Abid Khanusia

Romance

1.2  

Abid Khanusia

Romance

અણમોલ રત્ન

અણમોલ રત્ન

11 mins
852


પૂર્વી અને હર્ષ કોલેજમાં સાથે ભણતાં હતા. બંને ભણવામાં હોશિયાર હતા. બંનેએ ઉચ્ચ ગુણો સાથે માસ્ટર્સ પૂરું કરી આઈ.એ.એસ.ની પરીક્ષાની તૈયારી શરુ કરી દીધી હતી. બંને જણ પ્રથમ પ્રયત્ને આઈ.એ.એસ. ની પ્રિલિમિનરી પરીક્ષામાં પાસ પણ થઇ ગયા હતા અને મેઈન પરીક્ષાની તૈયારી શરુ કરી દીધી હતી. તે દરમ્યાન પૂર્વીના માતૃશ્રીનું અવસાન થવાથી તેણે આગળ આઈ.એ.એસ. મેઈન પરીક્ષા આપવાનું મુલત્વી રાખ્યું હતું.


પૂર્વીના ઘરમાં કુલ પાંચ સભ્યો હતા. તેના માતા પિતા ઉપરાંત તે ત્રણ બહેનો હતી. તેને ભાઈ ન હતો. તેના માતૃશ્રીનું ત્રણ વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું. તેના પિતા પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે સેવા બજાવી નિવૃત્ત થયા હતા અને હાલ તેમની ઉમર લગભગ અડસઠ વર્ષ થવા આવી હતી. તેની બંને બહેનોના લગ્ન થઇ ગયા હતા અને બંને તેમના સંસારમાં સુખી હતી. બીજી બહેન અને પૂર્વીના જન્મ વચ્ચે બાર વર્ષનું અંતર હતું. અવસ્થાના કારણે હવે તેના પિતાની તબિયત નાદુરસ્ત રહેતી હતી. પૂર્વીના પિતાને પેન્શન પેટે જે રકમ મળતી હતી તે જીવન નિર્વાહ માટે અપુરતી હોવાથી તેણે અર્થોપાર્જન માટે સૌપ્રથમ એક ટ્યુશન કલાસમાં નોકરી શરુ કરી હતી. તેનો ટીચિંગ પાવર ખુબ સારો હતો અને તેને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાનો મહાવરો હોવાથી તેણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પોતાનો કોચીંગ કલાસ શરુ કર્યો. જેમાં તેને ખુબ સારો પ્રતિસાદ મળ્યો અને તેનો કોચીંગ કલાસ શહેરમાં ખુબ વખણાવા લાગ્યો. હવે તે સારું કમાતી હતી.


હર્ષના પિતા એક પોલીટીકલ પાર્ટીના નેતા હતા. સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓમાં તેમની ખુબ સારી વગ હતી. તેની માતા એક આદર્શ ગૃહિણી હતા. તેને એક બહેન હતી જે તેનાથી બે વર્ષ મોટી હતી. તેના લગ્ન થઇ ગયા હતા અને તે તેના સાસરે સુખી હતી. 


હર્ષ આઈ.એ.એસ.ની પરીક્ષા પાસ કરી ટ્રેનીંગ પૂરી કરી નાયબ કલેકટર તરીકે સરકારી સેવામાં જોડાયો હતો. તે પૂર્વીને ખુબ ચાહતો હતો. તેને ખબર હતી કે પૂર્વી પણ તેને ખુબ ચાહે છે. બે વર્ષ પહેલાં સરકારી નોકરીમાં જોડાયા પછી તેણે પૂર્વીને તેની સાથે લગ્ન કરવા પ્રપોઝ કર્યું પરંતુ પૂર્વીએ હર્ષને ખોટું ન લાગે તે રીતે  “હાલ મારી લગ્ન કરવાની ઈચ્છા નથી ” તેમ કહી ટાળી દીધું. હર્ષ જાણતો હતો કે પૂર્વી હમેશાં પુખ્ત વિચારણાના અંતે નિર્ણય લેતી અને લીધેલા નિર્ણય પર હંમેશા કાયમ રહેતી. હર્ષ પૂર્વીને દિલના ઊંડાણથી ચાહતો હતો અને તેણે તેની સાથે જ લગ્ન કરવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. તેથી યોગ્ય સમયે પુર્વીને સમજાવી તેની સાથે લગ્ન કરવાની આશા સાથે પોતાના વ્યવસાયમાં પરોવાઈ ગયો. તે જયારે પણ વતનમાં આવતો ત્યારે પૂર્વીને અચૂક મળતો. બંને શક્ય હોય તેટલો સમય સાથે વિતાવતા હતા પરંતુ બંને ખુબ સમજુ હોવાથી તેમણે કદી મર્યાદાની લક્ષ્મણ રેખા ઓળંગવાનો પ્રયત્ન કર્યો ન હતો. 


સત્તાવીસ વર્ષની પૂર્વીનુ શરીર સૌષ્ઠવ બાવીસ વર્ષની યુવતી જેવું લાગતું હતું. તે “ આલ્ફા કોચીંગ કલાસ” ની માલિક અને હેડ હતી. તે જયારે ગ્રીન બોર્ડ પર લખાણ કરવા તેની કયા ફેરવતી ત્યારે કોચીંગ કલાસમાં ભણતા યુવાનો તેની કમનીય કાયાના વળાંકોને તરસી નજરથી નિરખતા હોવાની વાત તેના ધ્યાનમાં હતી તેથી તે તેના શરીરને સાવચેતીથી સાડીમાં કે પંજાબી ડ્રેસમાં લપેટી રાખતી અને તેના અંગ ઉપાંગોનું પ્રદર્શન ન થઇ જાય તે માટે તે સતત સભાન રહેતી હતી. 


પૂર્વીના હાથ નીચે બે યુવાનો અને બે યુવતીઓ વિધાર્થીઓને કોચીંગ આપવાનું કામ કામ કરતા હતા. સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવાતા કોચીંગ કલાસ શહેરમાં ઘણા બધા હતા પરંતુ “અલ્ફા કોચીંગ કલાસ” તે સૌમાં આગવું સ્થાન ધરાવતો હતો. પૂર્વી તેના કોચીંગ કલાસમાં “વહેલા તે પહેલા” ના ધોરણે ફક્ત પચાસ જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી હતી. આ પચાસ વિદ્યાર્થીઓ પાછળ તે અને તેની આખી ટીમ ખુબ ખંતથી મહેનત કરતા પરીણામે સ્પર્ધાત્મક પરીક્ષામાં તેના ક્લાસના વિદ્યાર્થીઓ ખુબ સારો દેખાવ કરી જવલંત સફળતા મેળવતા હતા.


ચાલુ બેચમાં સૌરવ ખુબ હોશિયાર વિદ્યાર્થી હતો પરંતુ તે ખુબ નટખટ હતો. તેણે પોલીટીક્સમાં માસ્ટર કર્યું હતું અને તે જી.એ.એસ.ની પરીક્ષાની તૈયારી કરતો હતો. તે અવાર નવાર કલાસમાં વિવિધ ટીખળ કરી બધાને હસાવતો રહેતો હતો. પૂર્વી તેની આવી હરકતોથી ખુબ ચિઢાતી અને તેને વોર્નિંગ આપતી કે જો હવે પછી તે કોઈ ટીખળ કરશે તો તે તેને ક્લાસમાંથી કાઢી મુકશે. તેમ છતાં સૌરવ પોતાની હરકતોથી બાજ આવતો ન હતો.

વેલેન્ટાઈન ડે ના દિવસે દર વર્ષે “ અલ્ફા કોચીંગ કલાસ” માં રજા રહેતી પરંતુ આ વર્ષે પરીક્ષા નજીક હોવાથી પૂર્વીએ તે દિવસે પણ કોચીંગ કલાસ ચાલુ રાખવાનું નક્કી કર્યું હતું. યુવાનોને તે બાબત ગમી ન હતી તેમ છતાં પોતાની ભાવી કારકિર્દીને ધ્યાને લઇ તે દિવસે સવારે કલાસ વહેલો શરુ કરી દસ વાગ્યા સુધીમાં રજા આપી દેવાની શરતે સ્વીકૃતિ આપી હતી. પૂર્વી માટે પણ તે દિવસ ખાસ હતો. તેણે આ વેલેન્ટાઈન ડે ના દિવસે પોતાના જીવનને લગતો એક મહત્વનો નિર્ણય લેવાનું નક્કી કરી લીધું હતું.


 વેલેન્ટાઈન ડે ના દિવસે કોચીંગ ક્લાસના તમામ વિદ્યાર્થીઓ ખુબ ખુશ હતા. ઘણા વિદ્યાર્થીઓના હાથમાં તેમના વેલેન્ટાઈનને ભેટ આપવા માટેના ગીફટ પેકેટ હતા. સૌરવ આજે એકદમ મજાકના મૂડમાં હતો. તેના મજાકિયા સ્વભાવ મુજબ તેણે મજાક માટે પૂર્વીને નિશાન બનાવવાનું નક્કી કર્યું હતું. તેણે પૂર્વીને “ વિલ યુ બી માય વેલેન્ટાઈન ? “ કહેવાનું નક્કી કર્યું હતું અને તે માટે તે એક સુંદર અને મોટું લાલ ગુલાબનું ફૂલ લઈને આવ્યો હતો જે તેણે દરેકથી છુપાવી રાખ્યું હતું. 


પૂર્વી પોતાનું લેકચર પૂરું કરી “ હેપ્પી વેલેન્ટાઈન ડે એન્ડ બેસ્ટ વિશિસ ટુ ઓલ ઓફ યુ “ કહી ક્લાસમાંથી બહાર નીકળવા જતી હતી ત્યારે સૌરવે તેના જેકેટમાં છુપાવી રાખેલ લાલ ગુલાબનું ફૂલ હળવેથી બહાર કાઢી પોતાનો એક પગ ઢીંચણથી વાળી વિશિષ્ટ મુદ્રામાં બેસવાની તૈયારી કરી પૂર્વીને પ્રપોઝ કરવા જતો હતો બરાબર તે જ સમયે એક અઠાવીસ–ત્રીસ વર્ષનો ઉંચો અને દેખાવડો યુવાન કલાસના દરવાજામાં પ્રગટ થઇ પૂર્વી સામે પોતાનો જમણો ઘુટણ ટેકવી ફિલ્મી ઢબે “ વિલ યુ બી માય વેલેન્ટાઈન, પૂર્વી ? “ કહ્યું. તે જોઈ સૌરવ ભોંઠો પડી ગયો અને પોતાના હાથમાં રહેલું લાલ ગુલાબ નીચે પડી ગયું. વર્ગના બધા વિદ્યાર્થીઓ સૌરવની હાલત જોઈ હસી પડ્યા અને તેની મજાક ઉડાવવા લાગ્યા.બીજાની મજાક કરનાર પોતે આજ મજાકનું ભાજન બની ગયો હોવાથી તે ખુબ શરમ અનુભવવા લાગ્યો.  


પૂર્વીએ આવનાર યુવક સામે મર્માળુ સ્મિત વેરી કહ્યું “ સોરી ડીયર હર્ષ, યટ આઈ કાન્ટ બી યોર વેલેન્ટાઈન !” અને પ્રેમથી તેના માથામાં હાથ ફેરવી તેના વાળ વિખેરી નાખ્યા. હર્ષના દિલને પળ બે પળ માટે દુખ થયું તેમ છતાં તે હસતું મોઢું રાખી બોલ્યો, “ ભલે આઈ.એ.એસ.ની પરીક્ષામાં હું સફળ થયો હોઉં પણ પ્રેમની પરીક્ષામાં હું નાપાસ જ થાઉં છું. ભગવાન જાણે મારે હજુ કેટલા પ્રયત્નો કરવા પડશે, પૂર્વી ? “  


મજાકના લહેજામાં “ જો મજા ઈન્તેજારમેં હૈ વો ઈકરાર મેં કહાં ?” બોલી પૂર્વી હસી. વિદ્યાર્થીઓ વર્ગ ખંડ છોડી ગયા એટલે પૂર્વીએ હર્ષ ને કહ્યું “ હું દર વર્ષની જેમ આજે તારી ખુબ આતુરતા પૂર્વક રાહ જોઈ રહી હતી. આપણે આજનો દિવસ મારા ઘરે વિતાવીશું. હું આજે તને ભાવતી રસોઈ બનાવી મારા હાથે જમાડવાની છું અને મેં લીધેલા એક મહત્વના નિર્ણયની તને જાણ કરવાની છું ”


પૂર્વીના શબ્દો સાંભળી હર્ષ થોડોક અવઢવમાં પડ્યો. આજે પૂર્વી થોડાક અલગ મૂડમાં હોય તેવું તેને લાગ્યું. પૂર્વીનો તેના જીવન વિષે શો મહત્વનો નિર્ણય હશે તે હર્ષ કલ્પી ન શકયો. 


પૂર્વી અને હર્ષ જયારે પૂર્વીના ઘરે પહોચ્યા ત્યારે ઘરમાંથી પૂર્વીના પિતાજીનો ખાંસવાનો આવાજ આવતો હતો. પૂર્વી અને હર્ષ સીધા તેમના રૂમમાં ગયા. હર્ષે પૂર્વીના પિતાજીના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા. પૂર્વીએ પિતાજીને પાણી અને દવાની ટીકડીઓ આપી જે તેમણે યંત્રવત લઇ ગળા નીચે ઉતારી પથારીમાં લંબાવ્યું. 


પૂર્વી હર્ષને બેઠક રૂમમાં બેસાડી રસોડામાં ગઈ અને બંને માટે કોફી તૈયાર કરી લઇ આવી. કોફીના મગમાંથી ઉઠતી ગરમ વરાળ તરફ તાકી રહેલી પૂર્વીના મગજમાં વિચારોનું વાવાઝોડું ઉમટ્યું હતું. તે જાણતી હતી કે હર્ષ તેને ખુબ ચાહે છે તેથી તેણે લીધેલા નિર્ણયની જાણ હર્ષને કેવી રીતે કરવી અને હર્ષની તે નિર્ણય પર શું પ્રતિક્રિયા હશે તેની કલ્પના કરવી તેના માટે ખુબ અઘરી હતી. 


હર્ષ ખુબ બેતાબીથી પૂર્વીના નિર્ણયની રાહ જોઈ રહ્યો હતો. પૂર્વી પોતાના દિલની વાત કેવી રીતે હર્ષ સમક્ષ મુકવી તે નક્કી કરી શકતી ન હતી માટે તેણે હર્ષને પોતાનો નિર્ણય જણાવતાં પહેલાં થોડીક પૂર્વભૂમિકા બાંધવાનું નક્કી કરી ગંભીરતાપૂર્વક બોલી “ હર્ષ, દરેક મનુષ્યના જીવનમાં લગ્નનું ખુબ મહત્વ હોય છે. સુખી જીવન જીવવા માટે એક હમદર્દ હમસફરની જરૂરીયાત અનિવાર્ય છે. લગ્ન થકી દરેકના જીવનમાં બાળકોનું આગમન થાય છે પરંતુ બાળકો પેદા કરવા પાછળ પણ એક સ્વાર્થી મકસદ રહેલો હોય છે તેમ હું માનું છું. જીવનની સંધ્યા ટાણે દરેક જણ પોતાની સાર સંભાળ અને કાળજી રાખે તેવું કોઈ પોતિકુ પોતાની પાસે હોય તેવું ઈચ્છે છે. આપણો સમાજ પુરુષ પ્રધાન છે. અહી સ્ત્રીઓ કરતાં પુરુષોનું મહત્વ વધારે છે. દીકરીઓ લગ્ન કરી પોતાના સંસારમાં પરોવાઈ જાય ત્યારે મા બાપનો સહારો તેમનો દીકરો બનતો હોય છે. 


પૂર્વી એક પળ અટકી આગળ બોલી “ કદાચ મારા માતા પિતાએ તેવું વિચારી તેમના જીવનના સંધ્યા કાળે પુત્રની જરૂરીયાતને ધ્યાને લઇ મને જન્મ આપવાનું નક્કી કર્યું હશે અને એટલે જ મારી દીદી અને મારા જન્મ વચ્ચે બાર વર્ષનું અંતર છે. તેમણે મને જન્મ આપતાં પહેલાં કદાચ ખુબ મનોમંથન કર્યું હશે. હું માનું છું કે મારી બહેનોના લગ્ન પછી તેમની સંભાળ કોણ લેશે તેવું વિચારી તેમણે પુત્ર થવાની આશાએ તેમના જીવનમાં વધુ એક બાળકને પેદા કરવાનું વિચાર્યું હશે. પરંતુ તેમના કમનસીબે હું દીકરી તરીકે અવતરી. તે વખતની તેમની મનોદશા કેવી હશે તે હું કલ્પી શકતી નથી. તેમના જીવનમાં કદાચ મારુ આગમન તેમને ગમ્યું નહી હોય તેવું હું માનું છું તેમ છતાં તેમણે ભગવાનના નિર્ણયને શિરોમાન્ય રાખી મારી ખુબ સરસ પરવરીશ કરી છે. મને ખુબ લાડકોડથી ઉછેરી છે અને ખુબ ઉચ્ચ શિક્ષણ પણ આપ્યું છે. મારા માતૃશ્રીના અવસાન પછી મારા પિતાના ખાલીપાને ભરવાના પ્રયાસરૂપે મેં આઈ.એ.એસ.ની ફાઈનલ પરીક્ષા ન આપવાનો આકરો નિર્ણય કર્યો હતો અને ત્યારથી હું સતત તેમની કાળજી લઈ રહી છું અને એક કુમળા છોડ માફક તેમની માવજત કરું છું. હું ઇચ્છુ છું કે તેઓ પોતાનું શેષ જીવન ખુબ આનંદથી જીવે અને તેમને કદી પુત્રની ખોટ ન સાલે અને મને જન્મ આપવાનો તેમને કોઈ અફસોસ ન થાય તે માટે મેં આજીવન લગ્ન ન કરવાનો નિર્ણય લીધો છે. હું તેમની અધુરી આશાઓ અને એષણાઓ પૂરી કરવા માટે તેમનો પુત્ર થઇ જીવવા માગું છું માટે પ્લીઝ મારી મજબૂરીને સમજી મને માફ કરી દે અને કોઈ સારું પાત્ર શોધી પરણી જા”  

       

  પૂર્વીએ પોતાના નિર્ણયની જાણ કરી હર્ષ સામે જોયું. હર્ષ નિ:શબ્દ હતો. થોડીક ક્ષણો પછી હર્ષ બોલ્યો  “ પૂર્વી મારા જીવનસાથી તરીકે તું અને ફક્ત તું જ એક યોગ્ય પાત્ર છે. મેં તારા સિવાય અન્યને મારા જીવનસાથી તરીકે કદી કલ્પના કરી નથી માટે કોઈ અન્ય સારું પાત્ર શોધવાનો પ્રશ્ન થતો જ નથી. હવે રહી વાત બાપુજીની તો સહર્ષ હું બાપુજીને આજીવન મારી સાથે રાખવા તૈયાર છું. હું જમાઈના બદલે તેમનો પુત્ર થઇ રહેવા તૈયાર છું. માટે તું તારા નિર્ણય પર પુન: વિચાર કર.”


પૂર્વીએ કહ્યું “ પિતાજી રહ્યા સિદ્ધાંતવાદી શિક્ષક. તે ખુબ સંવેદનશીલ છે અને માતાજીના અવસાન પછી તેમનું હૃદય ખુબ આળુ થઇ ગયું છે માટે તે કોઈના ઓશિયાળા થવાનું કબુલ નહી કરે વળી સમાજ પણ ટીકા કરશે. દીકરીના ઘરનું પાણી પણ લઇ શકાય નહિ તેવો પિતાજીનો સિદ્ધાંત છે માટે કદી મારી દીદીઓના ઘરે રાત રોકાયા નથી. વધારામાં તારા માતા પિતાને પણ કદાચ તે ગમશે નહી માટે હું મારી સહેલી દક્ષાને તારા માટે સજેસ્ટ કરું છું. તે ખુબ પ્રેમાળ અને સુશીલ યુવતી છે. મેં થોડા દિવસ પહેલાં તેના મનનો તાગ લેવા પ્રયત્ન કરી જોયો છે. તે કદાચ હજુ અસ્પષ્ટ છે પરંતુ હું માનું છું કે તે મનોમન તને પ્રેમ કરે છે. મને લાગે છે કે તે તારા માટે ખુબ યોગ્ય પાત્ર છે માટે તું તેની સાથે લગ્ન કરી લે તેવી મારી વિનંતી અને અરજ છે. તમારી બંનેની મુલાકાત કરાવવા માટે મેં તેને આજે આપણી સાથે જમવા પણ બોલાવી છે. તે થોડીવારમાં આવતી જ હશે. ”


પૂર્વીએ પોતાનું કથન પૂરું કર્યું એટલે દક્ષા હર્ષના માતા પિતા સાથે પૂર્વીના બેઠકરૂમમાં દાખલ થઇ. હર્ષના પિતા બોલ્યા “ પૂર્વી બેટા, અમે તારી બધી વાતો સાંભળી લીધી છે પરંતુ મને આશ્ચર્ય થાય છે કે તારા જેવી હોશિયાર છોકરી કેમ મને અને હર્ષની મમ્મીને ઓળખવામાં થાપ ખાઈ ગઈ ? બેટા, તું હર્ષને ખુબ પ્રેમ કરે છે તે બાબત તારા સમર્પણથી જણાઈ આવે છે. હું તારા પ્રેમના બલિદાનની ભાવનાની અને તારા સંસ્કારોની કદર કરું છું. પણ પૂર્વી બેટા તું સમજ, તું હર્ષ ને ચાહે છે તેના કરતાં વધારે હર્ષ તને કેટલુ ચાહે છે. તેની ખુશી માટે અમે કોઈ પણ ભોગ આપવા તૈયાર છીએ. અમે દક્ષાના ખુબ આભારી છીએ કે તેણે અમને તારા મનોમંથન અને આ આકરા નિર્ણયની વાત સમયસર કરી દીધી. મારા માટે તારા પિતાજી મારા સગા ભાઈ બરાબર છે. તારા લગ્ન પછી જો તારા પિતાજી ઈચ્છે તો આપણી સાથે રહી શકે છે અને જો તેમને અનુકુળ ન હોય તો જયાં સુધી તેમની જીવાદોરી હશે ત્યાં સુધી તું તેમની સાથે રહેજે અમને કે હર્ષ ને તે બાબતે કોઈ વાંધો નહી હોય. તું તારો કોચિંગ કલાસ પણ ચાલુ રાખી શકે છે અને તું જે કમાય તે બધું તારું અંગત રહેશે જેનો તું ચાહે ત્યાં ઉપયોગ કરવા સંપૂર્ણ હકદાર અને સ્વતંત્ર રહેશે. બસ, હર્ષ અને તું સુખેથી જિંદગી ગુજારો તેવી અમારી ઈચ્છા છે અને તે માટે અમારા આશીર્વાદ પણ છે. માટે બેટા તું લગ્ન ન કરાવાના તારા નિર્ણયને પડતો મૂકી હર્ષ સાથે પ્રભુતામાં પગલાં પાડવા સંમતિ આપ તેવી મારી આગ્રહભરી વિનંતી છે.”   


પૂર્વી હર્ષના પિતાજીના આગ્રહને અવગણી ન શકી તેણે શરમાઈને પોતાનું માથું હલાવી સંમતી આપી એટલે હર્ષના માતા પિતા પૂર્વીના પિતાજીના રૂમમાં ગયા અને વિધિવત રીતે તેમની સામે પોતાના દીકરા માટે પુર્વીનું માગું નાખ્યું. પૂર્વીના પિતાજીએ લાગણીવશ થઇ સજળ નયને અને આભારસહ તેનો સ્વીકાર કર્યો. તેમણે હર્ષને બોલાવી પૂર્વીના લગ્ન માટે પૂર્વીની જાણ બહાર તૈયાર કરાવી રાખેલા દાગીનામાંથી એક સોનાની વીંટી કાઢી હર્ષને આપી પૂર્વીની આંગળીમાં પહેરાવી સગાઈની વિધિ પૂરી કરવા જણાવ્યું.


હર્ષે પોતાના જમણા પગનો ઘુટણ વાળી ફરીથી ફિલ્મી અંદાજમાં પૂર્વીને કહ્યું “ વિલ યુ બી માય વેલેન્ટાઇન, બેબી ! “ અને પૂર્વીના જવાબની રાહ જોયા વિના પૂર્વીની આંગળીમાં સગાઈની વીંટી પહેરાવી દીધી. હર્ષની ફિલ્મી અદા, અધીરાઈ અને ઉતાવળ જોઈ સૌ હસી પડ્યા. 


પૂર્વી તેના પિતાના ચરણોમાં ઢળી પડી એટલે તેના પિતાજીએ તેને પોતાની છાતીએ વળગાડી હર્ષના પિતાજીને ઉદ્દેશીને ગર્વથી કહ્યું “ વેવાઈ, મારી પૂર્વી દીકરી નહિ દીકરો છે....દીકરો અને તેનાથી વધુ કહું તો તે એક “અણમોલ રત્ન” છે જે તેના સંસ્કારોના પ્રકાશથી આપનું ઘર અજવાળશે તેવો મને વિશ્વાસ છે !” 


હર્ષના પિતાએ પૂર્વીના પિતાને કહ્યું “ વેવાઈ આપે ઉમદા સંસ્કારોનું સિંચન કરી પૂર્વી રૂપી સંસ્કારીતાનું જે મઘમઘતું ઉપવન અમોને ધર્યું છે તે માટે હું આપનો ખુબ ખુબ આભારી છું. સાચે જ પૂર્વી એક અણમોલ અને અદ્વિતીય રત્ન છે !.”   


પૂર્વી પોતાના પિતાથી અળગી થઇ અને સાડીનો પાલવ માથે ઢાંકી હર્ષના માતા પિતાની ચરણ વંદના કરી આશીર્વાદ લીધા. 


દક્ષાના ગાલે ચુટલી ભરી તેને પ્રેમથી “લુ....ચ્ચી....!!! ” કહી પૂર્વી હસતી હસતી કંસારનું આંધણ મુકવા રસોડામાં ચાલી ગઈ.  


Rate this content
Log in

Similar gujarati story from Romance