Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Tanvi Tandel

Others


4  

Tanvi Tandel

Others


યાદોની મુસાફરી

યાદોની મુસાફરી

5 mins 596 5 mins 596

હાશ, નિરાંત થઈ.

ઘરકામ પૂરું થયું. અંશુ સ્કૂલે ગયો અને કેવિન પણ ઓફિસે. લાવ, શાંતિથી ટીવી જોઉં. બપોરે બે વાગ્યે ફુરસદનો સમય મળે. મારી સિરિયલ હજુ બાકી હશે એમ વિચારી આમ્યા ટીવી સામે ગોઠવાઈ ગઈ. એટલામાં સાસુમાની બૂમ પડી. . . વહુબેટા. . . .

'મમ્મી તો બાજુમાં શાંતા કાકીને ત્યાં હતા. આવી ગયા લાગે છે.' બારણુ ખોલવા ઉભી થઈ.

આવતા જ સાસુમાં બોલ્યા: 'પેલી રેવા આવી છે બહાર, જરા બે - ત્રણ જૂની સાડી કાઢી લાવો. એકાદ તગારું લઇએ.'

હું ટીવી બંધ કરી રૂમમાં ગઈ. મનમાં તો આ ગમતી સિરિયલના સમયે રેવા આવી એટલે ગુસ્સો આવ્યો પણ સાસુમાનો બોલ અવગણવાની હજુ હિંમત નહોતી ચાલતી. રૂમમાં જઈ તિજોરી ખોલી.

મારી તિજોરી. . . હા મને બહુજ વ્હાલી. ત્રણ કાચવાળી સુંદર તિજોરી મારી પ્રિય ઘર વખરી માની એક. મારા આગ્રહને વશ થઈ લગ્ન વખતે મમ્મીએ ખાસ કરાવેલી. મારુ અંગત વિશ્વ. પસાર થયેલા સમયના ક્ષણે ક્ષણના પગલાં અહી કંડારેલા હતા. કોણ જાણે. . . . કેટલીય લાગણીઓના રંગબેરંગી ફૂલો મે અહી સજાવેલા. તિજોરી ખોલતાં જ હું મારી દુનિયામાં ખોવાઈ ગઈ.

એકએક ખૂણો ખૂણો મટીને ભરચક બની ગયો હતો. જીવનના નાના મોટા તમામ સ્મરણો આ ભરચક ખૂણામાં હતા. જ્યારે તિજોરી ખોલાય ત્યારે ત્યારે એ સાચવીને સજાવેલી યાદોમાં વિહરુંને ફરી એ વાગોળેલી યાદો. . . ગુલાબી સ્મરણો તિજોરી બંધ કરીને ત્યાં મૂકી દઉં, જેથી મારી કહી શકાય એવી આ દુનિયામાં કોઈ પ્રવેશી ના જાય. . પ્રથમ જ મારી ડાયરી હાથમાં આવી. રોજ રોજ અનુભવાયેલા મારા ખટ મીઠા અનુભવોનો અરીસો. મને ડાયરી લખવાની આદત. હમણાંથી સમય જ ન્હોતો મળતો લખવાનો. કેવિન પણ ડાયરી અડી શકતો નહિ.

કોઈનાય સાથે શેર ના કરી શકાય એવા તમામ સિક્રેટ. વધુ નહિ પણ કેવિન બે શબ્દ ગુસ્સામાં બોલ્યો હોય કે સાસુમા સાથે ચકમક ઝરી હોય એ બધું ઘરે કહેવાને બદલે ડાયરીમાં લખી મન હળવું કરતી. મારી સખી જ. . ડાયરીની નીચે સંતાડેલ ૧૦૦૦ની નોટોનું બંડલ મળ્યું. હા આ તો સંકટ સમયની સાંકળ. મો પર હાસ્ય રમી રહ્યું. કેવિન આમ તો પૈસા આપતો પણ કયારેક એના માટે બર્થડે સરપ્રાઈઝ પ્લાન કરવું હોય કે ક્યારેક કોઇ એવી જરૂરિયાત જેમાં કેવિન પાસે ભાગ પડાવી ના શકાય, મેડીકલ ઈમરજન્સી ત્યારે મદદ આવશે એમ કરી બચાવી મૂકેલા. પણ એને અડતી તો નહીં જ રખેને વપરાય જાય.

એક કવર જડયું. અરે, આહા. . આ ફોટાઓ તો મારા સ્વપ્ન શહેરની મુલાકાતના. લગ્ન બાદ કેવિન પ્રથમ વાર મારા સ્વપ્નને પૂર્ણ કરવા મને ફરવા લઈ ગયેલા. હા, હુને કેવિન બસ બેજ. ઘરથી દૂર. . સમુદ્રની વચ્ચે વસેલા શહેર મુંબઈના. ગેટ વે ઓફ ઇન્ડિયાને તાજ હોટેલ પાસે ઊભા રહી ખાસ જુદી જુદી સ્ટાઈલમાં પડાવેલા. એક જ દિવસમાં અજનબી શહેરને પોતાનું બનાવી લેવા દોડતા દોડતા મુંબઈ બતાવતી એ બસ. 'મુંબઈ દર્શન'ની મુસાફરી. મરીન ડ્રાઈવ પર હાથ માં હાથ પરોવી એકબીજા સાથે બેઠેલા ત્યારે તો પેલું પીચ્ચરોમાં હોઈયે એમ હીરો હિરોઈનની ફિલિંગ આપોઆપ આવી જ જાય. હેંગિંગ ગાર્ડન, મહાલક્ષ્મી, જુહુ બીચ. . . . અરે કેટલું બધું આ ફોટાઓમાં. તિજોરીમાં સંગ્રહાયેલો બીજો અમૂલ્ય ખજાનો હતો આ. ત્યાંના વડપાવનો સ્વાદ અત્યારે મારી જીભ માણી રહી હોય એવું લાગ્યું. ફેશન સ્ટ્રીટમાંથી ખરીદેલ પેલા બે વેસ્ટર્ન ડ્રેસ રહ્યા, જો હજુ તિજોરીમાં. . .જ પડ્યા જે હજુ સુધી આ ઘરમાં પહેરી શકાયા નહોતા.

અંશુના જનમ પછી તો ૧ દિવસ પણ ઘરની બહાર ફરવા જવું શક્ય નહોતું. ઘર, સ્કૂલ, ઓફિસ, - જવાબદારીઓમાં સમય જ ક્યાં હતો એ પ્રેમીપંખીડા બની હરવા ફરવાનો. અરે, લાવ જે કામ માટે આવી એ તો કરું.

આ સાડી ઓ. . . કેટલી બધી. હા, મને કપડાનો ભારે શોખ. કેવિન પણ જાણતો તેથીજ તો મને અવારનવાર ભેટમાં સુંદર સાડીઓ આપતો. આ ગુલાબી સાડી. -હા આ તો બે વર્ષ પહેલાં લગ્નની એનીવર્સરી પર કેવિન લાવેલો. કેટલું સુંદર ભરતકામ. જોતાં જ ગમી ગયેલી. એ પહેરીને જ્યારે કેવિન ને પૂછ્યું તું, કેવી લાગી છું ? તરત જ કેવિન એ મને ઉચકી લીધેલી. સરસ ગડી વાળીને ફરી બાજુ પર મૂકી દીધી.

આ આસમાની. . . . અરે આ તો મારી મમ્મીએ આપેલી અંશુનાં જનમ વખતે. હા, અંશુ જન્મેલો ત્યારે શરીર કેવું થઈ ગયેલું. અરે કેટલી જાડી થઈ ગઈ હતી. છતાં સાસરે પ્રથમ વાર અંશુને લઈને આવવાનું હતું. તે તાબડતોબ બાજુવાળા કાકીને કહી તેનો બ્લાઉઝ સિવડાવેલને પછી પહેરેલો. આ તો અંશુના જન્મની યાદગીરી.

આ લાલચટક સાડી. . હા જૂની જ થઈ ગઈ છે. પરણીને સાસરે આવેલી ત્યારે સાસુમાં એ આપેલી. બહુ પહેરી પણ હજુ એનો રંગ એવો ને એવો. લગ્ન કરી સાસરે આવી ત્યારે તો મન એટલું ભારે હતું. નવું ઘર. . . અજાણ્યા લોકો. હા કેવિન સાથે લગ્ન પેલા બે ત્રણ વાર મળેલા. તે સમયે તો લગ્ન પેલાના મળાય એવો નિયમ, કેટલા છાના માના સંતાઈને બે ત્રણ વાર મળી લીધેલું. પ્રથમ વાર કેવિન એ તેમના બહેન મારા નણંદની મદદથી બજારમાં સાડી અપાવવા જવાનું છે એમ કહી બોલાવેલી. ઘરેથી નીકળવાનું શક્ય જ નહોતું પણ સોનલબેન હતા એટલે નીકળાયેલું. સોનલબેન અમને મૂકી બજાર ફર્યાને અમે બન્ને પ્રેમીપંખીડા બની બાગમાં. અઢળક વાતો કરેલી ને સાથે પાણીપુરી પણ ખાધેલી. કેટલી મજા આવતી એ દુનિયા સાથે સંતાકૂકડી રમતા રમતા મળવાનું. એ ય ગુલાબી દિવસો ખરા હતા.

બસ આવી બે ત્રણ મુલાકાતો જ શક્ય બનેલી. પછી સીધા લગ્ન બાદ મળ્યા હતા. ગૃહપ્રવેશ બાદ બીજે જ દિવસે સવારે સરસ નાસ્તો બનાવેલો. . . મારી સ્પેશીયાલિટી. . બટાકા વડા. ત્યારે ખુશ થઈ ને સાસુમાં એ આશીર્વાદ સ્વરૂપે સાડી આપેલી. આ તો ના અપાય.

અરે આ સફેદ ચિકનવર્ક વાળી સાડી.ના આ તો બેસણાનો રંગ. . . હા. . કોઈ એવા પ્રસંગોમાં પહેરવી પડે.

પેલા લગ્ન પેલા પહેરતી એ બધા ડ્રેસો છે. હા. . . આ આપી શકાશે. . લાઊ જોવ એમાંથી. કેટલા સરસ રંગો, ડિઝાઇન, મેરેજ પેલા રોજ કેટલા ઉમંગથી રોજ રોજ નવા ડ્રેસ પહેરતી. જીદ કરીને મમ્મી પપ્પા પાસે લેવડાવતી. ઢગલાબંધ. . . મમ્મી તો ટોકતી આટલા બધા કપડા કરીશ શું ?

પણ છતાંય લેવાના તો ખરા જ. કેટલા સુંદર દિવસો હતા કોઈ પણ રોક ટોક વિના. . . જાણે આઝાદીથી ઉડતું પંખી. બસ પોતાની જ દુનિયામાં મસ્ત બનીને વિહરતું. . . અલ્લડ. . ના કશીય ચિંતા ના કશી કોઈની પરવા.

સાસરે તો આ બધું ના પહેરાય. સાસુમાનો વહુ સાડી પહેરે એવો આગ્રહ. બહાર જાય ત્યારે બે એક વાર પહેરેલા ત્યારે ટોકેલી. . લગ્ન બાદ સમાજમાં બે લોકો સાડીમાં જૂએ તો સારું દેખાય. . . . બંધન. . હા, જાતે સ્વીકારેલું બંધન. ના, આમાંથી તો કઈ પણ ના આપુ કોઈને.

મારુ જ બધું.

એટલામાં જ સાસુમાનો અવાજ આવ્યો. . . વહુ બેટા. . . શું કરી છો? કેટલી વાર ?

મારા સંગ્રહસ્થાનની મારી દુનિયામાં થી અચાનક કોઈકે બહાર બોલાવી દીધી. ખાલી હાથે ફટાક. . . દઇને તિજોરી ચાવીથી બંધ કરી દીધી.

રખેને કોઈ મારી યાદ ચોરી જાય.


Rate this content
Log in