અનંત દિશા ભાગ - ૨૦
અનંત દિશા ભાગ - ૨૦


આપણે ઓગણીસમાં ભાગમાં જોયું કે વિશ્વા કોઈને પણ કહ્યા વગર બ્રહ્માકુમારીમાં જતી રહે છે. કઈ જગ્યાએ છે એ કોઈને જણાવતી નથી. દિશાની નારાજગી એટલી હદે છે કે એ અનંતને મેસેજમાં પણ જવાબ આપતી નથી. હવે જોઇએ આગળ શું થાય છે. આ અનંત ની લાગણીઓ ક્યાં દોરી જાય છે.
હવે આગળ........
હવે હું મારા જીવનને એક નવા માર્ગ તરફ લઈ જવા માગતો હતો. મારો પ્રેમ, સ્નેહ એ વિશ્વા અને દિશા બંને માટે એવોજ અક્બંધ હતો, કારણ કે હું જાણતો હતો કે આજે નહીં તો કાલે સમય મને ફરી એમનો સાથ આપશે. વિશ્વા તો મને છોડીજ ના શકે અને દિશા એ જીવનના અંત સુધી સાથ આપવાનું વચન આપ્યું હતું. આ બધું જ મને જીવાડી રહ્યું હતું.
"આજ આ ઠંડા પવનમાં એની યાદ આવી,
એ અમારા મીઠા સંબંધની વાત યાદ આવી,
કેવી કલરવ કરતી એ મારી સાથે એ યાદ આવી,
જિંદગીની એ યાદગાર પળો જાણે યાદ આવી..."
મારા જીવનનો નવો માર્ગ મને મારા મિત્ર દ્વારા ચાલતી એન.જી.ઓ દ્વારા મળ્યો. અમે જરૂરિયાતમંદો સુધી સહાય પહોંચાડતા હતા. સાથે ઝૂંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણ અને નાસ્તાની પણ વ્યવસ્થા કરતા. અમારાથી બનતી તમામ મદદ અમે કરવાનો પ્રયત્ન કરતા. મને આ કામ ગમવા લાગ્યું હતું. હવે મારી પાસે યાદો અને સમય હતા. એ જ યાદોના સહારે મારે યોગ્ય વ્યક્તિ બનવું હતું. નવા વ્યક્તિત્વનું નિર્માણ કરી મારે મારી જાતને યોગ્ય સાબિત કરવી આવુંજ મનમાં હમેશાં ચાલતું હતું. એટલે જ કદાચ હું એન.જી.ઓમાં ખુબજ નિષ્ઠાથી કામ કરતો હતો. હું ક્યાય પણ કન્યાકુમારી સંસ્થાનો કોઈપણ કાર્યક્રમ હોય ત્યાં પહોંચી જતો. અને વિશ્વા મળી જશે એવી આશા સાથે હું ત્યાં જતો.
દિશાને દરરોજ હું ગુડ મોર્નિંગ મેસેજ કરતો અને સાથે સારા ક્યુટ ઇમોજી પણ મોકલતો. એ કોઈક વાર એજ દિવસે મેસેજ જોતી તો કોઈ વાત ચાર પાંચ દિવસે મેસેજ જોતી હતી. રીપ્લાય તો આપવાના સંપૂર્ણ બંધ જ કરી દીધા હતાં. ફોન કરું તો પણ એ કટ જ કરતી.
મને પહેલાં લાગ્યું હતું કે થોડા દિવસમાં દિશા નોર્મલ થઈ જશે. પણ આ શું ! આ વાતને આજે ત્રણ મહીના થઈ ગયા હતા. પણ એકપણ વાર એનો કોઈજ રિપ્લાય આવ્યો નહોતો. છતાં મનમાં હતું કે એ ચોક્કસ આવશે. મારી લાગણીઓ એને ખેંચી લાવશે. એ એકાંતમાં પણ મને યાદ કરતી હશે.
આ અરસામાં હું અનેકવાર હતાશ, નિરાશ થઇ જતો અને એકાંતના અંધારામાં ધકેલાઈ જતો. ખુબ રડતો, જોર જોરથી રડતો અને ફરી પાછો ઉભો થઈ એમની શોધમાં જોડાઈ જતો. હવે ફ્રેન્ડશીપ ડે નજીક આવી રહ્યો હતો. સાથે જ દિશા એક દિવસે વાત કરશે જ એ વાત મન જાણતું હતું. દિલ માનતું હતું. આ જ વાતથી મન આનંદીત થઈ રહ્યું હતું.
આખરે એ દિવસ પણ આવી ગયો. આજે ફ્રેન્ડશીપ ડે હતો. હું બહુ દિવસે મંદિરે ગયો હતો. મને આશા હતી કે આજે મારા ભગવાન મને સાથ આપશે. હમેશાં મને કઠોર રસ્તે પણ જીતાડ્યો છે તો આજે પણ ચોક્કસ જીતાડશે. મંદિરેથી જ મેં સવાર સવારમાં સાત વાગે દિશાને હેપી ફ્રેન્ડશીપ ડેનો મેસેજ કર્યો અને એના જવાબની રાહ જોવા લાગ્યો. આજનો એક એક પળ જાણે એક એક કલાક લાગી રહ્યો હતો. જેમ જેમ સમય વીતતો જતો હતો એમ એમ આશા ધૂંધળી થઈ રહી હતી. પણ આખરે એનો રીપલાય દસ વાગે આવ્યો.
હેપી ફ્રેન્ડશીપ ડે, ડીયર ફ્રેન્ડ. હું અત્યારે બીઝી છું પછી ફોન કરીશ. હું એ મેસેજ વાંચી અદ્ભુત ખુશી અનુભવી રહ્યો હતો જાણે આશ બંધાઈ કે ફરી એની સાથે વાત થશે અને આ દિવસ કોઈક નવી યાદો આપતો જશે.
એ દિવસે એક એક પળ હું રાહ જોતો રહ્યો કે હમણાં ફોન આવે હમણાં ફોન આવે. આમ કરતાં કરતાં સવારની સાંજ પડી ગઈ એટલે થયું કદાચ કામમાં ભૂલી ગઈ હશે. એટલે મેં ફોન જોડ્યો પણ ફોન બીઝી આવતો હતો. થયું થોડીવાર પછી ફોન કરીશ. આખરે ફરી એક કલાક પછી ફોન કર્યો તો ફોન કામવાળા બેને ઉપાડ્યો. મને દિશાનો અવાજ કોઈ સાથે વાત કરતા સંભળાઈ રહ્યો હતો. કદાચ લેન્ડ લાઇનમાં કોઈ સાથે હસી હસીને વાતો કરી રહી હતી. કદાચ બીજા રૂમમાં... મારા માટે દિશાની આહટ પૂરતી હતી, છતાં પણ મેં પૂછ્યું કે 'દિશા ક્યાં છે ?' એમણે જવાબ આપ્યો 'એ બહાર ગયા છે. મોબાઇલ ઘરે ભુલી ગયા છે.'
આ વાત સાંભળતા જ મારી આંખમાંથી આંસુ સરી પડ્યા. ફોન મૂકીને હું ચોધાર આંસુએ રડવા લાગ્યો. આવું કેમ થતું હશે ? સમય સાથે માણસ, સંબંધ અને પ્રાથમિકતા કઈ રીતે બદલાઈ જતાં હશે ? જે વ્યક્તિ ફ્રેન્ડશીપ ડે ક્યારેય વીસરી નહોતી એ કેમ આમ અવોઈડ કરતી હશે..!?
ઘણા બધા સવાલોથી મન ઘેરાઈ ગયું, અને આ સવાલોનો જવાબ માત્ર મને એકજ મળ્યો. મારીજ ભૂલો !
ક્યારેય હું કોઇ સંબંધને લાયક બનીજ નહોતો શક્યો. કોઈની લાગણીઓ સમજી એને સાથ આપીજ નથી શક્યો. મારી સંબંધો સાચવવાની અણઆવડત જ હતી કે હું એક નિષ્ફળ મિત્ર સાબિત થઈ ચૂક્યો હતો.
"સાથ હતો આપનો ત્યારે આ સફરમાં મજા હતી,
આપ વિના આ સફર મારે માટે માત્ર સજા હતી,
મારી ભુલો એ જ કદાચ સાથ છોડાવ્યો દિશા સાથે,
નહીં તો આ મારી જિંદગીમાં માત્ર દિશા જ હતી."
દિશા વગર જાણે દિશાહીન જિંદગી બની રહી હતી. હવે માત્રએન.જી.ઓ.જ મારો સહારો બન્યું હતું. જરૂરિયાતમંદ લોકોને મદદ કરી જે ખુશી એમના ચહેરા પર દેખાય ત્યાંજ મન ખુશ થતું હતું. એક એક દિવસ સપના તોડી રહ્યો હતો. ક્યાંથી પણ વિશ્વાની ભાળ મળતી નહોતી કે દિશાનો રિપ્લાય પણ. દરરોજ હું દિશાને મેસેજ કરતો. કોઈકોઈ વાર ફોન પણ કરતો. ક્યારેય આ મેસેજ કે કોલનો જવાબ આવ્યોજ નહીં. ઘણીવાર મન નિરાશાથી ઘેરાઈ જાય ત્યારે થઈ જતું હતું કે આ જિંદગી જ પૂર્ણ કરી દઉં. ત્યાંજ યાદ આવતું મારી લાગણીનું વિશ્વ. એ આવશે અને મને નહીં જોવે તો ? અને મન પાછું પડી જતું હતું.
"જોયું હતું સપનું કે જીવનમાં આવશે કોઈ ખાસ,
જે રાખશે હમેશા મારો ખ્યાલ !
પણ જ્યારે આવ્યું એ ખાસ,
ત્યારેે પણ અધુરી રહી ગઈ આશ અને પ્યાસ !
સતત થયા અમારા વિરોધાભાસ,
આ સંયોગ હતો કે સમયનો ક્યાસ !
સતત રહી સાથે પણ દૂર થયા અમે ખાસ,
એટલે જ કદાચ તૂટી આશ !"
એક એક દિવસ મારી આશ તોડી રહ્યો હતો ! એમ કહો કે શ્વાસ છૂટી રહ્યો હતો. સતત પોતાની જાતને એન.જી.ઓ માં વ્યસ્ત કરી સ્થિર રાખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આ વાતને આમને આમ છ મહિના વીતી ગયા હતા. પણ ક્યારેય વિશ્વા કે દિશા ના મળી. હું સંપૂર્ણ તુટી ચૂક્યો હતો.
એટલે.....
શ્રાવણ મહિનાના રવિવારના દિવસે મારી પ્રિય જગ્યા રિવર ફ્રન્ટ પર પહોંચી ગયો અને ચહલ પહલ ઓછી હતી એટલે સૌથી પહેલા મેં મારું કામ પતાવ્યુ !
હા, એ જ કામ..!! ગાડીમાં મ્યૂઝિક ચાલુ કરી જોર જોરથી રડવાનું. આ મારું પ્રિય હતું. જ્યારે પણ મન, દિલ કોઈ વાતથી આહત થાય ત્યારે એકાંત શોધી જોર જોરથી રડી લેવાનું અને ફરી દુનિયા માટે એ જ બ્રેવ અનંત બની જવાનું. અને આજે તો હું સંપૂર્ણ તુટી ચૂક્યો હતો. આ મારા જીવનની અમૂલ્ય યાદોની સફર કરતા કરતા સવારથી સાંજ પડી ગઈ. મેં મોબાઇલમાં જોયું તો મમ્મીના કેટલાએ મિસ કોલ પડ્યા હતા. પણ આ યાદોએ મને સમજાઈ દીધું હતું કે સંબંધો અને લાગણીઓ કરતાં પણ સમય અને શબ્દોનું મુલ્ય કેટલાએ ઘણું વધુ છે !
આ સમયમાં હું એટલું સમજી ગયો હતો કે દિશા માટે મારામાં ભલે થોડી લાગણીઓ જન્મી હતી પણ દિશા માટે એનું કોઈજ મુલ્ય નહોતું. અને એટલેજ મિત્રતા નિભાવવી પણ એના માટે જરૂરી નહોતી. કદાચ મારીજ ભૂલો, મારો ગુસ્સો, મારી ઓછી સમજણ પણ હું તો આવોજ હતોને ? મિત્રતા તો નિભાવી શકાઈ હોત.
બીજી તરફ વિશ્વાએ મિત્રતા પણ નિભાવી અને એની મારા માટેની લાગણીઓ મારાથી છુપાવી મને ખુશ રાખવા પોતાની ઈચ્છાઓનો પણ ત્યાગ કર્યો. જાણે મારા માટે જીવન સમર્પિત કર્યું. પણ આ બધું સમજવામાં બહુ મોડું થઈ ગયું હતું. અહીં પણ મારીજ સમજણ ની ઉણપ. આખી જિંદગીની આ સફરને યાદ કર્યા પછી મેં જિંદગીનો એક અંતિમ નિર્ણય લીધો. કદાચ મારા જેવા અયોગ્ય વ્યક્તિત્વ માટે એ જ યોગ્ય હતું.
સાચેજ અનંત અયોગ્ય વ્યક્તિત્વ હતો ?
શું હશે આ અનંતનો અંતિમ નિર્ણય ?
ક્રમશ: