અંતિમ વાર
અંતિમ વાર
વિનીટ (VNIT) કોલેજના સાંસ્કૃતિક મહોત્સવ (કલ્ફેસ્ટ) બાદ હોસ્ટેલની એક રૂમમાં...
“ચાલો, આજના સાંસ્કૃતિક મહોત્સવમાં રાહુલ પાર્ટીને હરાવીને આપણે છેલ્લે છેલ્લે બદલો વાળ્યો ખરો. હવે અંતિમસત્ર પૂર્ણ થઈ જયારે આપણે ઘરે પાછા જઈશું ત્યારે આપણા મનમાં કોઈ વસવસો નહીં હોય.” રોહિત ગુપ્તા ઉર્ફ મચ્છરે હોસ્ટેલની રૂમમાં આવેલા એક પલંગ પર બેસતા કહ્યું.
“મચ્છર, કદાચ તને વસવસો નહીં થાય પરંતુ મને તો જીંદગીભરનો વસવસો રહશે.” શ્રીનિવાસ રાવે વ્યથિત થતા કહ્યું.
“કેવો વસવસો ?”
“આપણે થર્ડ યરને ઈલેકશનમાં હરાવી ન શક્યા તે વાતનો વસવસો. આપણી જીતને તેઓએ આપણી પાસેથી આંચકી લીધી તે વાતનો વસવસો.” શ્રીનિનો મિજાજ ખરાબ હતો.
“શ્રીનિ, ફરગેટ ઈટ યાર ! હાર જીત તો થતી રહે છે. આપણે ઈલેકશનની હારને ભૂલી આજના જીતનો જશ્ન મનાવવો જોઈએ. આખિર હમને ઉન લોગોકો દિખા દિયા કી હમ ક્યાં ચીજ હૈ ?”
આ સાંભળી શ્રીનિવાસ ફિક્કું હસ્યો.
“આમાં હસવા જેવું શું છે ?” મચ્છરે આશ્ચર્યથી પૂછ્યું.
“જરા સોચ મચ્છર.” શ્રીનિવાસે ખિસ્સામાંથી ગોલ્ડ ફ્લેક સિગરેટનું પેકેટ કાઢી તેમાંથી એક સિગરેટ કાઢી અને તેને સળગાવતા આગળ ચલાવ્યું, “શું આપણે ઈલેકશન થર્ડ યરને આપણે કોણ છીએ એ દેખાડવા માટે લડ્યા હતા ?”
શ્રીનિના હાથમાંથી સિગરેટ લેતા મચ્છરે પૂછ્યું, “અરે યાર ! આખરે તું કહેવા શું માંગે છે ?”
શ્રીનિવાસે સિગરેટનો ધુર્મ એકતરફ છોડતા કહ્યું, “મચ્છર, આપણે ઈલેકશન લડ્યા હતા હોસ્ટેલ સ્ટુડન્ટસના ઉદ્ધાર માટે. તેઓને સારું ભોજન, સુખસુવિધા અને સાફસુથરું ટોઈલેટ વાપરવા મળે તે માટે. પરંતુ શું આપણે આપણા ઉદ્દેશમાં સફળ થયા ખરા ! નહીં. જરાયે નહીં. અબ સાલા યહ થર્ડ યર કો દિખા દેનેવાલી બાત કહા સે બીચ મેં આ ગઈ ?”
અત્યાર સુધી ચુપચાપ સાંભળી રહેલો રાજેશ શ્રીનિવાસના સૂરમાં સૂર પરોવતા બોલ્યો, “હા યાર ! શ્રીનિની વાત સાથે હું પણ સહમત છું. ઈલેકશનમાં થયેલી હારથી વ્યથિત થઈ આપણે સહુ મુખ્ય મુદ્દાથી ભટકી ગયા છીએ. આજના સાંસ્કૃતિક મહોત્સવમાં જીત્યા તેનો આનંદ છે. પરંતુ એ સાથે આપણે આપણા મુખ્ય ઉદ્દેશને ભૂલવું ન જોઈએ.”
“આપણે હાર્યા નહોતા પરંતુ તેઓ છેતરપીંડીથી જીત્યા હતા.” મચ્છરે સિગરેટનો કશ ખેંચી શ્રીનિ સામે ધરી.
“પણ જીત્યા હતા એ વાત મહત્વની છે. મચ્છર લુઝરને ઈતિહાસમાં કોઈ યાદ કરતું નથી. કલ કોલેજ સ્ટુડન્ટસ ભી હમ ચોર્થ યર કો ઔર ઉસકી લડાઈ કો ભૂલ જાયેગા. ફિર ક્યા ?” શ્રીનિ રોષભેર બોલ્યો.
ઓરડામાં સન્નાટો છવાઈ ગયો.
“સાલા, આજ હમારે હોતે હુએ વો રાહુલ પાર્ટી ઈતની ડેરિંગ કર રહી હૈ... તો જરા સોચ કલ જબ હમ કોલેજ સે ચલે જાયેંગે તબ વો ક્યાં કરેંગે ?” શ્રીનિ સિગરેટના ઠુઠાને એકતરફ ફેંકતા બોલ્યો, “ના... ના... હું આમ ગુંડાઓના હાથમાં કોલેજનું ભવિષ્ય કદાપિ જવા નહીં દઉં.”
“સાચી વાત છે.” એક વિધાર્થી બોલ્યો.
“બરાબર છે.” બીજા બે ત્રણ જણા બબડ્યા.
“ઓ.કે. બાબા, તો હવે આપણે શું કરવું છે ?” મચ્છર બોલ્યો.
“કોલેજમાંથી વિદાય લેતા પહેલા એક આખરી વાર આપણે કરવો જ જોઈએ.” શ્રીનિ મક્કમતાથી બોલ્યો.
“શું ?” મચ્છરે વિસ્મયતાથી પૂછ્યું.
“હા, અહીંની ગંદકી સાફ કર્યા વગર ઘરે પાછા જવા દિલ માનતું નથી. સાલા ચોર્થ યર કી હમારી ઈસ બેચ કો કોલેજ હંમેશા યાદ આની ચાહિયે.” શ્રીનિ મુઠ્ઠી ભીંસતા બોલ્યો.
“ઊફ ! આ લંબુ પણ ક્યાં રહી ગયો ?” મચ્છરની નજર ઓરડામાં અમિત શર્મા ઉર્ફ લંબુને શોધી રહી.
“સૌરભ શુક્લા જયારે ગીત ગાઈ રહ્યો હતો ત્યારે મેં લંબુને તિવારીની પાછળ જતા જોયો હતો.” વિજય નામના એક ફર્સ્ટ યર સ્ટુડન્ટે જવાબ આપ્યો.
આ સાંભળતા જ મચ્છર અને શ્રીનિ જાણે વીજળીનો ઝટકો લાગ્યો હોય તેમ પોતાની જગ્યાએ ઊભા થઈ ગયા. મચ્છર ચિંતિત સ્વરમાં બોલ્યો, “વિજય, આ તું અમને હમણાં જણાવી રહ્યો છે ? શ્રીનિ, જલદી ચાલ. લંબુ જરૂર કોઈ મુસીબતમાં ફસાયો છે નહીંતર તે અહિયાં આવ્યા સિવાય રહ્યો ન હોત.”
મચ્છર અને શ્રીનિ સાથે બીજા વીસ સ્ટુડન્ટ લંબુને શોધવા હોસ્ટેલની રૂમમાંથી બહાર નીકળ્યા. હજુ તેઓ લોબી સુધી માંડ પહોંચ્યા જ હતા ત્યાં વેનના બ્રેકની ચિચિઆરી સાંભળી તેઓના પગ થંભી ગયા. વેનમાં રાહુલ તેના સાથીઓ સાથે બેઠો હતો. ચોર્થ યરના સ્ટુડન્ટસને અકળાવવા તે જાણીજોઈને તેના વેનની હેડલાઈટ ચાલુ બંધ કરી રહ્યો હતો. અચાનક તિવારીએ વેનનો પાછલો દરવાજો ખોલ્યો. ત્યાં પાછલી સીટ પર લોહીલુહાણ અવસ્થામાં પડેલા લંબુને જોઈ સહુની આંખો પહોળી થઈ ગઈ. હજુ તેઓ કંઈ સમજે તે પહેલા તિવારીએ પગની ઠોકર વડે લંબુને વેનમાંથી નીચે ધકેલ્યો.
“આકે લેકે જાઓ ઈસકો.” રાહુલે ખંધુ હસતા કહ્યું.
“ઈનકી મા કી...” કહેતાની સાથે શ્રીનિએ પાસે પડેલો મચ્છરદાનીનો સળીયો ઊઠાવ્યો અને સડસડાટ પગથીયા ઉતરવા લાગ્યો. તેની પાછળ ચોર્થ યરના બીજા સ્ટુડન્ટસ પણ હાથમાં જે આવે તે હથિયાર લઈને તેની પાછળ દોડ્યા.
આ જોઈ રાહુલે ડ્રાઈવર સીટ પર બેઠેલા તેના સાથીને કહ્યું, “ચાલુ કર... ચાલુ કર... ભગાવ... ભગાવ... જલદી...”
શ્રીનિ પગથીયા ઉતરીને નીચે આવ્યો પરંતુ રાહુલની જીપ ધૂળ ઉડાડતી ત્યાંથી નીકળી ગઈ હતી. શ્રીનિ વેન પાછળ દોડવા જતો હતો ત્યાં મચ્છરે બૂમ પાડી, “શ્રીનિ, લંબુની હાલત ખૂબ ખરાબ છે.”
શ્રીનિના પગ અટક્યા તે વળીને પીડાથી કણસી રહેલા લંબુ પાસે આવ્યો.
“શું થયું લંબુ ? તિવારી સાથે તારું શું થયું હતું ?” મચ્છરે લંબુના માથા પર સાંત્વનાથી હાથ ફેરવતા કહ્યું.
લંબુ બોલવાનો પ્રયાસ કરી રહ્યો પરંતુ તેની જૂબાન તેને સાથ આપી રહી નહોતી. તે ત્રુટક શબ્દોમાં માત્ર એટલું જ બોલ્યો, “વો સાલે થર્ડ યર કે બદમાશ ઈસબાર હમે હરા નહીં પાયે.” આટલું કહેતાની સાથે લંબુ બેહોશ થઈ ગયો.
આ જોઈ મચ્છર બોલ્યો, “તમે બધા આમ ઊભા શું છો ? ઝટ ગાડીની વ્યવસ્થા કરો. આપણે લંબુને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવો પડશે.”
*****
લંબુ જે વોર્ડમાં દાખલ હતો તેની બહાર ચોર્થ યરના સ્ટુડન્ટસ ચિંતિત અવસ્થામાં ઊભા હતા.
શ્રીનિએ ગુસ્સાથી મુઠ્ઠીઓ ભીંસતા કહ્યું, “અગર લંબુ કો કુછ હો ગયા તો મેં ઉસ રાહુલ કે બચ્ચે કો જીંદા નહીં છોડુંગા.”
“શ્રીનિ, હોશમાં આવ. તિવારીને માર્યાનું પરિણામ આજે આપણી સામે છે. હવે જો તું બીજું કંઈ કરીશ તો તેઓ પણ સામે પલટવાર કરશે. આપણે એ ભૂલવું ન જોઈએ કે આપણે ગુંડા નહીં પણ સ્ટુડન્ટસ છીએ.” મચ્છરે કંઈક વિચારીને કહ્યું.
“તો શું આપણે આમ જ હાથ પર હાથ ધરીને બાયલાની જેમ ચૂપચાપ બેસી રહીશું ?” શ્રીનિ તાડૂક્યો.
“ના... આપણે ચૂપ નહીં રહીએ. આપણે જરૂરથી બદલો લઈશું. પરંતુ યોગ્ય રીતે. અબ બહુત હુઆ, અબ ફેંસલા હોકે રહેગા.” મચ્છર લીડર મોડમાં આવી ગયો હતો.
મચ્છરના સંવાદે ત્યાં ઊભેલા સહુ કોઈમાં એક નવી ચેતના જગાવી.
“પેશન્ટને હોશ આવી ગયા છે. તમે તેને મળી શકો છો.” નર્સે બહાર આવીને કહ્યું.
મચ્છર અને શ્રીનિ તરત વોર્ડ રૂમમાં દોડી ગયા. અંદર હોસ્પિટલના બિઝાને પડેલા લંબુએ તેમને આવેલા જોઈ સ્મિતથી આવકાર આપ્યો.
મચ્છર પલંગની બાજુમાં આવેલા સ્ટુલ પર ગોઠવાઈ ગયો અને શ્રીનિ લંબુના પગ પાસેની ખાલી જગ્યાએ બેઠો.
લંબુએ પોતાની જગ્યાએથી ઊઠીને બેસવાનો પ્રયત્ન કરતા કહ્યું, “એ કમજાતોને હું નહીં છોડું.”
મચ્છરે ઊઠીને લંબુને ટેકો આપતા કહ્યું, “તારી સાથે બીજા બસો સ્ટુડન્ટસના મનમાં આ જ ભાવના છે. ધીરજ રાખ આપણે બદલો લઈને રહીશું.”
“લંબુ, તું અમને જણાવ્યા વગર તિવારીની પાછળ કેમ ગયો હતો ?” શ્રીનિએ ખિસ્સામાંથી ગોલ્ડ ફ્લેક સિગરેટનું પેકેટ કાઢ્યું. પરંતુ બીજી જ ક્ષણે પોતે હોસ્પિટલમાં ઊભો છે તે વાત ધ્યાનમાં આવતા તેણે ઝડપથી પેકેટને ખિસ્સામાં પાછુ સેરવી દીધું.
“રાહુલ પાર્ટી સાંસ્કૃતિક મહોત્સવમાં પણ છેતરપીંડી કરીને જીતવા માંગતી હતી. આપણો સૌરભ શુક્લા જયારે ગીત ગાઈ રહ્યો હતો ત્યારે રાહુલે તિવારીને માઈકમાં ગડબડી કરવાની સૂચના આપી હતી. જયારે મને આ વાતની જાણ થઈ ત્યારે હું તિવારીને રોકવા તેની પાછળ ગયો હતો.” લંબુ ધીમા સ્વરે બોલી ગયો.
“સાલે, હરામખોર... યહાં ભી અપની ઔકાત દિખા દી.” શ્રીનિ બબડ્યો.
“તિવારીને જયારે મેં રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે ત્યાં હાજર સાંસ્કૃતિક મહોત્સવના આયોજકોએ મારી મદદ કરવાને બદલે ઊલટાનો મારી પર જ હુમલો કર્યો.”
“હા રાહુલની પાર્ટી ઈલેકશન જીતી છે. એટલે દરેક કાર્યક્રમમાં આયોજકો તેમના પક્ષના જ રહેવાના. ફિર ક્યાં ? કરો મનમાની.” મચ્છર ગુસ્સાથી બોલ્યો. “પણ બસ. હવે બહુ થયું. રાહુલ પાર્ટીને તેમની ઔકાત દેખાડવી જ પડશે.”
“પણ કેવી રીતે ?” લંબુએ વિસ્મયતાથી પૂછ્યું.
“એકતાની તાકાતનો પરચો દેખાડીને. લંબુ, બસ તું જલદી ઠીક થઈ જા. આપણે હવે આખરી લડત લડવાની છે. કોલેજમાંથી વિદાય લેતા પહેલા આપણે કોલેજની વ્યવસ્થા સુધારીને જ જઈશું. તું હવે આરામ કર.”
આમ કહી મચ્છર વોર્ડરૂમમાંથી બહાર નીકળી ગયો. તેના મસ્તિષ્કમાં વિચારોનું વંટોળ ચાલી રહ્યું હતું.
શ્રીનિએ પૂછ્યું, “મચ્છર, આખરે તું કરવા શું માંગે છે ?”
“શ્રીનિ, અબ વક્ત આ ગયા હૈ. ચલ દુશ્મન પર એક આખરી પથ્થર ઉછાલ કર દેખતે હૈ. આપણા બધા સાથીઓને કોલેજ કેન્ટીનમાં આવવાનું કહે. હું ત્યાં જ તમને મારી આગળની યોજના કહી સંભળાવું છું.”
*****
લંબુ પર થયેલા હુમલાની ખબર કોલેજમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી. હોસ્ટેલમાં રહેતા દરેક વિદ્યાર્થીમાં આ વાતને લઈને રોષની લાગણી ઉદભવી હતી. ચતુર લીડર એ જ હોય છે કે જે સમયને પારખીને પલટવાર કરે છે. મચ્છરે પણ મોકાનો ફાયદો ઊઠાવ્યો. તેણે હોસ્ટેલમાં ભણતા સ્ટુડન્ટસની સલામતીનો મુદ્દો આગળ ધરી, સહુનો સાથ સહકાર મેળવ્યો.
પરિણામે બીજા દિવસની સવારે કોલેજના પ્રાંગણમાં ફોર્થ યરના સ્ટુડન્ટસ સાથે બસોથી વધુ વિદ્યાર્થીઓ ધરણામાં જોડાયા હતા.
પ્રિન્સિપલને જયારે આ વાતની જાણ થઈ ત્યારે તેઓ ખૂબ ગભરાઈ ગયા. હોસ્ટેલના વિદ્યાર્થીઓ સુરક્ષિતાના મામલે ધરણા કરી રહ્યા છે એ વાત જો બહાર મિડિયામાં જાય તો કોલેજની આબરૂ જોખમમાં મૂકાય. અને માટે જ પ્રિન્સિપલ મચ્છર પાર્ટીને સમજાવવા કોલેજના પ્રાંગણમાં દોડી આવ્યા.
પ્રિન્સિપલે માઈક હાથમાં લઈને કહ્યું, “સ્ટુડન્ટસ, પ્લીઝ કીપ ક્વાઈટ. તમારે જે કંઈ તકલીફ હોય તે મને મારી ઓફિસમાં આવીને કહો. આમ તમાશો કરી તમે આપણી જ કોલેજનું નામ ખરાબ કરી રહ્યા છો ?”
શ્રીનિએ રોષથી કહ્યું, “કોલેજના નામની ચિંતા અમને પણ તમારા જેટલી જ છે. અને એટલે જ અગાઉ અમે શાંતિથી વાત કરી જોઈ હતી પરંતુ તેનું પરિણામ શું આવ્યું ? આજે અમારો દોસ્ત લંબુ હોસ્પિટલમાં છે.”
પ્રિન્સિપલ, “હું એ વાતથી દિલગીર છું. અને તમને સહુને ખાતરી આપું છું કે હવે પછી આવું કશું નહીં થાય.”
“સર, જ્યાં સુધી કોલેજમાં અસામાજિક તત્વોનું શાસન રહેશે ત્યાં સુધી કોલેજમાં આવી જ ગુંડાગર્દી ચાલતી રહેશે.” મચ્છરે આગળ આવીને કહ્યું.
“રોહિત, આપણા કોલેજની સત્તા કોઈ અસામાજિક તત્વોના હાથમાં નથી. પ્લીઝ આવી ખોટી વાતો કરી બીજા વિદ્યાર્થીઓને ગેરમાર્ગે ન દોરીશ.” પ્રિન્સિપલે રોષભેર કહ્યું.
“સર, ગેરમાર્ગે તો તમે દોરાયા છો. અને એટલે જ કોલેજમાં અસામાજિક તત્વોનું વર્ચસ્વ નથી એવો ખોટો ભ્રમ તમને થયો છે. બાકી સત્ય કંઈક બીજું છે.” રોહિત ઉર્ફ મચ્છર મક્કમતાથી બોલ્યો. આજે તે દુનિયા સામે લડી લેવાના મિજાજમાં હતો.
“આખરે તારે કહેવું શું છે ?” પ્રિન્સિપાલના શબ્દોમાં નરમાશ હતી.
“સર, ખરેખર તો કોલેજના ઈલેકશનમાં કોઈ ગેરરીતિઓ ના થાય તે જોવાની જવાબદારી કોલેજના સત્તાધીશોની હોય છે. પરંતુ મને દુઃખ સાથે કહેવું પડે છે કે આપણી કોલેજમાં આમ થતું નથી. પરિણામે ગુંડા તત્વ બેફામ બની તેઓની મરજી ચલાવે છે. તમે જાણો છો કે દર ઈલેકશનમાં ફર્સ્ટ યર સ્ટુડન્ટસ પર કબજો કરી તેઓને વોટીંગ આપવાથી રોકવામાં આવે છે. ખોટું લાગતું હોય તો અહીં હાજર સ્ટુડન્ટસને પૂછી જુઓ.”
પ્રિન્સિપલે ફર્સ્ટ યરના સ્ટુડન્ટસના ટોળા તરફ જોયું. તેઓએ હકારમાં માથું હલાવ્યું.
“અમે ઈલેકશનમાં થયેલી ગેરરીતિઓથી કોલેજના સત્તાધીશોને વાકેફ કરાવ્યા હતા પરંતુ તેઓએ સમય બગડશે એ બીકે તપાસ આગળ વધારી નહીં. પરિણામે ગુંડાઓને પ્રોત્સાહન મળ્યું અને તેઓ આપણી કોલેજ પર તેમનું પ્રભુત્વ પ્રસ્થાપિત કરવામાં સફળ થયા. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય નહીં લીધાના માઠા પરિણામના અનેકો દાખલા ઈતિહાસના પૃષ્ઠો પર અંકિત છે. અમે નથી ઈચ્છતા કે આપણી કોલેજનું પણ એક ઉદાહરણ એ પૃષ્ઠોમાં ઊમેરાય.” મચ્છરે ગળું ખંખેરતા કહ્યું, “સર, ચાલો અમે માનીએ છીએ કે અમારી ભૂલ હતી. પરંતુ તમે જ કહો કે ગુંડા તત્વો સામે બાથ ભરવાની હિંમત કરવી શું એ ભૂલ છે ? શું અસામાજિક તત્વોને પડકારવું ગુનો છે ? તમે એ બદલ અમને સજા કરશો તો પણ અમને મંજૂર છે. પરંતુ તમારો ફેંસલો સંભળાવતા પહેલા એ વાત જરૂર ધ્યાનમાં રાખજો કે, ત્યારબાદ આપણી કોલેજનો કોઈ વિદ્યાર્થી અન્યાય સામે ફરી અવાજ ઊઠાવવાની હિંમત નહીં કરી શકે. તેથી ખૂબ વિચારીને નિર્ણય કરો. આજે વિનીટ કોલેજનું ભવિષ્ય તમારા હાથમાં છે.”
“તો તમે મારી પાસેથી શું અપેક્ષા રાખો છો ?” પ્રિન્સિપલે પૂછ્યું.
“સર, અમે બસ એટલું ઈચ્છીએ છીએ કે તમે કોલેજના ઈલેકશનમાં થયેલી ગેરરીતિઓની તપાસ કરાવો. અને દોષિત વિદ્યાર્થીઓને કડકમાં કડક સજા ફરમાવો. જો આજે આમ થશે તો જ કાલે આપણી કોલેજનું ભવિષ્ય સુરક્ષિત થશે. થોડાક દિવસો બાદ જયારે અમે આ કોલેજમાંથી વિદાય લઈશું ત્યારે અમારા મનમાં એ અફસોસ ન રહેવો જોઈએ કે અમે અમારા કોલેજના ઉજ્જવળ ભવિષ્ય માટે કશું કરી શક્યા નહીં.” થોડુંક અટકીને મચ્છરે આગળ કહ્યું, “સર, જે કોલેજમાં ભણ્યા છીએ તેના પર ભવિષ્યમાં ગુંડાઓનું રાજ હશે એ કલ્પનામાત્રથી અમે ધ્રુજી ઊઠીએ છીએ.”
પ્રિન્સિપલે કહ્યું, “ઠીક છે. હું આ બાબતે યોગ્ય તપાસ કરાવીશ અને દોષિતોને યોગ્ય સજા ફરમાવીશ. પરંતુ ત્યાં સુધી તમે બધા કોલેજમાં શાંતિ જાળવી રાખો.”
આમ કહી પ્રિન્સિપલ ત્યાંથી જતા રહ્યા.
શ્રીનિએ ઉત્સાહથી પોકાર્યું, “મચ્છર પાર્ટી કી...”
કોલેજનું પ્રાંગણ “જય.”ના નારાથી ગુંજી ઊઠ્યું.
*****
ત્રણ દિવસ બાદ કોલેજની નોટીસ બોર્ડ પર સૂચના લગાડવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે, “ઈલેકશનની તપાસ કરતા ધ્યાનમાં આવ્યું છે કે રોહિત પાર્ટીએ ઈલેકશનમાં ગેરરીતી અપનાવી હતી. ફર્સ્ટ યર સ્ટુડન્ટસ વોટ આપી ન શકે એ માટે તેમનો કરવામાં આવેલ કબજો એક ધૃણિત કૃત્ય હતું. અને આ બદલ રોહિત અને તેના સાથીઓને કોલેજમાંથી બેદખલ કરવામાં આવે છે. જોકે બે મહિના બાદ હવે નવા સત્રનું ઈલેકશન થવાનું છે એટલે હાલ રોહિતને બદલે કામ ચલાઉ મેમ્બર તરીકે તૃતીય વર્ષના હોંશિયાર એવા વિદ્યાર્થી અનિકેતની વરણી કરવામાં આવે છે. ફોર્થ યરની મચ્છર પાર્ટીએ અસામાજિક તત્વો ખિલાફ અવાજ ઊઠાવી જે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એ બદલ કોલેજ તરફથી તેઓનું ખાસ સન્માન કરવામાં આવશે.”
કોલેજ હવે સુરક્ષિત હાથોમાં છે એ વાતથી મચ્છર પાર્ટીને સંતોષ થયો. તેઓ સહુ આજે ખરેખર ખૂબ ખુશ હતા. અને કેમ ન હોય ? આખરે તેમનો સફળ જે થયો હતો અંતિમ વાર.
