અપમાનનો બદલો
અપમાનનો બદલો
"હું મારા અપમાનનો બદલો લઈને જ રહીશ અને તને મારી ન બનાવી લઉં ત્યાં સુધી હવે મને શાંતિ નહીં થાય." રણજીત એક રાજકુમારીને ગુસ્સામાં પોતાના થયેલા અપમાનનો જવાબ આપી રહ્યો હતો. રાજાના હુકમથી રણજીતને દેશવટો આપવામાં આવ્યો. બદલાની અગ્નિમાં બળતાં રણજીતને ક્યાંય ચેન નહોતું પડી રહ્યું. કેટલો સમય આમ તેમ ફર્યા બાદ તેને એક અઘોરી સાધુ મળ્યાં અને રણજીતે પોતાનો બદલો લેવા શું કરવું તે પૂછ્યું.
અઘોરી હવે થોડા સમયના મહેમાન હતા એ જાણતા હતા, એટલે થોડા દિવસો રણજીતની ખૂબ પરીક્ષા લીધી, અંતે તેમાં તે પાસ થતા અઘોરી પોતાની બધી વિદ્યા રણજીતને આપી મૃત્યુ પામે છે. હવે રણજીતને પોતાનો બદલો લેવાનો સમય આવી ગયો હતો. વેશપલટો કરી નગરમાં જાદુના ખેલ દેખાડવા લાગ્યો. તેના બહુ જ વખાણ થયા અને ધીરે ધીરે વાત મહેલ સુધી પહોંચી એટલે પરી જેવી સુંદર દેખાતી રાજકુમારીને પણ જાદુ જોવાની ઈચ્છા થઇ.
વેશપલટો કરી આવેલો રણજીત રાજકુમારીને ઓળખી ગયો અને મોકો મળતા પોતાની વશીકરણ વિદ્યાનો પ્રયોગ કર્યો, અને થોડા જ દિવસોમાં રાજકુમારી તેના વશમાં આવી ગઈ. રણજીતને આનાથી સંતોષ ન થયો. એટલે પૂરા નગરને મેળવવા તેણે એક નવી સાધના શીખવાની અને તેનો પ્રયોગ કરવાનો શરુ કર્યો.
એક રાત્રે તે જે વિદ્યાની સાધના કરતો હતો તે પૂરી કરી પરત ફર્યો તો રાજકુમારી ત્યાં નહીં, પણ રાજાના સિપાહીઓ ત્યાં આવી પહોંચ્યા. રણજીત વિચારમાં પડી ગયો આ બધું શક્ય નથી. મારી વિદ્યાનો પ્રહાર નિષ્ફળ ન જાય. થોડીવાર થઇ હશે ત્યાં જ એક અઘોરી સાધુ સામે આવ્યાં જેને જોતા જ રણજીતની આંખો ફાટી ગઈ અને તેને કંઈક શબ્દો સંભળાવવા લાગ્યાં,"ના કહી હતી ને મેં તને આ પ્રયોગની..! ના... કહી હતી ને ?"
