અનોખી દુનિયા
અનોખી દુનિયા
૨૦૫૦ નું વર્ષ ચાલી રહ્યું છે.એક સાતમા ધોરણમાં ભણતી દીકરી ગ્રીવા શાળાના પ્રોજેક્ટ માટે પોતાના લેપટોપમા કઈક લખી રહી હતી.તેની મમ્મી પરિધિ રોબોટ યુગે બનાવેલ રસોઈ માઇક્રોવેવમાંથી કાઢી તેનો આસ્વાદ લઈ રહી હતી. તેના પપ્પા બેડરૂમમાં રહેલ ટચ સ્ક્રીન પર ઓફિસનું કામ પૂર્ણ કરી ઓકસીજન સપ્લાયનો ઘરમાં કેટલો સ્ટોક છે તેની ગણતરી માંડી રહ્યા હતા. રોબોટ યુગ એક ખૂણામાં ચાર્જ થઈ રહ્યો હતો. હજુ ઘરનું કામ બાકી હતું ને તેનો એનર્જી સપ્લાય ઘટી ગયો હતો.
મોમ....પ્લીઝ અહી આવને. મારા સ્કૂલના પ્રેઝન્ટેશનમાં થોડી હેલ્પ કર ને.
ગ્રીવા... તારા પપ્પા પાસે જા. હું જમવાનું પતાવી ઓનલાઇન બુકિંગ કરાવી દઉં નહીતો વેજિસનો સ્ટોક ક્લીયર થઈ જશે તો નેકસ્ટ વિક તકલીફ થશે.
મોમ, તું હમેશ બિઝી જ હોય. મને કેટલો ટફ પ્રોજેક્ટ મળ્યો છે તને ખબર છે..
તારા ક્યાં પ્રોજેક્ટ સહેલા હોય છે ગ્રીવુ,...
ગ્રીવા ઓકસીજન બેગ ભેરવી પપ્પાના રૂમ તરફ જાય છે.
પપ્પા, હું અંદર આવું?
હા, ગ્રીવા,,, આવ બેટા. પપ્પાની સંમતિ મળતાં ખુશ થઈ ગ્રીવા રૂમમાં પ્રવેશે છે.
બોલો રાજકુમારી આજે પાપા યાદ કેમ આવ્યા?
પપ્પા મારે ગેમ્સ પર પ્રોજેક્ટ બનાવવાનો છે. હેલ્પ કરો.
તારું ગૂગલ ક્યાં???
કમ ઓન પોપ્સ.ગૂગલ પર જે પિકસ છે એ તો બધા કોપી કરી લાવશે...તો
ગ્રીવાનો પ્રોજેક્ટ પ્રયાગ જુએ છે. ઇન્ડોર ગેમ્સમાં ગ્રીવાએ પબજી, સબવે સર્ફર્સ, બબલ વર્લ્ડ, કેન્ડી ક્રશ કેટકેટલી રમતો જે એ પોતે લેપટોપમાં રમતી એના વિશે માહિતી લખી હતી.
પ્રયાગના મો ઉપર હાસ્ય ફરકી ગયું.
ગ્રીવુ.... ચાલ તારા આ પ્રોજેક્ટમાં હું તને મારી ઉત્તમ મદદ કરીશ. ચાલ આ ઓકસીજન બેગ કાઢી તારી પીઠનો ભાર હળવો કરી દે.અને થઈ જા તૈયાર મારી સાથે...
બટ... પપ્પા, બેગ વગર....ક્યાં જવાનું છે અને શ્વાસ લેવા તો બેગ જોયશે ને...?
બેટા,, હું તને એક એવી જગ્યા એ લઈ જઈશ જ્યાં જઈ તારા તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી જશે.
પ્રયાગ તેની બેગમાંથી કી કાઢી એક રહસ્યભરી પેટી ખોલે છે જેમાં એક મશીન છે. મશીન બહાર કાઢી ગ્રીવાનો અને પોતાનો હાથ તેના ઉપલા ભાગે મૂકી કઈક ટાઈપ કરે છે. અચાનક એક મોટો ધડાકો થાય છે. લેસર લાઈટની બદલાતી રંગત સાથે બન્ને પહોંચે છે એક અલગ જ દુનિયામાં.
આકાશમાં વાદળોની એક સુંદર દુનિયા હતી. ધરતી પર ચારે તરફ રંગબેરંગી ફૂલો સાથે હરિયાળી હતી. પ્રકૃતિનું આવું જાજરમાન સ્વરૂપ ને ફૂલોની ભવ્ય શોભા જોઈ ગ્રીવા દંગ રહી ગઈ. પોતાની દુનિયામાં તો તેણે વૃક્ષ કે ફૂલો જોયાં જ નહોતા.તેના પપ્પા તેનો હાથ ઝાલી તેને એક માનવ વસ્તી તરફ આગળ લઈ ગયા.
રસ્તામાં એક નદી આવી જ્યાં કેટલાક બાળકો ધીંગામસ્તી કરતા કરતા એક પછી એક કૂદકા લગાવી પાણીમાં તરવાની મજા લઈ રહ્યા હતા.કોઈ પાસે કોઈ પણ માસ્ક કે ઓકસીજન બેગ નહોતી. ગ્રીવા ને આશ્ચર્ય થયું.
આટલું બધું વોટર પાપા?.. આપણને તો પીવાનું પાણી પણ મહિને બોટલસમાં લિમિટેડ સ્ટોકમાં મળે છે ને આ લોકો તો જો...
પ્રયાગ પોતાના મો ઉપર આંગળી મૂકી ઇશારાથી ગ્રીવાને ચૂપ રહેવા જણાવી આગળ વધવા કહે છે.
રસ્તાની આજુબાજુ કેસુડાના ફૂલો થકી જાણે કેસરિયા રંગની પથારી કરી હોય એવું દશ્ય હતું. રસ્તામાં એક આંબાનું વૃક્ષ આવતા પ્રયાગે એક પથ્થર લઈ કેરી પાડી ગ્રીવા ને આપી.
પપ્પા... રીયલ મેંગો????
બેટા... તારી મમ્મી જે ફ્રૂટ જ્યુસ ઓર્ડર કરે છે તે જ આ કેરીમાંથી બને છે.
પણ..તે તો લિકવિડ હોય પાપા....
બેટા , કેરીઓ તો આપણી દુનિયામાં માત્ર ચિત્ર સ્વરૂપે જ રહી છે. ટેસ્ટ તો કરી જો.. બન્નેમાં કેવો ફર્ક છે એ જોજે.
વાઉ...પાપા ઇટ્સ અમેઝિંગ.
પછી બન્ને એક ગામમાં પ્રવેશે છે. જ્યાં એક પણ ઘર સિમેન્ટના નથી. માટીના નળિયા.. લીંપણથી બનેલ ઘર જોઈ ગ્રીવા નવાઈ પામી.
તેના પ્રશ્નોની વણઝાર ઉછળે એ પહેલાં જ પ્રયાગે તેને એક દશ્ય બતાવ્યું. નાના બાળકો ઝાડની વડવાઈઓ પર ટાયર ને દોરડું વડે હીંચકો બનાવી ઝૂલી રહ્યા હતા.સામે એક ઘરે ઓટલી પર એક દાદા બેઠા હતા. ગ્રીવાને પોતાના ગ્રાન્ડ ફાધર જેવા જ લાગ્યા.
પપ્પા....જુઓ પેલા... ગ્રાન્ડ પા જેવા જ...
બેટા...જેમની સાથે તું વિડિયો કોલથી વાતો કરે છે એ જ તારા દાદા છે એ.
પણ...એમના વાળ....તો વાઇટ...
બેટું....જો જરા અંદર તારા દાદી શું કરે છે?
ગ્રીવાએ જોયું તો તેના દાદી લાકડાઓ સળગાવી કઈક બનાવતા હતા.સરસ સુગંધ ઘરમાં પ્રસરી રહી હતી.
પ્રયાગે ત્યાં જઈ કંઈ પણ બોલ્યા વિના વાસણમાંથી થોડું કાઢી ગ્રીવાને ચખાડયું. લાપસી હતી પણ ગ્રીવાએ તો આવું સુંદર ભોજન ક્યારેય ખાધું જ નહોતું.
વોટ અ ટેસ્ટ ગ્રાન્ડ મોમ....આ શું છે? તમે કેમ બોલતા નથી?
દાદી કંઈ પણ બોલ્યા વિના ડિશમાં લાપસી કાઢી જતા રહ્યા.
બેટા,, આપણી વાત આ લોકો નહિ સાંભળી શકે. પ્રયાગે સમજાવ્યું કે તેઓ ટાઈમ મશીન દ્વારા આગળ ભૂતકાળમાં આવ્યા છે.
પપ્પા,,, દાદી મોમ કેટલું સરસ જમવાનું બનાવે છે તો તેઓને આપણા ઘરે કેમ નથી રાખતા એ લોકો ઓલ્ડ એજ હોમમાં કેમ રહે છે...
પ્રયાગ કઈ બોલી ના શક્યો.
તેના આંખના ખૂણામાં શ્રાવણ વરસી રહ્યો.
એટલામાં એક છોકરો દોડતો આવ્યો.
તેને બતાવી પ્રયાગે ગ્રીવાને પૂછ્યું ,એ કોણ છે જાણે છે? તારા અંકલ... રોકી ઉર્ફે રાકેશ. બેટા એને જો એ શું કરે છે...
રોકી દોડતો દોડતો જે તરફ ગયો ત્યાં ગ્રીવા પણ દોરાઈ.આજુબાજુના છોકરાઓને ભેગા કરી તેઓ બધા ત્રણ લાકડીઓ ગોઠવી સ્ટંપ બનાવી ક્રિકેટની રમત રમવા લાગ્યા.
છોકરાઓની સાહજીક ઉછળકુદ, હાસ્યસભર ચહેરા ગ્રીવા જોઈ રહી હતી.તેને બધું નવું નવું લાગ્યું.છોકરાઓ કોઈ પણ જાતનાં બંધન વિના રમત રમતા હતા. ના કોઈ વાયરસનો ડર કે ના કોઈ બેગ, પોતાની દુનિયામાં તો ઘરની બહાર માસ્ક વિના, બેગ વિના નીકળી શકાતું નહિ.ને મિત્રો બધા તો ઓનલાઈન જ મળતાં.લેપટોપ પર ગેમ્સ રમતા ને ચેટિંગ કરતા. આ બાળકો પાસે તો લેપટોપ કે સ્માર્ટ ફોન જેવું કશું હતું જ નહિ તો પણ તેઓ કેટલા ખુશ હતા.
ગ્રીવા.. એ બધા ક્રિકેટ મેચ રમે છે.વર્ષો પહેલા આપણા દેશમાં ક્રિકેટ રાષ્ટ્રીય રમત હતી. દરેક ઘર, ગલી, શાળા બધે આ રમતની બોલબાલા હતી. બે ટીમ બનાવી આ રમત રમવાની મજા જ કંઇક વિશેષ હોય. જો તારા અંકલ સાથે કોણ રમે છે?
પપ્પા....એ તો તમારા ...તમે છો???
હા, બેટા એ હું છું.
બન્ને બાપ દીકરી વાત કરે છે ત્યાં જ પેલા છોકરાઓ કઈક વાંકું પડતાં લડતા લડતા બેસી પડેલા જુએ છે.ને પાછા તરત જ બેટ, સ્ટંપ મૂકી નવી રમત રમવા માટે તૈયાર થાય છે. અલગ અલગ જગ્યાએ સંતાઈ ને પછી એક છોકરો એમને શોધે છે. ગ્રીવાને આ રમત ખૂબ ગમી. પપ્પા આ ગેઇમ આપણે ઘરે રમીશું?
ચોક્કસ બેટા, એ સંતાકૂકડીની રમત હતી. હાઇડ એન્ડ સિક....બેટા, એક વાત કહું... તારી મમ્મી પણ આવી રમતો રમતી. ચાલ તારે જોવું છે?
હા...પાપા...
બન્ને એક રિક્ષા જેવા વાહનમાં બેસી મમ્મીના ઘર તરફ જાય છે.
પપ્પા...આ કેવું વાહન છે? જાણે કોઈ ટોરા ટોરા રાઇડમાં બેઠા હોઈએ એવું લાગે.
બેટા, એ છકડો રિક્ષા કહેવાય. આમાં દસ બાર જણા બેસી શકે. એ પેટ્રોલથી ચાલે. આપણે તો પેટ્રોલ જ રહ્યું નથી એટલે આવા વાહન જોવા નથી મળતા.
બન્ને પરિધીના ઘર નજીક પહોંચે છે.બહાર જ એક નાની સાતેક વર્ષની છોકરી તેની ચાર સખીઓ સાથે હાથમાં કઈક લઈ રમત રમતી હતી.
ગ્રીવા તરત જ મમ્મીને ઓળખી ગઈ.પપ્પા..મોમ જુઓને કેટલી સરસ લાગે છે ને બે રીબનવાળી હેરસ્ટાઇલમાં તો...મારા કરતાં પણ મસ્ત હો..એ લોકો શું કરે છે?
બેટા.. .જેવી રીતે સંતાકૂકડી, ક્રિકેટ, કબડ્ડી, ખો- ખો જેવી રમત આઉટડોર ગેઇમસ છે એવી રીતે કેરમ, પાંચીકા, ઘર - ઘર જેવી રમતો ઘરમાં રમાય. બહાર રમી રમી થાકી જાય ત્યારે ઘરમાં આવી રમતો રમતા બધા.
પપ્પા, જુઓને નાનુ નાની ક્યાં?
બેટા નાનુ તો ખેતરે ગયા હશે અને નાની જો ગ્રીન વેજીટેબલ સમારે છે.જા જો, એ તુવેર ખાઈ જો. ગ્રીવા ગભરાતા ગભરાતા થાળીમાંથી તુવેર લે છે.
પપ્પા... આપણે તો આવા વેજીસ સ્ટોક રેડી મંગાવીએ છીએ ને.
બેટા, તારા નાનુના ખેતરો છે જ્યાં બધા શાકભાજી થાય છે. આપણે તો જમીન જ ક્યાં છે તે આવા લીલા શાકભાજી તાજાં તાજા ખાવા મળે.
પપ્પા...વોટર બોટલ તો આપણે ભૂલી ગયા મારે પાણી પીવું છે..
બેટા, અહીંયા જો.એક માટલામાંથી પ્રયાગ લોટા વડે ગ્રીવાને પાણી આપે છે.
પપ્પા....કેટલા ડ્રોપ પી શકાશે?
પ્રયાગ હસે છે... બેટુ... આ તો સુવર્ણ યુગ છે તું ધરાઈને પાણી પી...જેટલું પીવું હોય એટલું..તું જે જગ્યાએ છે ત્યાં પાણી માટે કોઈને પૂછવાનું ના હોય.
આ તરફ પરિધિ શોપિંગ ઓર્ડર આપીને ઘરમાં ગ્રીવાને પ્રયાગને શોધે છે. રોબો યુગને પૂછે છે ત્યારે યુગ તેની મેમરી કાર્ડ દ્વારા ચેક કરી રૂમમાં રહેલ ટાઈમ મશીન વિશે જણાવે છે. પરિધિ ગભરાઈ જાય છે ને બન્ને ને પાછા લાવવા મશીન પર હાથ મૂકી ગ્રીવા પાસે પહોંચી જાય છે.
પરિધિ તું....?
મમ્મી....મમ્મી જો ને .... ગ્રીવા રડતી આંખે પોતે મમ્મીને વળગી જાય છે.
પપ્પા,મમ્મી આ કેટલી સરસ મજાની દુનિયા છે.અહી બધું ફ્રી છે. અહી બાળકો જુઓને કેટલા ખુશ છે.નથી કોઈ પ્રોજેક્ટ્સનું ટેન્શન ના વોટર બચાવવાનું ટેન્શન.વેજીટેબલ અને ફ્રૂટ પણ મળે અને ઓકસીજન બેગ પણ નહિ. બહાર ઈચ્છો ત્યારે જેટલું રમવું હોય એટલું રમી શકાય, મારે પણ રમવું છે આવું બધું. મારે ઓકસીજનની બેગ વગર ફરવું છે.પેલા મેંગો ટ્રી પરથી મેંગો પાડવી છે અને નાનુ,નાની, દાદી દાદાના ખોળામાં બેસી વાર્તાઓ સાંભળવી છે, એમના હાથનું ડેલીશીયસ જમવાનું જમવું છે ગરમ ગરમ. પેલા રોબોટ યુગનું માઇક્રોવેવવાળું જમવાનું નથી ખાવું. મમ્મી મારે અહીં જ, આજ દુનિયામાં રહેવું છે. મારે નથી આવવું... રોબોટિક દુનિયામાં, જ્યાં મશીન સર્વસ્વ છે. પપ્પા...મમ્મી.... ચાલોને અહીંયા જ રોકાઈ જઈએ..તે જોર જોરથી રડી પડે છે.
પરિધિને પ્રયાગ બંનેની આંખોમાં ભૂતકાળમાં જીવાયેલી સુંદર યાદોના મીઠા સંભારણા રૂપે અશ્રુઓ ડોકાય છે.
થોડી જ વારમાં એલાર્મ વાગે છે. પ્રયાગ એકદમ ચિંતિત ચહેરે બેઠો થઈ આજુબાજુ જુએ છે....પોતે ઊંઘમાં હતો ને જોયેલા તમામ દ્રશ્યો.....
બહાર ગ્રીવા સોફા પર બેસી મોબાઈલમાં ગેઈમ્સ રમી રહી હતી..પ્રયાગ તરત તેના હાથમાંથી મોબાઈલ ઝુંટવી લે છે.