Tanvi Tandel

Tragedy Inspirational

4  

Tanvi Tandel

Tragedy Inspirational

સુરક્ષા કવચ

સુરક્ષા કવચ

8 mins
451


રાત્રિનો અંધકાર બેડરૂમમાં રહેલ નાઈટ લેમ્પના પ્રકાશમાં થોડો ઝાંખો લાગતો હતો. ચારેબાજુથી સમસ્યાઓથી ઘેરાયેલ સ્વરા ઊંઘવાનો અભિનય કરી રહી હતી પણ તેની આંખમાં સઘળું વિક્ષિપ્ત અવસ્થામાં દેખાઈ રહ્યું હતું.બાજુમાં ઊંઘેલી શર્વરીને માથે હાથ ફેરવી તે ચૂપચાપ ઊભી થઈ. ગ્લાસ વિન્ડો ખોલી આકાશને નિહાળતી રહી.કેટલું ભવ્ય,ઝગઝગતું આકાશ.એક અલાયદા મિજાજ સાથેનું.અસંખ્ય તારાના ઝૂમખાં વચ્ચે ચંદ્ર...એકદમ એકલવાયો,પોતાની જેમ જ. સઘળું હોવા છતાં એકલતા ! શું કરવું એ પ્રશ્નના કોઈ જ ઉત્તર ન્હોતા.આજે પોતે જ્યાં હતી એ સ્થાનેથી ભવિષ્ય ધૂંધળું હતું.વિતાવેલ ભૂતકાળમાં કાશ પાછું વળીને જઈ શકાય ! પણ એ જઈ શકે એ શક્ય નહોતું.છતાં ક્ષણવારમાં તે પહોંચી ગઈ.

આદર્શ સાથે સગાઈ થયાને માંડ હજુ ત્રણ મહિના થયા હતા.પોતાના ઢગલો સર્ટિફિકેટ થકી માત્ર એક એન્જિનિયર છોકરો પતિ તરીકે મળે એ ઉદ્દેશ સિદ્ધ થયો હતો. લગ્ન બાદ નોકરી કરવાની જરૂર નથી,આપણે ક્યાં કંઈ ખોટ છે.. એવી સાસરા પક્ષની માંગણીને પોતાના માતા પિતાએ સહર્ષ સ્વીકારી પોતાના આઝાદીના આકાશને સંપૂર્ણ રીતે છીનવી લીધું.આદર્શ, પાંચ ફૂટ સાત ઇંચનો હેન્ડસમ યુવાન પાછો એન્જિનિયર. વ્હાઇટ શર્ટને બ્લુ જીન્સ માં એવો સોહામણો લાગ્યો કે સ્વરાને પહેલી મુલાકાતમાં જોતા જ ગમી ગયો. સ્વરા સાયન્સ ગ્રેજ્યુએટ ને દેખાવડી એટલે અસ્વીકારનો પ્રશ્ન જ સામે પક્ષે ન્હોતો.બન્ને પક્ષે સંમતિની મહોર મરાયા બાદ જ સઘળાં પ્રશ્નો ઉદભવ્યા હતા, લગન પછી જ સૌના રંગ ને મિજાજ સતત બદલાયાં.

લગ્નની પહેલી જ રાત્રે, ફૂલોની મહેક વચ્ચે સ્વરાને આદર્શ એક બન્યા પણ સાસુમા એ રંગ બદલ્યો. સ્વરા એ પહેરેલ ઘરેણાં આડા અવળાં ના થાય તે માટે તિજોરીમાં મૂકવા લઈ ગયા. નવી વહુ એ તરત ઘરેણાં આપી દીધા.બીજા દિવસની સવારથી સતત જ્વાળામુખીની જ્વાળાઓ ધીરે ધીરે સ્વરાને દઝાડતી રહી. કોઈક વાર કામને નામે તો કોઈક વાર શાબ્દિક પ્રહારો થકી. વર્ષોથી પ્રેમથી ઉછેરેલો દીકરો વહુ આવતા જ વહુઘેલો બને એ સાસુ રસીલાબેનને પસંદ ન્હોતું.

"વહુ દીકરા, મારા આદર્શને મસાલેદાર ખાવા જોઈએ તે તમને ફાવટ તો છે ને રસોઈમાં ! તમે ભણ્યા વધારે પણ કામમાં પણ પાવરધા હશો જ" આટલું કહી રસીલાબેને ઘરનો કામનો બધો ભાર સ્વરા વહને સોંપી દીધો. સ્વરાને રસોઈમાં વધુ ફાવટ નહિ તેથી સાસુમાના નોન સ્ટોપ ચાલતા વાગબાણથી તેને ટેવાવું પડ્યું. સાંજે સાત વાગ્યે આદર્શ આવે તેની તે આતુરતાથી રાહ જોતી. આદર્શ આવે એટલે તરત જ દિવસભરની વાતો સોફા પર બેસીને સંભળાવવાની રસીલાબેનને પણ એટલી જ આતુરતા રહેતી. પત્ની અને મા વચ્ચે સેન્ડવીચ બનેલા આદર્શને સઘળું આકરું લાગતું પણ છતાં તે સમજુ હતો. મા આગળ એક પણ હરફ ન ઉચ્ચારી સ્વરાને સમજાવતો. સ્વરા ચૂપ બેસી સાંભળી લેતી. પિયરથી ફોન આવે તો રસીલાબેન સાંભળતા જ હોય એટલે બે પળ શાંતિથી રૂમમાં વાત કરી શકે એ ય શક્ય નહોતું. પોતાના રૂમનો દરવાજો બંધ થાય એટલે તરત, સ્વરા... સ્વરાની બૂમો થી ઘર ગુંજતું. સાસરે ગયેલ દીકરી વિણાનો ફોન આવે એટલે પોતાના રૂમમાં જઈ મોટે મોટેથી સ્વરાની ફરિયાદો કરતાં. સસરાજી સ્વભાવે શાંત એટલે આખો દિવસ મહાભારત નિહાળી, મૂક પ્રેક્ષક બની ટીવી સામે જોયા કરતા.

સ્વરા સઘળું કામ શાંતિથી કરતી. બહુ બોલતી નહિ. પ્રતિકાર કર્યા વિના પણ રોજેરોજ ઘરમાં યુદ્ધ સર્જાતું. રસીલાબેન વ્યવસ્થિતતાના આગ્રહી. ઘરમાં એક પણ વસ્તુ પર ધૂળના થર સહન ન કરી શકે. સતત પોતે કંઈ ને કંઈ કામ શોધે ને સ્વરાને પણ કાર્યરત રાખે. સ્વરા કંટાળી જતી, અકળાઈ જતી પણ કરે શું ? આખો દિવસ પિંજરવસ્થામાં રહી તેને સતત બહાર નીકળવાના અભરખા જાગતાં પણ રવિવારે પણ ઘરકામમાંથી સમય નહોતો મળતો. તેવામાં લગ્નના પાંચ જ મહિનાના સમયગાળામાં જ દાંપત્ય જીવનમાં પુષ્પ ખીલવાની શરૂઆત થઈ. સ્વરા પ્રેગનેટ હતી પણ સાસુને આ વાત કરે કઈ રીતે. આખો દિવસ આ અવસ્થામાં કામ કરીને તે થાકીને લોથપોથ થતી. હિમ્મત કરીને આદર્શને મમ્મીને વાત કરવા કહ્યું.

'આ સ્થિતિમાં બહુ બેઠાડુ જીવન માત્ર ચરબીના થર વધારે, બહુ બેસવા કરતા કામ કરે તો જ સ્વસ્થ બાળક જન્મે. અમે પણ કામ કરીને જ બે બાળક મોટા કર્યા' રસીલાબેન આટલું જ બોલેલા. એક સ્ત્રી હોવા છતાં બીજી સ્ત્રીની હાલત ન સમજી શકે એ વાતથી સ્વરાને વધુ તિરસ્કારની ભાવના જન્મી. સહનશીલતાની હદ પૂર્ણ થઈ હતી. એ રાત્રે જ તેણે નક્કી કર્યું કે એ પોતે અલગ રહેશે અથવા પિયર જતી રહેશે. આદર્શને પોતાની પત્ની પ્રત્યે પ્રેમ હતો પણ એવો જ પ્રેમ એ માતા -પિતાને પણ કરતો હતો. બધું સમજી તેણે નજીકમાં જ એક અલગ ઘર રાખી રહેવાનો નિર્ણય કર્યો.

રસીલાબેન માટે આ એક આઘાત હતો. પોતાનો જીવ, પોતાનો પુત્ર ઘર હોવા છતાં અલગ ઘરમાં રહે ? સ્વરા જ હતી કારણ. એણે જ મજબૂર કર્યો હતો અને એ જ વાત પકડી તેમણે સ્વરા સાથે જોરદાર યુદ્ધ છેડ્યું.

'એકના એક પુત્રનેમાંથી અલગ કરવાથી તે સુખી નહિ રહી શકે, તારા મા બાપે આવા સંસ્કાર આપ્યા ?' આવું બોલી બોલી તે સ્વરાને ન બોલવાનું બોલી ગયા. જેને લાડકોડથી ઉછેર્યો એ દીકરો આજે પોતાનો ના થઈ શક્યો. તે દિગ્મૂઢ બની ગયા. હવે કોઈ રીતે સ્વરા તેમને સ્વીકાર્ય નહોતી. વસંતભાઈ પણ દીકરો ખુશ રહે એમાં પોતાની ખુશી એમ માની દીકરાને મૂક સંમતિ આપી રહ્યા. આટલું મોટું ઘર હોવા છતાં બન્ને ઘરડાં મા બાપ હવે એકલા પડ્યા.

આ તરફ આદર્શે પણ માના કડવા વેણ સાંભળી, રડતાં ચહેરે પહેરેલ કપડે જ પોતાના જ ઘરેથી વિદાય લીધી.તેની નોકરી સારી હતી તેથી મકાનની જોગવાઈ થઈ ગઈ. બન્ને નાનકડો પોતાનો ફ્લેટ લીધો ને ફરીથી પોતાના દાંપત્ય જીવન સુમધુર બનાવવાની કોશિશમાં જોતરાયા. વસંતભાઈ ક્યારેક આવીને બન્નેના ખબર અંતર પૂછી જતા.થોડા જ દિવસમાં બન્નેના જીવનની ગાડી પાટા પર ચઢી ગઈ.

જીવનનો એ આદર્શ સમયગાળો હતો. બન્ને પતિ પત્ની આવનાર બાળકના સ્વાગત માટે તૈયાર હતા. ક્યારેક આદર્શ માને મળવા ઘરે જતો પણ સ્વરા ત્યાં જતી જ નહોતી. એક પુત્રવધૂ તરીકેનું સન્માન જ્યાં નહિ જળવાયુ તે સ્થાને જવા તેનું અંતર વલોવાતું. સમાજની પરવા વગર માત્ર લગ્નના પાંચ જ મહિનામાં તેણે ઘર છોડ્યું હતું. બધા તેને જ દોષિત ગણતાં પણ હકીકત અલગ જ હતી.

થોડા જ સમયમાં શર્વરીનો જન્મ થયો. આદર્શે પ્રથમવાર દીકરી જન્મી ત્યારે પોતાની માના ખોળામાં આપી પણ રસીલાબેનને તો પુત્ર જોઈતો હતો તેથી તેમના વ્યવહારમાં વધુ ઉદ્ધતાઈ આવી. દીકરીને સાચવવાના બદલે તેમણે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું, 'એના પિયર કે તમારા ઘરે સાચવવાની વ્યવસ્થા કરી લેજો અમે કઈ ત્યાં આવવાના નથી.' હોસ્પિટલમાંથી સીધા જતા રહ્યા હતા. 

આદર્શ માના શબ્દો સાંભળી જળકમળવત્ બની ગયો. પોતાની માના વર્તન પર શંકા ઉપજી. એક મા પોતાના દીકરાને આટલી હદે તરછોડી શકે ? વસંતભાઈને તો વ્યાજ વહાલું હતું. પણ રસીલાબેનની જીદ આગળ પોતાના ઘરમાં વ્યાજને રાખી શકે એમ નહોતા.એ સ્વરા ને રસીલાબેનના સંબધમાં પડેલી તિરાડ ભરી શકે એ અશક્ય હતું.

સ્વરા પિયર ત્રણ મહિના રહી પણ આદર્શને તકલીફ ના પડે એ માટે પોતાની માને દીકરીને સાચવવા બોલાવી. શર્વરી મોટી થતી ગઈ પણ રસીલાબાના પ્રેમથી વંચિત જ રહી. જ્યારે શર્વરી દાદા સાથે ઘરે જતી તો બા તેને બહુ રમાડતા પણ નહિ. વસંત ભાઈ સમજાવતાં પણ સઘળું નિરર્થક!

જીવન સુવ્યવસ્થિત રીતે ચાલતું હતું. શર્વરી પણ મોટી થવા લાગી. પ્રતિષ્ઠિત સ્કૂલમાં એડમિશન લીધું હતું. આખો દિવસ સ્કૂલ ને સ્કૂલ પતે એટલે મામાના ઘરે નાની સાથે રહેવા તે ટેવાઈ ગઈ. આદર્શને મદદરૂપ થવા સ્વરા પણ જોબ કરતી થઈ. બન્ને એ સારી બચત કરી પોતાનું નવું ઘર પણ વસાવી લીધું. ફ્લેટ કરતા ભવ્ય ઘર. રસીલાબેન દીકરાની પ્રગતિ જોઈ ખુશ હતા પણ સ્વરાને લીધે તેઓ દિકરાથી અતડા રહેતા. સ્નેહનો સાગર અંદર અંદર ગૂંગળાઈ રહ્યો હતો. શર્વરીને વ્હાલ કરવાનું મન હતું પણ કરતા નહિ.

અચાનક એક ધસમસતું પૂર આવ્યું જેણે સઘળું વેરવિખેર કરી દીધું. કયારેક જીવન એવી અઘરી પરિક્ષા કે જેનું પરિણામ જાણતા હોય તો વધુ નાસીપાસ થવાય. આદર્શ લાંબી બીમારીમાં સપડાયો. દિવસે ને દિવસે અઢળક રીપોર્ટસ,જાતજાતની દવા,હોસ્પિટલના આંટા ફેરામાં ખર્ચ વધતો ચાલ્યો. રસીલાબેન દીકરાની હાલત જોઈને સઘળો વાંક ફરી ફરી સ્વરા પર જ મૂકતા રહ્યા. કઈ થઇ શકે તેમ નહોતું. કેન્સરના છેલ્લા સ્ટેજમાં કોઈ ઉપચાર શક્ય નહોતા. રસીલાબેનની આંખોમાં આંસુ અવિરત વહેતા રહ્યા. પોતાના વ્હાલસોયા દીકરાને પોતાનાથી અળગો રાખી આટલો સમય વીત્યો ને હવે અચાનક આવેલ આ વાવાઝોડામાં સઘળું તણાઈ જવાની તેમને બીક હતી. પોતાની વૃદ્ધા વસ્થાનો સહારો દીકરો જ હતો. એમનાથી સહન ના થયું. તેમની પોતાની તબિયત લથડવા માંડી. પણ દીકરાની ખુશી માટે તે રોજ તેના ઘરે જતા થયા.

આ તરફ સ્વરા માટે પણ આ સમય ખૂબ જ કષ્ટદાયક રહ્યો. તે રડી શકે એમ પણ નહોતી. આદર્શની હાલત જોઈ તેણે મક્કમ રહેવાનું હતું. આદર્શની આંખોમાં આંસુ ના આવે તેનું ધ્યાન રાખવું તેની જવાબદારી હતી. કોણ પોતાના જીવનસાથીને આમ આંખો સામે મરણના શરણે થતા જોઈ શકે. રસીલાબેન તો રડીને પોતાનું દુઃખ હળવું કરી લેતા. પણ સ્વરા તેને પોતાનું પ્રોટેકટીવ શિલ્ડ નજર સમક્ષ અસ્તવ્યસ્ત દેખાતું હતું. આદર્શની સારવારમાં તે સ્વસ્થ ચહેરે કાર્યરત રહી. હોસ્પિટલમાં વારંવાર થેરપીથી માંડીને ખોરાક, પાણી સઘળું સ્વરા એ રાતદિવસ પોતાની જાતને નીચોવી દીધી.દીકરી શર્વરી પણ ' પપ્પા' ને આ રીતે રાત દિવસ ઊંઘતા જોઈ તેને કઈ સમજાતું નહિ. અઢળક પ્રશ્નો થતા પણ નાનકડો જીવ ક્યાં ગંભીરતા સમજી શકે તે પરિસ્થિતિમાં હતો.

ઘરમાં તબિયત જોવા આવનાર લોકોની આવનજાવન રહેતી તેથી સ્વરા જોબ છોડી સંપૂર્ણ સમય પરિચારિકા જ બની હતી. આદર્શ પોતે માનસિક ને શારીરિક બન્ને રીતે થાકી ચૂક્યો હતો પણ અનેક તકલીફો વચ્ચે પણ ભવિષ્ય વિશે વિચારી વધુ ઉદાસ રહેતો. સારવારનો અઢળક ખર્ચ, સ્વરા એકલા જ હાથે દોડતી. રસીલાબેન આ સમયે પણ પૈસા..પૈસા ના રટણમાં રહેતા. સાસુ વહુ વચ્ચેના કર્કશ શબ્દોની દીવાલ અજાણ્યા ખૂણે મોટી થઈ રહી હતી. પણ આદર્શની સ્થિતિ જોઈ બંને પક્ષે શાંતિ હતી. દિવસે પણ ઘરમાં માત્ર શર્વરીનો અવાજ આવતો.

જાતજાતના આયુર્વેદિક નુસખા, બદલાતી હોસ્પિટલથી આદર્શની તબિયતમાં સુધારો જોવા મળ્યો. તે ઘરમાં હરી ફરી શકતો હતો. પણ અચાનક એક રાત્રે તબિયત બગડી તેને હોસ્પિટલ લઈ જવાયો ને ફરી ક્યારેય તે ઘરે આવી શક્યો નહિ. સ્વસ્થતાના પગથિયે ધીરે ધીરે જતા અચાનક ચિરનિદ્રામાં પોઢેલ આદર્શને જોઈ સૌ હિમ્મત હારી ગયા. સ્વરા જે રસીલાબેન, વસંતભાઈ બધાના માથે આવી પડેલ આ દુઃખને સહન કર્યા વિના છૂટકો ક્યાં હતો. નાનકડી શર્વરી માટે તો ઘરમાં ચાલી રહેલ રડારોળ માત્ર એક દ્રશ્ય સમાન હતું. વસંતભાઈએ પત્ની, પુત્રવધૂ ને પૌત્રી ત્રણેયને સંભાળવાના હતા. પોતે પુત્રની નનામી ઊંચકી ત્યારે તે ચોધાર આંસુ એ રડી પડેલા.

શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મરણોત્તર ક્રિયા પૂર્ણ થયા બાદ સ્વરા માટે મુશ્કેલ સમય હતો.હવે કરવું શું ? પોતાનું સુરક્ષા કવચ તૂટી ગયું હતું..વેરવિખેર.. દીકરીના સુંદર ભવિષ્યના આયોજન, ગાડી, સુખી જીવન, આદર્શ સાથે દુનિયાની સફર, સઘળાં સપના તૂટેલા કાચના ટુકડાં, અરીસામાં પોતાનું પ્રતિબિંબ જાણે તેના પોતાના ઉપર હસી રહ્યા હોય તેવું તેને લાગ્યું. સાસુ સસરા સાથે ફરીથી આદર્શ વિના આખું જીવન, તે શું કરે કઈ જ સમજાયું નહિ. આંસુ પણ સુકાઈ ગયા. ના તે રડી શકી, ના કઈ બોલી શકી..બસ આકાશ તરફ જોઈ ફરી પાછી અંધકાર તળે !

ઝળહળતું આકાશ, નિરામય અંધકાર અને બારી પાસે ઉભેલી સ્વરા, એક અલાયદા મિજાજ સાથેની. સઘળું એક અજાણ્યા આવરણ હેઠળ. બસ સ્થગિત હતું કઈક તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો. આખું જીવન પિયર ભાઈ, ભાભી મમ્મી સાથે વિતાવી શકે, પણ મમ્મી ક્યાં સુધી તેને ?આમ ઓશિયાળા બનીને જીવવું કે પછી સાસુ સસરા સાથે યુવાન વિધવા તરીકે સાંકળમાં બંધાવું. કાયમ માટે, ના....એ શક્ય નહિ બને. તે જોર જોરથી આદર્શની તસવીર જોઈ બૂમો પાડી રહી. સવારમાં જ બેગ પેક કરી, શર્વરીને લઇ નિકળી પડી કોઈને કંઈ પણ કહ્યા વિના. પોતાના જ દાંપત્યની શરૂઆતમાં લીધેલ ભાડાના ફ્લેટમાં એક નવા પ્રોટેક્ટિવ શિલ્ડની મથામણમાં. દીકરી સ્કૂલે જાય ત્યારે પોતે નોકરી કરશે ઘરેથી જ શક્ય એવા ઉદ્યોગમાં કામ કરી નક્કી કરી લીધું. આવડી ગયું તેને ખુમારીથી જીવતા, સુરક્ષા કવચ વિના !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy