Minaxi Rathod

Drama inspirational tragedy

3  

Minaxi Rathod

Drama inspirational tragedy

અણગમતો સ્પર્શ

અણગમતો સ્પર્શ

2 mins
242


  રાતના 11 વાગવા આવ્યા હતા. ઘડિયાળની ટક-ટક સાથે ઘોડિયાનો કિચુડ - કિચુડ અવાજ જાણે એકબીજાને તાલબદ્ધ કરી રહ્યાં હતાં અને વચ્ચે - વચ્ચે બાળકના રડવાનો અવાજ એમાં સૂર પૂરાવતો હતો.

      ખાટલા ઉપર એક હાથ અને એ હાથ પર ઢાળેલું માથું જાણે અર્ધજાગ્રત અવસ્થા કહી શકાય. એક હાથમાં ઘોડિયાની દોરી અને જેવી દોરી ખેંચવાની બંધ થાય કે તરત બાળકના રડવાનો અવાજ શરૂ થાય વળી પાછી માલતી જાગ્રત અવસ્થામાં પાછી ફરીને દોરી ખેંચવાની ચાલુ કરે. ઘોડિયાની બાજુમાં સૂતેલા સાસુમાંની પણ ઊંઘ બગડતી અને એ બાળકને સુવાડવા કહેતાં. રોજ રાતનો આ જ ક્રમ રહેતો. માલતી મનમાં વિચારતી કે આજે નરેન્દ્ર આવે એટલે બધી વાત કરી લઈશ. આ તો રોજનું થયું, એણે આવું વિચારતા ઘડિયાળના કાંટા તરફ નજર કરી હજી નરેન્દ્ર આવ્યા ન હતાં. એમ પણ કામધંધાનો કોઈ નિશ્ચિત સમય નહીં એટલે ઘરે આવવાનો પણ કોઈ નિશ્ચિત સમય નહીં.

   થોડીવારમાં ઘરની જાળી ખૂલવાનો અવાજ આવ્યો માલતીએ જોયું તો નરેન્દ્ર આવ્યા હતાં એણે વિચાર્યું "હું હમણાં જ વાત કરી લઈશ. " પણ..... નરેન્દ્ર તો આદત પ્રમાણે ફ્રેશ થઈને સૂઈ ગયાં. એની સામે નજર સુદ્ધાં ન કરી. એ નરેન્દ્ર સામે જોતી રહી. અંદર ને અંદર કોહરામ મચાવતી ભીની લાગણીઓ વિખેરતી જતી હતી. પોતાના જ ઘરમાં પોતાના જ પતિ સાથે વાત કરવાનો એને પામવાનો ઇન્તજાર કેટલો અકળાવનારો હતો એ તો એ જ જાણતી હતી. સંયુક્ત કુટુંબ એમાં નાનકડું ઘર. જેમાં બે માણસને અંગત વાત કરવાનો કે અંગત પળ માટેનો એક ખૂણો પણ ન મળતો અને આ જ ખૂણો માલતી શોધતી રહેતી. નરેન્દ્રને મન તો કોઈ ફરક નહોતો પડતો કેમ કે એ તો એકાંત મળે એ સમયે એની ઈચ્છા સંતોષી લેતો પણ માલતીનું શું ....? 

       ઈચ્છા વગરનો સ્પર્શ પણ એક જબરજસ્તી જેવો જ લાગતો અને એનાથી છૂટવા એ પ્રયત્ન કરતી. માલતીને એની પોતાની ઈચ્છાઓ અને આકાંક્ષાઓ રોજ સવારે સજીવન થતી અને રાતે મૃત્યુ પામતી. એક દિવસ રીતસર એણે પોતાની અંદર વારંવાર દમન થયેલી તમામ ઈચ્છાઓનો અગ્નિસંસ્કાર કરી દીધો. હવે તે એકદમ નિર્લેપ કોઈપણ ભાવ વગરની બની ગઈ હતી.

      એને યાદ હતું....... એને જ્યારે ક્યાંક બહાર જવાનું થાય ત્યારે એ અરીસા સામે ઊભી રહેતી. પોતાની જાતને કેટલુંય સજાવતી, સંવારતી. પોતાને ફરી - ફરીને આગળ-પાછળ જોઈ લેતી અને પછી ઘરની બહાર નીકળતી. ભીડમાં પણ જો કોઈનો સ્પર્શ થઈ જાય તો પણ એ ચીડ કરી મોં બગાડી તરત સ્પર્શ સાફ કરી લેતી અને આજે........

       નિરાંતની પળોમાં પુસ્તક વાંચવામાં તલ્લીન હતી. અચાનક નરેન્દ્રનો એક હાથ એના પગ ઉપર એક હાથ એની કમર ફરતે વીંટળાયેલો અને એનો ચહેરો પોતાના ચહેરા નજીક આવ્યો એને થયું "આમને અચાનક શું થયું...?" એને એકદમ ચીડ ( સુગ ) ચડી એણે પોતાની ફરતે વીંટળાયેલા હાથ છોડાવવા અને ઊભાં થવા પ્રયત્ન કર્યો પણ એનો પ્રયત્ન નિષ્ફળ ગયો. નરેન્દ્ર એનો હાથ ખેંચી બેડ સુધી દોરી ગયો. એકદમ નિશ્ચેતન અવસ્થામાં એ પડી હતી. શાંત વાતાવરણમાં ગરમ શ્વાસોચ્છવાસનો અવાજ અને એ અનિમેષ નજરે સિલિંગ ફેનને તાકી રહી અને એક અણગમતા સ્પર્શને કમને સ્પર્શી રહી...!


Rate this content
Log in

Similar gujarati story from Drama