોલીસસ્ટેશન આવ્યા હતા. વંશને આજે દારૂ પીધેલ હાલતમાં તેના ફ્રેન્ડસ સાથે છોકરીની છેડતી કરવાના કેસમાં અરેસ્ટ કરવામાં આવ્યો છે.’ સાંભળતા જ વૈદેહિના ચહેરો નિર્લેપ બની ગયો, કોઈ જ ભાવ દેખાયા નહિ. વૈદેહિએ જાણે કંઈ જ બન્યું જ ન હોય એવા ભાવ સાથે કાંતાને કહ્યું. ‘કાંતા જમવાની તૈયારી કર.’ સ્મૃતિ મમ્મીનો આ વ્યવહાર જોઈ આશ્ચર્ય તો પામી પણ પછી તે પણ નોર્મલ થઈ ગઈ. જમી કરી, ત્રણેય મા-દીકરીએ આઈસ્ક્રીમ ખાધો, ટીવી જોયું અને સૂઈ ગયા. સ્મૃતિ અને શ્રુતિ તો બેડ પર જતાં નિદ્રાધિન થઈ ગઈ પરંતુ વૈદેહિને ઊંઘ ન આવી. તેણે કબાટ ખોલ્યો. એક ફોટોફ્રેમ કાઢી જેમાં વિધાન, વૈદેહિ, સાસુમાં, સસરાજી અને 5 વર્ષની સ્મૃતિ તેમજ 3 વર્ષની શ્રુતિના હસતા ચહેરા હતા. વૈદેહિને ઊંઘ ન આવવાનું કારણ કાલની તારીખ હતી. વૈદેહિની લગ્ન તારીખ. વૈદેહિ જ્યારે વિધાન જોડે જોડાઈ હતી.

3 જાન્યુઆરી. વિધાન તેના માતાપિતા સાથે વૈદેહિના ઘરે આવેલો. વિધાન અને વૈદેહિ પહેલીવાર મળેલા. વૈદેહિનો ગૌરવર્ણ, સુદૃઢ બાંધો, ખભા સુધીના સિલ્કી સ્ટ્રેઈટ વાળ જોવાવાળાને મુગ્ધ બનાવી દે એવા હતા. વધારામાં વૈદેહિનું એજ્યુકેશન તેની બોલવાની છટા, નરમાશ તેના વ્યક્તિત્વને વધુ નિખારતું હતું. બસ વૈદેહિના જીવનમાં એક જ કમી હતી. ‘મા’ ની. વૈદેહિની મા તેને નાનપણમાં જ છોડીને સ્વર્ગ સીધાવી ગઈ હતી. પ્રવિણભાઈએ તેને માતા-પિતા બંનેનો પ્રેમ આપી એકલે હાથે ઉછેરી હતી. વૈદેહિ માટે પણ પિતા જ સર્વેસર્વા હતા. લગ્નના માંગા આવતા તો વૈદેહિ પિતાને છોડીને જવાની ના પાડતી. પ્રવિણભાઈએ ખૂબ સમજાવી એટલે વૈદેહિ પિતાનું મન રાખવા તૈયાર થઈ. આજે વિધાનને જોઈ તે ખરેખર પ્રેમમાં પડી હતી.. વિધાન તેને પહેલી નજરે ગમી ગયો હતો. વિધાનને પણ વૈદેહિનું વ્યક્તિત્વ આકર્ષી ગયું હતું. બંને પક્ષે લીલીઝંડી મળતા લગ્ન લેવાયા. વૈદેહિએ પોતાની કામણગારી કાયાને પાનેતરમાં લપેટી, હેમના દાગીનાનો શણગાર સજી, કુમકુમ પગલે ઉંબરા પર રાખેલ કળશને ઢોળી ગૃહપ્રવેશ કર્યો. હજારો અરમાનો મનમાં ભરી, સાસરિયાઓના મનને જીતી લેવાની ને પોતાના બનાવવાની મનોમન પ્રતિજ્ઞા કરી નવોઢાએ ઘરમાં પગલા પાડ્યા હતા. સાચે બન્યું પણ એમ જ. થોડા દિવસોમાં જ વૈદેહિ ઘરનું અભિન્ન અંગ બની ગઈ. સમય જતાં વૈદેહિ અને વિધાનના પ્રેમસ્વરૂપ બીજ વૈદેહિના ઉદરમાં રોપાઈ ગયું. નવ મહિના અને 8 દિવસે તે ફૂલ બની વિધાન અને વૈદેહિના જીવનમાં આવ્યું. સ્મૃતિના જન્મની સાથે વૈદેહિનો પણ માતા તરીકે જન્મ થયો. સ્મૃતિ જ્યારે તેના નાના-નાના હાથથી વૈદેહિની છાતી પર અડતી, તેને વળગતી તો જાણે વૈદેહિને સંસારના દુર્લભ સુખનો ભાસ થતો... સ્મૃતિ પ્રથમ સંતાન હોવાથી ખૂબ લાડકોડથી ઉછરવા લાગી. એક તરફ વિધાનના મમ્મીના આશીર્વાદ દર વારે તહેવારે પગે લાગતી વૈદેહિને મળતા, ‘ઈશ્વર હવે એક દીકરો આપે તને...’ વૈદેહિ વિચારતી રહેતી કે બે સંતાન તો તે પણ ઈચ્છતી પણ દીકરો જ હોવો એ જરૂરી હતું ? સ્મૃતિ 3 વર્ષની થતાં વૈદેહિને ફરી ગર્ભ રહ્યો. 9 મહિના પૂરા થતાં જ વૈદેહિને દુઃખાવો ઉપડ્યો. હોસ્પિટલ પહોંચતા રસ્તામાં સાથે આવેલ સાસુમાંએ તો માળા ફેરવવી ચાલુ કરી દીધી... ‘હે ઈશ્વર કૃપા કર. એક કુળદીપક દેજે તો સાકર ભારોભાર તોલાવશું...’ હોસ્પિટલમાં ડોક્ટર શાહ અને તેમની પત્ની ડિલિવરી કરાવતા હતા. થોડી કોમ્પ્લિકેશન હોવાથી વૈદેહિને સિઝિર્યન કરવું પડ્યું. ઓપરેશન ચાલુ હતું. થોડીવાર પછી બાળકના રડવાનો અવાજ સાંભળતા જ ઘરના બધા જ સભ્યોના મુખ પર આનંદ છવાઈ ગયો. ડો શાહએ બહાર આવી કહ્યું. કોન્ગ્રેચ્યુલેશન્સ, લક્ષ્મી આવી છે. વિધાનના મમ્મીના મોઢાનો રંગ જ જાણે ઊડી ગયો. વિધાન અને વિધાનના પપ્પા પણ અણગમો છુપાવતા ડો શાહને થેન્ક્સ કહી રહ્યા હતા. આ બીજી લક્ષ્મીનું નામ શ્રુતિ રાખવામાં આવ્યું. શ્રુતિ અને સ્મૃતિ ખૂબ જ ચપળ, દેખાવડી અને વ્હાલી લાગે એવી દીકરીઓ હતી. સમય વહેતો રહ્યો. થોડા સમય પછી ફરી વૈદેહિને વિધાનના મમ્મી તરફથી આશીર્વાદ પ્રાપ્ત થવા લાગ્યા કે, ‘ઠાકોરજી, હવે તો ત્રીજો દીકરો જ આપે....’ વૈદેહિ ખૂબ મૂંઝાતી. એકવાર તેણે એકાંતમાં વિધાન જોડે વાત કરી, ‘મારે હવે ત્રીજુ સંતાન નથી જોતું વિધાન.’ વિધાને વાત સાંભળીને નકારી નાખી. વિધાને પોતાની દીકરાની ઈચ્છા વ્યક્ત કરી. વૈદેહિ અને વિધાન વચ્ચે આ બાબતે ઘણીવાર ચર્ચા થઈ. વૈદેહિએ બધી જ રીતે સમજાવાની કોશિશ કરી પરંતુ કાંઈ આવ્યું નહિ અને તેણે નમતુ જોખવું પડ્યું. વૈદેહિને ફરી પાછા દિવસો રહ્યા. આ વખતે તો વૈદેહિ પણ પ્રાર્થના કરતી હતી કે, ‘ઈશ્વર બધાની ઈચ્છા પૂરી કરજે જેથી હું આ બધામાંથી મુક્ત થાઉ.’ પણ આ વખતે વિધાન અને વિધાનના મમ્મી પપ્પાએ સાવધાની વર્તી ત્રીજા મહિને સોનોગ્રાફી કરાવવાનું નક્કી કર્યું. વૈદેહિના પગ નીચેથી જમીન ખસી ગઈ. આનો અર્થ એ કે જો આ દીકરી હશે તો તેની હત્યા કરવાની ! આજે તેને પોતાની મા ખૂબ સાંભરી. આંખમાંથી ટપટપ આંસુ પડ્યા. આખરે તેણે પોતાના પિતાને વાત કરવાનું વિચાર્યું પણ પછી થયું કે આમાં પપ્પા શું કરી શકે ? આખરે સોનોગ્રાફી માટે વૈદેહિને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવી. વૈદેહિને રૂમમાં લઈ જઈ ડોક્ટરે પેટ ઉપર કંઈક કેમિકલ લગાવી મશીન ફેરવવાનું ચાલુ કર્યું. બાજુમાં રાખેલ સ્ક્રીનમાં જોઈ. થોડીવારમાં વૈદેહિને ઊભી થઈ જવા કહ્યું. ડોક્ટરે કંઈ જ બોલ્યા વગર નર્સને આદેશ આપ્યો કે, ‘વૈદેહિના ઘરનાઓને અંદર મોકલો.’ વિધાન અને તેના મમ્મીપપ્પા અંદર આવ્યા. ડોક્ટરે એક નજર વૈદેહિ તરફ નાખીને વિધાન સામે જોતા કહ્યું, ‘દીકરી છે.’ આ વખતે વિધાનનો રંગ પણ ફીક્કો પડી ગયો. ઘરે આવી, વિધાને વૈદેહિને આરામ કરવા રૂમમાં જવા કહ્યું. વૈદેહિ પણ માનસિક અને શારીરિક રીતે થાકી ગઈ હતી. શ્રુતિ અને સ્મૃતિ તેની મિત્રની બર્થડે પાર્ટીમાં ગઈ હતી. વૈદેહિએ રૂમમાં જેવું પલંગમાં લંબાવ્યું કે ડ્રોઈંગરૂમમાંથી કંઈક અવાજ આવ્યો. તેણે બારણા પાસે આવી સાંભળવાનો પ્રયાસ કર્યો. ‘અબોર્શન’ જેવો કંઈક શબ્દ તેના કાનને અથડાયો. વૈદેહિને જાણે કાપો તો લોહી ન નીકળે, એવી ફીક્કી પડી ગઈ. તે પલંગ પર ફસડાઈ પડી. થોડી વારમાં શ્રુતિ અને સ્મૃતિનો અવાજ આવ્યો. વૈદેહિ જાણે તેમના મુખ જોવા અધીરી બની ગઈ હતી. બંને દીકરીઓને ભેટી પડી.

વૈદેહિએ બંને દીકરીઓને ફ્રેશ કરી તેમને સુવડાવી. વિધાનની રૂમમાં આવવાની રાહ જોવા લાગી. વિધાન રૂમમાં આવ્યો કે તરત જ વૈદેહિએ કહ્યું, ‘હું અબોર્શન નહીં કરાવું વિધાન.’ વિધાન તેની સામે જોઈ રહ્યો. વૈદેહિની પાસે જઈ તેણે કહ્યું, ‘આ ત્રીજી દીકરી છે... આપણે નથી જોઈતી હવે દીકરી. વિશ્વાસ રાખ ઠાકોરજી દીકરો આપશે આપણને. અત્યારે તું થાકી ગઈ છો. વિચારવાની તાકાત નથી તારામાં. તું આરામ કર. મે ડોક્ટર પાસે અપોઈન્મેન્ટ લઈ લીધી છે કાલે સવારે 10 વાગ્યાની.’ વૈદેહિને પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવતો પણ હવે વાત પાણી જેવી ચોખ્ખી હતી. તેણે અબોર્શનની ચોખ્ખી ના પાડી. દલીલો કરી, વિરોધ કર્યો આખરે વૈદેહિની વાતોથી ગુસ્સે થઈ વિધાને વૈદેહિને તમાચો ચોડી દીધો અને તેના વાળ પકડી તેને પલંગ પર પટકી. વૈદેહિ જોડે વિધાનનું આ વર્તન પહેલી વાર નહોતું. વિધાન શંકાસ્પદ સ્વભાવ ધરાવતો હતો. વૈદેહિ આડોશપાડોશ કે સગાવ્હાલામાં પણ કોઈ પુરુષ જોડે સ્વભાવિક વાતો કરતી દેખાય કે ફોન પર સહેલીઓ જોડે વાત કરતી દેખાય, તો તે વૈદેહિને ઉટપટાંગ સવાલો કરતો. તેના પર શક કરતો અને હાથ પણ ઉપાડતો. એટલું જ નહિ તેને બળતી સિગારેટના ડામ પણ દેતો. વૈદેહિને ક્યારેક આવી ઘરેલું હિંસા વિરુદ્ધ ફરિયાદ કરવાનું મન થતું, પરંતુ પછી તેને પોતાના એકલવાયા પિતાનો વિચાર આવતો. એમને દીકરીની આવી અવદશા સહન નહિ થાય, તબિયત બગડી જાય તો એમનું કોણ કરે ? પ્રવિણભાઈને પણ દીકરીના સાસરે વેવાઈ તરીકે કોઈ સત્કાર મળતો નહિ. બધું જ સહન કરતી વૈદેહિ આજે ભૃણહત્યાના નામે ભાંગી પડી. તે આખી રાત રડી. બીજા દિવસે સવારે 10 વાગ્યે તેને દવાખાને લઈ જવામાં આવી. ડોક્ટરે સુવાની સૂચના આપી. નર્સે બધી તૈયારી કરી. થોડીવારમાં અબોર્શન થઈ ગયું. વૈદેહિ હોશમાં આવી તો ઉદર ખાલી અને મન પણ ખાલી. તેના ખાલી ઉદર પર હાથ ફેરવતા જાણે હત્યા પામેલી દીકરી વૈદેહિને કાનમાં કહી રહી હતી. ‘મા.. તે મને બચાવી કેમ નહિ ?’ અચાનક જ વૈદેહિને પરસેવો છુટી ગયો અને તે સફાળી બેઠી થઈ ગઈ. જોયું તો બાજુંમાં શ્રુતિ અને સ્મૃતિ પણ નહોતા. તે ભાગીને બીજા રૂમમાં આવી. શ્રુતિ અને સ્મૃતિના ચહેરાને જોઈ ભાનમાં આવી.. તે જૂના સંસ્મરણોમાંથી બહાર આવી. યાદ આવ્યું કે એ નર્ક તો એ ક્યારની છોડી ચૂકી છે. ખૂબ મનોમંથન પછી અસહ્ય માનસિક પીડાઓથી ત્રસ્ત થઈ આખરે તેણે નિર્ણય લઈ લીધો. નાની 5 વર્ષની સ્મૃતિ અને 2 વર્ષની શ્રુતિને લઈ અબોર્શનના ત્રીજા જ દિવસે પોતાના પિતાના ઘરે આવી ગઈ હતી. વિધાને તો તેને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ વિધાનના મમ્મી પપ્પાએ એક શબ્દ પણ ન ઉચ્ચાર્યો. વૈદેહિએ પણ જતાં જતાં કહી દીધુ, ‘મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડીંગથી ડાયવોર્સ થઈ જાય તો સારુ રહેશે નહિતો કોર્ટે ચડવું પડશે.’ થોડો સમય લાગ્યો પણ વિધાન સાથેના દામ્પત્યજીવનને તેણે અલવિદા કહી દીધી.


વૈદેહિના પિતાએ તેને મમતાભર્યો ઠપકો આપતા કહ્યું, ‘બેટા આટલુંબધું તું એકલી સહન કરતી રહી.. મને કહેવું જોઈતું'તું તારે.’ વૈદેહિને પિતાનો મમતાભર્યો છાયો મળ્યો. બંને દીકરીઓ સાથે દિવસો પસાર થતા ગયા. વૈદેહિના પિતાએ બે વર્ષ પછી સ્વર્ગની વાટ પકડી. હવે વૈદેહિ બંને દીકરીઓ સાથે હિંમતભેર પણ ખાલી મન સાથે જીવન વીતાવતી હતી. તેના જીવનનું જાણે એક જ ધ્યેય હતું – શ્રુતિ અને સ્મૃતિનો ઉછેર. બંને દીકરીઓએ પણ પિતાના વાત્સલ્યને નાનપણમાં જ ખોઈ દીધું હતું એટલે વૈદેહિ જ તેઓના માટે માતા અને પિતા હતી. સ્મૃતિ અને શ્રુતિ 12-15 વર્ષની થઈ ત્યારે વૈદેહિએ મિત્રની જેમ પોતાની આપવીતી દીકરીઓને કહી. દીકરીઓ પણ વળી કોની ? વૈદેહિની.. માતાની વેદનાને પોતાનામાં સમાવી દઈ પ્રેમથી વૈદેહિને નવડાવી દીધી.

રાતના વિચારવમળોએ જાણે થકવી દીધી હતી. ઊઠીને નિત્યકર્મ પતાવી શ્રુતિ અને સ્મૃતિને ઉઠાડી, નાસ્તો કરાવી રવાના કર્યા. પોતે પણ ડ્રાઈવર હાજર થતા કારમાં બેસી સ્કુલ તરફ જવા નીકળી. કેબિનમાં જઈ કામમાં વ્યસ્ત થઈ ગઈ. થોડીવાર પછી પટાવાળાએ આવીને કહ્યું, ‘મેડમ તમને કોઈ મિ.વિધાન અરજન્ટ મળવા માંગે છે.’ પટાવાળાના મોઢે ‘વિધાન’ સાંભળી વૈદેહિ અવાચક થઈ ગઈ. પોતાના મનોભાવોને કળાવા ન દેતા તેણે પટાવાળાને અંદર આવવા દેવા કહ્યું. વિધાને વૈદેહિ સામે અંદર આવવાની રજા ઈશારાથી માંગી. વૈદેહિએ હકારમાં માથું ધુણાવી, બેસવા કહ્યું. થોડીવાર ઓફિસમાં શાંતિ છવાઈ ગઈ. આખરે વૈદેહિએ ચૂપકી તોડતા વિધાનને પૂછ્યું, ‘બોલો, શું કામ પડ્યું ?’ વિધાન વાત શરૂ કરતાં કહ્યું, ‘વંશને પોલીસસ્ટેશન લઈ ગયા કાલે સાંજે. ઈન્ચાર્જ આપણી સ્મૃતિ...’ વૈદેહિએ વચ્ચેથી જ વિધાનની વાત કાપતા કહ્યું, ‘મારી સ્મૃતિ.’ વિધાન નીચુ જોઈ ગયો. આગળ વાત પૂરી કરતા કહ્યું. ‘સ્મૃતિને સમજાવ પ્લીઝ કે, વંશ સામે કડકાઈ ના દાખવે. વંશે ગુન્હો કર્યો છે પણ જો કાર્યવાહી થઈ તો તેની જિંદગી બરબાદ થઈ જશે. સ્કુલમાંથી તેનું નામ કટ થઈ જશે. હજુ તેની ઉંમર 16 વર્ષ જ છે. શૈલી કાલની આક્રંદ કરી રહી છે, તેની તબિયત બગડી ગઈ છે વંશની ચિંતામાં.’

શૈલી... નામ સાંભળતા જ વૈદેહિની આંખો સામે એ જ અતિતના પાના ઉથલી ગયા. વૈદેહિને છુટ્ટાછેડા આપ્યા બાદ વિધાનના મમ્મીએ વિધાનના પુનઃલગ્ન શૈલી સાથે કરાવ્યા. જાણે રાહ જ જોઈ રહ્યા હતા કે હું નીકળું અને વિધાનના લગ્ન કરાવી પોતાની કુળદિપકની ઈચ્છા પૂર્ણ કરે. શૈલી એક નાના કુટુંબથી આવેલ હતી. સાંભળવામાં આવ્યું હતું કે લગ્નના થોડા સમય બાદ શૈલીને દિવસો રહ્યા પરંતુ કંઈક કોમ્પ્લીકેશન્સ હોવાથી 3 મહિને અબોર્શન કરાવવું પડ્યું. અહીં કોમ્પ્લીકેશન્સ એટલે વૈદેહિ સિવાય કોઈ ન સમજે. હા, 3 મહિને કોમ્પ્લિકેશન્સ નહિ પરંતુ સોનોગ્રાફીમાં દીકરી હોવાનું સામે આવ્યાથી તેની પણ આવી જ દુર્ગતિ થઈ.

સમજાતું નથી આ સમાજની બેતરફી વાતો. એક તરફ સમાજ નવરાત્રીમાં નવ દિવસ માતાજીની અર્ચના કરે. તેની આરાધના કરે, અને ઉદરમાં એ જ માતાના સ્વરૂપની હત્યા ? શું દીકરી કે દીકરાના જન્મ માટે સ્ત્રી જ જવાબદાર છે ? પુરુષ નહિ ? સમાજને મારો એક પ્રશ્ન છે, જો દરેક દીકરીને તેની માતાના ઉરમાં જ મારી નાખવામાં આવે તો દીકરાને જન્મ કોણ આપશે ? એ કૂખ ક્યાંથી લાવશો ?

એક દિવસ શંકરના મંદિરએ વૈદેહિનો ભેટો થયો હતો એ ભોળીભટાક શૈલી જોડે. વૈદેહિના વિધાન જોડેના ફોટા જોયા હશે તેણે એટલે એ તેને ઓળખી ગઈ. તેણે સામેથી મારી સાથે વાત કરવાની શરૂઆત કરી. વૈદેહિને શૈલી સાથેની એ પ્રથમ મુલાકાત યાદ આવી ગઈ, 'હું શૈલી. વિધાનની પત્ની.’ તે નીચું જોતા બોલી. થોડું આજુબાજુ જોયા પછી તેણે વૈદેહિનો હાથ પોતાના હાથમાં લઈ અત્યંત ભાવુક થઈ કહ્યું, 'બેન.. મને માફ કરી દો. તમારી જગ્યાએ રહીને હવે પસ્તાઈ રહી છું. વિધાન મારા પર ખૂબ હાથ ઉપાડે છે. તેનો શંકાશીલ સ્વભાવ મારા ચારિત્ર્ય પર વારંવાર સવાલો કરે છે. આ લોકોએ મારું પ્રથમ સંતા..ન....’ કહેતા કહેતા તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી.. વૈદેહિએ તેને છાની રાખી, પોતાના પર્સમાંથી પાણીની બોટલ કાઢી પાણી પાતા તેને શાંત્વના આપી. શૈલી પણ જાણે રડીને હળવી થઈ. વૈદેહિએ તેને કહ્યું, કે 'તું તારા મા-બાપને કંઈ કહેતી...’ તેણે વાત વચ્ચેથી જ કાપતા કહ્યું, ‘ના ના બહેન. એ લોકોને કહેવાનો કોઈ જ ફાયદો નથી. અમારા ઘરમાં તો દીકરી પારકી થઈ પછી એ જાણે ને એનું ઘર જાણે... એવી વિચારસરણી છે.’ થોડીવારે તે સ્વસ્થ થતા બોલી.. ‘ચાલો.. હું હવે નીકળું. તમારી જોડે વાત કરી તો થોડું સારું લાગ્યું.. ને મને માફ કરજો...’ કહી તે ચાલી ગઈ. તેને જતાં જોઈ રહેલી વૈદેહિ કંઈ જ કરી ન શકી તેના માટે.....

થોડા સમય બાદ શૈલીએ વંશને જન્મ આપ્યો. એ પછી પણ શૈલી બે-ત્રણ વાર વૈદેહિને મળી હતી. તેણે કહ્યું હતું કે, ‘વંશને ઘરમાં કંઈ જ કહેવાતું નથી. વિધાન અને તેના મમ્મી પપ્પાએ વંશને છુટ્ટો દોર આપી દીધો છે. તે ઉડાઉ થતો જાય છે. કોઈનું પણ અપમાન કરવું, ખરાબ દોસ્તોની સંગત.. પણ હું કંઈ જ કરી શકતી નથી મારા વંશ માટે. મને બોલવાનો અધિકાર જ નથી મા તરીકે..’

‘વૈદેહિ પ્લીઝ..’ અચાનક જોરથી કાને શબ્દો પડતાં વૈદેહિ ચમકી ગઈ. થોડી સ્વસ્થ થઈ પટાવાળાને બે ચા લાવવાનું કહ્યું. વૈદેહિએ વિધાનની સામે જ સ્મૃતિ જોડે ફોન પર વાત કરતા પૂછ્યું, ‘વંશના કેસમાં શું થયું ?’ સામેથી સ્મૃતિનો જવાબ સાંભળી વૈદેહિ ‘ઓકે.. ઓકે... ઠીક છે.’ કહી રિસિવર મૂક્યું. વૈદેહિએ પ્રશ્નાર્થભાવે જોઈ રહેલા વિધાનને કહ્યું, ‘ડોન્ટ વરી.. છોકરીના પિતાને રિક્વેસ્ટ કરતાં કેસ પાછો લઈ લેવામાં આવ્યો છે. વંશની ઉંમર જોતા તેને માત્ર ધમકી આપીને આજ સાંજ સુધીમાં છોડી દેશે.’ વિધાનના મુખ પરથી ટેન્શન દૂર થયું. થેન્ક્સ કહી, ચા પતાવી વિધાને થોડા ખચકાટ સાથે વૈદેહિને પૂછ્યું, ‘કાલે પોલીસ સ્ટેશને સ્મૃતિનો રૂઆબ જોઈ ખૂબ આનંદ થયો. તને વાંધો ન હોય તો એક વાર શ્રુતિને પણ મળવા માંગુ છું... પ્લીઝ.’

વૈદેહિએ થોડું વિચારીને કહ્યું, ઠીક છે.. પણ મારા ઘરે નહિ ફાવે, આ રવિવારે સાંજે કોફી કલ્ચરમાં મળીએ. વિધાને ખુશ થતા... થેન્કસ કહી કેબિનથી બહાર નીકળ્યો. તેના ગયા પછી વૈદેહિને લાગ્યું કે, ક્યાંક શ્રુતિ અને સ્મૃતિની સંમતિ વગર આમ હા પાડી દેવાથી કંઈ ખોટું તો નથી થઈ ગયું ? આખરે બધાં વિચારો ખંખેરી ફરી કામમાં વ્યસ્ત બની ગઈ. ઘરે જઈ, દીકરીઓ જોડે ડિનર પતાવી, વૈદેહિએ શ્રુતિ અને સ્મૃતિને આજે બનેલી બધી વાત કરી. છેવટે બંને દીકરીઓએ કોઈ વધારે ઉત્સાહ ન બતાવતા, મળવા ખાતર હા ભણી દીધી.

રવિવાર આવ્યો. સમય મુજબ છ વાગે કોફી કલ્ચર પર ત્રણેય મા-દીકરી પહોંચી ગયા. વિધાન ત્યાં અગાઉથી બેઠો હતો. આખરે કોફી અને ઠંડાપીણાના ઓર્ડર અપાઈ ગયા. થોડીવાર પછી વિધાને જ પહેલ કરતાં કહ્યું, ‘શ્રુતિ તું શું કરે છે બેટા...? શ્રુતિએ, ‘ટ્વેલ્થ ની એક્ઝામ આપી છે.’ કહી ટૂંકમાં પતાવ્યું. આગળ શું કરવાની..? ‘નીટ આપી મેડિકલમાં જવું છે.’ કહી શ્રુતિએ વાત પૂરી કરી. વિધાન બંને દીકરીઓને નિહાળી રહ્યો હતો. શ્રુતિએ ઉઠતાં ઉઠતાં કહ્યું, મમ્મી હું ફ્રેશ થઈને આવું. સ્મૃતિ પણ શ્રુતિ જોડે ગઈ. વિધાન અને વૈદેહિ એકલા હતા.

વિધાને લાગ જોતા વૈદેહિને કહ્યું, ‘બહુ જ સરસ સંસ્કાર અને ઉછેર છે તારા..’ વૈદેહિએ વળતો જવાબ આપ્યો... ‘હા, સારુ થયું સમય રહેતા સાચો નિર્ણય લેવાઈ ગયો મારાથી. એ ઘર છોડવાનો. નહિતો ત્યાં તો દીકરીઓની શી દશા થાત ? એ સંકુચિત વિચારોથી દૂર લઈ ગઈ હું શ્રુતિ અને સ્મૃતિને... બસ રંજ છે તો એક જ.. મારી 3 માસની ઉદરમાં રહેલી દીકરીને બચાવી ન શકી...’ કહેતાં કહેતાં વૈદેહિની આંખો ભરાઈ આવી... આજે જાણે તેના ગુનેહગાર વિધાન સામે બધી જ હૈયાવરાળ કાઢી ગૂંગળામણથી મુક્ત થઈ જવાનું નક્કી કર્યું હોય એમ બોલી ગઈ. વિધાન પણ જાણે ગુનેગાર હોય તેમ નીચું જોઈ ગયો...

ફરી સ્વસ્થ થઈ, પાણીનો ઘુંટ ભરતા બોલી, ‘બાકી ત્યાં તો દીકરાઓનો ઉછેર અને સંસ્કાર તો જોઈ લીધા મે. એક વાત કહું વિધાન ? સંતાન ભલે દીકરી હોય કે દીકરો... ડસન્ટ મેટર. પણ ઉછેર અને સંસ્કાર મેટર કરે છે. આજે મને વંશનો જરાપણ વાંક દેખાતો નથી. વાંક તમારા ઘરના વાતાવરણનો છે.’

વિધાને વૈદેહિની કહેલી વાતથી સહમત થતાં કહ્યું, ‘તારી વાત સાચી છે વૈદેહિ. વંશના આવવાથી જાણે મમ્મીને તો સર્વસ્વ મળી ગયું. ખૂબ લાડકોડ, કોઈ વંશને રોકીટોકી ન શકે. શૈલી અને હું પણ આમાં જવાબદાર છું. આજે સમજાય છે ભૂલો...’

શ્રુતિ અને સ્મૃતિને આવતાં જોઈ વૈદેહિએ વાત પડતી મૂકી. સ્મૃતિ મમ્મીનો અસ્વસ્થ ચહેરો જોઈ સમજી ગઈ, તેણે કહ્યું, ‘મમ્મી અમે બહાર ગાડી સ્ટાર્ટ કરીએ છીએ તું આવ...’ વૈદેહિએ 'ઠીક છે’ કહી પર્સ હાથમાં લઈ ઊભા થતાં વિધાનને કહ્યું. ‘વિધાન તું સારો પતિ પણ ન બની શક્યો અને સારો પિતા પણ ન બની શક્યો. આજે જો પિતા તરીકેની જવાબદારી સમજે તો વંશને વાળજે, નહિ તો એ પણ ભવિષ્યમાં કોઈનો ગુનેહગાર બનીને તારી જેમ નીચું જોઈને ઊભો હશે. આજની નારી અબળા નથી, અપરાજિતા છે. તે ભાંગી શકે છે પણ પરાજિત ક્યારેય નથી થતી...’

વિધાન આજે ભાંગી પણ ગયો હતો અને પરાજિત પણ થઈ ચૂક્યો હતો. આંખોમાં પશ્ચાતાપના આંસુ સાથે વૈદેહિની અક્કડ પીઠ તરફ જોઈ રહ્યો હતો..!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy