રામલો કોળી
રામલો કોળી
માગશર મહિનાની અજવાળી રાતને ગામના ચોરે આજે ડાયરો ભરાયો હતો, શિયાળાની ગુલાબી ઠંડીમાં વચ્ચે લાકડાને એકબીજા ટેકે ગોઠવી તાપણું ચાલુ હતું, અલકમલકના ગપાટા સાથે હુક્કાની એકબીજા સાથે આપ લે થતી. થોડીવાર થતાં ગામના મુખી રામકુભા બોલ્યાં, “એ..જીવાભાઈ આ હુક્કાની સાથે જો તમારી કોઈ દુહાની રમઝટ જામે તો તો ડાયરામાં રંગ આવી જાય, તમે તો ચારણ ગામે ગામની અને ગામોના ઈતિહાસના જાણકાર, એકાદ દુહો કે રંગ આવી જાય એવી વાત ઉગામો..!”
“હા..હા..! જીવાભાઈ કહો..કહો..!” ડાયરામાં બેઠેલા બીજા વડીલોએ પણ સાથ પુરાવતાં કહ્યું.
“ભલે ત્યારે ડાયરાની આટલી જ ઈચ્છા છે તો એક વાતનો દોર શરુ કરું...” આટલું કહી જીવાભાઈ ચારણ વાતની શરૂઆત કરે છે :
“મઝધાર સંસાર મેલી હાલ્યોએ
બેનું દીકરીયુંના શીળ કાજ,
હાથમાં દાતરડું ને, ખંભે કાયમ ફાળિયું,
મેલાઘેલા લૂગડાં ને, આંખોમાં વસે જાણે કાળ,
જીવતાં નો ન જાય એકેય એ કાજાતનો,
દાતરડું ફેરવી ગળા કાપતો, કમરે ઝૂલે તલવાર,
નામ પડતાં ફફડે, એ લુંટારા લાજનાં,
એક હતો એ કોળી બચ્ચો શુરવીર રામલો..!”
હુક્કાનો ઊંડો એક દમ ખેંચી જીવાભાઈએ શરુ કર્યું; પરોઢિયું થતાં જ રામલો ખેતર ભણી ઉપડતો ઘરે એક છોરો ને બે સોડીયું. પોતાની બે-ચાર ગુંઠા જમીનમાં ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતો એકદમ ભોળો ભગત માણહ. ગામમાં બધા હારે રામ રામનો વેવાર ક્યારેય ઊંચા અવાજે શબ્દ ના નીકળે એના મોઢાંમાંથી. ઘરનું બૈરું પણ ઘરે વાસીદા પતાવી ખેતરે નીકળી પડે. ક્યારેક કોઈ બીજાના ખેતરમાં દાડિયું કરે. છોકરો નાનો અને બે સોડી મોટી, એક નાનાને હાસવે, બીજી ખેતરે બાપને મદદે જાય.
રજવાડાનો વખત બિચારો આખું વરહ મેનત કરે ને રજવાડાવાળા આવી ઉપજનો ઘણો ખરો ભાગ ઉપાડી જતાં, દા’ડેને દા’ડે રજવાડાના લોકોનો કનડગત વધતી જતી હતી પણ રામલો તો પોતાના કામ, ભગવાન અને પોતાના બાલબચ્ચાનું જ વિચારતો, રાજના લોકોનો હેરાનગતી ત્યાં સુધી વધવા લાગી કે હવે ગામની કોઈ બેનું-દીકરીયું એકલી ખેતરમાં કામ ના કરી શકે. ઘોડા પર બેહીને ફરતાં એ લોકો કોણ જાણે ક્યારે આવી ચડે અને એની આબરૂ લે એ નક્કી ના હોય. આ એક ગામનું થોડું હતું પણ હમણાથી રામલાના ગામ બાજુ એ રાજના લોકોના ફેરા થોડા વધી ગયા હતાં, ગામમાં હજુ લગણ એવું કાઈ થ્યું નો’તું એટલે ગામના લોકોને હૈયે ધરપત હતી.
રાત પડે ને રોજ ચોરે બેસવા જવાનો રામલાનો નિયમ. ઘડીક બેસી બધા લોકો સાથે ગામ ગપાટા કરે ને પછી ઘર. બસ આજ તો એનું રોજનું કામ હતું આખો’દી ખેતર ને રાતે ઘડીક ચોરે બેસવાનું. મોટી સોડી જુવાન થઈ ગઈ હતી એટલે રામલાના મનમાં ચિંતા રે'તી. કોઈ’દી મા દીકરીને ખેતરમાં એકલી ના મેલતો હવે તો સવારે સાથે લઈને જ ખેતર જતો અને સાંજે બધા સાથે જ પાછા વળતા ઘરે. એક’દિ ગામની સીમમાં ચિચિયારીઓ સંભળાઈ અને રામલો પોતાના ખેતરથી હાથમાં કોદાળી લઈ એ બાજુ દોડ્યો. કો’ક આવતું ભાળી બે જણ ઘોડો લઈ ભાગી નીકળ્યા. બાજુમાં પહોંચીને જોયું તો એના પાડોશી જેશીભાઈની સોડી ત્યાં પડી હતી, લૂગડાં ફાટી ગયેલા પણ પરભુની દયાથી એની આબરૂ હજુ સુધી સચવાઈ હતી, ખભેથી ફાળિયું ઘા કરીને એ સોડીને લઈ ઘરે મેલી આવ્યો. આખા રસ્તામાં એનું રડતું ને હીબકા લેતું મોઢું જોઈ રામલો પણ ઊંડા વિચારોમાં અને એક ચિન્તામાં પરોવાઈ ગયો.
ઘરે પોગાડી બધી વાત જેશીભાઈને માંડી, ત્યાં સુધીમાં તો ઘરના બૈરાએ રોકકળ કરી મૂકી, “તને કવ સુ મૂંગી મર, કાઈ થયું નથ આપણી સોડીને...આ હેના રોકકળ માંડ્યા સે, બંધ કર બધું..!” ગુસ્સામાં જેશીભાઈએ તેની પત્નીને કહી દીધું.
“હારું થયું રામલા તું ખરા ટાણે પોગી ગ્યો નકરતો અમે ક્યાય મોઢું દેખાડવા જેવા ના રેત.”
“એ બધી ભગવાનની મરજી હોય એમ થાય; તમે ચિન્તા કરોમાં હું જાવ મારે ખેતરે પણ બૈરુને સોડી એકલી સે..”
એ બોલી રામલો ખેતર ભણી ઉપડ્યો હાથમાં કોદાળી સાથે. સાંજે વાળુ પતાવી ચોરે આ બધી વાતો ઉખળી ડાયરામાં અને બધા રામલાને પુસવા લાગ્યા કોણ હતું ભાળ પડી કાઈ ? પણ રામલો શું જવાબ આપે ના “હું પોગું એ પેલા એ ઘોડે બેહી હાલતા થ્યા.”
આખી રાત રામલાને નિંદર ના આવી. હવે રોજ રોજ આજુબાજુના ગામોમાંથી આવા કાંક ને કાંક વાવડ મળતાં કે ફલાણા ગામમાં એક સોડીની આબરૂ લેવાઈ, પેલા ગામમાં એક બૈરાનું શીળ લુંટાયું. પેલા બે-ત્રણ આવતાં, એ રાજના લોકો હવે પાંચ સાત આવવા માંડ્યા. ગામમાં અને શીમમાં ગમે એને હેરાન કરવાં મંડ્યા. ગામની બાયું તો હવે ખેતર જાતા બીવા લાગી જયારે એક જ દી’માં ગામની એક સોડી અને એક બાઈને શીળ લુંટી એને પાણા માથમાં મારીને મારી નાંખી. ગામનો કોઈ માણસ જો એનો વિરોધ કરે તો એને પણ મારી નાખતાં, સારા લાગતાં એ રાજના લોકો દહાડે ને દહાડે રાજની પરજાને અને અસ્ત્રી જાતને કનડવામાં કાઈ બાકી ના મેલે.
આ ગામેગામની વાતું સાંભળી રામલાને પણ મનમાં બીક બેસી ગઈ હતી. પણ એ તો ખેડૂત..! ખેતરે ના જાય તો જાત કેમ પલવાય. હવે કામ વગર રામલો એની બૈરી કે સોડીને ખેતર બોલાવતો નહી અને બીજાના ખેતર દાડિયે જાય તોય પેલા ઘણું પુસી લેતો. સાવ સીધો સાદો માણસ રામલો અંદરથી આ બધું સાંભળી બહુ દુઃખી થાતો પણ આતો રાજના લોકો એની હામે તો એ હું કરી હકે ! એટલે પોતાનું ને પોતાના ઘરનું ધ્યાન રાખતો.
પણ બનવા કાળ કોણ રોકી હકે ! રામલો ખેતર પાણી વાળતો’તો અને તે’દી જ એની મોટી સોડી મા માંદી પડી એ કેવા ઉતાવળે ખેતર હાલી નીકળી. જાણે કાળ માથે જ ભમતો હોય એમ રાજના માણસોએ રામલાની સોડીને ઘેરી લીધી. ખેતર જાજુ આઘું નહોતું બધાથી છટકી નીકળવાની ખોટી મેહનત કરી. જોર જોરથી રાડો પાડી બાપુ...બાપુ...! પણ રામલાના કાને ના પોગ્યા એ વેણ. પણ કૈક બનવાનું છે એવું અચાનક રામલાને થાતાં એણે પાવડો હેઠે મેલી થોડો પોરો ખાધો. એટલામાં એના કાને અવાજ પડ્યા બાપુ...બાપુ... અને એ ફડાક દઈ ઉભો થ્યો, ઓળખી ગ્યો કે આ મારી જીવીનો અવાજ.... અને શું...હાથમાં દાતરડું લઈ ને દોટ મેલી અવાજ બાજુ, જોર જોરથી બૂમો પાડી કોણ છે... કોણ છે... જાણે સ્વાસની તો એને કાઈ ભાન જ નો’તી એને આવતો જોઈ પેલાં ત્રણ તો જીવીને વાડમા ધક્કો મારી ભાગવા નીકળ્યા પણ પોતાનું જોઈ રામલો એટલી હડપ કરી પોગ્યો કે ભાગે એ પેલા જ એકને ઝાલી લીધો. પોતાની સોડીને કાંટાળી વાડમાં રાડો પાડતા જોઈ એના શરીરના બધા ભાગોમાં જાણે આગ દોડવા લાગી પકડેલાને સામે જોયું અને દાતરડું ઉગામ્યું. “એક ઘા ને બે કટકા” એમ પેલા કજાતનું ડોકું ધૂળમાં દડવા મંડ્યું.
જીવીને લઈ લોહીવાળા હાથે એ ગામના ચોરેથી નીકળ્યો તો ગામના બધા પૂછવા દોડ્યા, પણ રામલાની આંખોમાં આવેલું લોહી જોઈ એની સામે કોઈ એક વેણ ન બોલ્યું...બધા વિચારમાં પડી ગયા આ ભગત માણહ ને હાથમાં લોહીવાળુ દાતરડું, કપડાં લોહી લોહી, જીવી રોતી રોતી જાય; છે હું આ બધું ? ઘરે પોગી પેલા ઘરની ખડકી બંધ કરી એની વહુને બોલાવી. “કહું સુ હાંભળે સો...ઝટ બાર આવ” આટલો ઊંચો અવાજ એની ઘરવાળીએ પેલીવાર હાંભળ્યો. માંદી હતી તોય બાર આવી ને જોયું તો પોતાનો ધણી લોહી લોહી, હાથમાં લોહીવાળું દાતરડું અને સોડીના કપડાં ફાટેલા. “હું થ્યું મારી જીવી તને...” કરતાં એણે દોટ મૂકી.. રામલાને જોઈ ઘડીવાર એ હેબતાઈ ગઈ કોઈ દિવસ નહી ને આજ એ જાણે કાળ હોય એવું દેખાતું હતું. “હું થ્યું ... હું થ્યું?” હબડાવીને પૂછ્યું.
રામલાના મોઢે જે શબ્દો નીકળ્યાં એ સાંભળી બાઈલાને પણ જુનુન આવી જાય, “બાપુ એ કીધું હતું બાયું ઉપર હાથ ઉપાડે એ બાયલો અને બાયુંનું શીળ લુંટે એ કજાતના પેટનો. ગામના કેવા’તા મોભીઓ અને શુરવીરો નહી કરી હકે કોઈની ભલાઈ. આજ આ ભગવાનની મેર કે આપણી સોડી બચી ગઈ એ કજાતોના હાથમાંથી, નકર આ આપણે મઝધારે બેયને મરવા જેવું થાત પણ એ પરભુની દયાથી મારી સોડીની આબરૂ બચી છે એના સમ ખાઈ કહું છુ કે હવે પછી આ વિસ્તારના કોઈપણ ગામમાં એ કજાતના કોઈપણ અસ્ત્રીની આબરૂ નહી લુંટી હકે અને જો વિચાર પણ કરશે તો આ મારું દાતરડું એક એકના હવે ભોડા ઉતારી દેશે.”
ઉતાવળે એ ઘરમાં ગયો અને બાપા એ આપેલી એક કટાઈ ગયેલી જૂની તલવાર હાથમાં લીધી અને ધણીયાળી પાહે આવી એટલું બોલ્યો, “આ ઘર અને બચ્ચાં હવે તું સાચવજે હવે વખત નથી કે હું અહી રહું. મેં રાજના માણસને નેવુકો કરી નાખ્યો છે એ મને ગોતતા આવશે એની પેલા હું જ એ કજાતના જેટલા મળે એટલા ઓછા કરી નાખું છું. જીવન હારે જીવવાનું કીધું હતું પણ આ મઝધારે તને મેલી જાઉં છું માફ કરજે... પણ હવે આ સહન કરીને હું જીવીશ તો મારાથી નહી જીવાય.”
પતિના આવા શબ્દો સાંભળી ધણીયાળીએ પોતાની જીવી સામે એકવાર જોઈ ને બોલી, “અરે...આવું કા બોલો? શોભતું નથી તમને જાવ અને જેટલાં એ કજાતના મળે એને ઓછા કરી દો.”
“વાહ...ધન્ય છે તને...! જો હું પાછો ના વળું તો સમજજે કે તારો ધણી કોઈની આબરૂ બચાવવા ધૂળે મળ્યો.”
આટલું કહી એ ઉતાવળે ઘરની બાર નીકળી ગયો, હાથમાં દાતરડું અને તલવાર જોઈ ગામનાં લોકો અને કેવા’તા મુખી અને ભડભાદરના દીકરા પૂછવા આવ્યા, “કઈ બાજુ નીકળ્યો રામલા આ લોહીવાળુ દાતરડું અને કાટેલી તલવાર લઈ ?”
“કેવાવાળા અને કરવાવાળા નોખા હોય, હવે તો એ કજાતના નહી કે હું નહી અને જો એમ જ મરું તો થું છેને મારા જીવતરમાં...” લાલચોળ ગુસ્સે ભરેલી આંખો જોઈ બધા મિયાની મીંદડી બની ગયા. રામલો ઉપડ્યો ફરી એ ખેતરવાળા મારગે....
*****
મુખી ઘણું મોડું થઈ ગ્યું. કૈક કહુંબા પાણીનું કહો. વાતને વચ્ચે રોકતા જીવાભાઈ ચારણે મુખીને કીધું. જીવાભાઈની વાતોમાં તલ્લીન એ બધાને સમયની કોઈ ખબર નહોતી રહી. તાપણું પણ કોઈએ સંકોર્યું નોતું. મુખીએ ત્યાં બેઠેલા એક જુવાનને કીધું, “જા જટ ડેલીએ અને બા ને કે કહુંબા બનાવે ને જટ મોકલે.” પેલો જુવાન દોટ મૂકી મુખીના ઘરે ગયો અને બાને કહુંબો મેલવાનું કીધું.
“વાહ..! જીવાભાઈ તમારી વાતુંમાં અમે બધા તો ભાન ભૂલી ગ્યા. એલા એય...ઓલા તાપણાને હરખું કર.. અને રવાભાઈ બનાવો નવો હુક્કો ત્યાં લગીમાં કહુંબો આવી જાહે.”
*****
કહુંબાપાણી કરી હુક્કાનો પાછો દમ ખેચીને જીવાભાઈ એ વાત આગળ ચાલુ કરી...
“ અસ્રી ઉપર જે હાથ ઉપાડે, એ બાયલો ને,
પરસ્ત્રીનું જે લુટે શીળ, એ કજાતના પેટનો,
હાથ ગળા કાપે કજાતના, એ રામલો કોળીના પેટનો ”
પછી તો રામલો ખેતરના મારગમાં એ મારેલાની પાસે લપાઈને ઝાડવા ઉપર બેઠો. એના આ માણહને લેવા તો આવશે જ ને એ ક્જાતના અને એ ઘડીએ જ જેટલા હોય એના માથા વાઢી લેવાના છે.
આખો એક પોર પસાર થઈ ગયો, સુરજ હવે ડૂબતો હતો એવામાં દુરથી ઘોડાના ડાબલાનો અવાજ કાને પડ્યો. રામલો જટ દઈને તૈયાર થઈ હુમલો કરવાની વાટ જોવા મંડ્યો. ધીરે ધીરે ઘોડા નજીક આવતા હતાં થોડીવારમાં એ પેલા મડદાં પાહે ઉભા રયા. છ-સાત આદમીનું ટોળું રામલો ઝાડ ઉપરથી ભાળતો હતો. મોકો જોઈ ભગવાનનું નામ લઈ એ કુદયો. સીધો એકની માથે જ પડ્યો એટલે એના તો રામ રમી ગયા. બાકીના સાથે તો એ તલવાર અને દાતરડું ફેરવવામાં એક્કો, વારાફરતી એ સાતે સાતને ત્યાં ઢાળી દીધા. થોડા ઘાવ લાગ્યા એને; પણ એ જુનુનમાં ખબર ના પડી.
એમાંથી એક ઘોડે એ બેઠો ને બીજો હારે બાંધી નીકળી ગયો ત્યાંથી. ગામમાં અને આજુબાજુના પંથકમાં આ વાત વાયુ કરતા પણ વધારે વેગે પોગી ગઈ. રાજના લોકો રામલાને ગોતવા નીકળી પડયા. પણ રામલો એમ હાથ આવે એમ નો’તો. ચાર ગાઉ દુર એક નદીની ભેખડોમાં એણે રેવાનું કરી નાખ્યું. એક બે દિવસ એ ભૂખ્યા પેટે કાઢ્યા. રસ્તો એવો શોધેલો હતો કે રાજના લોકોએ મારગે થઈને જ નીકળે. ગામમાં જઈ થોડુંઘણું ખાવાનું કૈક કરી લેતો અને તપાસ કરતો કે રાજના લોકોએ આ ગામમાં કોઈ અસ્ત્રીને હેરાન કરી હોય. રાજના લોકોએ એને ભાગેડુ જાહેર કરી દીધો હતો. જ્યાં કોઈ વાવડ મળે કે આ ગામ કે શીમમાં રાજના લોકોની કનડગત છે એ જગ્યા એ પોગી જાતો ને જે રાજનો માણસ હાથ આવે એનું ધડ અલગ અને માથું અલગ કરી નાખતો. ગામે ગામ હવે એની વાતો થાતી. રાજના લોકોએ એના ઘર ઉપર પેરો રાખ્યો, ઘરે ધમકાવતા પણ રામલાની ઘરવાળી જેવી તેવી નો’તી આવે એ સાંભળીને જ જાય એવું કામ..
એકલો જ બધે જાય અને જે રાજના લોકો હાથમાં આવે એને મોતને ઘાટ ઉતારે. હવે તો રાજના લોકોમાં પણ ફફડાટ ઘર કરી ગ્યો હતો કે રામલો આવશે અને મારી નાખશે. ગામે ગામ અને શીમે શીમ ખુંદી વળ્યા પણ રામલો હાથમાં ના આવ્યો. હવે એ રાજનો જ વિરોધી બની ગયો હતો. રાજના લોકો કોઈપણને હેરાન કે કનડગત કરે એટલે એ ત્યાં હાજર જ હોય અને પેલાનું મોત નક્કી જ હોય. આમને આમ એણે રાજના કેટલાય લોકોને યમલોક પોગાડી દીધા હતાં. હવે કોઈપણ અસ્ત્રી બહાર એકલા જતા બીતી નો’તી. એટલો વિશ્વાસ રામલા ઉપર કે જો ખબર પડશે તો રાજના લોકોનું આવી બન્યું પોતાના ગામના લોકો હવે રામલાની મર્દાનગીના વખાણ કરતાં થાકતાં નોતા.
પણ કેવાય છેને વિશ્વાસમાં પણ વિષનો વાસ હોય છે, પોતાના ગામના એક ભાઈબંધને એ મળ્યો પોતાના ઘરના લોકોની ખબરઅંતર પૂછવા અને એક રાતે એની ધણીયાળી મળવા આવે એવા સમચાર દેવા. ભાઈબંધે થોડા રૂપિયાની લાલચ માટે રાજના માણસોને આ વાત કઈ દીધી અને એના ઘરે પણ વાત કીધી. એક રાતે એની ધણીયાળી રામલાને મળવા નીકળી. લપાઈને બેઠેલા રાજના લોકો એની પાછળ પાછળ ઉપડ્યા. અંધારું ઘનઘોર અને ખેતરનો મારગ પણ રામલાને મળવા એની વહુ પણ ઉતાવળી જ હતી. બાતમીના લીધે એ ગામ અને શીમમાં રાજના ૨૫-૩૦ લોકો હતાં જે હવે રામલાની પત્ની પાછળ રામલા પાસે પોગવામાં હતાં.
રામલાને આ વાતની ગંધ આવી ગઈ અને એણે એની ઘરવાલીને મળી એટલું જ કહ્યું, “દગો થયો..ભાઈબંધે દગો આપ્યો...અને મેં આપેલું વચન મેં પાળ્યું ધણીયાળી..! હવે આપણે છેટું પડી જશે રાજના લોકો આવી પોગ્યા છે..હાલો છેલ્લા રામ..રામ... “ એટલું કહી ઘોડા પર બેસી ઘોડાને દોડાવ્યો. પાસે આવી પોગેલા રાજના માણસોએ એની પત્નીને પાટું મારી રસ્તેથી હડસેલી; રામલા પાછળ લાગ્યાં.
પણ રામલો એમ હાથ વગો થાય એમ નો’તો એણે પોતાની ઘોડીને ભેખડોમાં ઉતારી દીધી પણ એ નો’તો જાણતો કે એ ભેખડોમાં પેલેથી જ રાજના માણસો આવી બેઠા છે. અચાનક એક લાકડીનો વાર ઘોડીના પગ પર થયો અને રામલો નીચે પડ્યો. એક રઘવાયેલા ડાલમત્થાની જેવો એ હડપ દઈ ઉભો થયો અને એક હાથમાં દાતરડું ને બીજા હાથમાં એ તલવાર જે કાટ ખાયેલી હતી હવે એ લોહીના ચાખી ચાખીને ચમકવા લાગી હતી. દાતરડું અને તલવાર લઈ એ ફરી વળ્યો બધાની વચ્ચે પાંચ સાત તો જોત જોતામાં રામશરણ થઈ ગયા પણ તેના પડખામાં વાગેલો એક દુશ્મનનો ઘા અસર કરી ગયો, પોતાનું શરીર સંભાળતા ફરી એ જોરદાર રાડ પાડી કુધ્યો અને ચારના ડોકા નાળીયેર જેમ વધેરી લીધા. અચાનક થયેલા પીઠના ઘાએ તેને ભો ભેગો કર્યો.
આમ રામલાને પડેલો ભાળી બધા એને ઘેરી વળ્યાં,રામલો પોતાનો અંત ભાળતો હતો અને અંતે એ હાર્યો. એને જોઈ ટોળામાંથી એક માણસના વેણ એના કાને પડ્યા, “પેલા એનું ડોકું કાપી નાખો અને ઉલાળો હવામાં બહુ બેનું દીકરીયું...બેનું દીકરીયું કરતો તો ને...” એટલું બોલતા જ એકે એના ગળા પર ઘા કર્યો અને ધડથી માથું નોખું કરી પાટું મારી દુર ફગાવી બોલ્યો, “હવે બચાવ જે બેનું દીકરીયુંને... હવે અમે તારી એ બેનુંને બતાવશું મરદની જાત...”
એટલા શબ્દો બોલતા જ જાણે રામલાનું ધડ ઉભું થયું અને હાથમાં રહેલું દાતરડું ફેરવવા લાગ્યું, રાજના માણસો એ ફરી હુમલો કર્યો પણ રામલો તો જાણે હવે પોતે સુરાપુરા થયો થોડીવારમાં જ જેટલા હતાં એ બધા ડોકા વગર ના એની પાહે પડયા હતાં.
*****
“તમે હંધાય રોજ નદીના એ સાંકડા રસ્તામાંથી નીકળો છો અને એક સીદુર વાળી ખાંભી જુઓ છો...” જીવાભાઈએ વાત આગળ વધારી. આ સંભળતા જ ડાયરાના બધાં એકબીજા સામે તાકી તાકીને જોવા માંડ્યા.
“હું કો છો ? આપણા ગામની વાત કરો છો કે ?”મુખી એ પૂછ્યું
“હા..આપણું ગામ અને આપણા ગામની નદી અને એ રસ્તા ઉપરનો પાળિયો..”
“તો હું એ રામલા કોળીની ખાંભી છે ?”
“હા..એ બેનું દીકરીઓની આબરુ માટે લડી મરનાર એ રામલો કોળી પોતે...”
ડાયરામાં એક સાથે અવાજ ગુંજી ઉઠ્યો...”રંગ છે...રામલા તને રંગ છે...રંગ છે...”
