અનંત દિશા ભાગ - ૭
અનંત દિશા ભાગ - ૭


આ વાર્તા એ "અનંત" ના જીવનમાં આવેલી એક મિત્ર દિશા અને એ મિત્ર સાથે જોડાયેલ લાગણીઓની છે. ફરી એક વાર અનંતના વિચારો ને રજુ કરતી આ વાત અનંતના જ શબ્દોમાં રજુ કરીએ તો કદાચ વાંચવામાં મજા આવશે...
તો આ જ અનંતના જીવનની અનંત સફર વાર્તામાં જાણે અનંત પોતે તમને કહી રહ્યો હોય એ જ રીતે રજુ કરીએ...
છે કાલ્પનિક પણ તમને લાગશે કે જાણે વાસ્તવિક પણ હોઈ શકે...!!!!
આપણે જોયું છઠ્ઠા ભાગમાં કે અનંત અને દિશા હવે એકબીજાના મિત્રો બની ગયા હતા. અને આ સંબંધથી બંને ખુશ પણ હતા. હવે આપણે જોઈએ આ સંબંધ આગળ કયા નવાં આયામ પર પહોંચે છે.
હવે આગળ........
રાત્રે મેસેજ કર્યાં પછી ક્યારે ઊંગ આવી એની ખબર જ ના રહી. સવારે ઉઠીને જ્યારે સમય જોવા મોબાઈલ હાથમાં લીધો તો જોયું કે રાતના ૩:૧૫ નો દિશાનો મેસેજ આવ્યો હતો...
" ગુડ નાઈટ, જય શ્રી કૃષ્ણ... "
મેં પણ સવારનો મેસેજ કરી નાખ્યો...
" આ આજે નવી સવાર નવાં સંબંધની,
નવા સ્નેહની, નવા અધ્યાયના આલમની,
આમજ રહેશે સદા આ સાથ આપણો,
આ નિ:સ્વાર્થ આપણા નવાં સગપણની...
ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ... "
આ મેસેજ કરી હું પાછો રૂટીન કામમાં જોડાઈ ગયો અને આમજ દિવસ પસાર થઈ ગયો.
ખુબ જ યાદગાર દિવસો પસાર થઈ રહ્યા હતા. વિશ્વા પછી આ એક બીજો નવો સંબંધ હતો કે જેની સાથે હું સહજ બની જતો હતો અને મનની વાત શેર કરતો હતો... પણ અમુક પ્રશ્નો હજુ મનમાં ઘૂંટાતા હતા અને ઘણીવાર મનને બેચેન કરી રહ્યા હતા... એક તરફ નવાં સંબંધની ખુશી અને બીજી તરફ બેચેની બંને સાથે ચાલી રહ્યા હતા...!!! આ અરસામાં હું અને દિશા એકબીજા સાથે બધી રૂટીન વાતો કરતા શેર કરતા થઈ ગયા હતા. હવે માત્ર દિશાનો ભૂતકાળ અને આ ભૂતકાળમાં રહેલ રહસ્યો જાણવા મારા માટે મહત્વના બન્યા હતા ! કોઈકોઈ વાર હું અને દિશા ફોનમાં વાત પણ કરી લેતા હતા. એક્દમ યાદગાર રોમાંચક દિવસો લાગી રહ્યા હતા...! અમને નજીક લાવવામાં વિશ્વા નો અદ્ભૂત ફાળો રહ્યો છે ! હું, દિશા અને વિશ્વા ઘણી વાર કોલ કોંફરન્સમાં પણ કલાકો સુધી વાતો કરતા હતા. આ અરસામાં હું કોઇ કોઇ વાર દિશા ને ભૂતકાળ વિશે પૂછતો પણ એ વાત ટાળી નાખતી અને હતાશ થઇ જતી. જેથી મને પણ એવું થતું કે હવે મારે વારેવારે ના પૂછવું જોઈ એ અને યોગ્ય સમયની રાહ જોવી જોઈએ. યોગ્ય સમય એટલે જ્યારે હું દિશાની એટલો નજીક હોઉં અને એ મારી જોડે એટલી સહજ થઈ જાય કે મને એના ભૂતકાળની બધી વાતો શેર કરે...
આ અરસામાં અમે ક્યારેય મળ્યા નહી પણ સમજો એકબીજા સાથે એક્દમ હળી મળી ગયા હતા. અને ખાસ મારો ગુસ્સો એ પણ દિશા થોડો જાણી ગઈ હતી છતાં એ સાથે હતી. કદાચ એને પણ મારો સાથ ગમતો હતો, મારી વાતો ગમતી હતી એટલેજ સમય મળે ત્યારે મારી સાથે રહેતી. દિશાની પસંદ ના પસંદ બધુંજ મને સમજાઈ રહ્યું હતું. દિશાને બૂક વાંચવાનો ગજબ શોખ હતો. ગઝલ ની તો એ એક્દમ આશિક હતી. એટલે એ બુક્સ અને ગઝલની વાતો મારી સાથે કરતી હતી. પણ અહીં થોડી અલગ વાત હતી મારી, હું બુક્સ તો વાંચતો હતો પણ એ શોખ હતો એવું ખાસ નહોતું અને ગઝલમાં તો મને બહુ ખબર જ નહોતી પડતી. છતાં એ દરરોજ ગઝલ મોકલી એના ઉપર રિવ્યૂ માંગતી. મેં એને સમજાવ્યું પણ હતું કે આ વિષય મારો નથી છતાં એના માટે મારો રિવ્યૂ એક્દમ મહત્વનો હતો. અને એ મને આ બધું શીખવતી જતી હતી. એટલે કે, કઈ રીતે વાત કરવી, ક્યાં કેવું વર્તન કરવું, શાંતિથી નિર્ણય કઈ રીતે લેવા. આ બધું જ જાણે એણે નક્કી કર્યું હોય મને પૂર્ણ કરવાનું એમ જ શીખવાડતી જતી હતી...!
સૌથી મોટી ખાસિયત દિશાની એ હતી કે લગભગ દરરોજ એ પોતાના વોટ્સઅપ ડીપી બદલતી. અને એ જ ડીપી મુજબ સ્ટેટસ પણ. ખરેખર એનું વાંચન એટલું જોરદાર હતું કે જેની બરાબરી તો ઠીક પણ એની આસપાસ પણ હું નહોતો.. કદાચ એટલેજ એણે બીડું ઉઠાવયું હતું કે આ અનંત ને તો મારે એક ચોક્કસ લેવલ પર પહોંચાડવો છે. અને એ જ ધ્યેય સાથે એ મને સાથ આપી રહી હતી... આ બધુંજ અદ્ભૂત હતું મારા માટે એકતરફ વિશ્વા બીજી તરફ દિશા બંને એ જાણે નક્કી કર્યું હોય મને મારા પગ પર ઊભા રહેતા કરવાનું, જાણે પુર્ણ બનાવવાનું...!
આ જ અરસામાં મેં દિશા ને એક ખાસ નામ આપ્યું હતું "પતંગિયું". આ નામ એટલા માટે, કે એના વિચારો વિશાળ હતા... એ હમેશાં એક જગ્યાએ સ્થિર નહોતી રહેતી એવું મને લાગતું હતું.. એને ક્યાય પણ બંધાવું પસંદ નહોતું. કોઈના સંબંધમાં પણ એને બંધિયાળ ગમતું નહોતું. એને તો બસ ખુલ્લામાં વિહરવું હતું...! આ દુનિયા આખી ખૂંદી વળવી હતી...! તો પણ આશ્ચર્ય ની વાત હતી કે એને એકાંત પણ ગમતું હતું...!!! હા... એકાંત... એ ક્યારેક એક બે દિવસ તો ક્યારેક એક બે અઠવાડિયા એકાંતમાં સરી જતી હતી...! એકાંત ને માણતી હતી અને એમાં બધી યાદો ને એ મહેસુસ કરતી હતી...! હમેશાં રંગીન દુનિયા, પુસ્તકો, નવી વાનગી ટ્રાય કરવી આ બધું એના માટે ખુબ જરૂરી હતું. મને દિશાના સ્વભાવનો આ વિરોધાભાસ હંમેશા અચરજ પમાડતો હતો...!
જેમ વિશ્વા એક લાગણીનું વિશ્વ હતું, એમ જ દિશા એક રંગીન પતંગિયું...!!! આ વિશ્વ ને રંગીન જોવાની પ્રેરણા આપતું પતંગિયું !!!
હું જાણે બદલાઈ રહ્યો હતો. વિશ્વાની જેમ દિશાની પણ જાણે આદત થઈ ગઈ હતી. સાચું કહો તો એક લાગણીઓની દોર સાથે હું બંધાઈ રહ્યો હતો. અમે એકબીજા સાથે એક્દમ સહજ ભાવે વાત કરતાં થઈ ગયા હતા. દરરોજ એક નવો અધ્યાય જિંદગીમાં જોડાતો જતો હતો પણ દિશાનો ભૂતકાળ, દિશાની જીંદગી હજુ પણ એક પહેલી હતી...!!!
એક દિવસ મેં બપોરે લંચ ટાઈમ માં મારી એ જ કહેવાની રીત સાથે દિશા ને મેસેજ કર્યો...
"આ આપણો સાથ આગળ વધી રહ્યો છે,
લાગણીનો અહેસાસ આગળ વધી રહ્યો છે,
પણ શું તમને ભૂખ નો એહસાસ પણ થાય ક્યારેક !?
કે એમ જ ભૂલી જાઓ છો જમવાનું અલગ એહસાસમાં..!? "
તરતજ દિશા નો રીપ્લાય આવ્યો..." ખુબ સરસ, અદ્ભુત...! પણ આજે હું ભુલી ગઈ જમવાનું અલગ એહસાસ માં... "
હું " અરે આ શું કહો છો...!!! કેમ આજે જમ્યા નથી? કેમ છો? બધું ઓકે ને?? "
આમપણ જ્યારે હું વધુ ચિંતિત થતો ત્યારે હમેશાં પૂછતો બધું ઓકે ને?? અને દિશા પણ મારી આ પૂછવાની ટેવ જાણી ગઈ હતી. અને જ્યારે પણ આમ પૂછતો એ કોઈપણ સંકોચ વગર બધીજ વાતો શેર કરતી...
દિશા " અરે હા, ડિયર બધું ઓકે જ છે, આ તો આજે જમવાનું નહોતું એટલે... "
હું " ઓહ ! ઓકે પણ કઈ ખુશીમાં...!!! આ ફિગર મેન્ટેન કરવાનું ચાલુ કર્યું કે શું...??? "
દિશા " અરે એવું કાંઈજ નથી, આજે ઉપવાસ કર્યો છે એટલે...!!! "
હું મનમાં વિચારવા લાગ્યો આ ઉપવાસ તો ક્યારેય કરતી નથી, તો આ ઉપવાસ આવ્યો ક્યાંથી??
આમ તો આજે કડવા ચોથ છે. પણ આ તો પરણેલી છે નહીં તો એ તો હોયજ નહીં.
હું " આજે વળી શેનો ઉપવાસ...!!? "
દિશા થોડીવાર ચૂપ થઈ ગઈ.. હા... હમેશાં ની જેમ કોઈ ઊંડા વિચારોમાં...
દિશા " આજે કડવા ચોથ છે, મેં એ ઉપવાસ કર્યો છે..!! "
હું " કડવા ચોથ..!!?? "
દિશા " પ્લીઝ, હવે કોઈ સવાલ નહીં રવિવારે ફોન કરજે આપણે શાંતિથી વાત કરશું.. આમપણ હવે એ સમય આવી ગયો છે જ્યારે મારે તને ઘણી વાતો શેર કરવી છે.. "
હું " વાંધો નહીં, રવિવારની રાહ જોઈશ... પણ ડિયર તું શાંત થા... સાચવજે ! "
દિશા " હા, ચાલ ડિયર હું મૂકું... ક્લાસ નો સમય થઈ ગયો છે, જય શ્રી કૃષ્ણ... "
હું " હા, ઓકે, જય શ્રી કૃષ્ણ... "
આટલી વાત પતાવી ત્યાંતો ફરી મારા મગજમાં વિચારોનું જાણે કોઈ યુદ્ધ ફાટી નીકળ્યું.. કાંઈક સમજાતું નહોતું...! સાચું કહું તો આ જે પણ ઘટનાક્રમ બન્યો એ મારી વિચારશક્તિ બહારનો વિષય હતો. એક અપરણિત અને કડવાચોથ !!! આવું મેં ક્યારેય સાંભળ્યુ કે જોયું નહોતું... આ સ્થિતિમાં હું પોતેજ સમજી નહોતો શકતો કે આ શું થઈ રહ્યું છે ! હવે લંચ સમય પત્યો એટલે હું મારા કામમાં લાગી ગયો, પણ કામમાં મન લાગતું નહોતું.
આજ અસમંજસમાં મારો દિવસ પત્યો અને સાંજે ઘરે જવા નીકળ્યો. પણ આજે મને વિશ્વા સાથે વાત કરવી જરૂરી લાગી એટલે મેં તરતજ એને ફોન જોડ્યો.
વિશ્વા "હેલો ડિયર."
હું "કેમ છે તું..?"
વિશ્વા "હું એક્દમ ઓકે, તું કેમ છે..!!"
હું "હું પણ ઓકે જ છું. મારે તને એક વાત શેર કરવી હતી...ખરેખર તો પૂછવી હતી!!"
વિશ્વા "હા તો બોલને ડિયર, એમાં થોડું ખચકાવાનું હોય.."
હું "હમમ... એ વાત તો સાચી છે... આજે બપોરે મેં દિશા સાથે વાત કરી હતી. આજે એણે ઉપવાસ કર્યો છે અને એ પણ કડવાચોથ..!! મને થોડું આશ્ચર્ય થયું... કડવાચોથ, એ પણ અપરણિત સ્ત્રી, કોના માટે...!!??"
વિશ્વા "હા હું જાણું છું કે એણે આ ઉપવાસ કર્યો છે. દિશા ને હતુજ કે તું મને ફોન કરીશ એટલે એણે મને સાંજે ફોન કર્યો હતો કે એ પાગલ ને તું સમજાવી દેજે..."
હું "શું સમજું, મને તો કઈ સમજાતું નથી... એટલે તો તારી સાથે વાત કરું છું... મારા બેચેન મનનો છેલ્લો આશરો તું જ છે ડિયર...!"
વિશ્વા "એવું છે, મને તો ખબર નહોતી... છેલ્લે દિશાએ તને શું કહ્યું..??"
હું "એ જ કે રવિવારે ફોન કરશે અને એની ના કહેલી વાતો એ શેર કરશે..."
વિશ્વા "તો રાહ જોને, આ તારો અધિરીઓ જીવ, એને શાંત કર અને સમયની રાહ જો આટલી પણ શું ઉતાવળ છે...!?"
હું "હા, એ પણ છે, હું રાહ જોઈશ... ચાલ તો પછી વાત કરશું.. હવે હું ઘરે પહોંચવા આવ્યો. જય શ્રી કૃષ્ણ.."
વિશ્વા "જય શ્રી કૃષ્ણ... પાછો સૂઈ જજે, મને ખબર છે તને ઊંગ નહીં આવે..."
હું "હા હા, હવે તું પણ.. આવજે.."
આટલી વાત કહી ફોન મૂક્યો અને વાત તો જ્યાં શરૂ થઈ હતી ત્યાંજ પૂર્ણ થઈ..સવાલો ના જવાબ તો ના જ મળ્યાં... આમજ ઘરે પહોંચ્યો અને ફરી એ જ વિચારો અને અનંત રાહમાં આ અનંત ખોવાઈ ગયો...