અમી-3
અમી-3
( ગયા અંકે જોયું કે સરિતા (ઢીંગલી)ને મળીને પ્રમોદભાઈ અને પ્રેમીલાબેન સ્વર્ગમાં ખુબ ખુશ થયા હોય એવી અનુભૂતિ પૂરા પરિવારે અનુભવી.)
બધાએ પ્રમોદભાઈનો સરિતાને લખેલ પત્ર વાંચીને છાશ પી લીધી. (જમી લીધું) હવે અમીએ પત્ર વાંચવાનું શરું કર્યુ. બધા ધ્યાનથી સાંભળી રહ્યા હતા.
મારી નાની બહેન શારદા,
અમી સંબોધન વાંચીને ચોંકી, આ તો મારા મમ્મીનું નામ. બધા સામે જોઈને ફરીથી વાંચવા લાગી. બધાના મનમાં એક જ સવાલ હતો કે અમીના મમ્મીને પત્ર !
કાયમી સરનામું : સ્વર્ગ
રસ્તો : ઘણો કઠિન,
તારીખ: આપણે મળીએ એ.
વિષય : તારી ક્ષમા માગવી અને આભાર માનવો.
મારી નાની બહેન શારદા,
કેમ છો તો આનંદમાં ને ? ઘણાં સમયથી કોઈને પત્ર લખવાનું થયું જ નથી, તો અક્ષર જોતી જ નહીં. હું પણ તને મળવા આતુર છું. ત્યાં સ્વર્ગમાં આપણે બંને બહેનો મળીશું ત્યારે તો વાત કરીશું જ, પરંતુ મારા મનમાં ઘણો મોટો બોજ છે, જે આજે ઉતારવા માગું છું. મેં ક્યારેય તારી દીકરી અમીની પ્રશંસાના બે બોલ તને કહ્યા નહીં. અમીએ જે રીતે મારી સેવા કરી એ ધન્યવાદને પાત્ર છે. તારા સંસ્કાર જીતી ગયા. અને મારો સ્વભાવ હારી ગયો. તને તો ખબર જ છે કે અમિતના પપ્પાને શરૂઆતમાં નોકરી ન મળી ત્યાં સુધી તો અમે ગામડે જ હતા. ઢોર વાસીદા ખેતર ને મોટું કુટુંબ. સરિતાના જન્મની અને નોકરીની વધામણીએ અમે અહીં શહેરમાં રહેવા આવ્યા. વહુ પ્રત્યેની મારી વિચારસરણીમાં ફેરફાર કરવાનું અમિતના પપ્પા બહુ કહેતા. મા જેવી મમતા મારા હૃદયમાં ખુબ જ હતી. પણ 'વખાણી ખીચડી દાઢે ચોંટે' એ વાક્યને પકડી રાખવાથી મારી અમી મારી મમતાથી વંચિત રહી ગઈ. મને અફસોસ છે કે અહમને કારણે હું અમીની માફી નહી માંગી શકું, હું પ્રયત્ન કરીશ. અમી જેવી વહુ નસીબદારને મળે, દીવો લઈને શોધવા જાત તો પણ ન મળત. તારી દીકરીએ તારું અને મારું કુળ તો ઊજાળ્યું જ છે, સાથે- સાથે મોસાળનું નામ પણ ઊજાળ્યું છે. મને જરા પણ અમિતના પપ્પાની ચિંતા નથી, અમી બધું સાચવી લેશે. મારે ક્યારેક તને ન કહેવાના વેણ કહેવાઈ ગયા હતા, તો મને મોટું મન રાખી ક્ષમા કરજે. તારી દીકરીનું મન આટલું વિશાળ અને પ્રેમાળ છે, તો તારું તો હોય જ ને ! તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે, કારણ કે તે ક્યારેય અમીને ખોટી સલાહ નથી આપી.
તારા સંસ્કાર એ મારા ઘરની શોભા છે. તારી સંસ્કૃતિથી મારું ઘર એકતાના તાંતણે બંધાયેલું છે. તારું પ્રેમ, ઉદારતાથી ભરપૂર હૃદય અને હર્ષની હેલી એ મારા ઘરનો સુખ વૈભવ છે. તારા ઘરના ગોખની દીવી એ મારા ઘરનો ઝળહળતો પ્રકાશ છે. અમી ભલે ઉતાવળી પણ એનામાં શાંતિથી પરિસ્થિતિ ઉકેલવાની ગજબ આવડત છે.
મેં તારી ક્ષમા માગી અને આભાર માન્યો. હવે મારું મન શાંત છે. હવે કદાચ હું શાંતિથી જીવ છોડી શકીશ અને તને મારું મોઢું બતાવી શકીશ. તને અને મારી દીકરી સરિતાને મળવા આવું છું. અત્યારે સરોજ આવી હોવાથી બધા અમિતના પપ્પા પાસે છે.
મેં તને નાની બહેન સમજી તો આટલું લખી શકી. બાકી હું તો દીકરાની મા, હું થોડી નમું ? એટલે જ મેં તને વેવાણનું સંબોધન ન કર્યુ. તને ગમ્યું જ ને ? ચાલ, હવે ઉપર સ્વર્ગે જ આવું છું. તો ત્યાં જ કહેજે. હળવી થઈ ગઈ છું તો કદાચ ભેટી શકું. હા, જેમ પેટ અને મનનો અહમ બેમાંથી એક પણ નડે તો ભેટી ન શકીએ. શરીર ત્યજીને આવીશ એટલે પેટ નહીં હોય, તો પછી મનના અહમને ઓગાળીને આવું, કદાચ તને ગળે લગાડી શકું. ખુશીનો અવાજ આવે છે. ચાલ, તારો પત્ર અમીને આપી દઈશ.
શારદા, મને માફ કરજે. તારી દીકરી મારી વહુ છે, એ વાતનું ગૌરવ અને આભાર માનવા શબ્દો ઓછા પડે.
લી. અમીના સાસુ અને સાચા અર્થમાં મમ્મી,
પ્રેમીલાબેન.
અમીએ રડતાં રડતાં પત્ર પૂરો કર્યો. સરુદીદીને ભેટીને રડી પડી. સરુદીદીએ રડવા દીધી કારણ કે આજે બેય મમ્મી એને મૂકીને જતા રહ્યા હતા. પોતાની મમ્મીની યાદ પણ ઘેરી બની હતી. મીરાં પાણી લાવે છે. બધા સ્વસ્થ થવાની કોશિશ કરે છે. સરુદીદી અને મીરાં વિચારે છે કે શારદામાસીના જીવતા મમ્મીએ વાત કરી હોત તો વધારે સારું થાત.
કહેવાય છે કે આખી જિંદગીનો ચિતાર મરતી વખતે દેખાય છે, તો આપણે પણ મોડા પડવાના અફસોસથી બચવું હોય તો કોઈનો આભાર કે ક્ષમા માગવાની થતી હોય તો વહેલી તકે જ માની લેવી જોઈએ.
ક્રમશઃ
