અનંત દિશા ભાગ - ૧૮
અનંત દિશા ભાગ - ૧૮
આપણે સત્તરમાં ભાગમાં જોયું કે દિશા એના જન્મ દિવસે કેમ આટલી વ્યગ્ર હતી. એના માટે બસ સ્નેહજ સર્વસ્વ હતો. બીજી તરફ વિશ્વાની મમ્મીને હાર્ટ એટેક આવ્યો અને દવાખાનામાં વિશ્વાની મમ્મીએ અનંતને વિશ્વાનો જીવનસાથી બની સાથ આપવાનું કહ્યું. ચાલો જાણીએ આ નવી પરિસ્થિતિમાં અનંત કઈ તરફ વળે છે.
હવે આગળ...
મારા મનમાં જાણે કોઈ અનંત યુદ્ધનું બ્યુગલ વાગી ગયું હતું. એક તરફ મારી દિશા માટેની લાગણીઓ અને બીજી તરફ મારું એક વિશ્વ, એટલે કે મારી વિશ્વા અને એની મમ્મીની વાતોમાં હામાં હા. આ બધું મારા મનને અસ્થિર બનાવી રહ્યું હતું અને જાણે ભવિષ્યમાં ઘટનારી કોઈ અણધારી ઘટનાના એંધાણ આપી રહ્યું હતું. આમજ વિચારતા વિચારતા રાત ક્યારે પડી ખબર જ ના રહી. હું અને વિશ્વા રાત્રે બેઠાં હતાં અને વાતો કરતા હતા. વિશ્વાના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ હતી જે મને પણ ડરાવી રહી હતી.
એટલામાં જ આઈ.સી.યુ.માં જાણે ચહેલ પહેલ વધી એવું લાગ્યું એટલે અમે તરતજ એ તરફ દોડ્યા. કાંઈજ સમજાય એ પહેલાં નર્સ મમ્મીને ઓપરેશન થિએટર તરફ લઈ જઈ રહ્યા હતા. મેં નર્સને પૂછ્યું શું થયું ? એમણે કહ્યું 'ફરી એટેક આવ્યો છે અને હાર્ટ બંધ થઈ ગયું છે એટલે અમે શોક આપવા લઈ જઈ રહ્યા છીએ.' આ સાંભળતાજ વિશ્વા ત્યાંજ ફસડાઈ પડી. મેં એને સંભાળી અને એક તરફ બેસાડી. પાણી પીવડાવવા પ્રયત્ન કર્યો પણ ના પીધું. ફક્ત મમ્મી... મમ્મી...કરતી રહી. એને આટલી નિસહાય, આટલી દુખી, આટલી દુર્બળ મેં ક્યારેય જોઈ નહોતી.
થોડીવારમાં ઓપરેશન થિયેટરમાંથી ડોક્ટર બહાર આવતા દેખાયા. હું તરતજ એમની પાસે ગયો અને પૂછ્યું 'મમ્મીને કેવું છે ડોક્ટરે કહ્યું, 'શી ઇસનો મોર...' મારું હ્રદય જાણે ધબકારા ચૂકવા લાગ્યું, આંખે અંધારા આવવા લાગ્યા ! આ શું થઈ રહ્યું છે ? કાંઈજ સમજાતું નહોતું. એટલામાં વિશ્વા પાસે આવી મને પૂછ્યું, 'મમ્મી ને કેમ છે ?' હું કાંઈજ બોલી ના શક્યો બસ આંખોમાંથી આંસુ સરી પડ્યા અને એને ભેટી પડ્યો. હું બસ રડતો જ રહ્યો અને એ પણ મારી આ સ્થિતિ પામી ગઈ અને રડવા મંડી. હું સ્થિર થઈ એને સંભાળવા લાગ્યો અને કહ્યું 'હું છું તારી સાથે દરેક પળ.' પણ એ કાંઈજ સાંભળવા માટે શક્તિમાન નહોતી ! બસ એ રડતી જ રહી અને પછી એક્દમ જ ચૂપ થઈ ગઈ.
મેં એને સંભાળી અને મારા એક મિત્રને ફોન કરી સ્થિતિથી વાકેફ કર્યો કારણ કે આ સ્થિતિમાં વિશ્વાને મારી જરૂર હતી. એને એક પળ પણ એકલી મુકાય એમ નહતું. મારા મિત્રએ આવી હોસ્પિટલની કાર્યવાહી પૂર્ણ કરી. અમે ત્યાંથી જ સ્નેહીઓ, સંબંધીઓને ફોન કરી દીધા હતા. દિશા પણ વહેલી સવારે આવી ગઈ હતી. એટલે બીજા દિવસે સવારે આંટીની અંતિમયાત્રા કરી. મારા આશ્ચર્ય વચ્ચે વિશ્વા એ બહુ હિંમત ભર્યો નિર્ણય લીધો. નીકળવાના સમયે એ પણ એમ્બ્યુલન્સમાં બેસી ગઈ. મેં જ્યારે એની સામે જોયું ત્યારે એણે કહ્યું કે 'એની મમ્મીને એ જ અગ્નિદાહ આપશે.' એના મોઢા પર એક દ્રડતા દેખતી હતી. એક અલગ જ આભા. હું એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો પણ સમય અને સંજોગો જોઈ ચૂપ રહ્યો.
સ્મશાનમાં પણ વિશ્વા એ મક્કમ રહીને અંત્યેષ્ટિ પૂરી કરી. આંટીનો દેહ પંચમહાભુતમાં વિલીન થઈ ગયો. વિશ્વા એ બે હાથ જોડીને બધાને વિદાઈ આપી અને અને ઘરે જવા નીકળ્યા. આખા રસ્તે હું એને જ જોતો રહ્યો. એ એક્દમ શાંત થઈ ગઈ હતી. જાણે શુન્ય થઈ ગઈ હતી. ઘરે જઈને નહાવાનું પતાવીને અમે બેઠા. વિશ્વા એ કાલનું કાંઈજ ખાધું નહોતું, મેં પણ ખાધું નહોતું. ઘરેથી મારા પપ્પા મમ્મી જમવાનું લાવ્યા હતા એ થોડું જમ્યા. પણ આ વિશ્વાની નિરવ શાંતિ મનને ખલતી હતી.
આટલી શાંત વિશ્વાને મેં ક્યારેય જોઈ નહોતી એ હમેશાં મને જીવંત કરતી. દિશા સાથે પણ એ વધુ વાત કરતી નહોતી. બસ જાણે મનનું મનમાં રાખીને બેઠી હતી. આમને આમ દિવસો વીતતા જતા હતા અને એની મમ્મીની અંતિમ ક્રિયાઓ પણ બધી પુર્ણ થઈ ગઈ. આ અરસામાં દિશા એ પણ વિશ્વાનો ભરપૂર સાથ આપ્યો હતો. એમજ એ એકબીજાના બેસ્ટી નહોતા. પણ મારી અને દિશાની વાતો હવે કામ પુરતી જ રહેતી કદાચ હજુ એ નારાજ હતી.
વિશ્વા થોડીક નોર્મલ થઈ રહી હતી. હું સતત એનું ધ્યાન રાખતો હતો અને મને એવું લાગતું હતું કે જાણે એ કોઈને ઝંખતી હતી. હવે ત્રણ મહિના થઈ ગયા હતા આંટીના અવસાન થયે. એક દિવસ વિશ્વાનો ફોન આવ્યો કે અનંત આજે રાત્રે તું ઘરે આવજે મારે ખાસ કામ છે અને હા જમવાનું પણ મારા ત્યાં રાખજે. આમતો મારું એના ત્યાં જમવું કોઈ મોટી વાત નહોતી પણ એનો આટલો આગ્રહ અને કાંઈક કામ છે એ વાત જાણી મનમાં ઉત્સુકતા જાગી કે શું હશે એના મનમાં ? કોઈ ખાસ વાત શેર કરવી હશે કે બીજું કાંઈ. આના જવાબ મેળવવા સાંજ સુધી રાહ જોયા સિવાય મારી જોડે છૂટકો જ નહતો.
હું વિશ્વાના ઘરે રાત્રે સાત વાગે પહોંચી ગયો. ત્યાં પહોંચીને હું થોડો આશ્ચર્યચકિત થઈ ગયો ! રૂમમાં એકદમ આછી રોશની હતી. હવામાં વિશ્વાએ નાખેલા પરફ્યુમની મહેક હતી જે વાતાવરણને ખુશનુમા બનાવી રહી હતી. વિશ્વા સાદા પણ સુંદર કપડામાં સજ્જ હતી. કાયમ જ હળવા રંગ પસંદ કરનારી વિશ્વા એ આજે મારા પસંદના સી ગ્રીન કલરનો ડ્રેસ પહેર્યો હતો. એની મોટી આંખોમાં કાજલ અને કપાળ પર નાની બિન્દી એના ચહેરાને અનેરું આકર્ષણ આપતા હતા ! કાનમાં નાની બટ્ટીની જગ્યાએ લાંબા એરિંગ હતા જે એના ખભા સાથે રમતા હતા. એના હોઠ પરની લાલીમા એના નમણા ચહેરાને સુંદરતા બક્ષી રહી હતી. એના લહેરાતા કાળા વાળ એના કપાળ અને કમર જોડે અટખેલિયા કરતા હતા. આજ સુધી ક્યારેય ના જોયેલું વિશ્વાનું આ સૌંદર્ય હું આજે પહેલીવાર જોઈ રહ્યો હતો. ખરેખરતો મેં વિશ્વાને ક્યારેય આટલા ધ્યાનથી જોઈ જ નહતી.
વિશ્વાએ મને કહ્યું "ક્યાં ખોવાઈ ગયો ?"
મેં કહ્યું "ક્યાય નહીં..."
એણે મને સોફા ઉપર બેસવાનું કહ્યું અને એ મારી બાજુમાં બેસી અને વાતોએ વળગી. જ્યારથી અમે મળ્યા ત્યારથી લઈ આજ સુધીની બધીજ વાતો એણે યાદ કરી. મને સમજાઈ જ નહોતું રહ્યું કે આ શું થઈ રહ્યું છે. આ આખી વાતચિત દરમિયાન એકપળ માટે પણ એણે મારો હાથ છોડ્યો નહોતો. હું તો આવેગીત થઈ ગયો કે આટલો બધો પ્રેમ આટલો બધો સ્નેહ મારા માટે આમ અચાનક જ. આજે વિશ્વાને કાંઈ થઈ ગયું છે કે આ કોઈ આવનારા તોફાનના એંધાણ છે ? કઈ જ સમજાઈ નહોતું રહ્યું.
સતત બે કલાક વાતો કરી અમે જમવા બેઠા. જમવામાં પણ બધું મારું જ મનગમતું હતુ. મારા પસંદની ચોકલેટ બરફી પણ ! હું જાણું છું કે મારી પસંદ વિશ્વા જાણે છે પણ આજે મને વિશ્વાનું વર્તન થોડું અલગ લાગ્યું. હું વિચારતો થઈ ગયો કે વિશ્વા આજે કેમ આવું વર્તન કરે છે. એ સતત મારી સામુ ટગર ટગર જોયા કરતી હતી. એણે મને આગ્રહ કરીને જમાડયું અને થોડું એના હાથે પણ. એનું આ રૂપ મને અચરજ પમાડી રહ્યું હતું. પણ મને ગમ્યું એનું આ રૂપ... એનો આ સ્નેહ.. એનું આ મારું ધ્યાન રાખવું, મને સાચવવું, પોતાના હાથે જમાડવું આ મારી જિંદગીની અદ્ભુત ક્ષણો હતી.
ત્યારબાદ અમે ફરી વાતોએ ચડયા. પણ આ શું ? વાતોનો વિષય અચાનક બદલાઈ ગયો હતો. પહેલા મારી અને વિશ્વાની વાતો કરી હતી અને અત્યારે એ મારા અને દિશાના સંબંધ વિશે વાત કરી રહી હતી. એનું એવું માનવું હતું કે દિશા પણ મને પસંદ કરે છે બસ થોડો સમય આપવાની જરૂર છે એ મારી સાથે જ આવશે. એણે મને પૂછ્યું તો મેં કહ્યું કે મને એવું લાગે છે કે અમારો સંબંધ મિત્રતા કરતા થોડો વધુ છે અને એ વાત પર વિશ્વા પણ સહમત હતી.
આટલા બધા સુખદ પળો માણ્યા પછી અમે છૂટા પડ્યા. આજે પહેલી વખત મને એવું લાગ્યું કે જાણે કાંઈક અલગ જ હતી વિશ્વા ! મેં એને ક્યારેય આમ જોઇ નહોતી. શું વિશ્વા મને મનોમન ચાહવા લાગી છે કે શું ? અથવા આ મારા મનનો વહેમ છે. જે કાંઈપણ હોય પણ આજનો દિવસ ખુબજ યાદગાર રહ્યો.
"એવા યાદગાર પળો સાથે થઈ મુલાકાત,
હાથોમાં હતો વિશ્વાનો હાથ, એનો સંગાથ,
જિંદગીભર નો એનો આ અદ્ભૂત રહ્યો સાથ,
શું અંત સુધી હું પામી શકીશ એનો આ નિ:સ્વાર્થ સાથ ?"
વિશ્વાના વિચાર મનમાં ચાલતા જ હતા ને કોણ જાણે કેમ અચાનક દિશા મનમાં આવી ગઈ. મન એકદમ વિચારે ચડી ગયું કે શું દિશા ક્યારેય મને અપનાવશે ? શું મને એનો એવો સાથ મળશે જે હું ઈચ્છું છું ? કે હું આમજ એકલો રહી જઈશ. હું એને કેવી રીતે ખુશ કરી શકું એ વિચારવા લાગ્યો. અને મનમાં એક રચના બની ગઈ,
"જો કરી શકું તને ખુશ તો પણ ઘણું છે,
અનંત જો વરે દિશાને એ પણ ઘણું છે,
જીવનનો સંગાથ બને તું એ પણ ઘણું છે,
હું બનું રચના તું બને મારો પ્રાસ તો પણ ઘણું છે..!!"
આવા બધા વિચારો કરતો હતો ત્યાંજ મનમાં એક વિચાર આવ્યો. દિશાને કઈ રીતે મળી શકાય પહેલા એ વિચાર. હું જો યોગ વિયોગ બૂક લાવું તો એને આપવા જવાના બહાને મળાય. અને એ બૂક જોઈ ખુશ થઈ જાય. ફરી કદાચ આ અમારા સંબંધો સુધરે અને આગળ વધે. આવા બધા વિચારોમાં ક્યારે ઊંગ આવી ખબરજ ના રહી.
બીજા દિવસે મારા પેલા મિત્રને ફોન કર્યો અને યોગ વિયોગ બૂક લાવી આપવાનું કહ્યું. બપોરે તો એનો ફોન પણ આવી ગયો કે બૂક મળી ગઈ છે અને મારી ઓફિસમાં મારી પાસે છે. હું તરતજ હરકતમાં આવ્યો અને સાંજે વહેલા જવા રજા લઈ લીધી. સીધો પેલા મિત્રની ઓફિસ ગયો અને બૂક લઈ લીધી.
"આજે આ મનમાં નવી હસરતો જાગી છે,
પતંગિયાંને મળવાની તાલાવેલી લાગી છે,
થાય છે કે સમાવી લઉં એને જિંદગીમાં આમ જ,
શ્વાસ અને ધડકન જેમ સાથે રહે છે મારામાં જેમ આમ જ !"
બૂક લઈ દિશાને આપવા માટે હું બાઇક લઇને નીકળ્યો. હું એને સરપ્રાઇઝ આપવા માગતો હતો. એ બૂક મળવાથી એના ચહેરા પર આવતી ખુશીને હું રૂબરૂ જોવા ઇચ્છતો હતો. મારા સપના... એટલે કે દિશા સાથેની લાગણીઓને પૂર્ણતા આપવા માગતો હતો. એના ઘરની નજીક પહોંચ્યો તરતજ મેં ફોન કર્યો.
હું: " હેલો, કેમ છે ?"
દિશા: "એક્દમ મજામાં, તું કેમ છે ?, કેમ અચાનક યાદ આવી ?"
હું: "હું એક્દમ મજામાં, આ તો એમજ ફોન કર્યો. તું શું કરતી હતી ?"
દિશા: "હું...ચા નાસ્તો..."
હું: "શું વાત છે... એકલા એકલા ?"
દિશા: "તું આવે તો સાથે કરીએ... હા હા હા.."
હું: "સાચેજ આવી જાઉં તો ચા નાસ્તો પાકોને સાથે " (મનમાં ખુશ થઈ ગયો જાણે સપનું પૂરું થવા જઈ રહ્યું છે.)
દિશા: "હા.. હા... આવતો ખરો...!!"
હું: "હું ત્યાં આવીજ ગયો છું. તારા ઘરની નજીકથી બોલું છું."
દિશા: "જા... જા... ખોટું બોલે છે."
મેં એક મારો ફોટો ત્યાંનો પાડયો અને મોકલ્યો.
દિશા: "એક્દમ ગુસ્સે થઈને. તું અહીં આવ્યો જ કેમ ? મને કહ્યા વગર તું આમ કેમ આવી શકે ? તને ખબર નથી પડતી મને કોઈ તકલીફ પડશે તો ?"
મને કાંઈ જ સમજાતું નહોતું એ આટલી ગુસ્સે કેમ થઈ ગઈ હતી ? મેં તો એના ચહેરા પર ખુશી લાવવા અને લાગણીઓ વહેંચવા પ્રયત્ન કર્યો પણ એણે આવું કેમ કર્યું ? મારાથી શું ભૂલ થઈ ? કાંઈ જ ના સમજી શક્યો.
હું: "અરે હું યોગ વિયોગ બૂક આપવા આવ્યો હતો... આમાં ખોટું શું કર્યું ?"
દિશા: "તારે આ રીતે આવવું જ નહોતું જોઈતું."
હું: " સોરી યાર.. મેં તને દુખી કરી."
દિશા: "હું હમેશાથી કહું છું કે તું કાંઈજ વિચારતો નથી.. તું કાંઈજ સમજતો નથી.."
હું: "સોરી મારી ભૂલ થઈ. મારે આવી રીતે પૂછ્યા વિના નહોતું આવવું જોઈતું."
દિશા: "તારામાં સમજ જ નથી ! તું ના સમજી શકે કાંઈજ ! તું એક કામ કર ત્યાં સિક્યોરિટી વાળા કાકા છે એમને બૂક આપી દે."
હું: "હા હું આપી દઉં...સોરી"
હું એ કાકાને બૂક આપી પાછો આવવા રવાના થયો. મનમાં મારા વિશે જ કેટલાએ ખરાબ વિચારો દોડી ગયા. મને સમજ જ નહતી પડતી કે એવું તો મેં શું કરી નાખ્યું હતું કે દિશા આટલી બધી ગુસ્સે થઈ ? કે ખરેખર હું સાચેજ ઓછું સમજુ છું ! હું અયોગ્ય છું ! હું કોઈપણ સંબંધ સાચવવાના લાયક નથી ! હું કોઈની લાગણીઓ સમજી જ નથી શકતો ! રસ્તામાં બાઇક ઊભું રાખ્યું અને મોટેથી હું રડી પડ્યો. બહુ દિવસે આવું થયું હતું. મારી લાગણીઓને ઠેસ વાગી હતી એ પણ બહુજ મોટી ! માંડ શાંત થયો અને ગમગીન મનથી ઘરે આવવા નીકળ્યો.
ત્યાંજ મને યાદ આવી મારા વિશ્વની. જે મને દુનિયામાં સૌથી વધારે સમજી શકે છે. જેની સાથે વાત કરવાથી મારી બધી શંકાનું સમાધાન મળે છે. એટલે કે મારી વિશ્વાની. અને મન હળવું કરવા મેં એને ફોન કર્યો. પણ આ શું ? એનો ફોન તો સ્વીચ ઓફ આવતો હતો. ક્યારેય આમ એનો મોબાઇલ સ્વિચ ઓફ ના હોય. હું ત્યાંથી સીધો એના ઘરે જવા રવાના થયો. મારે એની જરૂર હતી. અશાંત મનને એ જોઈતી હતી.
એના ઘરે પહોંચીને જોયું તો એ લોક હતું. પાડોશી આંટી ને પૂછ્યું તો કહે 'એ સવારની ક્યાંક જવા નીકળી છે. આ લે તારા માટે એક લેટર આપ્યો છે. લેટર હાથમાં લઈ ઘરે જવા રવાના થયો.
મન ફરી ઘેરાઈ ગયું વિશ્વા કયાં ગઈ હશે ? દિશાએ કેમ આવું કર્યું ! ફરી બધા સવાલો ઉભા હતા. જાણે મારી અયોગ્યતા સાબિત કરતા હતા.
વિશ્વા નું આ નવું રૂપ... કેમ અને અચાનક એ ક્યાં જતી રહી ?
દિશા એ કેમ અનંત સાથે આવું વર્તન કર્યું ! શું સાચેજ અનંત અયોગ્ય છે ?
ક્રમશ: