અનંત
અનંત


અંજના અને મનન એકબીજા ને ખૂબ જ પ્રેમ કરતા હતા. કોલેજમાં સાથે જ હોય એક દિવસ બંન્નેના ઘરે ખબર પડી ગઈ. નાત જાત પૂછતા ખબર પડી કે બંને ની જ્ઞાતિ અલગ હતી અને અંજનાના પિતા નાતના આગેવાન હતા. એમણે અંજનાને મનન ને મળવાની ના કહીં કે નાતમાં મારી આબરૂ જતી રહે તું મનન ને ભુલી જા.
અંજના એક અઠવાડિયું કોલેજ ના ગઈ. પછી એણે ઉદાસ મને કોલેજ જવાનું ચાલુ કર્યું. મનન મળતાં રડીને બધી વાત કરી. મનને કહ્યું કે તું દુઃખી ના થા. આપણો પ્રેમ નાત જાતથી ઉપર છે. ચાલ તું કહે તો ભાગીને લગ્ન કરી લઈએ. પણ અંજના એ કહ્યું કે તું મારા પિતા ને ઓળખતો નથી એ આપણા બન્ને ને શોધી જુદા પાડશે. મનન કહે તો હું મારા પિતા ને મોકલી તારા પિતા ને સમજાવા મોકલું, આમ ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા પણ અંજનાના પિતા ના માન્યા.
એક દિવસ અંજના ને મનન બગીચામાં મળ્યા અને જન્મો જન્મ એકબીજા ના જ બની રહીશું એવા વાયદા કરી કોલ્ડ ડ્રિક્સમાં ઝેર મિલાવી પી ગયા અનંતની વાટે જવા જ્યાં કોઈ જુદા ના કરી શકે. એકબીજાનો અનંત પ્રેમને પામવા ચિર નિંદ્રામાં સુઈ ગયા...!