અનોખો પ્રેમ
અનોખો પ્રેમ
હવાની ખુશનુમા લહેરખીઓ બારીએથી આવ જા કરી રહી હતી. વિભા ખાટલાએ બેસી રાઘવના ધોયેલા કપડા વાડામાંથી લાવી વ્યવસ્થિત ગોઠવી રહી હતી. બારણું અધખુલ્યું જ હતું. બપોરનો સમય હોવાથી ગામમાં નીરવ શાંતિ હતી. અચાનક વિભાને લાગ્યું કે તેની પાછળ કોઈ ઉભું છે ને પાછળ જોતાજ અચાનક જ... એક ભયાનક બનાવનો તે ભોગ બની ગઈ.
મોડી રાતે રાઘવ ગામના બસસ્ટેન્ડ ઉતરે છે. રાતના સમયે તો ભાગ્યે જ એકલદોકલ વ્યક્તિ પાદરે નજરે પડે. અત્યારે પણ કોઈ દેખાયું નહિ. રાઘવે ધીમે ધીમે ઘર તરફ ચાલવા માંડ્યું. રસ્તામાં એકાદ બે ઘરોમાં ફાનસનો ઝાંખો અજવાસ દેખાયો. આખુ ગામ નિરાંતે સૂઈ રહ્યું હતું. દૂરથી પોતાના ઘર તરફ નજર નાખી પણ અંધારાના આવરણ તળે કશું દેખાયું નહીં.
વિભા પણ ખરી છે અંધારામાં જ સૂઈ ગઈ હશે. મનમાં બોલતા બોલતા રાઘવ ઘર નજીક પહોંચ્યો. બારણું ખુલ્લું જ હતું. રાઘવને આશ્ચર્ય થયું. ધીરેથી વિભા...વિભા બે બૂમ પાડી ઘર ખખડાવ્યું પણ કોઈ પ્રત્યુતર ન મળતાં તે ઘરમાં પ્રવેશ્યો. અંધારામાં કશું દેખાતું નહોતું. વિભા અંધારામાં ક્યારેય ઊંઘતી નહોતી તો આજે બારણું ખુલ્લું મૂકી કેમ ઊંઘી ગઈ હશે ?
તરત રાઘવે લાઈટ કરવા સ્વિચ પાડી. ખાટલા તરફ જોતાજ તેની નજરોસમક્ષ નું દશ્ય જોઈ તે હેબતાઈ ગયો. તેનું હ્ર્દય ધબકારો ચૂકી ગયું એવું એણે અનુભવ્યું. ખાટલા પર વિભા મૃત હાલતમાં પડી હતી. તેના શરીર પર પૂરા કપડા પણ નહોતા. ઘરમાં સામાન વેર વિખેર હતો. એક ક્ષણ માટે જાણે વાતાવરણ શ્વાસ લેતું થંભી ગયું. અચાનક આ પરિસ્થિતિમાં શું કરવું કંઈ જ રાઘવને સૂઝ્યું નહિ.
વિભા...વિભા... એ બૂમ મારી ઉઠ્યો. આજુબાજુના ઘર પણ દૂર હોવાથી કોઈ તેની ચીસ સાંભળી શક્યું નહીં. આમ ...અચાનક....શું થયું હશે? કોણે વિભાને....
પોતાની નજર સામે જે દશ્ય હતું તે જોઈ રાઘવ સંપૂર્ણ પણે હચમચી ગયો. તરત જ વિભાના શરીર પર ચાદર ઓઢાડી આંખોમાં આંસુ સાથે તે માથે હાથ દઇ બેસી પડ્યો. નજીક એવું કોઈ હતું પણ નહિ કે કોઈને કહી શકાય. તરત તેણે મોબાઈલ કાઢી બાજુના ગામમાં પોલીસ સ્ટેશને ફોન કર્યો. રામપુર ગામમાં પોલીસ ચોકી હતી જ નહિ. બે ત્રણ રીંગ પૂરી થયા બાદ કોઈકે ફોન ઉપાડ્યો. રાઘવે ધ્રુજતા સ્વરે વિભાનું મૃત્યુ થયાનું કહી જલદીથી આવવા કહ્યું. થોડીવારમાં ઘટનાસ્થળે પોલીસ આવશે એમ કહી પેલા હવાલદારે ફોન મૂકી દીધો. રાઘવ વિભાની લાશની બાજુમાં ઢગલો થઈ બેસી પડ્યો.
* * *
રાઘવ બાવીસેક વર્ષનો યુવાન હતો. પીટીસી કર્યા બાદ શિક્ષકની નોકરી રામપુર ગામમાં મળી હતી. નોકરીનું સ્થળ વતનથી દૂર હોવાથી તે ગામમાં જ સ્થાયી થયો હતો. ક્યારેક શનિ રવિ અથવા રજાઓમાં તે વતને જતો. બાકીના દિવસોમાં દિવસે શાળામાં બાળકોને ભણાવતો ને સાંજે ગામમાં બાળકો સાથે કંઈને કંઈ પ્રવૃત્તિ કરતો. રામપુર ગામ ખૂબ નાનું પણ અંધશ્રદ્ધાનો ગઢ. વ્યક્તિ બીમાર પડે તો દવાખાને સારવાર કરવાને બદલે મૂંગા પશુઓની બલી, દોરા ધાગા એવું બધું વધારે.
રાઘવ હંમેશા લોકજાગૃતિ માટે, ગામમાં અંધશ્રદ્ધાથી લોકોને દૂર લાવવા પ્રયત્નો કરતો. ગામના અમુક માથાભારે તત્વો સામે ઘણી વખત તેનો સંઘર્ષ થતો. ગામમાં વિભા નામે એક છોકરી હતી આશરે અઢારેક વર્ષની. રાઘવ જ્યારે બે વર્ષ પહેલા નોકરીએ જોડાવા આવ્યો ત્યારે વિભાનાં માતા પિતા એ પોતાના ઘરનો એક ગાળો તેને રહેવા ભાડે આપેલો. તેમના મૃત્યુ બાદ તો વિભા એકલી પડી. રાઘવ સાથે તેને સારું બનતું. રાઘવ એકલો હોવાથી તેનું ઘરકામ રસોઈ બધું વિભા સંભાળતી. બદલામાં રાઘવ તેને સાંજે અંગ્રેજી શીખવતો. બન્ને એકબીજાને ભાઈ-બહેન માની રહેતાં. ગામલોકોને મન તો આ સંબંધ પ્રેમી પંખીડાનો જ હતો રાઘવ અંધશ્રદ્ધા દૂર કરવા જે કાર્યક્રમ કરતો એમાં વિભા હંમેશ તેની સાથે રહેતી. એ પણ ગામલોકોને પસંદ નહોતું. એટલે વિભાને રાઘવ એમને આંખમાં કણાની જેમ ખૂંચતા હતા. વિભા રૂપરૂપનો અંબાર હતી. પણ બોલવામાં ભારે ફટાકડી. ભલભલાને એકલી પહોંચી વળતી.
* * *
ત્રણ ચાર કલાક બાદ મળસ્કે પોલીસની જીપ આવી. થોડી વારમાં તો આખું ગામ રાઘવના ઘર આંગણે આવી ઉભું રહી ગયું. એક યુવાનીના ઉંબરે આવીને ઊભી અનાથ છોકરીનું આમ અચાનક મૃત્યુ અને તે પણ રહસ્યમય સંજોગોને આધીન તેથી ટોળામાં અંદરોઅંદર ગુસપુસ શરુ થઈ ગઈ. પોલીસે રાઘવનું બયાન લીધુંને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. ગામમાં પહેલીજ વાર ખૂન જેવો બનાવ બન્યો હતો. પોલીસના મત મુજબ વિભા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
બળાત્કારની વાત જાણી રાઘવના રૂવાંડા ઉભા થઇ ગયા. પોતાની બહેન સાથે આવું કૃત્ય કોણે કર્યું હશે. એ વિચારી એ વધુ ગમગીન બની ગયો.
ગામલોકો બધાને ખબર હતી કે રાઘવ સિવાય રાતે ઘરે કોઈ હોય જ નહિ. રાઘવ આગલે દિવસે વતન ગયો હતો પણ રાતે એ હાજર હતો. ગામનાં ઘણા લોકો એ રાઘવના વિરુદ્ધમાં જ બાતમી આપી. રાત્રે કોઈ નહોતું ત્યારે રાઘવ વિભાનો ફાયદો ઉઠાવ્યો એમ માની દરેક જણ એને શંકાની દૃષ્ટિએ જોવા લાગ્યા. સરપંચ આગળ તો રાઘવને ગામમાંથી બહાર કાઢી નાખવાની રજૂઆત પણ થઈ.
બધી ચર્ચાઓને બાજુ પર મૂકી રાઘવે અશ્રુભીના હ્રદયે પોતાની વ્હાલી બેનની અંતિમ સંસ્કારની વિધિઓ પૂર્ણ કરી. પોલીસે પણ રાઘવને વધુ તપાસ કરવાની હોય તેથી ગામમાં જ રહેવા જણાવ્યું.
બીજા દિવસે સવારે પોલીસ રાઘવના ઘરે આવે છે . રાઘવ ઘરમાં હોતો નથી. આજુબાજુના લોકો રાઘવ જ ગુનેગાર હોવાથી ભાગી ગયાની વાત જણાવે છે. પોલીસને પણ હવે શક થાય છે. જો ખૂનના કર્યું હોય તો ભાગે જ નહિ એવો જ મત હતો એમનો.
આ બાજુ રાઘવને પણ ખબર નથી કે પોતે ક્યાં છે. રાત્રે અજાણ્યા શખ્સોએ તેને કીડનેપ કરી ગામથી દૂર વેરાન સ્થળે લઈ ગયા હતા.
'કોણ છો તમે ? મને ક્યાં લાવ્યા છો ?'
રાઘવ બૂમો પાડે છે પણ તેની આંખો પર પટ્ટી હોવાથી તેને ખબર નથી કે પોતે જ્યાં છે ત્યાં આસપાસ તેને સાંભળનાર કોઈ છે જ નહિ. ભૂખ અને તરસથી તેની હાલત વધુ ગંભીર બની જાય છે. થોડા સમય પછી બે ગુંડા બીજી એક છોકરીને રાઘવ સાથે બાંધવા આવે છે. ગુંડાઓની ચહલ પહલથી રાઘવ ફરી બૂમો પાડે છે.
'ખોલો મને... ખોલો... કોણ છો તમે .. ?'
'અરે.. .ચૂપ...રાઘવ માસ્તર....' એટલું બોલી એ ગુંડો રાઘવની આંખોની પટ્ટી ખોલે છે.
સામેનું દશ્ય જોઈ રાઘવ ને બધું સમજાઈ જાય છે. 'મનસુખ ને રમેશ તમે ? તમે મને અહી કેમ
રાખ્યો છે ? છોડી દો મને... પછી તમારી વાત છે.'
'અરે, તને છોડીશું તો અમારો જેલ દર્શન 'નો વારો આવશે. રાઘવ તને કેટલી વાર કહ્યું કે અમારા કામમાં વચ્ચે ન આવીશ પણ તું ને તારા સત્યવચનો.... અમારો ગામમાં બિઝનેસ બંધ કરાવવાનો નિર્ણય તને નક્કી ડુબાડશે કહેલું ને ... તો .....?'
'તો શું મનસુખ...? તું ને તારા બેકાર મિત્રો ગામની છોકરીઓને અંધશ્રદ્ધાના નામે વેચી દેહવ્યાપાર કરો છો એ વાતથી હું અજ્ઞાત નથી. હું બધાને તમારી સચ્ચાઈ કહીશ...' રાઘવ બરાડ્યો.
'રાઘવ તને ....હા ને તારી વિભાને બહુ સમજાવી પણ ખરેખર બહુ જિદ્દી માલ હતો હો...' રમેશ બોલ્યો
'એટલે તમે જ વિભાને ?'
'મેશ હસતા હસતા બોલ્યો, 'હા હા તારી વિભાને અમે જ સ્વર્ગના દર્શને મોકલી છે. અપ્સરા હતી હા બાકી એના શરીરની તો વાત જ શી કરવી. કેટલી સમજાવી પાર્ટીને પણ ના માની. ના છૂટકે...'
'સાલા...નીચ....નરાધમો.... હું તમને નહિ છોડું.. શું તમે મારી બેન સાથે' .... રાઘવ વધુ બોલી ના શક્યો. એ ગુસ્સાથી રાતોચોળ થઈ પોતાના દોરડાથી બાંધેલ હાથ છોડવા નિરર્થક પ્રયત્નો કરવા લાગ્યો.
'બેન ? જા હવે..બેન હોત તો આમ સાથે રહી ગામમાં રંગલીલાઓ ન બતાવતા હોવ તો. ને હા જીવતો રહીશ તો તું અમને સજા આપી શકીશ ને ?' મનસુખ કટાક્ષભર્યા સ્વરે ચેતવણી આપતા બોલ્યો.
'રાઘવ, મનસુખ અને રમેશની વાત પેલી અજાણી યુવતી પણ સાંભળી રહી હતી. તેના હાથ પગ બાંધેલા હતા ને આંખો અને મો પર પટ્ટી હતી. મનીયા આ મુદ્દામાલને પણ સમજાવી દે નહિતર આના હાલ પણ પેલી રૂપકડી નાર જેવા થશે.'
'આ છોકરીને શું કામ લાવ્યા છો? કોણ છે આ ?' રાઘવ પ્રશ્ન પર પ્રશ્ન પૂછતો હતો.
'રાઘવ સાહેબજી... તમારા દરેક પ્રશ્નના ઉત્તર તમને અમારી મહેમાનગતિથી મળી જશે. હવે ચૂપચાપ બિરાજો.' આટલું કહી બને બારણું બંધ કરી જતા રહ્યા.
'મને છોડ મનસુખ....રાઘવ બૂમો પાડી રહ્યો..'પણ પેલા બન્ને હસતા હસતા ત્યાંથી નીકળી ગયા.
હવે આ ખંડેર જેવા ઘરમાં પેલી અજાણી યુવતી અને રાઘવ બે જ હતા. વિભા જેટલી જ ઉંમરની હતી તે, એવું રાઘવને લાગ્યું. મો અને આંખો પર પટ્ટી હોવાથી તે રાઘવને જોઈ શકતી નહોતી. મહાપ્રયત્ને ખુરશી ખસેડી ખસેડી રાઘવ તેની નજીક ગયો. આપણે બન્ને આ ગુંડાઓથી બચવા એકબીજાની મદદ કરવી પડશે. આટલું બોલી રાઘવે પોતાના હાથ દ્વારા દોરડું છોડવા યુવતીને કહ્યું. અને તેના આશ્ચર્ય વચ્ચે એક જ મિનિટમાં રાઘવ મુક્ત થઈ ગયો. રાઘવે ફટાફટ તેને પણ મુક્ત કરી.
'તું કોણ છે ? ને અહી....' રાઘવે પેલી યુવતીને પૂછ્યું.
'હું કામ્યા... આ ગુંડાઓ મને જબરજસ્તી બાજુના ગામમાંથી ઉઠાવી લાવ્યા છે. વાતો પછી કરીશું પેલા અહીંથી નીકળીએ.'
બન્ને ત્યાંથી ભાગીને જંગલ તરફ આગળ નીકળી જાય છે. રાઘવ કામ્યા ને જોઈ વિચિત્ર લાગણી અનુભવે છે પણ કંઈ બોલી શકે એમ નથી. મનમાં વિભાના મૃત્યુ માટે પોતે જ જવાબદાર છે એ વાત એને વધુ કોરી ખાય છે.
મનસુખ ને રમેશને કોઇપણ ભોગે સજા કરાવવાનો મનોમન નિર્ણય લઈ રાઘવ કામ્યા સાથે આગળ વધે છે. ભૂખને કારણે એ વધુ ચાલી શકે એવી સ્થિતિ ન હોવાથી તે કામ્યાની સાથે જંગલમાં જ રોકાય છે. બે મિનિટમાં પરત આવવાનું વચન લઈ કામ્યા રાઘવ માટે ખોરાક પાણીની વ્યવસ્થા કરે છે.
'આ જંગલમાં ખોરાકની વ્યવસ્થા તે કેવી રીતે કરી ?' રાઘવ આશ્ચર્યથી કામ્યા ને પૂછે છે.
'તમે ખાઈ લો. પછી આપણે વહેલી તકે પોલીસ ને જાણ કરવા જશું. રાતે જંગલી પ્રાણીઓ આપણને ખાય એ પહેલા અહીંથી ભાગવું પડે.'
ફટાફટ બન્ને જણ થોડું ખાઈને આગળ વધે છે. થોડે સુધી ચાલતા ગામ તરફ જતો રસ્તો મળે છે. એક ટ્રકમાં બેસી બન્ને પોલીસ સ્ટેશન પાસે પહોંચે છે. ત્યાં મનસુખ ને રમેશ વિશે બધું પોલીસને જણાવે છે. કોઈ પણ પ્રકારના પુરાવા વિના પોલીસ એમની વાત સાંભળતી નથી. ઊલટાનું રાઘવને ગુનેગાર માની જેલમાં બંધ કરી દે છે. રાઘવ નિરાશ થઈ જેલમાં બેસી પડે છે.
આ તરફ કામ્યા જ્યાં તેમને કીડનેપ કર્યા હતા ત્યાં પાછી જાય છે. મનસુખ ફરી આવે છે ત્યારે રાઘવ ત્યાં હોતો નથી. એકલી કામ્યાને જોતાં ગુસ્સાથી તેને રાઘવ વિશે પૂછે છે. પોતાના હાથપર દોરડું અને આંખો પર પટ્ટી હોવાથી રાઘવ વિશે અજાણ હોવાનું કામ્યા જણાવે છે. થોડીવારમાં ફોન કરતા તરત રમેશ પણ સાથીઓ સાથે ત્યાં આવી જાય છે.
તેઓ બધા રાઘવ જેલમાં હોવાની વાતથી અજાણ હતા. બધા સાથીઓને રાઘવને શોધવા મોકલી તેઓ કામ્યા પાસે બેસે છે.
'રમેશ આ આઇટમને આપણું કામ સમજાવી દે. કાલે એની ડિલિવરી મુસ્તાકભાઈને કરવાની છે.'
'મનિયા.... મુસ્તાક ને કાલે મોકલીશું. આજ તો સુંદર સાંજ બનાવીએ.'
'યાર...તું ધરાતો નથી. તારા લીધે કાલે રાઘવવાળી બબાલ થઇ.' મનસુખ અકળાઈને બોલ્યો.
'કામ્યા સાથે વાતચીતમાં કામ્યાએ સામેથી પ્રતિસાદ આપતા બન્ને તેની માયાજાળમાં ફસાઈ જાય છે. શરીરસુખ માણવાનું વચન આપી કામ્યા એમની સાથે એક ચાલ રમે છે. રાઘવ વિશે પ્રાથમિક પૃચ્છા કરી વિભાનું મૃત્યુ કેવી રીતે થયું તે સઘળી વાત, વિભા સાથે ગુજારેલા બળાત્કાર અને દેહવ્યાપારના ધંધા વિશે બધુ એ બન્ને પાસે બોલાવડાવે છે. બન્ને કામ્યા સાથે શરીરસુખ માણવાની તાલાવેલમાં બન્ને મગ્ન બને છે.
કામ્યા છુપા કેમેરાથી સઘળું રેકોર્ડ કરી લે છે. કામ્યાની ચાલ સફળ થાય છે. થોડી જ વારમાં સંતાયેલી પોલીસ ત્યાં આવે છે. મનસુખ ને રમેશને પોતાના જ શબ્દોના પુરાવા આધારે વિભાના ખૂની તરીકે અને દેહ વ્યાપારના આરોપી તરીકે પકડી પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે.
રાઘવને નિર્દોષ ગણી પોલીસ તેને છોડી દે છે. રાઘવને પોલીસ કામ્યાની મદદથી કેવી રીતે આ લોકો પકડાયા તે જણાવે છે. રાઘવને રેકોર્ડિંગ કરેલી સીડી પણ આપે છે. રાઘવ મનોમન કામ્યાનો આભાર માનવાનું નક્કી કરી ઘરે જાય છે ઘરે જઈ સીડી જુએ છે. તેમાં રાઘવને માત્ર મનસુખ અને રમેશ જ દેખાય છે. તેના આશ્ચર્ય વચ્ચે ક્યાંય કામ્યા દેખાતી નથી. પોલીસને ફોન કરી પૂછે છે પણ કામ્યા વિશે તેમને કશી ખબર હોતી નથી. ત્યાજ વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ પડે છે.ને કામ્યાનો ને વિભાનો હસતો ચહેરો તેને નજર સમક્ષ દેખાય છે. એક ભાઈને બચાવવા, નિર્દોષ સાબિત કરવા એક બેન વિભા કામ્યાના રૂપે ફરી જીવંત થઈ હતી. રાઘવ વિભાનો આભાર માની આકાશ તરફ જોઈ રહે છે.