nayana Shah

Tragedy

3.4  

nayana Shah

Tragedy

અંતર

અંતર

7 mins
387


ફોનની ઘંટડી સાંભળતા જ ગીતા દોડી. પંચાવન વર્ષે પણ એના વા વાળાપગમાં ૨૨ વર્ષની નવોઢા જેવી સ્ફૂર્તિ આવી ગઈ હતી. એનું મન કહેતું હતું ફોન ક્ષિતિજનો જ હશે. પણ દર વખતની જેમ એક વધુ વખત ગીતાને નિરાશા સાંપડી હતી. ફોન એના પુત્ર ક્ષિતિજોનેા નહિ. મિસીસ પરીખનો હતો.

મિસીસ પરીખનો ફોન પર અવાજ સાંભળતા જ એને યાદ આવ્યું કે એના પગમાં દુખાવો ચાલુ થઈ ગયો હતો. આ વખતે પણ મિસીસ પરીખ એને કહી રહ્યા હતા કે, "ગીતા મારી કારમાં સવારના પાંચ વાગે ડાકોર જવા નીકળીશું અને બાર વાગ્યા સુધીમાં પાછા આવી જઈશું. તમે બંને જણા મારી સાથે જ આવજો."

ગીતાને મનમાં ઘણો ગુસ્સો ચડેલો પણ અવાજમાં બને એટલી મિઠાસ લાવતા કહ્યું, "તમે તો મારી મજબૂરી સમજો છો. હું આવી શકું એમ જ નથી. નોકર કામ કરવા ૧૧ વાગે આવે છે અને આપણે બાર વાગ્યા પછી આવીને રસોઈ બનાવવીએ તો ક્યારે પરવારીએ ? તમે જાણો છો કે મને વાની તકલીફ છે. હું બહારનું કશું ખાતી નથી મને માફ કરો" એવું કહેતાં ગીતાએ ફોન મૂકી દીધો.

એ જાણતી હતી કે ફોન પર વધુ વાત ચાલુ રહેશે તો મિસીસ પરીખ જરૂર કહેશે, "ગીતા આ ઉંમર મંદિર દેવ દર્શન કરવાની છે." પણ વારંવાર આ વાક્ય સાંભળવાની હિંમત ગીતામાં રહી ન હતી. ગીતાને મનમાં થતું એ કહી દે, "તારે શું ? તારે તો વહુ છે તું ઘેર આવે ત્યારે તને ગરમાગરમ રસોઈ મળી જાય. પણ મારુ શું ? પણ મિસીસ પરીખ જેવી આખાબોલી બાઈને છંછેડવામાં મજા નથી એવું ગીતા જાણતી હતી કારણ કે એની નિકટની સખી હોવા છતાં પણ હંમેશ માટે ક્ષિતિજનો જ પક્ષ લેતી હતી. જો કે એકાંતની પળોમાં ઘણીવાર થતું કે મિસીસપરીખની વાત સાચી છે. ભૂલ પોતાની પણ છે અને દરેક વખતે એ ધરાની વાતોમાં આવી જતી.

એ વખતે તો એ ધરાની વાતોમાં આવી ગઈ હતી. ધરા નાનપણથી પોતાની પાસે રહેલી હતી. અને એનું સ્વપ્ન કોઈપણ રીતે સાકાર કરવા એ મરણિયો પ્રયાસ કરતી હતી. જો કે ધરા નાદાન હતી. ધરાની યુવાની હતી અને યુવાની મોટા સ્વપ્ન જોવા સ્વાભાવિક રીતે ટેવાયેલી હોય પણ પોતે યુવાન ધરાની માતા હતી. એને પોતે તો ભવિષ્યનો વિચાર કરવો જોઈતો હતો.

ગીતા સંયુક્ત કુટુંબમાં પરણી હતી. સૌથી નાની પુત્રવધૂ હતી. તેને કામનો બોજો રહેતો હતો. ગીતા ધનાઢ્ય કુટુંબ માંથી આવી હતી.જો કે તેનું સાસરુ પણ પિયર કરતાં ઘણું વધારે ધનાઢ્ય હતું. તેથી તેના માથે ક્યારેય જવાબદારી પડી ન હોતી. સાસરીમાં તેને પતિ તથા જેઠના બાળકોનો સમય સાચવવો પડતો. વહેલું ઊઠવું પડતું એટલે થાકી જતી હતી. પિયરમાં એ જમવા બેસે તે પહેલાં જ મહારાજ પાણીનો પ્યાલો પણ ભરી દેતા અને થાળી પણ પીરસી દેતા. જ્યારે સાસરીમાં રસોઇ ઘરની સ્ત્રીઓએ જ કરવી એવો નિયમ હતો. એવામાં ક્ષિતિજનો જન્મ થયો. ગીતાની ઇચ્છા હતી કે ક્ષિતિજને રાખવા માટે એક બાઈ રાખી લે. પણ ગીતાની સાસુની ચુસ્ત માન્યતા હતી કે બાળકને આયા નહિ પણ ઘરના જ ઉછેરે. જેથી ઘરની વ્યક્તિઓના સંસ્કાર પડે. ગીતા માટે આ શક્ય ન હતું. ઘણીવાર ક્ષિતિજ આખી રાત રડે. ક્યારેક બીમાર પડી જાય. તેથી વારંવાર ક્ષિતિજને એની મમ્મી પાસે મૂકી આવતી હતી. અને ગીતા એ સ્કૂલ પણ એવી પસંદ કરી હતી કે જે એની મમ્મીના ઘર પાસે જ હતી. ક્ષિતિજ છૂટીને સીધો મોસાળ જતો રહેતો અને એક સમય એવો આવ્યો કે ક્ષિતિજ મમ્મી પાસે જવાને બદલે મોસાળમાં રહેવા લાગ્યો. ગીતાને પણ માનસિક શાંતિ થવા લાગી. ક્ષિતિજ લાડકોડમાં ઉછરવા લાગ્યો. એટલુંજ નહિ માસા માસીને તો ક્ષિતિજના રુપમાં એક રમકડું મળી ગયું હતું અને ક્ષિતિજને ભણાવી-ગણાવીને હોંશિયાર બનાવી દીધો હતો.

ધીરે ધીરે ગીતા પણ ઘરકામથી ટેવાઇ ગઈ હતી. ત્યારબાદ ધરાનો જન્મ થયો. ધરા ગીતા પાસે રહી મોટી થતી ગઈ. ગીતાનો ધરા પ્રત્યે સ્વાભાવિકપણે વધુને વધુ લગાવ થતો ગયો. ક્ષિતિજ અને ધરા ભાઈબેન હોવા છતાં એકબીજા પ્રત્યે બિલકુલ લગાવ રહ્યો ન હતો. ધંધાે દિવસે દિવસે પુષ્કળ વિકસતો હતો. ઘરમાં પૈસાની રેલમછેલ હતી. ક્ષિતિજ ભણવા માટે બહારગામ હોસ્ટેલમાં રહેતો હતો. એ દરમિયાન ગીતાના સાસરી પક્ષના સગાઓ જે મધ્યમ વર્ગના ગણાતા હતા એ વારાફરતી અમેરિકા જવા લાગ્યા. અને અમેરિકાથી ડોલરમાં કમાણી કરી ભારતમાં રૂપિયાથી ખરીદી કરવા લાગ્યા હતા. વૈભવ વધતો જતો હતો અને ગીતાના સાસરી પક્ષવાળા ધીરે ધીરે ગીતાના વૈભવની સમકક્ષ થતા જતા હતા. જો કે ધરા એ વાતથી બિલકુલ અજાણ હતી કે કેટલાય પરિશ્રમ પછી આટલો વૈભવ પ્રાપ્ત થયો છે ! તેથી તો એ વારંવાર ગીતાને કહેતી, "મમ્મી ભાઈને અમેરિકા મોકલવાે જોઈએ તેની જિંદગી બની જશે અને હું પણ અમેરિકા સ્થાયી થઈશ. ભારતમાં શું છે ? કમાવવાનું માત્ર અમેરિકામાં જ છે. "ક્ષિતિજે જ્યારે પીએચડી પૂરું કર્યુ ત્યારે એને મદ્નાસમાં જ રિસર્ચ સેન્ટરમાં નોકરી મળી ગઇ હતી. એટલું જ નહીં,પણ એની સાથે કામ કરતી ક્ષમતા સાથે પ્રેમમાં પણ પડ્યો હતો.

ગીતાના પતિ ગૌતમને ધરા ખૂબ વહાલી હતી. ધરાનો શોખ પ્લેટિનમમાં હીરાના દાગીના બનાવડાવવા અને તેને પહેરીને લક્ષ્મીનું પ્રદર્શન કરવાનું જ હતો. અને અમેરિકા જવાથી એનો આ શોખ પોસાયા કરશે એવું એ મકકમપણે માનતી હતી. ગૌતમ વેપારી હતો પણ સાથે બાપ પણ હતો. એવો બાપ જે પુત્રીના પ્રેમમાં અંધ હોય. ઘણી વાર ક્ષિતિજ કહેતાે, "મહાભારતમાં ધૃત્તરાષ્ટ પુત્રપ્રેમમાં અંધ હતો. જ્યારે અમારા ઘરમાં પુત્રી પ્રેમમાં અંધાપો આવ્યો છે." જે સહેલાઈથી ધરાની માંગણી સંતોષાતી એટલી સહેલાઇથી ક્ષિતિજની માંગણીઓ સંતોષાતી નહિ. અને નાનપણથી ક્ષિતિજનો ઉછેર મોસાળમાં થયો હતો. ત્યારબાદ હોસ્ટેલમાં રહીને કોલેજ કરી હતી. જેથી એના શહેરથી ઘણો દૂર હતો અને નોકરી પણ મદ્રાસમાં મળી હતી. જ્યારે ક્ષિતિજે ક્ષમતા સાથેના સંબંધની વાત કરી ત્યારે ઘરમાં જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. ધરા ભૂલી ગઈ હતી કે તે ક્ષિતિજથી નાનીછે. એ તો ક્ષિતિજને સંભ઼ળાવતી રહેતી કે ,"તમને ભણવા મોકલેલા પ્રેમ કરવાની નહિ." ક્ષિતિજ મક્કમ હતો પણ ધરાએ એ વાતનો ફાયદો ઉઠાવવામાં પાછીપાની કરી નહતી. ધરાએકહી દીધું, "ઠીક છે,ક્ષમતા સાથે લગ્ન કરજો પણ લગ્ન બાદ તમે બંને અમેરિકા જતા રહેજો. ભારતમાં શું દાટ્યું છે ! અમેરિકા જશો તો બે પૈસા કમાશો. તમે બંને પી. એચ.ડી. છો અને અમેરિકામાં વૈજ્ઞાનિકોની જરૂર છે. ઘણુ કમાશો."

કયારેક ક્ષિતિજ કહેતો રહ્યો, "મમ્મી પપ્પા હું મારા દેશ માટે કંઈક કરવા માગું છું. અમે અમેરિકા જઈ શકીશું. અમને તો અમેરિકાવાળાએ સામેથી આમંત્રણ આપ્યું છે. પણ આપણે ત્યાં પૈસાની શું ખોટ છે ? આપણી સાત પેઢીઓ પણ નોકરી ધંધો કર્યા વગર બેસી રહે તો પણ પૈસાની ખોટ સાલવાની નથી. હું ઘરથી ઘણા વર્ષોથી દૂર રહ્યો છું. હવે માસા માસી તો સંસારમાં પડ્યા છે અને દાદા દાદી હયાત નથી. મારે મારા કુટુંબ સાથે રહેવું છે. મારે કુટુંબના લડાઈ-ઝઘડા, રિસામણા મનામણાં માણવા છે. હું અને ક્ષમતા મદ્રાસથી અહીં સ્થાયી થવા પ્રયત્ન કરીશું.

પણ ક્ષિતિજની એક પણ દલીલ સાંભળવા ગીતા, ગૌતમ કે ધરા તૈયાર નહોતા. તેમની દલીલ હતી કે દસેક વર્ષ કમાઈ લો. ત્યાર પછી અહીંયા આવજો. પાછલી જિંદગી આરામથી ભારતમાં વિતશે. થોડો સમય અમે પણ ત્યાં આવીશું. એકાદ-બે મહિનો ધંધો બંધ રાખીશું તો કંઈ ફરક પડવાનો નથી. ક્ષિતિજને કહેવાનું મન થયું ૧૦ વર્ષની જિંદગીથી ત્યાં ટેવાઇ ગયા પછી કોણ અહીં આવવાનું છે ? અત્યારે અમારે મા બાપની જરૂર છે ત્યારે મા-બાપને અમારી જરૂર હશે. દસ વર્ષ બાદ અમે પાછા આવીએ ત્યારે નવેસરથી નોકરી શોધીએ અને દસ વર્ષ બાદ અમારે એટલા માટે પાછા આવવાનું કે ત્યારે તમારે અમારી જરૂર હોય !

મિસીસ પરીખે પણ ગીતાને ક્ષિતિજ જે વાત સ્પષ્ટપણે કહી શક્યો ન હતો એ વાત સ્પષ્ટપણે કહી હતી અને ઘણી સમજાવી હતી, "ગીતા ,જિંદગીમાં બધું જ મળશે પણ પ્રેમ મળવો દુર્લભ છે. પ્રેમ મેળવવા પ્રેમ કરવો પડે છે. ઈશ્વર કૃપાએ તારી પાસે ઘણો પૈસો છે તો વહુના હાથની ગરમાગરમ રોટલી ખાઇને બાકીની જિંદગી પૂરી કર."

ત્યારે ગીતા એ કેટલા ગૌરવથી કહેલું,"ગરમ ગરમ રોટલી રસોઈ કરનાર મહારાજ પણ ખવડાવશે. એના માટે મારે નોકરી કરતી વહુની જરૂર નથી. એ શું મને બે ટાઈમ ગરમ રોટલી ખવડાવવાની છે ? આખરે તો મારે જ એના વૈતરા કરવા પડશે. મને આવા વેવલાવેડા પસંદ નથી. એ તો સમય થયે ખભે પાકીટ લટકાવી ચાલવા માંડશે. ત્યારે મિસીસ પરીખે કહેલું, "ગીતા, તું વાસ્તવિકતાથી ઘણી દૂર છું એક સમય એવો આવશે કે તને ક્ષિતિજ અને ક્ષમતાના પ્રેમની જરૂર પડશે, ત્યારે તું એ મેળવવા તડપ્યા કરીશ".

ગીતા, ગૌતમ તથા ધરાના હર્ષનો પાર ન રહ્યો જ્યારે ક્ષિતિજ અને ક્ષમતાએ અમેરિકા જવાની હા પાડી. ધરા તો ત્યારબાદ લંડનથી આવેલા કોઇ શ્રીમંત ઘરના નબીરાને પરણીને લંડન લઈ જતી રહી હતી. ઘરના લગ્ન પ્રસંગે ક્ષિતિજ કે ક્ષમતા હાજર ન હતા. હા, ક્ષિતિજે સુંદર મજાની ભેટ તથા કાર્ડ જરૂર માેકલયા હતા.

હા, ક્ષિતિજે એક નિયમ જરૂર જાળવી રાખ્યો હતો કે દર મહિને ડોલર મોકલતો રહેતો હતો. એ માત્ર ચેક જ હતો. એમાં બે અક્ષર લખવા જેટલો પણ એને સમય ન હતો. ઘણીવાર ગીતા અને ગૌતમ ફોન ઉપર કહેતા, "બેટા માત્ર ચેક મોકલવાથી તારી જવાબદારી પૂરી થઈ જાય છે ? તારી બીજી કંઈ ફરજ નથી ?" ત્યારે ક્ષિતિજ શુષ્કપણે જવાબ આપ તો, "શું કરું ? અહીં પૈસા કમાવા પાછળ કંઈ વિચારવાનો સમય જ કોને છે ? અને મને આવા વેવલાવેડા પસંદ નથી. હું અહીંની જિંદગી ટેવાઈ ગયાે છું. અહીંની સરકારે અમને બંનેને પુષ્કળ સગવડો આપી છે. હવે અમારી પાસે પણ એટલું બધું છે કે અમારી સાત પેઢી ખાય તો ખૂટે નહિ, પણ હવે મારી ભારત આવવાની ઈચ્છા નથી. મેં પુત્ર તરીકે તમારી ઈચ્છા પૂરી કરી છે. તમારે આથી પણ વધુ પૈસા જોઈએ તો કહેજેા, હું મોકલીશ." કહેતાં ક્ષિતિજ ફોન મૂકી દેતો. ગીતાને થતું માતા-પુત્ર વચ્ચે અમેરિકા ભારત જેટલું અંતર નથી. અમેરિકા ભારત વચ્ચેનું અંતર તો વિમાનમાં બેસીને પણ કાપી શકાય. પણ માતા, પિતા અને પુત્ર વચ્ચે જે લાગણીનું અંતર પડી ગયું છે એ અંતર તો દુનિયાનું કોઈ વિમાન કાપી શકે એમ નથી. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy