ભવ્યા ભાગ-૧
ભવ્યા ભાગ-૧


ઘાવ હૈયાના છુપાવું તો છુપાવું કઈ રીતે ?
કે હવે તો હસ્તરેખામાંય ચીરા થઈ ગયા.. - બેફામ
કોલેજનો પ્રથમ દિવસ હતો.આઝાદીની નવી ઉડાન સંગ હુ મારા મિત્રો સાથે વર્ગમાં દાખલ થયો. નવા ચહેરાઓ, નવી આશા, નવા તોફાનો ને બીજું ઘણું બધું અહી નવું હતું. એક ખુશીની લહેર વાતાવરણમાં હતી.ત્યાંજ મારી નજર પડી એક સામેની બેન્ચ પર. એક તાજુ જ ગુલાબનું ફૂલ જેવી રતાશ હતી એના ચહેરા પર. એ એની એક બહેનપણી સાથે હસીને વાત કરી રહી હતી. એના હાસ્યમાં હુ આકર્ષણ અનુભવી રહ્યો. ઝરણાની નજાકતથી ભર્યો સપ્રમાણ દેહ, સુંદર રેશમી લાંબા કમરથી નીચે સુધીના વાળ, ને સાથે એકદમ ફેશનેબલ સ્કિન ટાઇટ ટોપ. એક નજરમાં જ ઘાયલ કરી દે એવું રૂપ. પહેલાજ દિવસે આટલો સુંદર નજારો નિહાળવા મળે તો કોલેજ જવાનું મન કોને ના થાય ? એકજ ક્લાસમાં હોવાથી એના નામની માહિતી તો મળી ગઈ પણ એ ક્યારેય હાસ્ય તો શું, નજર પણ ન્હોતી એક થવા દેતી. હુ કેટલીય વખત એના એક સ્મિતની ઝલક માટે એની આગળ પાછળ ફર્યો પણ ભણેશરી ભવ્યા, હા મે એનું નામ ભણેશરી પાડેલું. એની મિત્ર માનસી અને એ બન્ને સ્કુટી પર આવે કોલેજને પાછા સીધા ઘરે એ સિવાય કોઈ સાથે બહુ વાતો કરે નહિ.
લાયબ્રેરીમાં એક વાર હુ પુસ્તક લેવા ગયો એ પણ અનાયાસે. એક નોંધ તૈયાર કરવાની હતી. મારે જે પુસ્તક જોઈતું હતું એ કોઈ લઈ ગયું હતું ને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે ભવ્યા મેડમ જ લઈ ગયા હતા. હાશ, એક તક મળી વાત કરવાની. પ્રથમ વાર હુ એ બન્નેની નજીક ગયો. ભવ્યા પાસે એ પુસ્તકની માંગણી કરી. ને પ્રભુ કૃપાથી ભવ્યાએ એ પુસ્તક આપ્યું ને સાથોસાથ એક સુંદર સ્મિત સાથે તૈયાર નોંધ પણ આપી. બસ ત્યારથી શરૂઆત. પરિચય ને ત્યારબાદ મિત્રતા. નોટસને કોલેજની વાતો સાથે અમારી રોજ રોજ વાતચીત થવા લાગી. માનસીની સાથે હવે હું પણ ભવ્યાનો મિત્ર હતો. ભવ્યાં એક શ્રીમંત પરિવારની દીકરી હતી. સાથોસાથ મોર્ડન વિચારધારા વાળી. તે છતાંય બહુ ઓછું બોલતી. કામ પૂરતી જ વાત. અમે ત્રણેય સાથે મળીને મૂવી જોવા પણ જતા. ઘણીવાર લેક્ચર પતી જાય પછી નાસ્તો કરવા પણ જતા. મને ભવ્યા ખુબ ગમતી તેની સાથે સમય વિતાવવો મારા માટે સૌથી અમૂલ્ય ક્ષણો હતી.
ભવ્યા ને હું મોબાઈલ પર ખૂબ વાતો કરતા . પણ એને પ્રપોઝ કરવાની હિંમત મારામાં ન્હોતી. એના વિના મને ગમતું નહોતું. ઘરે આવું પછી કોલેજ જવાની જ રાહ જોઉં. ભવ્યાની લાઈફ સ્ટાઇલ જોઇ હુ થોડો પાછળ પડતો. હુ ગામડાનો ને એ શહેરની દરેક સુખસુવિધા વચ્ચે પાંગરેલી. માનસીને પણ મારી ભવ્યા પ્રત્યેની ફિલિંગની જાણ હતી જ. એક દિવસ કોફી ટેબલ પર ભાવ્યાએ સામેથી મને પ્રપોઝ કર્યું. સ્વીકારવાની તૈયારી તો એના કરતાં વધુ ઉતાવળ મારે હતી. એ જ સમયથી અને મિત્ર મટી 'કપલ' બની ગયા. એકબીજાને જીવન આખું સાથે જીવવાના વાયદા અમે આપી દીધા.
અમે કોલેજ બાદ પણ મળતા. પણ માનસી હમેંશા અમારી સાથે હોય. ઘોંઘાટથી દુર, દરિયાકિનારે હાથોમાં હાથ નાખી બેસવા મળતું નહિ પણ વાતો ખૂબ કરતાં. હજુ કોલેજના બે વર્ષ પૂર્ણ કરવાના હતા. તેથી કોલેજના અભ્યાસ બાદ પરિવારને જાણ કરી લગ્ન કરવાનો અમારો પ્લાન હતો. તેથી છુપાઈને મળવું પડતું. હુ તો ગામડે ક્યારેક રજાઓમાં જ જતો. અભ્યાસ અર્થે શહેરમાં જ એક રૂમ ભાડેથી રાખી રહેતો. એટલે હું ગમે ત્યારે મળવા જઈ શકતો, પણ ભવયા માટે શક્ય નહોતું. એ માનસી સાથે કઈ બહાનું બનાવીને નીકળતી. એના પપ્પા ખુબ સ્ટ્રિક હતા. આમ ને આમ બે વર્ષ પસાર થયા.
એક નાની ઘટના જીવનનો અણધાર્યો ટર્ન લેવા કાફી હોય છે. મારા જીવનમાં પણ એવું જ કંઈ બન્યું. ઇન્ટર કોલેજ સ્પર્ધામાં અમે બન્ને એ ભાગ લીધો હતો. બહુ સરસ નાટકની તૈયારીઓ કરી હતી. જાણે પ્રેમકહાનીના નાટકને અમે બન્ને સાચેજ જીવતા હોય એમ ભજવતા. સ્પર્ધાના દિવસની વાત છે. સ્પર્ધાના દિવસે હું ક્યારનોય મસ્ત શૂટ પહેરી પહોંચી ગયો હતો. અધીરો બની મારી જુલિયટની રાહ જોય રહ્યો હતો. માનસી સ્કુટી લઈ પહોંચી પણ ભવ્યા સાથે ન્હોતી. મને નવાઈ લાગી. માનસીને પૂછતા તેને જણાવ્યું કે આજે કોસચ્યુમ પહેરી એ એના પપ્પા ની કાર લઈને આવી રહી છે. મે અધળક કોલ કર્યા પણ ભવ્યા આવી જ નહિ. ઉતાવળમાં ઘરેથી કાર લઇ આવી રહેલી ભવ્યાને એક ડમ્પર ચાલકે ટક્કર મારતાં તેની સાથે એક્સીડન્ટ થયો હતો. ને બસ, ભવ્યાનું સ્થળ પરજ મોત નિપજ્યું હતુ... (ક્રમશ:)