બીક
બીક


ધૂળની ડમરીઓ ઉડી ઉડીને ઘરમાં આવી રહી હતી. મૃદુલા સ્વચ્છતાની આગ્રહી હતી. ઘરમાં દરેક વસ્તુ ચીવટપૂર્વક ગોઠવાયેલું જ જોવા મળે. પણ આજે સવારથી ઘરમાં બધું વેરવિખેર હતું. રસોડામાં ગેસ પર ઉભરાયેલું દૂધના ડાઘ એમના એમ હતા. સવારમાં રોજ વઘારાતા લિજ્જતદાર મસાલા ભર્યા શાકની મહેંક નહોતી. કોઈએ હજુ ચા નાસ્તો પણ કર્યો નહોતો. બાથરૂમમાં રોજ હેરાન કરતી એ ગરોળી...
હા મૃદુલા રોજ બાથરૂમમાં નહાવા જાય ત્યારે ગરોળી હોય એટલે જોર જોરથી બૂમ પાડીને ઘર ગજાવે. બાળપણથી એને ગરોળીથી ખૂબ બીક લાગતી. કોઈ ઝાડુ લઈને એને ભગાડે પછીજ બાથરૂમમાં પ્રવેશ કરવાનો મૃદુલાનો નિયમ. રોજ સવારમાં ગરોળી દર્શન કરીને એનો મૂડ ખરાબ થઈ જતો. પણ જિદ્દી ગરોળી પાછી બીજે દિવસે ત્યાં જ હોય. રિશી એનો પતિ હમેશા મૃદુલાની બુમ સાંભળી જ ઊંઘમાંથી ઉઠે. આજે પણ ગરોળી એ પગ પેસારો કર્યો હતો મૃદુલાની છબી પાછળ... ને રિશી એની બૂમ ની રાહ જોઈ રહ્યો, પણ મૃદુલા આજે એક શબ્દ પણ બોલી નહિ.