Hardik Parmar

Romance Tragedy Fantasy

4  

Hardik Parmar

Romance Tragedy Fantasy

શાલિનદીપ

શાલિનદીપ

6 mins
260


શાલિની પોતાના નિત્યક્રમ પ્રમાણે આજે પણ સાંજના સમયે ઘરની ગેલેરીમાં બેસીને બહારની દુનિયા નિહાળી રહી હતી. આજનું વાતાવરણ તેને મનથી દુઃખી કરી રહ્યું હતું બસ બહાર કાળાડિબાંગ છવાયેલા વાદળો જે હમણાં જ જાણે વરસી જવાના ન હોય તેમ ગડગડાટ કરી રહ્યાં હતાં. પોતાના હાથમાં પેન અને નોટબુક લઇ બેસેલી શાલિની કંઈક લખવા માટે વિચાર કરી રહી હતી. 

લખવાની શરૂઆત કરે ત્યાં જ વરસાદની બૂંદો ધીરે ધીરે જમીન પર પડવાની શરુ થઇ અને કેટલાય સમયથી જેના વિરહમાં ધરતી રહી હતી તેનું આજે વરસાદ સાથે મિલન થતા વાતાવરણમાં એક અનોખી સુગંધ ભળી ગઈ. પોતાની આંખો મીંચી શાલિની તે સુગંધને માણવાનો પ્રયત્ન કરી રહી હતી, પોતાના બન્ને હાથ બહાર લાવી વરસાદને પોતાના હાથ પર ઝીલવા પ્રયત્ન કરવા જતી હતી એટલામાં જ એક ઝટકા સાથે તેણે બંને હાથ પાછા ખેંચી લીધા અને વરસાદની એ સુગંધ અને પાણીની એ બૂંદો સામે જાણે નફરતની દ્રષ્ટિથી જોવા લાગી.

બહાર વરસતા વરસાદને જોઈ તે બોલી, "શું વાંક હતો અમારો ? જયારે જયારે હવે તારું ધરતી સાથે મિલન થાય છે ત્યારે ત્યારે અમારા બન્નેનું મિલન તૂટવાનું કારણ તું જ છે તે યાદ આવ્યા કરે છે અને તારા કારણે જ મારે આ વિયોગનો સામનો કરવો પડે છે, નથી જીવી શકાતું કે નથી મરી શકાતું."

આટલું બોલી આંખો બંધ કરી દે છે થોડો ઊંડો શ્વાસ લઇ ફરી તે વરસાદ સામે જોઈ તેને ફરિયાદ કરવા લાગે છે,

"કેટલા ખુશ હતા અમે બન્ને કે વર્ષો પછી અમારા બન્નેનો પ્રેમ એક થયો હતો, તને સહેજ પણ અંદાજ છે કે અમારા બન્નેના ઘરના લોકોને મનાવવા માટે અમારે કેટલા પ્રયત્નો કરવા પડ્યા અને તારા કારણે જ અમારો પ્રેમ જીવનભરનો સાથ ન બની શક્યો. કેટલો ખુશ હતો મારો દિપક ! લગ્ન પછી અમારી પ્રથમ એનિવર્સરી ઉજવવા તેણે કેટલું સરસ આયોજન કર્યું હતું, મને આખો દિવસ કશું કહ્યું નહીં ત્યાં સુધી કે સવારે ઉઠીને પણ વિશ ન કર્યું. બહુ ગુસ્સો આવ્યો હતો કે લગ્નની પહેલી જ લગ્નગાંઠ ભૂલી ગયો છતાં હું કશું બોલી નહોતી બસ રાહ જોઈ રહી હતી કે તેને યાદ છે કે નહીં પણ ના ! એતો તૈયાર થઇ ઓફિસ નીકળી ગયો, તેના ગયા પછી બહુ રડવું આવ્યું મને કે કેમ આટલો પ્રેમ કરવાવાળો આજે અમારા માટેનો ખાસ દિવસ પણ ભૂલી ગયો..! 

સાંજ પડવા આવી છતાં કોઈ મેસેજ નહોતો કર્યો, છેક સાત વાગ્યા પછી ઘરે આવ્યો અને મને કહ્યું કે કપડાં બદલી નાખ આપણે એક ફ્રેન્ડનો જન્મદિવસ છે તો તેની પાર્ટીમાં જવાનું છે. તને ખબર છે તેને કહ્યુંને કે કપડાં બદલી નાખ તો મને થોડીવાર લાગ્યું કે હાશ ! તેને યાદ આવી ગઈ અમારી એનિવર્સરી પણ તેણે તેના મિત્રના જન્મદિવસનું કહ્યું એટલે મારુ મન બહુ દુઃખી થયું છતાં તેની ખાતર હું ફટાફટ તૈયાર થઇ અને તેની સાથે જવા નીકળી ગઈ. તે દિવસે પણ કાળાડિબાંગ વાદળો આકાશમાં ઘેરાયેલા હતા અને તું જાણે વરસવાની તૈયારી કરતો હતો. નાનપણથી જ મને તારી સાથે રમવાની મજા આવતી એટલે હું મનમાં વિચારતી જ હતી કે જો તું વરસે તો અમે બન્ને આજે તારો સાથ આપીએ. તારું ધરતી સાથે મિલન અને મારુ મારા દિપક સાથે મિલન બન્ને એકબીજામાં ઓળઘોળ થઇ જઈએ.

એક હોટેલ પાસે ગાડી ઉભી રાખી, જયારે અંદર ગયા તો મારી આંખો પહોળીને પહોળી જ રહી ગઈ. દિપકના મિત્રો અને મારી ફ્રેન્ડ બધા જ ત્યાં હાજર હતાં, અમને બન્નેને સાથે જોઈ બધા એ એકસાથે જ અમારી પ્રથમ એનિવર્સરી માટે શુભેચ્છાઓ આપી, હું તો આ જોઈ જ રહી. અચાનક દિપકે મને હાથ પકડી થોડી આગળ ખેંચી બધા મિત્રો બાજુ પર ખસતા પાછળના ટેબલ પર રાખેલી સુંદર મજાની કેક જોઈ. દિપક કેક પાસે લઇ ગયો અને પોતાના ઘૂંટણ પર બેસી મારી આંગળીમાં એક સોનાની વીંટી પહેરાવી બોલ્યો,'આઈ.લવ.યુ. શાલુ.... હેપી મેરેજ એનિવર્સરી..માઇ સ્વીટહાર્ટ....' ખુશીના લીધે મારી આંખોમાં આંસુ આવી ગયેલા. તરત મેં તેને ઉભો કરી તેના ગળે લાગી ગઈ બધા લોકોની તાળીઓના અવાજ થી મને ખ્યાલ આવ્યો કે અમે બધા વચ્ચે ઉભા છીએ, શરમના મારે થોડી દૂર ખસી ગઈ. કેક કાપી બધા લોકોને ખવડાવી, બધા જ સાથે જમ્યાં અને થોડીવાર બધા સાથે ગપ્પા બાજી કરી. ઓહ્હ્હ...! કેટલો યાદગાર દિવસ એતો હું ક્યારેય ના ભૂલી શકું. 

એટલામાં જ તારી જ કમી બાકી હતી અને તે પણ વરસવાનું ચાલુ કર્યું, બહાર જોતાં જ જાણે મારી ઈચ્છા પૂરી થઇ હોય તેવું લાગ્યું અને તરત જ દિપકને હાથ પકડી કહ્યું,'ચાલ ! જો બહાર કેટલો સરસ વરસાદ આવે છે !' દિપકના બધા મિત્રો પણ વરસાદમાં નહાવાના શોખીન અને દિપક પણ. થોડીવાર બધા જ ત્યાં ગાર્ડનમાં વરસાદની મજા લીધી અને અચાનક મને શું સુજ્યું તો દિપકને ગાડી પર આંટો મારવા જવાનું કહ્યું. ક્યારેય મારી કોઈ વાતની તેણે ના નહોતી કહી, મારી દરેક ઈચ્છા તે પોતાની ઈચ્છા જ ગણતો પણ કાશ...! તે દિવસે તેણે મારી એ ઈચ્છા માની ન હોત..!

તું વરસતો હતો અને અમે તારો સાથ પુરાવતાં પુરાવતાં ઘણા દૂર સુધી નીકળી ગયા, દિપકને વરસાદમાં ચીપકીને બેસવાનો આનંદ તો હું વર્ણવી જ ન શકું પણ કદાચ તને અમારા બન્નેના પ્રેમની ઈર્ષા આવી એટલે જ તે એવું કર્યું અમારી સાથે.

અચાનક વરસાદની એક જોરદાર ઝાપટ આવી અને દિપકનું ગાડી પર કંટ્રોલ વિખાયુ, ઘણો પ્રયત્ન કર્યો પણ સામેથી આવતા ટ્રકથી કદાચ કંટ્રોલ ન થયો. અમે બન્ને ત્યાં જ રોડ પર પડ્યા હતાં, આકાશમાંથી તારું વરસવું મને એવું લાગી રહ્યું હતું કે જાણે તું મારા પર હસી રહ્યો હોય. મારી આંખો બંધ થઇ ગઈ બે દિવસ બાદ હોસ્પિટલમાં ભાનમાં આવી ઘરના લોકો આજુબાજુ મને કશું પણ સમજાઈ રહ્યું નહોતું કે અચાનક શું થઇ ગયું. બધી બાજુ જોયું દિપક મને દેખાયો નહીં, ઘરના બધા સભ્યોને પૂછ્યું કે ક્યાં છે દિપક ? ક્યાં છે દિપક ? પણ કોઈ કશો જવાબ નહોતા આપી રહ્યાં. ગુસ્સામાં મેં ખુદ ઉભા થઇ જોઈ લેવાનો પ્રયત્ન કર્યો. 

આ શું ? કેમ મારા પગ હલતા નથી ? પગ પર ઢાંકેલી ચાદર ઉંચી કરીને જોયું તો પગ હતા જ તો કેમ હું મારા પગને હલાવી નહોતી શકતી ? બહુ બધા પ્રશ્નો થઇ ગયા. મન કોઈ રીતે શાંત થઇ રહ્યું નહોતું મને દિપકના વિચારો જ સતત આવ્યા કરતાં હતાં. ઘણીબધી વાર પપ્પા મમ્મીને પૂછ્યા બાદ જવાબ મળ્યો, પણ એ જવાબે તો જાણે મારી જિંદગી જ લઇ લીધી. તો હું શું કામ જીવી ગઈ? હું કેમ ન મરી ગઈ ? મારો દિપક મને એકલી છોડી ન જઈ શકે. 

ડોકટરે આપેલું ઇન્જેક્શન એ વખતે મને શાંત કરી ગયું. પંદર દિવસ બાદ ઘરે આવતાં દિપકને જોવા મથતું મારુ મન અને મારુ શરીર બસ આત્માહીન બની ગયું હતું. આ બધું જ તારા કારણે થયું અને તને ક્યારેય માફ નહીં કરું તેના માટે. જીવનભર સાથે જીવવાની વાત તો અધૂરી રહી બસ હવે તેની યાદના સહારે જીવન જીવવું અશક્ય છે મારા માટે. મારા દિપક વગર હું કેમ જીવી શકું? ના એ શક્ય નથી."

પોતાના બન્ને હાથને જોર આપી ગેલેરીની પાળી પાસે પહોંચી એક ઝટકા સાથે છલાંગ લગાવી. અવાજ આવવાના કારણે મમ્મી દોડીને ગેલેરીમાં આવ્યાં, વિલચેર પર શાલિની ન દેખાતા ફાળ પડી અને ઉતાવળે નીચે જોયું શાલિની નીચે પડી હતી એ જોઈ તેના મોંમાંથી એક ચીસ નીકળી ગઈ. અચાનક એક કાગળ તેના પગ પર ઉડીને આવ્યું જેમાં લખ્યું હતું 'દિપક હું તારા વગર નહીં જીવી શકું...' ફટાફટ ઘરના લોકો નીચે ગયા, આકાશ તરફ જોઈ રહેલી શાલિનીના માથામાંથી નીકળતું લોહી વહી રહ્યું હતું સાથે વરસાદનું પાણી પણ વહી રહ્યું હતું. આજે ખુલ્લી આંખે વરસાદને પોતાની આંખોમાં જીલતા જાણે શાલિની કહી રહી હતી કે," તું અમને બન્નેને અલગ ના જ કરી શકે."

ઉપર આભમાં જાણે શાલિની અને દિપક બન્ને વરસાદમાં એકબીજાને યાદ કરી વિયોગને ત્યજીને મધુર મિલન માણી રહ્યાં અને "શાલિનદીપ" બની ગયાં.


Rate this content
Log in

Similar gujarati story from Romance