સ્વપ્ન મહેલ
સ્વપ્ન મહેલ


અમિત ખૂબ જ મહત્વકાંક્ષી છોકરો હતો. મા-બાપ મજૂરી કરી અમિતને ભણાવતા. અમિતનું ઘર એટલે ચાર દીવાલો. જ્યાં શરૂ થાય ત્યાં પૂરી પણ થઈ જાય બસ એક નાની ઓરડી. અમિત ભણવામા ખૂબ હોશિયાર છોકરો હતો. બાપુ રોજ મજૂરી કરીને આવે ને જે બે પૈસા મળ્યા હોય એમાંથી સીધું લાવી મા રોટલો બનાવે. મા-બાપુનો આ સંઘર્ષ જોઈ, અમિતને પોતાની ગરીબી પ્રત્યે ખૂબ ઠેસ પહોંચતી. એ મોટો થઇ ખૂબ પૈસા કમાવવા ઈચ્છતો. એ માટે એ ખૂબ ધ્યાન આપીને ભણતો. એક રૂમની દુનિયા માંથી બહાર આવવાનું એનું સ્વપ્ન હતું. એની અભ્યાસ માટેની લગન એના શિક્ષકો પણ જોઈ શકતા હતા. એ હમેશા પ્રથમ જ આવતો. બારમા ધોરણમાં તો એ રાત દિવસ એક કરીને રાજ્યમાં ટોપ આવ્યો. એના માતા-પિતા ખૂબ ખુશ હતા. પણ આગળ ભણતરના પૈસા નહોતા. તેથી બસ કોલેજનો અભ્યાસ કરી એણે એક કંપનીમાં નોકરી કરવી ચાલુ કરી દીઘી.
સમય પસાર થતો ગયો. પણ હજુ અમિત પાસે એટલા પૈસા નહોતા કે એ પેલી અણગમતી ઓરડીમાંથી બહાર આવી શકે.
કોલેજમાં ભણતા ભણતા એક સુંદર શિક્ષિત છોકરી સાથે સંપર્ક થયો. એ યુવતી અમિત પ્રત્યે ખૂબ આકર્ષાઈ. એ છતાં અમિત એની આર્થિક પરિસ્થિતિને લઈ એને બહુ ભાવ નહોતો આપતો. એ છોકરી અનાથ હતી. એણે પણ જનમથીજ પોતાનું ઘર, પોતાનો પરિવાર ઘણા સ્વપ્ન હતા. નામ હતું મહેક. પણ પૂર્ણ કરનાર કોઈ ક્યાં હતું. નિયતિ એ દુનિયાની તમામ જાહોજલાલીથી એનેદૂર રાખી હતી. જેમ સમય જતો ગયો એમ બન્ને વધુ નજીક આવતાં ગયાં. બન્ને પોતાના પ્રેમને લગ્નનું નામ આપવા તૈયાર હતા. અમિતે તેને પોતાના મા-બાપ, ઓરડી, એ ગરીબી સઘળુંય સમજાવ્યું પણ મહેક તો અમિતના સાથે દરેક પરિસ્થિતિમાં ખુશ હતી. અમિતને પણ મ્હેક ખૂબ ગમતી. એનું હાસ્ય દુનિયાના તમામ બંધનોથી દુર એક અજીબ મીઠાશ પ્રદાન કરતું. એને પણ મ્હેકની ગેરહાજરીમાં બધું વ્યર્થ લાગતું. બન્ને એ લગ્ન કર્યા. બન્ને ખૂબ ખુશ હતા. હા હવે અમિતની જવાબદારી વધી હતી. ઘરનો ખર્ચ પણ. મહેક અમિત અને તેના માં બાપ સાથે ખુશ રહેતી. પણ એને પણ ઊંડે ઊંડે પોતાના ઘરની ઈચ્છા હતી. એ પણ શિક્ષિત હતી. એણે પણ અમિત આગળ નોકરી કરવાનો પ્રસ્તાવ મૂક્યો. હવે મા-બાપુને અમિત મજૂરી એ જવા દેતો ન્હોતો. મહેક ઘરકામ કરીને નોકરી એ જતી.બન્ને નો ઘરસંસાર ખુશીથી ચાલતો હતો. બન્ને કરકસર કરીને થોડી થોડી બચત કરતા હતા.
અમિતને પૈસા ભેગા કરી પોતાનું ઘર ખરીદવું બસ એ જ ધ્યેય. એના મનમાં બસ ઘરપુરાણ જ ચાલતું હોય. થોડા જ સમયમાં બન્ને એ નાની એવી મૂડી પણ એકત્ર કરી દીધી. હવે અમિત રોજ ઓફિસથી આવી ઘરની શોધખોળ કરતો. એને બસ પોતાનું એક સુંદર ઘર જોઈતું હતું. મૂડી હતી પણ પોતાના ગમતા ઘરની કિંમત કરતા ઘણી ઓછી. ગમતું ઘર મળે તો એની કિંમત આસમાને હોય. રોજ નિરાશ થઇ પાછો આવતો. એ નિરાશા એને ઘેરી વળતી. ઘર વિશેની એની પ્રબળ ઈચ્છા એને વધુ નિરાશા આપતી. રોજ સવારે ઘર શોધની ઈચ્છા જનમતી ને સાંજે પડીને ભાંગી જતી. રાત દિવસ બસ અમિત ઘરના જ વિચારો કરતો. વર્તમાનમાં જીવવાનું એ ભૂલી ગયો. મહેકને બધી જાણ હતી. એ રોજ એને આશ્વાસન આપતી પણ બધું નિરર્થક. મહેકને ભવિષ્યમાં ખુશ રાખવા એ આ બધું કરતો હતો. પણ પોતે ખુશ રહી શકતો નહોતો. એક સાંધે ને તેર તુટે એવું ચાલ્યાં જ કરતું. ક્યારેક બાપુની બીમારી તો ક્યારેક ઘરખર્ચ. બસ એમાંથી બહાર નીકળાય નહિ.
અમિત માટે પોતાનુ ઘર, પોતાનુ સ્વપ્ન મ્હેલ બસ એ સપનું ડાઉનલોડ કરવાનું રહી જતું. એક દિવસે મહેકે એને ઘરમાં નવા મહેમાન આવવાની ખુશ ખબર આપી. અમિત ખૂબ ખુશ થઈ ગયો. હા મહેક પ્રેગનેટ હતી. નવા મહેમાન ખુશીઓનું સરનામુ લઈ આવ્યું હતું. એ એક રૂમની દુનિયા સાચા અર્થમાં મકાનમાંથી ઘર બની રહી. તે દિવસે એક દૂરના સંબંધી ઘરે આવ્યા ને એમણે અમિતને એક જમીનની વાત કરી. મહેક અને અમિત એ જમીન જોઈઆવ્યા. અમિતની મહેનત આજે રંગ લાવી હતી. બન્નેને નોકરી હતી જ તેથી જમીન પણ ખરીદાય ગઈ. બન્ને ખૂબ ખુશ હતા. અમિત માટે તો જિંદગીની સૌથી મોટી ખુશી હતી.
જરૂરી કાગળ થઇ ગયા. અમિતે પોતાની ઓફિસમાં થોડી જરૂરી મૂડી માટે વાત કરી તો લોન પણ મળી ગઈ. એક બાજુ પોતાના સ્વપ્નનો મ્હેલ તૈયાર થતો હતો ને બીજી બાજુ મ્હેલમાં રહેનારના પગરણ થવાના હતા. બન્ને એ ભેગા મળી ઘર કેવી રીતે બનાવવું સઘળું તૈયાર કરીને આપી દીધું. ઘર બનવાનું ચાલુ થઇ ગયું. રોજ અમિત પોતાનું ઘર જોતો હતો હા સ્વપ્ન નહિ રિયાલિટીમાં.
આજે ઓફિસમાં ખૂબ કામ હોવાથી અમિત ઘરેથી વહેલો નીકળ્યો. ઘર પણ લગભગ રેડી થઇ ગયું હતું. તેથી આજે સાઈટ ઉપર ના ગયો. બપોરે લંચ બ્રેક પડતા એ જમવા જતો હતો. ત્યાં જ ફોન રણક્યો...
મહેકને હોસ્પિટલમાં દાખલ કરી હતી, આટલું બોલી મમ્મીએ ફોન મૂકી દીધો. દોડતા દોડતા અમિત હોસ્પિટલ પહોંચ્યો. જતાં જ ડોક્ટરે મહેકની ક્રિટિકલ કન્ડીશનની જાણ કરી. બ્લડની તાત્કાલિક જરૂર હતી. અમિત તો રડવા જેવી હાલતમાં હતો. અમિતનો મિત્ર ત્યાં તેની સાથે જ આવ્યો હતો. તેની મદદથી સઘળું સારી રીતે પત્યું, મહેકે એક સુંદર સ્વસ્થ બાળકને જનમ આપ્યો. પોતાના જીવનમાં પધારેલ નવા મહેમાનને જોવા અમિત તલપાપડ હતો. હોસ્પિટલ રૂમમાં થોડી વારમા જ અમિતના ખોળામાં પોતાનો રાજકુમાર હતો. અમિતના આંખમાં ખુશીઓના આંસુ છલકાઇ ગયા. બન્ને પતિ પત્ની એકબીજાની આંખોમાં સંતોષની નજરે જોઇ રહ્યા. કેવી આહ્લાદક ક્ષણ.. એક બાજુ બાપ બનવાની ખુશી ને ત્યાજ કોન્ટ્રાક્ટરનો ફોન આવ્યો. આજેજ ઘરની ચાવી લઈ જવા કહ્યું. અમિત આજે સાતમા આસમાને વિહરતો હતો. મહેકને તેણે સરપ્રાઈઝ આપવા આ ચાવીની વાત ના કરી.
અમિતે બધી તૈયારીઓ કરી દીધી. હોસ્પિટલમાંથી રજા મળે એટલે પોતાના નવા ઘરમાં. ના પોતાના સ્વપ્ન મ્હેલમાં જવાની. પોતાના ઘરનું સપનું સાકાર થઈ ગયું હતું ને ઘરમાં રહેનાર રાજકુમાર પણ આવી ગયો. હોસ્પિટલમાંથી રજા મળી ને અમિત મહેકને સીધા નવા ઘરે લઈ ગયો. ત્યાં મમ્મી-પપ્પાને પરિવારના બધા સભ્યો પહેલેથીજ સ્વાગત કરવા ઊભા હતા. મહેકનો આનંદ બેવડાયો. અમિત અને મ્હેક સાચા અર્થમાં પ્રભુનો આભાર માની રહ્યાં. આખું ઘર અમિતે ફુગ્ગાથી સજાવી દીધું હતું. મ્હેક અપલક બધું જોઈ રહી. અમિતનું સપનું સાકાર થયું હતું. પણ સામાન્ય ઈંટોથી નહિ... અગણિત ઈચ્છાઓ, અસંખ્ય કોમ્પ્રોમાઇઝ... હર્દયપૂર્વકના પ્રયત્નો... ને સરવાળો.... સ્વપ્ન મ્હેલ ખુશીઓથી ભરેલો. અમિત અને મહેક પોતાના સાહચર્યની નિશાની હાથમાં લઈ ગૃહપ્રવેશ માટે નીકળ્યા. આનંદની આ ક્ષણ બન્નેના ચહેરા પર ખુશી બની છલકાઈ ગઇ.