The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Rohit Prajapati

Romance Drama

5.0  

Rohit Prajapati

Romance Drama

નિયતિનો સુંદર ખેલ

નિયતિનો સુંદર ખેલ

11 mins
800


સુશાંત આજે પણ રોજની જેમ પોતાના કામમાં પરોવાયેલો હતો. પલ્લવીએ જ્યારથી એનો સાથ છોડ્યો ત્યારથી સુશાંતનું કામ કોઈને જોડવા એજ થઈ ગયું હતું. પોતાના નસીબ ઉપર એને જાણે વિશ્વાસ ઉઠી ગયો હતો. પલ્લવીને આટલા વર્ષ પ્રેમ આપી માત્ર ને માત્ર પ્રેમની ઇચ્છા રાખી હતી પણ નસીબ ખલનાયકની ભૂમિકા ભજવી ગયું.


જિંદગીમાં આવેલા એ અણધાર્યા વણાંકે સુશાંતની જીંદગી બદલી નાખી. આટલા વર્ષના પ્રેમનો અંત માત્ર ને માત્ર કુંડળી ના મળવાની બાબતથી થયો. પલ્લવીએ પણ એના પરિવારની વાત માની અને આ સંબંધ કે જે જિંદગી હતો એ પૂર્ણ થઈ ગયો. પાછળથી જાણવા મળ્યું કે પલ્લવીએ મહિનાની અંદર જ એક શ્રીમંત છોકરા સાથે લગ્ન કર્યા. કદાચ કુંડળી મેચ નહીં થવાનું કારણ આ જ હતું, પૈસા. આવા બધા વિચારોમાં એ હમેશાં ખોરવાયો રહેતો. 


પોતાનું જીવન લક્ષ્ય સાધવા એણે એક મેરેજ બ્યુરોમાં કામ કરવાનું ચાલુ કર્યું હતું. પોતાનું લક્ષ્ય એટલે બધાને જોડવા અને જીવનભરના સાથી બનાવવા. એટલેજ એ માત્ર એકજ વર્ષમાં ખુબજ સફળતા મેળવી શક્યો હતો. 


આજે પણ એ આવાજ વિચારો સાથે કેબિનમાં બેઠો હતો અને ત્યાંજ એને ઓફિસમાં બહાર મોટેથી અવાજ સંભળાયો. પોતાની કેબિન બહાર એક છોકરી કોઈ મોટી ઉંમરના લેડી સાથે ઊંચા અવાજે બોલી રહી હતી. એ છોકરીનો ચહેરો દેખાઈ નહોતો રહ્યો પણ અવાજમાં રહેલો ગુસ્સો છતો થતો હતો. ગુસ્સામાં નીકળતો હોવા છતાં કોઈનું પણ મન મોહી લે એવો એ અવાજ હતો. સ્ટેપ કટ વાળ, કાનમાંથી ખભે ટચ થતાં મોટા મોટા ઈયરીંગ, રેડ કલરનું ટોપ અને બ્લૂ કલરનું જિન્સ એની સુંદરતા વધારી રહ્યા હતા. સુશાંત મનોમન વિચારી રહ્યો હતો કે આ શું ચાલી ગયું મારા મનમાં. એણે તરતજ બહાર ફોન કર્યો અને એ બંનેને અંદર મોકલવા કહ્યું. 


જેવી એ છોકરી અંદર આવવા ફરી સુશાંતનું દિલ એક ધબકારો ચૂકી ગયું. ઓહ.! સાધના... આટલા વર્ષો પછી... ફરી એના મનમાં વિચારો દોડવા લાગ્યા. સ્કૂલના સમયમાં ખુબજ નાજુક, નમણી અને સુંદર છતાં નટખટ સાધના આજે અહીં.!? સ્કૂલ સમયની સાધના આજે તો પહેલા કરતાં પણ વધુ નિખરી હતી. સ્કૂલ સમયે મિત્રો વચ્ચે હમેશાં એ સ્પર્ધા રહેતી કે કોણ સાધનાનું ફ્રેન્ડ બને અને કોણ એની જોડે વાત કરે.? એ સાધનાને આજે પોતાની ઓફિસમાં જોઈ સુશાંત આશ્ચર્યમાં તો મૂકાઈ જ ગયો સાથે સાથે ખુશ થઈ ગયો. એણે બંનેને બેસવા માટે કહ્યું ને એમના માટે પાણી મંગાવ્યું. 


સાધના પણ સુશાંતને ઓળખી ગઈ હતી. ખુબજ હેન્ડસમ અને એક નંબરનો રખડેલ અને ડોબો છતાંએ કોઈને મદદ કરવામાં પાછીપાની ના કરતો. એ છોકરાને આટલો આગળ વધેલો અને ઓફિસમાં સામે બેઠેલો જોઈ આશ્ચર્ય થયું. આજે પણ એ એવોજ હેન્ડસમ લાગતો. સાલો એ રખડેલ સુશાંત મારી સામે બેઠો છે. મનમાંજ ગુસ્સો ઓગળી ગયો અને એની સામુ આશ્ચર્યની નજરે જોવા લાગી. 

સુશાંત... સાધના... બંને એકબીજા સાથે જુની યાદો નજર સામે લાવી વાત કરવા લાગ્યા. સાધનાએ સુશાંતને પોતાની મા સાથે મળાવ્યો, ત્યાં સુધીમાં સુશાંતે ચા નાસ્તો મંગાવ્યા અને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા.


સાધના અને સુશાંતની જૂની ઓળખાણ નીકળવાથી સાધનાની મમ્મીને રાહત થઈ. એમણે કહ્યું કે તમે સમજાવો આ સાધનાને, આજે માંડ માંડ હું એને અહીં સુધી લાવી છું. લગ્નની ઉંમર થઈ ગઈ ને એ લગ્ન કરવાની ના પાડે છે. એના પપ્પાને ગયે દસ વર્ષ વીતી ગયા ને હવે એ જીદ પકડીને બેઠી છે કે હું તને મૂકીને ક્યાય નહીં જાઉં. જો લગ્ન કરીશ તો સાથે લઈ જઈશ. સુશાંત આંટીની આ વાત સાંભળી રહ્યો હતો. જો કે સુશાંત માટે આ બધું નવું નહોતું, દરેક વખતે આવું કાંઈને કાંઈક આવતું રહેતું. અને સુશાંતનું એ જ કામ હતું કે બંને પક્ષ ખુશ થાય એમ જોડકું જોડી આપવું.


સુશાંત એટલુંજ બોલ્યો, "આન્ટી ચિંતા ના કરો આજથી આ તમારું જોખમ મારું, હું એને ઠેકાણે પાડી દઈશ..." સાધના નકલી ગુસ્સો કરવા લાગી અને બધાજ ખડખડાટ હસવા લાગ્યા. થોડા સમય પહેલાંનું ગુસ્સાવાળુ વાતાવરણ ખુશીમાં બદલાઈ ગયું. સુશાંત અને સાધના વચ્ચે ફોન નંબર અને બીજી ડીટેલની આપલે થઈ અને છૂટા પડ્યા.


"હતો જે ભૂતકાળ એ સામે આવી જાય છે,

સૌંદર્ય એનુ મારો ધબકાર ચૂકવી જાય છે,

હતા મજાના દિવસો એ પણ એ સમયમાં,

યાદો એ દિવસોની સંભારણા થઈ જાય છે." 


સુશાંતના મનમાં શાંત પડેલી ઊર્મિઓ જાણે આજે ઉભરાઈ રહી હતી. પલ્લવી ચોક્કસ એનો પહેલો પ્રેમ હતો પણ સાધના એ છોકરી હતી જેના માટે એને સૌથી પહેલા આકર્ષણ થયું હતું. આટલા વર્ષો પછી એ સામે ભટકાઈ જશે એ તો વિચાર્યું જ નહોતું.! અને આખરે એ દબાઈ ગયેલું જીવનનું પાનું આજે ખુલ્લું થયું હતું.


આ તરફ સાધનાના મનમાં સુશાંત માટે કોઈ ખાસ લાગણી નહોતી, પણ આ રખડેલ સુશાંતને આટલો સ્થિર અને આગળ વધેલો જોઈ એ પણ થોડી અંજાઈ ગઈ હતી. એને આજના સુશાંતના વર્તન પરથી સહેજ પણ ના લાગ્યું કે આ પેલો સુશાંત છે. અને લોકોનું ગોઠવી આપે છે. આ વિચારી મનોમન હસી પડી.


બંને તરફ આજના દિવસ માટે અવઢવ જોવા મળી રહી હતી. ખબર નહોતી પડતી કે આટલી ખુશી કેમ થઈ રહી છે. બહુ દિવસે મળ્યા એટલે કે પછી બીજું કાંઈક મનમાં ચાલી રહ્યું છે.? આવું વિચારતા વિચારતા રાત પડી ગઈ. સુશાંત પણ પડખા ફેરવી રહ્યો હતો. દરરોજ રાત્રે અગિયાર વાગે સૂઈ જતા સુશાંતને આજે બાર વાગ્યા છતાં પણ ઊંઘ આવવાનું નામ લેતી નહોતી. 


"જુની યાદોનું આજે સરવૈયું કાઢયું, 

હિસાબમાં બેહિસાબ યાદો લઈ આવ્યું, 

દરરોજ ઘેરાઈ જતી આ આંખોમાં, 

એના નામનો એક ઉજાગરો લઈ આવ્યું." 


સુશાંતનો હાથ મોબાઇલ ઉપર ગયો અને એનાથી મેસેજ લખાઈ ગયો, ગૂડ નાઈટ... અને એ ફોન ત્યાંજ રાખીને બાલ્કનીમાં ગયો. થોડી વાર આકાશ અને ખુલ્લી હવાની મજા લઈ એ ફરી પોતાના રૂમમાં આવી બેડમાં આડો પડ્યો. મોબાઇલ હાથમાં લીધો તો એનો દિલ ધબકારો ચૂકી ગયું... સાધનાના મેસેજ... "હેય, તું હજુ જાગે છે..!! કેવો હતો ને કેવો થઈ ગયો... મને તો વિશ્વાસ જ નથી બેસતો કે આ પેલો જ સુશાંત છે.!" 


આટલા બધા મેસેજ... સુશાંતના મોઢા ઉપર સ્મિત આવી ગયું ને જવાબ આપ્યો. "હા, હો... હું એ જ સુશાંત છું. પણ તું સહેજ પણ નથી બદલાઈ, એવીજ લાગે છે સાવ અને મમ્મી સાથે લડતી હતી. કેવી લાગતી હતી.?" 

"ઓયે, મિસ્ટર કેવી લાગતી હતી એટલે..!? સારી જ લાગતી હતી. ને મમ્મી મારી, હું જે બોલું એ, તારે શું.!? ", સાધનાએ જવાબ આપ્યો

" હા, પણ સાવ બાળક જેવી લાગતી હતી, માસુમ... પણ તું એવી છે નહીં.." સુશાંત એકદમ સાધનાની ખેંચવાના મૂડમાં આવી ગયો.

"હું, એવીજ છું હો... પણ તું બદલાઈ ગયો છે સાવ.", સાધનાએ કહ્યું...

"હા, હું બદલાઈ ગયો છું" (એક્દમ મનમાં પલ્લવીની યાદ આવી અને આંખો ભીની થઈ ગઈ.) અને વાત ત્યાંજ રોકવા ઊંઘ આવે છે એવું કહ્યું.

"હા, મારે પણ ઊંઘવું છે. ગૂડ નાઈટ.." સાધનાએ પણ ત્યાંજ વાત પતાવી. 

સુશાંતના મનમાં પલ્લવીની યાદો ઉભરાઈ આવી હતી. થોડીવારમાં એ સ્થિર થયો અને ઊંઘ આવવાની રાહ જોવા લાગી.


બીજા દિવસે ઓફિસમાં લગભગ અગિયાર વાગે સુશાંતનો ફોન રણક્યો. સાધનાના મમ્મીનો એ ફોન હતો. એ બોલ્યા, "બેટા તું સમજને મારા મનની વાત. હું તો કાલે જતી રહીશ, મારે કેટલા વર્ષ અહીં કાઢવાના છે, પણ હું એવું નથી ઇચ્છતી કે સાધના મારી જેમ જીવનસાથી વગરની જીંદગી જીવે. ગઈકાલે આપણે મળ્યા ત્યારથી મને આશ બંધાઈ છે કે તું એને સમજાવી શકીશ. એટલેજ તને રિકવેસ્ટ કરવા ફોન કર્યો." 


સુશાંત બોલ્યો, "આન્ટી તમારો હક છે, હું એનો મિત્ર છું એટલે આમજોતા તમે પણ મારા મા સમાન જ થયા. મારા જીવનમાંથી માતાપિતાની છત્રછાયા તો ક્યારની દુર થઈ ગઈ હતી. ભગવાને એક એક્સિડન્ટમાં એમને મારી પાસેથી છીનવી લીધા પણ કાલે તમને મળ્યા પછી મને પણ ખુશી મળી. હું મારા તરફથી પૂરતો પ્રયત્ન કરીશ. અને તમે ઇચ્છો છો એવુંજ થશે." અને બીજી જરૂરી વાત કરી ફોન મૂક્યો. 

થોડીવાર પછી કાંઈક વિચાર્યું અને સાધનાના ફોનમાં સાંજે મળવા આવજે એવો મેસેજ કર્યો. પાછો પોતાના કામમાં પરોવાઈ ગયો. 

સાધના ઓફિસના કામમાં વ્યસ્ત હતી એટલે એણે સાંજે છેક ઘરે જતા સુશાંતનો મેસેજ જોયો. અને ઘરે મમ્મીને ફોન કરી એ સુશાંતની ઓફિસ જવા નીકળી ગઈ. આ તરફ એની મમ્મી પણ ખુશ થઈ કે હાશ લાગે છે કે સુશાંત આને બરાબર સમજાવશે.


ટ્રાફિકના લીધે સાધનાને મોડું થઈ ગયું. એણે ઓફિસ જઈને જોયું તો બંધ થવાની તૈયારીમાં હતી. સુશાંતે કામવાળા બેનને જવાનો ઇશારો કરી સાધનાને અંદર બેસવા બોલાવી.

"હા બોલો શું કામ હતું..!? કેમ આમ અચાનક બોલાવી..!? ફોન કરવો જોઈએ ને..!?" આવા અનેક સવાલોથી સાધનાએ સુશાંતને ઘેરી લીધો. 

સુશાંત બોલ્યો, "પાણી પી, શાંતિથી વાત કરીએ." અને એની મા એ કહેલી વાત સુશાંતે પોતાની પ્રોફેશનલ ઢબમાં સમજાવવાનું ચાલુ કર્યું. 


સાધના તો સુશાંત સામે એકીટસે જોઈ રહી અને હા માં હા કરતી રહી. એને તો એ ભાન જ ના રહ્યું કે સુશાંત શું કહી રહ્યો છે. મનમાં સતત એકજ વાત ચાલી રહી હતી આ પેલો ડફર, રખડેલ સુશાંત મને સમજાવી રહ્યો છે..!! કેટલો બદલાઈ ગયો છે સાલો... હેન્ડસમ તો ત્યારે એટલો જ લાગતો, પણ એક્દમ તડ ને ફડ બોલવાવાળો આ ડોબો આજે આટલો સમજદાર થઈ ગયો છે શું વાત છે.! 


આખરે એકાદ કલાકની વાતચીતમાં સુશાંત બોલતો રહ્યો અને સાધના તલ્લીન થઈ બસ સાંભળતી રહી.

અચાનક જ સુશાંતે સવાલ કર્યો. "હવે સમજી ગઈ ને કે કેમ જરૂરી છે સમયસર લગ્ન કરવા..!? અને હા મારી આંટી સાથે વાત થઈ છે કે તું ડિનર કરીને જ આવીશ." 

સાધના અચાનક આવી વાતમાં કાંઈજ વિચારી ના શકી અને હા પાડીને સુશાંત સાથે ડિનર કરવા નીકળી ગઈ. સુશાંત એને બાજુના કૉમ્પ્લેક્સમાં આવેલી રેસ્ટોરન્ટમાં લઈ ગયો. અને વાતો કરતા કરતા ડિનર કરવા લાગ્યા. ડિનર પતાવીને જ્યારે તેઓ છૂટા પડ્યા ત્યારે સુશાંતે આંટીને ફોન કરીને કહ્યું કે સાધના નીકળી ગઈ છે પહોંચે એટલે કહેજો મને મેસેજ કરી દે.


સુશાંત પોતાના ફ્લેટમાં આવ્યો અને ફ્રેશ થઈને આડો પડ્યો. પલ્લવીના છોડયા પછી પહેલીવાર એણે કોઈ સ્ત્રી સાથે ડિનર કર્યું હતું. એ પલ્લવી સાથે વિતાવેલી પળો વાગોળવા લાગ્યો. પણ આ એક વર્ષમાં એ એટલું જાણી શક્યો હતો કે જીવનમાં કોઈપણ પાત્ર આવે એ એટલુંજ રોકાય જેટલું નિયતિ નક્કી કરે. પહેલા એને પલ્લવી માટે ગુસ્સો થયેલો પણ ધીમેધીમે એ પોતાને સમજાવવા લાગ્યો હતો કે અત્યારના સમયમાં બધાજ પ્રેકટિકલ થઈ રહ્યા છે એટલે પલ્લવીએ જે કર્યું એ યોગ્યજ કર્યું. 


વિચારોમાંને વિચારોમાં છેક બાર વાગે અને ધ્યાન આવ્યું કે સાધનાનો ફોન કે મેસેજ આવ્યો નથી. એટલે તરતજ એણે સાધનાને મેસેજ કર્યો. "બીઝી મેડમ... આવવામાં લેટ થયા તો થયા પણ ઘરે પહોંચ્યા કે નહીં..!?" 

તરતજ સાધનાનો રિપ્લાય આવ્યો... "સોરી, ધ્યાનમાં જ ના રહ્યું, મમ્મીએ કહ્યું હતું પણ ફ્રેશ થઈ ને એની સાથે આપણી આજની મિટિંગની વાતોમાં વળગી.. લોહી પી ગઈ મારું.. એમાં હું ભૂલી ગઈ."

"હાશ, આખરે પહોંચી ગયા એમ ને..!?" આમને આમ વાતોનો દોર ચાલતો રહ્યો અને ખબરજ ના રહી ક્યારે બે વાગી ગયા. છેલ્લા બે કલાકથી સતત એકબીજા સાથે વાતો કરીને બન્નેને નવાઈ લાગી રહી હતી કે, આ શું આટલી બધી વાતો.!? જાણે કોઈ અધૂરી વાતો કે અધ્યાય પુરો કરી રહ્યા હોય.! આખરે ગૂડ નાઈટ કહી વાત પૂરી કરી. 


સાધનાના મનમાં આ બે દિવસનો ઘટનાક્રમ જોરદાર તેજીથી આગળ વધી રહ્યો હતો. એમાં પણ જે રેસ્ટોરન્ટમાં ગયા ત્યાંનો બધોજ સ્ટાફ સુશાંતને ઓળખતો હતો અને સુશાંત પણ કેટલી ચીવટથી બધાને જવાબ આપી રહ્યો હતો. પહેલીવાર સાધનાના મનમાં એવું લાગ્યું કે વાહ... પરફેક્ટ મેન. 

એ વોશરૂમમાં ગઈ ત્યારે રેસ્ટોરન્ટ મેનેજરની કમેંટ સાંભળી લીધી હતી. "સુશાંતભાઈ હવે તમારો પણ મેળ પાડો આવી કોઈ સુશીલ છોકરી સાથે." 

ત્યારે સુશાંત એને ચૂપ કરાવતા બોલ્યો, "અરે યાર તું કોઈકવાર મરાવીશ. આ તો જસ્ટ ક્લાયન્ટ છે."  

ત્યારબાદ બહાર આવીને સાધનાને સુશાંતના ચહેરા પર એક અલગ ખુશી સાથે કોઈ અવઢવ દેખાઈ હતી.


સુશાંત પણ આ વાત ઉપર વિચારવા લાગ્યો હતો અને એને પણ મનોમન આ વાત ગમી હતી. સાધના સાથેના આ યાદગાર પળો એના માટે પણ ખુબ જ રોમાંચક રહ્યા હતા. માત્ર બે દિવસમાં એનો ગુસ્સો, ખુશી, મમ્મી માટેની લાગણી એ બધુંજ સમજી ગયો હતો. 


"શબ્દોથી મન સુધી દોરી રહ્યું હતું આ તન, 

થતું હતું કે અહીંજ રોકાઈ જાય આ જીવન, 

બહું વર્ષે સમયના આલિંગનમાંથી છૂટયું હતું, 

ઘોડાપુર બની સમાઈ જાય એવું હતું આ મન." 

આમને આમ દિવસો વીતતા જતા હતા. જ્યારે કોઈ સારો બાયોડેટા આવે ત્યારે સુશાંત અચૂક સાધનાને મળવા બોલાવતો અને એ બહાને એને પણ મળવાનું થતું. ક્યારેક એને ખબર હોય કે આ મેળ પડે એમ નથી તોય બોલાવતો અને સાધના પણ એની આ વાત સમજી ગઈ હતી ને કોઈપણ ફરિયાદ વિના એ મળવા હમેશાં તત્પર રહેતી. 


આ એક મહિનામાં બંને એકબીજાની એક્દમ નજીક આવી ગયા હતા અને પહેલ કોણ કરે એ જ બાકી રહ્યું હતું. સાધનાની માને પણ આ વાતનો અણસાર આવી ગયો હતો. આખરે મા એ મા હોય. દીકરીના મોઢે જે રીતે સુશાંતનું નામ આવી રહ્યું હતું એના હાવભાવ એ સમજી રહી હતી. એટલે એકદિવસ એની માએ જ પહેલ કરી અને કહ્યું કે "બેટા તારા મનમાં શું ચાલી રહ્યું છે હું જાણું છું. તું સુશાંતને પસંદ કરે છે ને..!?" એક્દમ આવા સવાલથી સાધના સહેજ શરમાઈ અને માને ભેટી પડી જાણે કોઈ મિત્રને ભેટી હોય એમ. અને અનાયાસે એના મોઢેથી નીકળી ગયું કે, "એ હજુપણ સાવ ડોબો જ રહ્યો." અને આ સાંભળતા જ બંને હસી પડ્યા. 


આજે આ વાત થયા પછી સાધનાની ઊંઘ ગાયબ હતી. મનમાં નવી ઊર્મિઓ ઉભરાઈ રહી હતી અને "શું આ શમણાં સાચા થશે.?" એ જ વિચારોમાં ક્યાંય સુધી રહી અને ક્યારે ઊંઘ આવી ખબર ના રહી. 

"રોકયું રોકાય એમ નથી આજે, 

મનને સમજાવાય એમ નથી આજે, 

ક્યારે મિલન થાય મનના મિત સાથે, 

દિલમાં ટાઢક ભળે ને મળે એ કાજે." 

બીજા દિવસે સવારે એણે સુશાંતને મેસેજ કર્યો કે, "મને એક છોકરો ગમી ગયો છે અને મા પણ ખુશ છે, એટલે હવે મારું નામ તારા મેરેજ લિસ્ટમાંથી કાઢી નાખજે. અને હા કાલે મારો બર્થ ડે છે અને મમ્મીની પણ બહુ ઈચ્છા છે તને ઘરે બોલાવવાની તો કાલે સાંજે આપણે મળીએ. મારા ખાસ મિત્ર સાથે લગ્ન પહેલાનો અંતિમ બર્થડે ઊજવવો છે, તું આવીશને સુશાંત..!?" 

સુશાંત તો આટલું વાંચતા જ એક્દમ સુન્ન થઈ ગયો. એનું દિલ એક ધબકારો ચૂકી ગયું. એણે જવાબમાં હા કહી અને ઉમેર્યું, ચોક્કસ આવીશ, મળીએ કાલે. 

"મારી સાથે આવુંજ કેમ થાય છે..!? 

જે મારું હતું એ કેમ ચોરાઈ જાય છે..!? 

આ તો કેવી કસોટી થઈ રહી જીવનમાં, 

અજવાળું હજુ તો આવે ને અંધારું થઈ જાય છે.!" 

બીજા દિવસે સાંજે સુંદર કપડામાં સજ્જ થઈ, ગિફ્ટમાં એક ઘડિયાળ લઈ એ સાધનાના ઘરે સમયસર પહોંચી જાય છે.

સાધના લોંગ, ડાર્ક ગ્રીન કલરના ડ્રેસમાં એક્દમ સુંદર લાગતી હતી. સુશાંતના મનમાં એકવાર થયું કે એને આલિંગનમા જકડી લઉં અને કહી દઉં, "આઈ લવ યુ" પણ પછી મનને રોકે છે. 


એટલામાં સાધના એને પૂછે છે કે, "કેમ આમ ઉદાસ.!? મારા જન્મ દિવસની ખુશી નથી.!?"

માંડ માંડ હળવું સ્મિત કરીને સુશાંત જવાબ આપે છે, "એવું કાંઈજ નથી, બસ થોડો થાક." 

સાધના કેક કાપીને પોતાના હાથે સુશાંતને અને મમ્મીને ખવડાવે છે. સુશાંત એને ગિફ્ટ આપે છે. સાધના તરતજ એને ખોલી નાખે છે અને ઘડિયાળ જોઈને સુશાંતને પહેરાવવા કહે છે. સુશાંત એને પોતાના હાથે ઘડિયાળ પહેરાવે છે અને મનમાં વિચાર આવી જાય છે કે આ છેલ્લી વખત હું એનો હાથ પકડી રહ્યો છું. 

ત્યાંજ અચાનક સુશાંત એનો હાથ મજબૂતાઈથી પકડે છે અને કહે છે કે, "પ્લીઝ મારી સાથે મેરેજ કરને. આઈ લવ યુ. હું ખુશ રાખીશ તને અને મમ્મીને પણ સાથે રાખીશ." 

સાધના પોતાનો હાથ છોડાવતા કહે છે કે, "મેં ચોખ્ખું કહ્યું હતું કે, "આપણે એક મિત્ર તરીકે છેલ્લી વાર મળી રહ્યા છીએ. પણ એ જવા દે જો હું તારા માટે રિટર્ન ગિફ્ટ લાવી છું." ને એ સુશાંતના હાથમાં ગિફ્ટ આપીને એને ખોલવાનો આગ્રહ કરે છે. 


ગિફ્ટ ખોલતા જ સુશાંત બાઘાની જેમ ઊભો રહે છે. એમાં આઈ લવ યુ લખેલું હોય છે અને બે વીંટી હોય છે. સુશાંત સમય સ્થિતિનું ભાન ભૂલીને સાધનાને આલિંગનમાં લઈ લે છે. સાધના એને છૂટો પાડતાં કહે છે કે, "ચાલ ડોબા મને વીંટી પહેરાવ." 

બંને એકબીજાને વીંટી પહેરાવી ખુબ ખુશ થઈ જાય છે. સાધના કહે છે કે કહ્યું હતું ને કે, "આજે એક મિત્ર સાથે છેલ્લો બર્થડે છે." અને ત્રણે ખડખડાટ હસી પડે છે. 

આ સાંભળી સુશાંત પણ બોલી ઊઠે છે કે, વર્ષો પહેલા મેં પણ મારા મિત્રોને કહ્યું હતું કે, "જો જો ને સાધના મારી જ બનશે."

આ સાંભળીને થોડા શરમ મિશ્રિત ભાવ સાથે સાધના ફરી સુશાંતના આલિંગનમાં સમાઈ જાય છે.


સુશાંત વિચારતો જ રહી જાય છે કે...

"નિયતિ કેવા સુંદર ખેલ રચાવે જાય છે,

જે હતું સ્વપ્ન એને હકીકત બનાવે જાય છે.

કોણ જીવનમાં ક્યારે આવે ને ક્યારે જાય,

એના નવા નવા કોયડા બનાવે જાય છે.!?" 


Rate this content
Log in

Similar gujarati story from Romance