Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!
Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!

Rohit Prajapati

Drama Romance

5.0  

Rohit Prajapati

Drama Romance

અનંત દિશા   ભાગ - ૨૧

અનંત દિશા   ભાગ - ૨૧

8 mins
388અનંતે આજનો એટલે કે રવિવારનો મોટા ભાગનો સમય રિવરફ્રન્ટ ઉપર વિશ્વા અને દિશાની યાદો સાથે અને રડવામાં ગાળ્યો હતો. આમ કહેવા જઇએ તો પોતાની અયોગ્યતા અને સંબંધો સાચવવાની નિષ્ફળતાએ એને તોડી નાખ્યો હતો. આખરે અનંતે એક આખરી નિર્ણય લીધો અને ગાડીમાં બેસીને ઘરે જવા નીકળ્યો.


"રાહતની વાત તો છે જ કે ચાહત તો યાદોમાં છે, 

બધાં જેને કલ્પે એ ચાહત મારા દિલમાં સલામત છે, 

શું થયું, જો મારા સપના પૂરા ના થયા કે નહીં થાય ?

પણ મારા માનેલા મારા દિલ માં સલામત તો છે..!!"


આવાજ ભારે હ્રદયથી અનંત ઘરે આવ્યો. આખો દિવસ રડીને આંખો સુજી ગઈ હતી. છતાં મનમાં એક સ્વસ્થતા હતી કે મેં મારું બેસ્ટ કર્યું હતું. હવે અનંત ને એવું લાગી રહ્યું હતું કે એણે જે કર્યું એ બરાબર કર્યું.


એ ઘરે આવે છે ત્યારે એના મમ્મી પપ્પા ચિંતા અને રોષ મિશ્રિત સ્વરે બોલે છે કે સવારથી ફોન કરીએ છીએ પણ એકપણ જવાબ તેં ના આપ્યો..!! ત્યારે સ્વસ્થ મનથી અનંત જવાબ આપે છે કે એક અધ્યાય પત્યો એટલે આવું થયું. એના મમ્મી પપ્પા સમજી ગયા કે કઈ વાત કરે છે. આખરે પોતાનો આખરી નિર્ણય એ મમ્મી પપ્પાને કહે છે.


"મારે આ હકીકતોથી દૂર જવું છે. જ્યાં કોઈ જ જાણીતું ના હોય. મારે ૬ મહિનાનો બ્રેક જોઈએ છે..!! કોઈ જ ફોન અને કોઈ જ કોન્ટેક્ટ વગર. મારા માટે એ ભૂતકાળ ભૂલવો જરૂરી છે. ત્યાંથી પાછો આવી ને એક નવી જિંદગી શરૂ કરીશ અને તમે કહો ત્યાં હું લગ્ન કરી લઈશ. મારે એન જી ઓ ના કામથી ૬ મહિના સાપુતારાના આદિવાસીઓ સાથે રહી એમના બાળકોને શિક્ષણ આપવાનું અને એમના ઉત્કર્ષ માટે કામ કરવું છે. ત્યાં મોબાઇલ કવરેજ હશે નહીં એટલે કોઈજ યાદો આવવાનો સવાલ નથી. "

અનંતની મનોસ્થિતિ સમજી એના માતાપિતાએ એને ભારે હ્રદયે પરમિશન આપી. બીજા જ દિવસે અનંત પોતાની જિંદગીની એક નવીન અનંત સફરમાં જતો રહ્યો.


ત્યાં જતાં જ એનું મન ત્યાં પરોવ્યું અને જિંદગીમાં ક્યારેય ના મેળવી હોય એવી ખુશી આ કામ કરીને એને મળી. આમ ને આમ બે મહિના થઈ ગયા હતા. અનંત ને ઘરે જવાની કોઈજ ઈચ્છા નહોતી. આ લોકોનો પ્રેમ અને સ્નેહ જોઈ એ ખુશ હતો. આમપણ અનંત માટે મહત્વની હતી આ અદ્ભૂત લાગણીઓ. અનંતને એવું લાગી રહ્યું હતું કે આ જ લાગણીઓ માટે મારો જન્મ થયો હતો.


*****


આ તરફ વિશ્વાને ગયે આઠ મહિના થઈ ગયા હતા પણ એને હમેશાં અનંતની ચિંતા થતી. એના મનમાંથી અનંત ક્યારેય હટ્યો નહોતો. એટલે એ હજુ સુધી દીક્ષા લઈ શકી નહોતી.


આખરે એક દિવસ વિશ્વાનું મન ડગ્યું અને એને થયું કે અનંતને ફોન કરીને હાલચાલ પૂછી લઉં. એણે તરત જ અનંતને ફોન કર્યો. પણ આ શું...!? અનંતનો ફોન કવરેજ એરિયાની બહાર આવતો હતો એટલે એને થયું કે ક્યાંક બહાર હશે. અને વાત ના કરી શકવાના નિસાસા સાથે એ જુની યાદોમાં સરી પડી. એના અને અનંતના સાથે પસાર કરેલા પળ અને પોતાના માટે અનંત શું છે એ વિચારવા લાગી..


બીજા દિવસે પણ વિશ્વાએ અનંતને ફોન કરવા માટે બહુ પ્રયત્ન કર્યા પણ ફોન ના લાગતા આખરે એણે દિશાને ફોન કર્યો.

વિશ્વા.."જય શ્રી કૃષ્ણ. "

દિશા.."વી..શ્વા... જય શ્રી કૃષ્ણ. બહુ મહિને યાર... કેમ છે તું.!? હું તને બહુ મિસ કરું છું યાર. મારે બહું બધું કહેવું છે. મારી ખુશી વહેંચવી છે. "

વિશ્વા નો અવાજ બહુ મહિને સાંભળી દિશા ખુશ તો થઈ પણ એ પોતાની જ ધૂનમાં વાત કરતી હતી.

વિશ્વા એ મનમાં સંતોષની લાગણી અનુભવી અને થયું કે હાશ અનંત ઓકે હશે એટલેજ આ આટલી ખુશ છે... "હું એક્દમ ઓકે છું. તું કેમ છે ડિયર..!? તારી લાઇફ કેમ ચાલે છે.!?"

દિશા.. "હું એક્દમ મસ્ત છું. લાઇફ જોરદાર બની ગઈ છે. હું સ્નેહથી આગળ વધી એ મારી જિંદગીનો સૌથી સાચો અને સારો નિર્ણય હતો. નાઉ આઈ એમ હેપ્પી ઇન માય લાઈફ વિથ સમવન સ્પેશિયલ."


વિશ્વા મનમાં ખુશ થઈ, હાશ... "હા એ તેં સારું કર્યું. મને પણ થતું હતું કે તું એવું કાંઈક કરે તો સારું."

દિશા..."હા, ડિયર... આ સાહિલના આવવાથી મારી જિંદગી આખી બદલાઈ ગઈ . જાણે મારા બધાજ સપના પૂરા કરવા અને મારા જીવનને પૂર્ણતા બક્ષવા જ એ મારી જિંદગીમાં આવ્યો."

વિશ્વા એક્દમ વિહ્વળ થઈ ઉઠી... અને બોલી "સાહિલ... આ કોણ છે..!? તો, અનંત ક્યાં છે..!? અનંતનું શું થયું..??


દિશા... "તું જાણે છે ને કે તું ગઈ ત્યારે અમે વાતો ઓછી કરતા હતા અને મેં એકાંત માગ્યું હતું. ત્યારે મારા એકાંતમાં રંગ ભરવા આ સાહિલ મારી જિંદગીમાં આવ્યો અને અમે પ્રેમમાં પડ્યા. આટલા મહિનામાં એણે એટલો પ્રેમ આપ્યો કે હું બધાં દુખ ભૂલી ગઈ. આવતા મહિને અમે લગ્ન કરવાના છીએ."

વિશ્વાને એકદમ આઘાત લાગી ગયો અને એની આંખમાંથી આંસુ સરી રહ્યા હતા... અનંત ક્યાં હશે..!? એ વાત એને બેચેન બનાવી રહી હતી. તો પણ અવાજમાં બને એટલી સ્વસ્થતા લાવી એ બોલી, "ખુબ સરસ... ખુબ ખુબ અભિનંદન... પણ... અનંત..!? એ ક્યાં છે."


દિશા... "અનંતની મને ખબર નથી. છેલ્લા આઠ મહિનાથી અમે કોઈજ વાત કરી નથી. લગભગ તું ગઈ ત્યારથીજ. કોઈકોઈ વાર એના મેસેજ આવતા પણ મારા માટે સાહિલ મહત્વનો હતો. એ મારું ભવિષ્ય હતો અને અનંત એક મિત્ર ખરો પણ સમજવામાં કેટલો કોમ્પ્લિકેટેડ હતો. એટલે થયું કે આવા વ્યક્તિત્વ સાથે દુખી થવું એથી સારું કે હું મારી અલગ દુનિયામાં ખુશ રહું. આમપણ એ ક્યાં કોઈ વ્યક્તિ કે એની લાગણીઓ સમજી શકતો હતો..!? જ્યારે જુવો ત્યારે બસ ગુસ્સો જ કરતા આવડે. મારા માટે એ એટલો મહત્વનો નહોતો કે એને હું આ બધું કહું. એથી મેં એનાથી મારી જાતને અને સાહિલ ને દૂર રાખ્યા."

વિશ્વા મનોમન વિચારી રહી કે આ એજ દિશા છે જેને હું ઓળખતી હતી..!? અને બોલી "ઇટ્સ ઓકે, હું પછી ફોન કરું. થોડું કામ છે. જય શ્રી કૃષ્ણ."


દિશા... "જય શ્રી કૃષ્ણ. અને હા... મારા લગ્નમાં તારે ચોક્કસ આવાનું છે."


ફોન મુકતા જ વિશ્વા ચોધાર આંસુથી રડી રહી હતી. એને સમજાઈ ગયું હતું કે એણે કેટલી મોટી ભૂલ કરી છે. એણે અનંતને એક એવી વ્યક્તિના સહારે મૂક્યો જેને અનંતની લાગણી દેખાઈ જ નહીં, દેખાયો તો બસ અનંતનો ગુસ્સો..!! એ ગુસ્સા પાછળ રહેલો અનંતનો સ્નેહ, એની કાળજી દિશા ક્યારેય સમજી જ ના શકી..!! વિશ્વાને લાગ્યું કે એણે થોડી ઉતાવળ કરી નાખી. એણે આમ ત્યાંથી નીકળી જવા જેવું નહતું. લાગણીઓ માટે જ જીવતા વ્યક્તિત્વનો એણે એ સમયમાં સાથ છોડ્યો જ્યારે એને જ ખાસ જરૂર હતી..!!


"જિંદગી અનંતને હાલક ડૉલક કરી રહી હતી ત્યારે,

જિંદગીના સફરમાં સાચા હમસફરની જરૂર હતી, 

ડૂૂબતા જહાજને જાણે સાચા કેપ્ટન ની જરૂર હતી, 

અનંતને વિશ્વાની લાગણીઓની જ જરૂર હતી..!!"


વિશ્વા તરતજ ટ્રેનમાં બેસી અનંતના ઘરે જવા રવાના થઈ ગઈ. સતત એની આંખમાંથી આંસુ સરી રહ્યા હતા. જે અનંતને એણે એકપળ પણ અલગ નહોતો કર્યો એ અનંત છેલ્લા આઠ મહિનાથી એકલો હતો. ખાધા પીધા વગરની પાંચ કલાકની મુસાફરી બાદ એ અનંતના ઘરે પહોંચી.


એના મમ્મી પપ્પા બેઠક રૂમમાં બેઠા હતા એમને પગે લાગી. પણ એનું વિહ્વળ મન આમતેમ અનંતને શોધી રહ્યું હતું. આખરે મૌન તોડતા અનંતની મમ્મી એ કહ્યું કે, "સારું થયું તું આવી. તારા વગર અનંત એકલો પડી ગયો છે. જાણે તારા જતાં જ અનંતનું જીવન વિખેરાઈ ગયું..!!" અનંતની છેલ્લા આઠ મહિનાની વિહ્વળતા, એને એકાંતમાં રડતો, ઉદાસ રહેતો જે એના મમ્મીએ જોયું હતું અને જીરવ્યું પણ હતું એ બધુંજ વિશ્વાને કહ્યું. અને સાથે કહ્યું કે અત્યારે અનંત કઈ જગ્યા એ છે.


આ બધી વાતો વિશ્વાની બેચેની વધારી રહ્યા હતા. મનમાં એકજ વાત હતી અનંતને મળવું હતું. એને વીંટળાઈને રડવું હતું.

આખરે અનંતના પિતાએ વાત સંભાળી અને બંનેને શાંત્વના આપી. સાથે પાણી પણ પીવડાયું અને કહ્યું કે જમવાનું બનાવો આજે બહું દિવસે દીકરી પાછી આવી છે. વિશ્વાનું મન માનતું નહોતું છતાં રાત્રે ભાવથી અનંતના માતા પિતાએ એને જમાડી. અને બીજા દિવસે સવારે બધાંએ સાથે સાપુતારા જવાની તૈયારી કરી.


સવારે વહેલા ચાર વાગે તૈયાર થઈ બધા સાપુતારા જવા નીકળ્યા. આખરે પાંચ કલાકનું અંતર કાપ્યા પછી નવ વાગે તેઓ સાપુતારા પહોંચ્યા. મેન રોડથી પાંચ કિલોમીટર ચાલીને બધા એ જગ્યાએ પહોંચ્યા જ્યાં અનંત રહેતો હતો.


અનંત ઝાડ નીચે એક બોર્ડ લગાવી છોકરાઓને ભણાવી રહ્યો હતો. અને જાણે બાળકોમાં ભળી બાળક જેવો થઈ ગયો હતો. આટલા મહિનાઓ પછી અનંત જાણે કાંઈક અલગજ લાગતો હતો. હમેશાં ગુસ્સે રહેતો અનંત બાળકો સાથે રહી જીવંત થઈ રહ્યો હતો..!!


આખરે વિશ્વાએ અનંતને આમ સન્મુખ જોઈ એની તરફ રીત સરની દોટ મુકી અને જાણે એક પણ પળ ખોવા ના માંગતી હોય એવી અધીરાઈ સાથે અનંતને વીંટળાઈ ગઈ. એ એટલી હદે અનંતમય બની ગઈ હતી કે એને સમય અને સ્થિતિનું ભાન જ નહતું રહ્યું અને કોઈની પણ પરવા કર્યા વિના એણે હળવા ચુંબનોના વરસાદથી અનંતને નવડાવી દીધો..!! અહીં બાળકો આ જોતાં જ ખીલખીલાટ હસી રહ્યા હતા અને આ મિલનનું તાળીઓના તાલે અભિવાદન કરી રહ્યા હતા.


થોડી વારે સુધી અનંત અને વિશ્વા એજ સ્થિતિમાં રહ્યા. બંને ચોધાર આંસુથી રડી રહ્યાં હતાં અને આ એક એક આંસુ એકમેકમાં ભળી જાણે અનંતના વિશ્વા સાથેના મિલનની હાજરી પુરાવી રહ્યા હતા. આખરે એક લાગણી બીજી લાગણીમાં ભળી સહજીવન રચવા તત્પર બની હતી..!!


અનંતના માતા પિતા પણ આ લાગણીઓને માન આપી આશીર્વાદ દેવા જાણે તત્પર થયા. અને આમ આજે અનંત એના લાગણીઓના વિશ્વમાં વિલીન થઈ ગયો.


"આ વિશ્વાની લાગણીઓની વાત છે નિરાળી,

અનંતના વિશ્વમાં જ જાણે એ સમાણી,

ના કોઈ સ્વાર્થ, ના કોઈ આશા અપેક્ષા,

એટલેજ એ અનંતનું વિશ્વ કહેવાણી..!!"


અનંત ત્યાં એક નળીયાવાળી રૂમમાં રહેતો હતો. એ બધાને ત્યાં દોરી ગયો. પણ એના માતા પિતા સમયની માંગ સમજીને થોડી વારમાં બહાનું બતાવીને બહાર નીકળી ગયા. એમના ગયા પછી વિશ્વાએ અનંતને કહ્યું કે દિશાની જીંદગીમાં એના મનનો માણીગર આવી ગયો છે. એ એને સમજે છે, એને જીવાડે છે, એને ખુશ રાખે છે. આથી દિશા ખુબજ ખુશ છે.


આ જાણી અનંતને એકપળ માટે દુ;ખ થયું કે શું આ જ એકાંત માટે દિશા મારાથી દૂર રહેતી હતી..!!?? પણ આખરે અનંત પણ મનમાં જાણતો હતો કે દિશાની જીવનદિશા માં એ ક્યાય ક્યારેય હતોજ નહીં. દિશાએ એને ક્યારેય એક મિત્રથી વિશેષ દરજ્જો આપ્યો જ નહતો. એ બંને એકબીજા માટે બન્યા જ નહતા. એટલેજ અનંતથી બોલાઈ ગયું દિશાની ખુશી થી વિશેષ મારે શું જોઈએ..!?

વિશ્વા પણ અનંતની લાગણીઓ સમજતી હતી અને માનતી હતી કે સંપર્ક અને સંબંધ ભલે ઓછો વધતો અથવા પૂર્ણ થતો લાગે પણ અનંતનો દિશા માટેનો સ્નેહ અને લાગણીઓ હમેશાં અક્બંધ રહેશે.


વિશ્વાએ ખૂબ જ સ્નેહથી અનંતનો હાથ પકડ્યો અને એને પોતાની નજીક ખેંચી બાહુપાશમાં જકડી લીધો. વિશ્વાની લાગણીઓ પુર આવેલી નદીની જેમ પોતાના સીમાડા તોડવા તત્પર બની હતી..!! અને આવીજ લાગણીઓથી વરેલી વિશ્વાએ અનંત પર ચુંબનોનો વરસાદ કરી દીધો. અનંતને પણ સાચી લાગણીઓની સમજ થઈ ગઈ હતી એટલે એ પણ હરકતમાં આવ્યો અને વિશ્વાના હોઠ ઉપર હોઠ બીડી વિશ્વાના વિશ્વમાં ખોવાઈ ગયો.


"આ હોઠ પર હોઠ એવા બીડાયા,

જાણે અનંત વિશ્વા એકબીજા માટે સર્જાયા,

એકબીજાના બાહુપાશમાં એવા સમાયા,

જાણે આત્મા થી એકબીજામાં જોડાયા."


આમ હવે અનંત અને વિશ્વાના જીવનનો નવો અધ્યાય શરૂ થઈ રહ્યો હતો. અનંતનું કામ ના પતે ત્યાં સુધી વિશ્વા પણ ત્યાં રોકાઈ જાય છે અને સમાજ સેવાના કામમાં અનંતને મદદ કરે છે. અનંતના મનમાં દિશા માટે કોઈ જ ખરાબ ભાવ નહતો. દિશાને ખુશ જોવાની એની ઈચ્છા પૂર્ણ થઈ હતી. તો શું થયું કે એમની રાહ ક્યારેય એક ના થઈ શકી...


"આ જીવનમાં બીજું શું જોઈએ..!?

પોતાનું ખુશ રહે એથી વિશેષ શું જોઈએ..!?

શું જેને પ્રેમ કરીએ એ જીવનસાથી બનવું જ જોઈએ..!?

મારે તો....

દિશા જીવંત રહે એવુંજ સુખ જોઈએ..!!"

***


Rate this content
Log in

More gujarati story from Rohit Prajapati

Similar gujarati story from Drama