STORYMIRROR

jagruti zankhana meera

Tragedy Classics

4  

jagruti zankhana meera

Tragedy Classics

અંતિમ મુલાકાત

અંતિમ મુલાકાત

4 mins
316

"બાપુ, મા ખુબ પીડા ભોગવી રહી છે. તેની ફરી સ્વસ્થ થવાની કોઈ શક્યતા દેખાતી નથી. હવે વય પણ થઈ ચૂકી છે. કર્મ બંધનમાંથી મુક્ત થવું હવે તેના દેહ માટે જેટલું જરૂરી છે, એટલું જ મારા માટે પણ જરૂરી થઈ ગયું છે. કારણ કે હું તેની પરાધીન અવસ્થાની પીડાને જોઈ શકતી નથી. મારી તેને આશ્વાસન આપવાની તાકાત પણ ખતમ થઈ ચૂકી છે. આપ કોઈ રસ્તો બતાવો." 

સોમવારે મારા ઇષ્ટદેવ મહાદેવનાં મંદિરે મારી આંખોમાંથી વહેતા આંસુનું કારણ જ્યારે પૂજારીએ મને આંખથી જ પૂછ્યું ત્યારે મેં તેમને હાથ જોડીને હૃદય ઠાલવ્યું. લગભગ મારી સમવયસ્ક એવા બાપુએ મને જવાબ આપ્યો, "બેના ફક્ત પાંચ દિવસ સુધી મધરાતે ઊઠીને મૃત્યુંજયનો જાપ કર અને શિવલિંગ પર સરસવના તેલનો અભિષેક કર. મા જરૂર મુક્ત થઈ જશે." મેં તેમના ચરણસ્પર્શ કર્યા. શિવલિંગ સામે સાષ્ટાંગ દંડવત કરી બે હાથ ખોલી માની મુક્તિ માટે પ્રાર્થના કરી. કશુંક મા માટે કરવાની મનમાં નેમ લઈ મંદિરેથી ઢસડાતા પગે ઘરે પહોંચી. 

એક કલાક પછી દીકરાનો ફોન આવ્યો. "હલ્લો મમા..ગુડ ન્યૂઝ! ટિકિટ કન્ફર્મ થઈ રહી છે. તું આવી રહી છે ને ? મને મળવા ?" તેના અવાજમાં રહેલો ઉત્સાહ મને વલોવતો હતો. કારણ કે સાથે મળીને નક્કી કરેલો મલ્લિકાર્જુન મહાદેવના દર્શનનો સમય આવ્યો હતો કે જે મારાથી ચાર હજાર કિલોમીટર દૂર બિરાજતા હતાં. બીજી તરફ પથારીવશ મા તેના બધા જ અરમાનો અને જીજીવિષા મારા હૃદયની અંદર મૂકીને બેઠી હતી. ક્ષણાર્ધ માટે પણ મને તેનાથી દૂર જવા દેવા તૈયાર ન હતી. હું કદાચ આ દુનિયાની એ સમયે સૌથી લાચાર દીકરી અને સૌથી લાચાર મા હતી. કારણ કે મારી ફરજ મને બંને તરફ ખેંચી રહી હતી. 

બાપુએ કહેલા શબ્દો મારા કાનમાં ગૂંજતા હતા કે જ્યોતિર્લિંગનો આશીર્વાદ લો માની જરૂર મુક્તિ થશે. દીકરાનાં શબ્દો કાને પડઘાતા હતા કે મા તને જ્યોતિર્લિંગના દર્શન કરાવીને લીધેલી ટેક પૂરી કરવી છે. બંને કાનમાંથી આવતા અલગ અલગ પોકારને કાન પર હાથ રાખીને પણ હું ક્યાં બંધ કરી શકતી હતી ! ઘરમાં રાખેલા શિવલિંગને મેં માથું ટેકવીને રસ્તો સુઝાડવા પ્રાર્થના કરી. અચાનક એવું નક્કી થયું કે હવે મારે મલ્લિકાર્જુન મહાદેવ સુધી જવાનું જ છે. હજારો વિટંબણાની વચ્ચે પ્રશ્ન એક જ હતો કે માને કેમ સમજાવું ?

મા હવે મા ન હતી પણ એ મારું એક માંદલું બાળક હતું કે જે તેનો ભરોસો મારી અંદર સ્થિત કરી ચૂકી હતી. આમ જુઓ તો તે મારા પ્રત્યેનો માત્ર મોહ હતો. હું તેને એ મોહનાં બંધનમાંથી મુક્ત કરવા માંગતી હતી. કારણ કે તે પીડાતી હતી. પછી મેં મનોમન દ્રઢ નિશ્ચય કર્યો કે હું માને સમજાવીને યાત્રા કરવા જરૂર જઈશ. મારી અંદર ટુકડાઓમાં વેરાયેલી મારી હિંમતને મેં ભેગી કરીને એક ખડક બનાવ્યો. હૃદય પર આ પથ્થર બરાબર બેસાડીને હું માને મળવા ગઈ.

મારી આંખો આ દુનિયામાં સૌથી વધુ મા જ તો વાંચી શકતી હતી ! તે મારી અંદર વલવલતી લાચાર મા પાસે લાચાર દીકરીને લડત આપતી જોઈ રહી હતી. મેં તેનું માથું મારા ખોળામાં લીધું અને આખી પરિસ્થિતિ તેને સમજાવી. તેણે મને પૂછ્યું,"પાછી ક્યારે ફરીશ ? મેં ઇશારાથી જ પાંચ દિવસનો જવાબ આપ્યો. જીભ મને સાથ દેવા સહેજે તૈયાર ન હતી. મેં માથે હાથ ફેરવ્યો અને બાળકને સમજાવતી હોય તેમ કહ્યું, "મા ચોથો દિવસ પૂરો થતાં હું તારી પાસે આવીશ. પછી તું જીવીશ ત્યાં સુધી ક્યાંય નહીં જાવ. તને મારું વચન છે. માએ કહ્યું, "અને કાંધ આપવાનું વચન નિભાવીશ ?" મેં કહ્યું,"હા ગમે તે ભોગે નિભાવીશ, મા! પણ હું આવું ત્યાં સુધી ક્યાંય જતી નહીં. તારી સૌથી લાડકી દીકરી છું. છું ને ?" 

માએ ત્યાર પછી સંવાદ ટાળ્યો. આંખોથી જ હા કહી. મારા હાથે જમી. જતી વખતે મારી આંખોમાં એ તાકાત ન હતી કે હું તેની ફીકી નિસ્તેજ આંખોમાંથી નીકળતા તેજને જીરવી શકું અને માટે હું નજર નીચે કરી ઝડપથી ચાલી ગઈ. ઈશ્વરને પ્રાર્થના કરી કે બસ મારી ટેક અધૂરી ન રહે.  

મા સાથેની એ 'મુલાકાત' આખરે અંતિમ 'મુલાકાત' બની રહી. હું માને મૂકીને નીકળી ત્યારે મને એમ થતું હતું કે હું મારા બીમાર બાળકને કોઈના હવાલે કરીને જઈ રહી છું. અપરાધ ભાવથી મારું હૃદય સતત ઘેરાયેલું હતું પરંતુ દુન્યવી ફરજો પૂરી કરવી એ પણ મારા માટે અનિવાર્ય હતી. હું ગાડીનાં પૈડાની નીચે જાણે કે મને ખુદને કચડાતી અનુભવતી હતી. હજુ માથી એક દિવસ દૂર ન થઈ અને માએ પ્રાણ ત્યાગી દીધા. મને જ્યારે એ સમાચાર મળ્યા ત્યારે હું કોઈ કાળે મા સુધી પહોંચી શકું તેવી પરિસ્થિતિમાં ન હતી. મેં ફક્ત આંખ બંધ કરી અને ઈશ્વરનું સ્મરણ કરી બારે જ્યોતિર્લિંગને પ્રાર્થના કરી કે મારું માને આપેલું વચન અધૂરું ન રહે.

ચમત્કારો બનતાં રહ્યાં. માનો આત્મા મારી અંદર વસી ગયો મને તાકાત પૂરી પાડતો રહ્યો. માનો દેહ કોલ્ડ સ્ટોરેજમાં મારી કાંધ માટે રાહ જોઈને બે રાત સુધી સૂતો રહ્યો. હું ત્રેવીસ કલાકે મા સુધી આખરે પહોંચી ગઈ. ફરીથી જે માને એક જ દિવસ માટે મારાથી દુર કરી હતી તેને મેં મારા ખોળામાં લીધી. અંતિમ સમયે મેં તેના તેજોમય ચહેરાને ખૂબ ચૂમીને વહાલ કર્યું. મેં તેના કપાળે કુમકુમ તિલક કર્યું અને તેની અર્થીને પહેલો ખભો આપી મારું વચન પૂરું કર્યું. સદેહે મુલાકાત ફરી મારા નસીબમાં ન હતી એ સાચું પણ 'એ અંતિમ મુલાકાત*' ની માની સ્મૃતિઓ મારા હૃદયમાં હવે એટલી હદે સ્થાપિત થઈ ચૂકી છે કે તે કદાચ મારા શ્વાસ સાથે જ વિસ્તૃતિમાં પરિણમશે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy