Rohit Prajapati

Romance Inspirational

5.0  

Rohit Prajapati

Romance Inspirational

અનંત દિશા ભાગ - ૧૬

અનંત દિશા ભાગ - ૧૬

6 mins
377


આપણે પંદરમાં ભાગમાં જોયું કે દિશા અને અનંત એકબીજા તરફ ઢળતાં હોય એવું લાગે છે. સાથે વિશ્વાના મનમાં પણ કાંઈક અવઢવ હોય એવું લાગે છે. અનંત વિચારે છે એવુંજ જ કાંઈક છે કે બીજું કાંઈક ચાલો માણીએ આપણે.

હવે આગળ...


બીજા દિવસે બપોરે મને વિશ્વાનો ફોન આવે છે. આમ અચાનક આવેલા ફોનથી મનમાં સવાલો ઉભા થાય છે કે ફરીથી વિશ્વાની મમ્મીને કાંઈક થયું તો નહીં હોય ને ! આવુંજ વિચારતા મેં ફોન ઉપાડ્યો.


હું: "બોલ ડિયર, કેમ છે ? બધું બરાબર ને ?"

વિશ્વા: "હા, બધું ઓકે. તારે તરતજ સવાલ હોય નઈ !"

હું: "અરે આ તો મમ્મીની તબિયત સારી નથી એટલે વળી પૂછ્યું."

વિશ્વા: "ઓકે, ખુબ સરસ. સારું કર્યું. હવે મોટો થયો !"

હું: "ઓકે, આમ ના ખીજાવ. પહેલા એમ કે ફોન કેમ કર્યો ?"

વિશ્વા: "એક વાત કહેવી હતી. શાંતિથી સાંભળજે."

હું: "હા, ઓકે."


વિશ્વા: "હું અને દિશા રાત્રે મોડે સુધી જાગ્યા અને બહુ બધી વાતો કરી. એમાં એણે સ્નેહની પણ વાતો કરી અને એવું પણ કહ્યું કે અનંત સાચેજ પાગલ છે. આમ સારો છે પણ મારી સ્નેહ માટેની લાગણીઓ સમજતો નથી. ગમે તે બોલબોલ કરે છે એટલે હું હવે એની સાથે સ્નેહની ઓછી વાત કરું છું. પણ છે દિલનો એક્દમ સાચો. સાચું કહું તો મને બહુજ ગમે છે પણ હા એક મિત્ર તરીકે જ. આઈ લવ હિમ સો મચ. છતાં એની જે વાત કરતી વખતની ખુશી હતી એ ગજબ હતી જાણે સ્નેહ માટે શબ્દો બોલી રહી હોય એમજ. "

હું: " અરે વાહ, એમાં ખોટું શું છે ? "

વિશ્વા: " ખોટું કાંઈજ નથી મને લાગ્યું દિશા તારા તરફ વળી છે અને કદાચ તું પણ.... "

હું: " આવું કાંઈજ નથી ડિયર, તું પણ... આ બધું શું બોલે છે."

થોડીકવારમાં કોઈજ જવાબ ના આવ્યો. એટલે મેં કહ્યું ;વિશ્વા ક્યાં ગઈ તું ? કાંઈક તો બોલ. ક્યાં ખોવાઈ ગઈ ?

વિશ્વા જાણે કોઈ તન્દ્રામાંથી જાગી હોય એમ ઝબકીને બોલી...

"હા બોલ, શું કહેતો હતો."

હું: "અરે કઈ નહીં. આ તો થયું તું ક્યાં ખોવાઈ ગઈ ? બધું ઓકે ને ?"

વિશ્વા: "હા બધું ઓકે. પણ એક વાત ખાસ યાદ રાખજે દિશાને ક્યારેય તકલીફ ના આપતો. અને હા, હવે મને શાંતિ થઈ કે મારા ગયા પછી તને એકલું નહીં લાગે દિશામાં તું ભળી ગયો છે. એ તને સાચવશે."

હું: " હા, હવે બહુ થયું. હું પણ સાચવીશ તારી દિશાને. મારે થોડું કામ છે તો ફોન મૂકું છું. જય શ્રી કૃષ્ણ."

વિશ્વા: "હા, જય શ્રી કૃષ્ણ."


આટલા સમયમાં મને પહેલીવાર વિશ્વા થોડી બદલાયેલી લાગી. ખબર જ નહતી પડતી શું થયું છે એને. એ કાંઈ બોલી નહીં. આ દિશા સાથેના મારા સંબંધોને લઈને ખુશ હતી કે ઉદાસ એ કાંઈજ કળી શકાયું નહી. હવે મારા મનમાં પણ સવાલો ઉભા થઈ રહ્યા હતા કે હું અને દિશા માત્ર મિત્રો જ છીએ કે કાંઈક બીજું જ ? આ અમારી લાગણીના સંબંધો કાંઈક નવો અધ્યાય તો શરુ નથી કરવાના ને ? આવા બધા વિચારોથી મન ઘેરાઈ ગયું.

તો પણ, આજે મન દિશા વિશે વિચારીને એક્દમ ખુશ થઈ ગયું હતું. મનમાં જાણે રોમાંચ અને ખુશી છવાઈ ગયા હતા.


"આ મન ખુશીથી ભરાઈ ગયું, જ્યારે,

એના આ પ્રેમથી દિલ શરમાઈ ગયું !

શરમમાં દિલ એક ધબકારો ચૂકી ગયું,

જાણે એના પ્રેમનો અહેસાસ કરાવી ગયું ! "

સાંજે આવાજ પ્રેમભર્યા મનથી દિશા સાથે ચેટિંગ માં વાત કરવાની શરુવાત કરી.


હું: " કેમ છે ડિયર ? "

દિશા: "એક્દમ મજામાં, તું મને બહુ સાચવે છે."

હું: "હા, કદાચ... પણ તું મને સાચવે છે સાથે સમજે પણ છે."

દિશા: " કદાચ...હું તને નથી સમજી શકતી, તું થોડો અલગ છે બધાં કરતા. વધુ પડતો લાગણીશીલ. સાચું કહું તો દિલથી સારો, પણ... હમેશાં એવું રહેવું જરૂરી ના હોય."

હું: "તે આ બધું શું કહ્યું ? મને સમજ ના પડી. "

દિશા: "ઇટ્સ ઓકે ડિયર, જરૂરી નથી હોતું બધું સમજવું."

હું: "હા...એ પણ છે, બાય ધ વે, કાલનો દિવસ યાદગાર રહ્યો અને ખાસ તો તારી સાથેની વાતો."

દિશા" "હા, મારા માટે પણ ખાસ દિવસ. પણ આ વાત તું કેટલી વાર કહીશ ?"

હું: "હા ડિયર, પણ રહી રહીને એ પળો મનમાં આવે છે. તે પેલી બૂક વાંચી ?"

દિશા: "અરે હા, જસ્ટ ચાલુ કરી દીધી છે. મારે તારી જેમ ના હોય એટલે કે પાગલની જેમ એક સાથે જ આખી બૂક વાંચી નાખવાની. શાંતિથી વાંચવાની, સમજવાની અને સારું લાગે એ જીવનમાં ઉતારવાની."

હું: "હા, હો... બહું ડાહી. અમે તો કેમ જાણે કઈ સમજતા જ ના હોઈએ ?"

દિશા: "હા, એ તો હું જાણું છું કે તું ગાંડો છે અને તારું શું નક્કી કે તું શું શું મનમાં લે, શું મનમાં ઉતારે.."

હું: "હા, હો... એ તો છે જ, મારું તો એવુંજ."

દિશા: "સારું ચાલ હું ફોન મૂકું.. બાય, જય શ્રી કૃષ્ણ."

હું: "જય શ્રી કૃષ્ણ..."


ફોન મુકતા જ મન વિચારોમાં ચડયું કે સમજાઈ નથી રહ્યું સાચું શું છે ? શું હું દિશાને પ્રેમ કરવા લાગી ગયો છું કે માત્ર એક નોર્મલ આકર્ષણ ? પણ મારી જિંદગીમાં પહેલીવાર આવું ખેંચાણ અનુભવી રહ્યો હતો. કારણ કે ક્યારેય વિશ્વા જેટલું નજીક મારી જિંદગીમાં કોઈ આવ્યું જ નહોતું અને વિશ્વા માટે મેં ક્યારેય આવું વિચાર્યું જ નહોતું. પણ આજે દિશા માટે મનમાં વિચાર આવી ગયો અને સાથે એવો અહેસાસ થયો કે વિશ્વા વગર પણ જાણે હું અધૂરો છું. આમજ વિચારતા મને ક્યારે ઊંગ આવી ખબરજ ના રહી. આ જ અવઢવમાં સમય વીતતો જતો હતો કે દિશા મારા તરફ વળી છે કે મને એવું લાગે છે. સાચું કહું તો હું મારી લાગણીઓ પણ કળી શકતો નહોતો. એની મારા પ્રત્યેની સંભાળ જ એવી હતી કે જેમાં આ કળવું મુશ્કેલ હતું.


વિશ્વા પણ હવે મારાથી થોડી દુર રહેતી હોય એવું મને લાગ્યું ! ખબર જ નહોતી પડતી કે કારણ શું છે. દિશા મારું ખુબ ધ્યાન રાખતી પણ છતાં વિશ્વાની કમી મહેસુસ થઈ જતી. હું વિશ્વાને આ બાબતે કંઈપણ પૂછું તો એ આ વાત હમેશાં ટાળતી.


આખરે એક અનોખો દિવસ એટલે કે દિશાનો જન્મદિવસ આવ્યો. મારા મનમાં દિશા માટે નવો અહેસાસ એટલે કે પ્રેમની લાગણી જાગી એ પછી પહેલીવાર દિશાનો જન્મદિવસ આવી રહ્યો હતો. અમારી મૈત્રીના સંબંધને લગભગ ત્રણ વર્ષ થઈ ગયા હતા. પણ આવી ઉતાવળ અને તાલાવેલી ક્યારેય નહોતી થઈ. આની પહેલા દિશાના જન્મદિવસ પર હું રાતે બાર વાગે દિશાને વિશ કરવા મેસેજ કરી દેતો હતો, પણ ફોન તો સવારે દસ વાગ્યા પછી જ કરતો હતો. પણ શું ખબર આ વખતે મને ઉતાવળ હતી એ પળ માણવાની. હું એક્દમ વહેલો અને સૌથી પહેલાં બર્થ ડે વિશ કરી એના જીવનમાં મારી હાજરી, મારું મહત્વ જતાવવા માગતો હતો.


"એ અનેરા પળની રાહ જોતો હતો,

એ પળમાં છુપાવેલો અહેસાસ જોતો હતો,

સોહામણા સપના સજાવી ને બેઠો હતો,

જન્મદિવસ ના ફુલ સજાવીને બેઠો હતો. "


દિશાનાબર્થ ડેનો આગલો દિવસ તો માંડ માંડ પુરો થયો. રાત્રે જેવા ૧૨ વાગ્યા મેં એને વોટ્સ એપ કર્યો..

હું: "હેપી બર્થ ડે, હેવ ગ્રેટ યીઅર અહેડ !"

દિશા: "થેંક્યું સો મચ !"


બસ આટલાજ મેસેજની આપલે થઈ. હું દિશાને મોડી રાતે ફોન કરવાનું ટાળતો હતો કે એને ના ગમે તો ! મને આ દિવસ માણવાની ખૂબ ઉત્તેજના હતી એટલે હું સવારની રાહ જોતો રહ્યો પણ આ વિચારોમાં મને બરાબર ઊંઘ ના આવી.

જેવી સવાર પડી હું ફટાફટ તૈયાર થયો અને વહેલો ઘરની બહાર નીકળી ગયો. કારણ એક જ હતું ગાર્ડનના આહલાદક વાતાવરણમાં શાંતિથી દિશા જોડે વાત કરવી. બહાર નીકળતા જ દિશાને ફોન કર્યો.


હું: "ગુડમોર્નિંગ ડીઅર, હેપી બર્થ ડે."

દિશા : "વેરી ગુડમોર્નિંગ, થેંક્યું"

હું એના અવાજમાં પ્રેમ શોધી રહ્યો હતો. પણ આ શું ? એના અવાજમાં જાણે કોઈ દુખ હોય, નિસાસો હોય એવું લાગ્યું ! પણ હું એવું કાંઈજ પૂછીને આ દિવસ બગાડવા નહોતો માંગતો એટલે ના પૂછ્યું.

હું: "શું પ્લાન છે આજનો ? મને પાર્ટી જોઈએ હો. આ થેંક્યુંથી નહીં ચાલે."

દિશા: "હા, આપીશ."

જાણે વાત ટૂંકાવતી હતી એવું લાગ્યું, ખબર નહોતી પડતી કે એને શું થયું હતું. એટલે મેં પણ વિચાર્યું કે હું પણ વાત ટૂંકાવું. હવે ગાર્ડન જવાનો પણ કોઈ અર્થ જ નહતો.

હું: "સારું ચાલ તો પછી મળું અને મારી પાર્ટીનું ભૂલતી નહી. જય શ્રી કૃષ્ણ."

દિશા: "હા, જય શ્રી કૃષ્ણ."


મારા સપનાનો આ જ અંજામ હોય છે,

વહાવી નાખું છું હું લાગણીઓનો ધોધ આમ તો,

છતાં, હું તરસ્યો રહી જાઉં છું હમેશાં લાગણી પામવા,

આ અધૂરા સપના, મારું અધૂરું જીવન શું રહી જશે આમ ?


આજની દિશા સાથેની વાત ઘણાં સવાલો ઉભા કરતી ગઈ કે એ ખુશ કેમ નહોતી ? એ મારા વિશે શું વિચારતી હતી ? કાંઈજ કળી ના શકાયું. આમજ આ દિવસ આ જ વિચારોમાં પૂર્ણ કર્યો.


શું અચાનક દિશા અનંતથી વિમુખ થઈ રહી છે ?

શું ચાલી રહ્યું હતું વિશ્વાના મનમાં ?


ક્રમશ:


Rate this content
Log in