The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Rohit Prajapati

Romance

5.0  

Rohit Prajapati

Romance

મહેંદી ગ્રીન

મહેંદી ગ્રીન

8 mins
521


"ભલે ચઢી ઉંમરની ચાદર તોય હજુ એ રંગ મોહી જાય છે,

રંગ ખાસ હતો કે વ્યક્તિત્વ એ પ્રશ્ન વારંવાર મન કરી જાય છે.

જાણે મહેંદી ચઢે કોઈ નવોઢાના હાથમાં ને મનોમન એ ખીલે.!

તેમ મહેંદી ગ્રીન કલરના ડ્રેસમાં એ મારું મન ખીલવી જાય છે."

ચારે તરફ ચિચિયારીઓ, મ્યૂઝિક, મસ્તી, રંગબેરંગી પતંગો અને જોરદાર જીવંત વાતાવરણ. વર્ષોથી આ પર્વ આ જ રીતે હર્ષ ઉલ્લાસથી ભરેલી યાદો લઈને આવે છે. સમય સાથે થોડી રંગત ફીકી પડી અને હા, ઉત્સાહ પણ થોડો ઓછો થયો તેમ છતાં મિલન માટે આ તહેવારનું અનોખું જ મહત્વ છે. ઉંમરની ચાદર ચઢી હોવા છતાં ઉત્તરાયણનો તહેવાર એના દિલની એકદમ નજીક રહ્યો છે. 

હંમેશાની જેમ મિલન આજે પણ એના મનપસંદ તહેવાર ઉત્તરાયણની મજા માણવા ધાબે ચડેલો હોય છે. એ એના દીકરા પાર્થ અને દીકરી યશવી સાથે તહેવારની મજા માણી રહ્યો હોય છે. હજુ એની પત્ની શ્વેતા કામમાંથી પરવારી નહોતી એટલે એ ઘરમાં જ હોય છે. મિલન ખુરશી ઢાળી દીકરી યશવી સાથે બેઠો હોય છે અને દિકરો પાર્થ પતંગ ચગાવવામાં મશગુલ હોય છે. એટલામાં પાર્થ કોઈની પતંગ કાપીને, "કાપ્યો છે....", "એ લપેટ..." એવી બૂમો પાડવા લાગે છે. દીકરાનો ઉત્સાહ વધારવા મિલન પણ એની સાથે ઊભો થઈને બૂમો પાડવા લાગે છે. અને અચાનક એની નજર અઢારેક વર્ષની એક છોકરી ઉપર પડે છે. મહેંદી ગ્રીન કલરનું ટોપ અને જીન્સમાં એ છોકરી એક્દમ મન મોહી લે એવી લાગતી હતી. કમરથી નીચે જતા કાળા લાંબા વાળ, ચહેરા પર મીઠું સ્મિત ને અલ્લડ આંખો... કંઇક ખાસ એવું હતું એ છોકરીમાં જે સામાન્ય દેખાવ હોવા છતાં એની તરફ ધ્યાન આકર્ષિત કરતું હતું. એકદમ એની જેમ જ.. અને 35 વર્ષનો મિલન સમયની સપાટી કુદાવીને 20 વર્ષનો થનગનતો યુવાન થઈ જાય છે. 

મિલનના માનસપટ પર આજથી પંદરેક વર્ષ પહેલાની યાદો તાજી થાય છે. એ જ મહેંદી ગ્રીન કલરનો ડ્રેસ,લાંબા વાળ, સાદગી ને અલ્લડતાથી અંજાઈને શરૂ થયેલી મિત્રતા. અને દિવસો સુધી જે મુલાકાત માટે રાહ જોઈ હતી એ મુલાકાત માટે નિમિત્ત બનેલો ઉત્તરાયણનો તહેવાર, જેની મીઠી યાદો મિલનના હૃદયમાં એક ખાસ સ્થાન બનાવીને બેઠી હોય છે.

રાજવી, એટલે કે મિલનની પહેલી ખાસ સ્ત્રી મિત્ર અને કહો તો આજે પણ એની એવીજ ખાસમ ખાસ મિત્ર. રાજવી એના મામાના ત્યાં એક પ્રસંગમાં આવી ત્યારે પહેલી વખતમાં જ રાજવી સાથે મિલનની આંખ મળી હતી. મહેંદી ગ્રીન કલરના સ્કિન ટાઇટ, ફિગરને અનુરૂપ ડ્રેસ પહેરેલી રાજવી ઉપર મિલન પહેલી વખતમાં જ મોહી ગયો હતો. અને કદાચ એજ દિવસથી જ મહેંદી ગ્રીન કલર મિલનનો પ્રિય કલર બની ગયો છે.

વાતવાતમાં મિત્રો સાથે થયેલી શરતમાં મિલન, રાજવીને મિત્રતા કરવાનું કહી નાંખે છે અને મિલનની ધારણા કરતાં પણ બહુજ જલ્દી રાજવી મિલનને મિત્રતા માટે હા પાડી દે છે. એ દરમિયાન મિલન રાજવીને ઘરનો ફોન નંબર આપે છે. અને માત્ર ટૂંકી મુલાકાતમાં બંને એકબીજાથી છૂટા પડી જાય છે. 

મિલન, રોજ ફોનની રાહ જોતો પણ એક અઠવાડિયા સુધી રાજવીનો કોઈ જ ફોન નથી આવતો. એક દિવસ જ્યારે એ બહારથી ઘરે આવે છે ત્યારે પપ્પા એને કહે છે કે, "કોઈ રાજવીનો ફોન હતો, એ કોણ છે.!?" મિલન એક્દમ ગભરાઈ જાય છે અને કંઈ ના સુજતા સામે પૂછે છે કે, "કોણ રાજવી.!?" ત્યારે પપ્પા કહે છે કે, "પેલી બાજુ વાળાની ભાણી, રાજવી..." ત્યારે હક્કો બક્કો થયેલો મિલન માંડ હિંમત ભેગી કરીને કહે છે કે, "હા, મેં નંબર આપ્યો હતો... શું કહેતી હતી.!?" "ફરી ફોન કરશે એમ કહ્યું", જવાબ આપીને પપ્પા ફરી પાછા છાપું વાંચવામાં પરોવાઈ ગયા.

મિલનની આખી રાત એ જ અફસોસમાં પડખા ફેરવતા નીકળી જાય છે કે, "યાર શું નસીબ છે.!? ખરા ટાઇમમાં જ હું ઘરે નહોતો." આખરે થોડા દિવસ પછી એની આતુરતાનો અંત આવે છે અને એક દિવસ એને રાજવી સાથે વાત થઈ જાય છે. સાંજનો લગભગ પાંચ વાગ્યાનો સમય હતો અને મિલન એના મિત્રોને મળવા જવાની તૈયારી કરતો હતો. એ હજી દરવાજા તરફ જતો જ હોય છે અને ફોનની રિંગ વાગે છે. બહાર જવાની ઉતાવળમાં એ ફોન ઉપાડે છે. તો એના સુખદ આશ્ચર્ય વચ્ચે એ રાજવીનો ફોન હોય છે. રાજવીનો અવાજ સાંભળી એનું હૃદય એક ધબકાર ચૂકી જાય છે. એ તરત જ આજુબાજુ જોઈ લે છે પણ ત્યાં કોઈ નથી હોતું, એ જોઈને એને હાશ થાય છે. પહેલી વાર મિલન આવી રીતે કોઈ છોકરી જોડે ફોનમાં વાત કરતો હતો તેથી, "કેમ છે.? શું ચાલે છે.?" જેવી ઔપચારિક વાત કર્યા પછી મિલન લગભગ ચૂપ જ થઈ ગયો હોય છે. તો સામે છેડે રાજવીની પણ એજ હાલત હોય છે. શું બોલવું, શું નહીં ની અવઢવમાં બંને છેડે ચૂપકીદી છવાઈ ગઈ હોય છે તોય બંનેમાંથી કોઈ વાત પતાવવા ઉતાવળ નથી કરતું. 

હજી પણ મિલનને જ્યારે એ પળ યાદ આવે છે એ એવો જ રોમાંચિત થઈ જાય છે જ્યારે રાજવી જોડે પહેલી વાર ફોન ઉપર વાત કરતા થયો હતો. પછી તો મિલન જ વાતની શરૂઆત કરે છે અને રાજવીને એના શોખ વિશે પૂછે છે. મનગમતો વિષય આવવાથી રાજવી પણ ખીલી ઊઠે છે અને લગભગ પંદર મિનિટ વાત કર્યા પછી બીજી વાર જ્યારે પણ ફોન કરે ત્યારે 5 થી 6 ના સમયમાં જ કરવો એવું નક્કી કરીને વાત પતાવે છે. 

એ દિવસોમાં બહુ ઓછાના ઘરે ફોન હતા અને રાજવીના ઘરે પણ હજી ફોનનું આગમન નહતું થયું, તેથી એને જ્યારે પણ ફોન કરવો હોય ત્યારે એને ઘરની નજીક આવેલી એક દુકાનમાં જવું પડતું. ત્યાં એ રૂપિયા આપીને બધાથી છુપાઈને ફોન કરતી. વારંવાર આમ ફોન કરવું રાજવીને મોંઘુ પણ પડતું અને થોડો ડર પણ રહેતો, તોય મિલન રોજ એ સમયે રાજવીના ફોનની રાહ જોતો. આમ સમયાંતરે ચાલતી વાતથી એમની મિત્રતા એક નવા જ આયામ ઉપર પહોંચતી જાય છે. પછી તો વાત થાય કે ના થાય સાંજનો 5 થી 6 નો સમય બંને માટે કંઇક ખાસ થઈ ગયો હતો. છેલ્લા ફોનમાં થયેલી વાત મમળાવવી અને હવે પછી જ્યારે પણ ફોનમાં વાત થાય ત્યારે શું વાત કરવી એજ વિચારોમાં એ બંને એ સમય પસાર કરતા. એકબીજાથી દૂર હોવા છતાં પણ એકબીજાની સાથે જ રહેતા જાણે.! બંને હવે ખાલી મિત્ર ના રહેતા ખાસ મિત્ર બની ગયા હતા. એકબીજા જોડે નાનામાં નાની વિગતની ચર્ચા ના કરે તો એમને ચેન નહતું પડતું.

ધીમે ધીમે ફ્રેન્ડશિપ ડે અને દીવાળી જેવા વારે તહેવારે પોસ્ટ દ્વારા એકબીજાને કાર્ડ મોકલીને એ જમાનામાં પણ બંને યાદો સજાવતા રહે છે. અને હવે ફરી ક્યારે મુલાકાત થશે અને ક્યારે મનની વાતો એકબીજા સાથે રૂબરૂ થશે એની અવઢવમાં સમય પસાર થતો જાય છે. આ સમય દરમિયાન મિલનના મનમાં રાજવી પ્રત્યે પ્રેમના અંકુર ફૂટવા લાગે છે, જાણે અનેરું આકર્ષણ એને રાજવી તરફ ખેંચી રહ્યું હોય છે. બીજી તરફ રાજવી નિખાલસ મિત્રતાથી મોહિત થઈ દરેક પળમાં મિલનને સાથ આપતી રહે છે. 

આખરે મિલનની મળવાની આતુરતાનો એક અંત આવતો દેખાય છે. રાજવીનો ફોન આવે છે કે એ આ ઉત્તરાયણ એના મામાના ઘરે આવવાની છે, અને આવવાનું ખાસ કારણ તો એના મિત્રને મળવાનું જ છે. આ વાત જાણી મિલન એક્દમ ઉત્સાહમાં આવે છે અને એ ખાસ પળની રાહ જોવામાં અને દિલની વાત કરવાના વિચારોમાં લાગી જાય છે. બચી ગયેલો એક એક પળ જાણે એના માટે એક એક વર્ષ લાગે છે. 

ઉત્તરાયણના બે દિવસ પહેલા મિલનના ઘરે એક સંબંધી આવે છે અને મિલનના લગ્નની વાત શ્વેતા સાથે કરવાનો પ્રસ્તાવ કરે છે. મિલનને પણ આ વાત કરવામાં આવે છે. પહેલેથી જ મિલન ક્યારેય એના પપ્પાના નિર્ણય સામે નથી બોલ્યો હોતો એટલે એ છોકરી જોવાની હા પાડે છે. 

આ ઘટના પછી મિલનના મનમાં સવાલો ઉભા થાય છે કે કોઈપણ કાળે પપ્પા બીજી કોમની છોકરી સાથે લગ્ન કરાવવા તૈયાર નહી થાય. એને એવું લાગવા લાગે છે કે જાણે હવે એણે જોયેલું આ સાથનું સપનું ખરેખર એક સપનું જ બનીને રહી જશે. આ જ વિચારોમાં બે દિવસ પસાર થઈ જાય છે અને રાજવી સાથે મુલાકાત એટલે કે ઉત્તરાયણનો દિવસ આવી જાય છે. 

રાજવી વહેલી સવારે જ એના મામાના ઘરે પહોંચી જાય છે અને ફટફાટ ધાબે પહોંચી હાથ ઊંચો કરી મિલનને આવવાનો ઇશારો કરે છે. મિલન પણ તરત જ બધું મૂકીને રાજવીને મળવા પહોંચી જાય છે. એને જોતાં જ એના મોઢામાંથી આહ... નીકળી જાય છે. વારેવારે એ રાજવીને કહેતો કે એના ઉપર મહેંદી ગ્રીન કલર જોરદાર સૂટ થાય છે. આજે છ મહિના પછી રાજવી જ્યારે મળવા આવી ત્યારે એ જ કલરનો ડ્રેસ પહેરીને આવી છે. એ જ એની માદક અદા અને એજ એની નટખટ વાતો ફરી એને ઘેરી વળે છે. 

સતત બે કલાક સુધી બાજુમાં બેસી અલક મલકની વાતો અને રાજવીની એ અદા બસ મિલન માટે અઢળક યાદો અને સપનાઓ જેવી હોય છે. મિલનને એવું લાગતું હોય છે કે હવે રાજવી સાથે દિલની વાત ના કરવી જ યોગ્ય રહેશે એટલે એ પોતાની કુણી લાગણીની વાત કરવાનું ટાળે છે અને મિત્ર તરીકેની આ યાદો આજીવન સંભારણા બની રહે એમ દિલમાં ભરતો જાય છે. એક એક પળ જાણે એક એક જીવન જીવતો હોય એમ એની સાથે ગાળતો જાય છે. પતંગ ચગાવી રાજવી સાથે આખા દિવસને એ ભરપૂર માણે છે. 

આખરે સાંજે રાજવી એના પપ્પા સાથે ઘરે જતી હોય છે અને એ જ મોહક અદાથી બધાની નજરથી છુપાઈને આળસ મરડતી હોય એમ બાય કરે છે અને છૂટી પડે છે. ત્યારે મિલનની આંખેથી એક ટપકું અણધાર્યું સરી પડે છે. આ કોઈ ખુશી હતી કે કોઈ ગમ કાંઈજ મિલનને સમજાતું નથી પણ આ સંભારણા આજીવન સાથે રહેશે એવું લાગે છે. 


"પલકારે જોઈ એને ધબકારો ચૂકી ગ્યો,

અલ્લડતા ઉપર જાણે દિલ હું હારી ગ્યો.

હું શું વાત કરું એની મનમોહક અદાઓની,

જેની પાછળ હું મનોમન મોહિત થઈ ગયો."

ટૂંકજ સમયમાં મિલનના લગ્ન શ્વેતા સાથે થાય છે અને મિલન પણ કેવો કે પોતાની ખાસ મિત્ર રાજવીને પોતાના લગ્નમાં બોલાવતો નથી. મિલનને ખબર હતી કે એ પોતાની જાતને ક્યાંક ને ક્યાંક રોકી નહીં શકે. એટલે કે એના માટે રાજવી ને છોડી બીજી કોઈ વ્યક્તિ સાથે જીવવું અઘરૂ હતું કારણકે આવું તો ક્યારેય વિચાર્યું નહોતું. લગ્નમાં રાજવીને નથી બોલાવતો છતાં મિલન રાજવી સાથે મિત્રતા ચાલુ જ રાખે છે આખરે કોઈને કોઈ રીતે રાજવી મિલનના જીવનનું અંગ બની રહે એવું મિલનના મનમાં હોય છે. અને એટલેજ લગ્ન બાદ રાજવીની મુલાકાત પણ શ્વેતા સાથે એક ખાસ મિત્ર તરીકે કરાવે છે. પણ રાજવીના મનમાં હંમેશા એક સવાલ ઉભો રહે છે કે આખરે એને કેમ મિલને પોતાના લગ્નમાં ના બોલાવી.!? મિલન પાસે પણ આ વાતનો જવાબ નથી હોતો અથવા કહો તો આ જવાબ આપવો નથી હોતો. 

એટલામાં શ્વેતા ધાબા ઉપર આવે છે ને મિલનની તન્દ્રા તૂટે છે. અણધાર્યું શ્વેતા પૂછી નાખે છે કે, "શું થયું આ આંખમાં ટપકું કેમ છે.!?" મિલન પણ સિફતતાથી શ્વેતાને કહી નાંખે છે કે, "કશું નહીં, આ તો આંખમાં કચરો પડ્યો લાગે છે." અને ફરી પાર્થ, યશવી અને શ્વેતા સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં લાગી જાય છે. મિલન ફરી પેલી છોકરી તરફ નજર કરે છે ને મનોમન હસે છે કે... આ મન પણ જોને ક્યાં પહોચી જાય છે. અને ત્યાંજ દિલ ધબકારો ચૂકી જાય છે.

યાદોનું પણ કેવું હોય છે નહીં.!?

સહેજ તક મળે ને આવી જાય છે.

દોડાદોડ ભરેલી આ જિંદગીમાં,

ફરી ફરીને જીવમાં પ્રાણ પૂરી જાય છે.


Rate this content
Log in

More gujarati story from Rohit Prajapati

Similar gujarati story from Romance