Sharad Trivedi

Crime Inspirational

3  

Sharad Trivedi

Crime Inspirational

અમાસનો ચાંદ

અમાસનો ચાંદ

3 mins
461


'તમારી કાજલ તમારાં જેવીજ ગોરી છે, સાવ તમારા પરજ પડી હોય એવું લાગે છે એજ નાક-નકશો એજ રુપ ! તમે તો એને દત્તક લીધી છે તોય તમારી સગી દીકરી જેવી લાગે છે.' તમારા વૉટ્સેપમાં કાજલનો પ્રોફાઈલ ફોટો જોઈ તમારા કોઈ ઓળખીતાંએ કૉમેન્ટ કરેલી. તમે સ્માઈલી મોકલી હકારમાં જવાબ આપેલો.

વૉટસઍપ પરની આ વાત તમને તમારા અતીતમાં લઈ આવી છે,શીતલ. તમે એ વખતે હૉસ્ટેલમાં રહીને અભ્યાસ કરતાં હતાં. કૉલેજના ત્રીજા વર્ષમાં હતાં ત્યારે એક છોકરાં એ તમને પ્રેમપત્ર લખેલો. એ તમારી સાથે તમારાજ વર્ગમાં ભણતો હતો. તમે એને સારી રીતે ઓળખતાં હતાં. દેખાવડો,સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં આગળ પડતો એ છોકરો તમને ગમતોજ હતો. તમે એના પ્રેમપત્રનો 'હા'માં જવાબ આપેલો.

પછી તમે આકાશમાં વિહરતાં પંખી થઈ ગયેલાં. એ છોકરાં સાથે તમે જીવન જીવવાનાં સપનાં જોતાં હતાં. તમને એણે એના પાછળ પાગલ કરી દીધેલાં એટલે તમે પણ એને પોતાનું સર્વસ્વ સોંપી દીધેલું. એક વખત નહી પણ અનેક વખત તમે એક થઈ ગયેલાં. તમારા આ દેહઐકયના કારણે તમને ગર્ભ રહી ગયેલો. તમે એ બાબતે એ છોકરાંને વાત કરતાં એણે ગર્ભપાત કરાવવાનું કહ્યું. જે તમને મંજૂર ન હતું. તમે એને તાબડતોબ લગ્ન કરી લેવા સમજાવેલો. એ બ્હાનાં બનાવતો રહ્યો. તમે પણ ન માન્યા ગર્ભપાત માટે. છેલ્લી ઘડીએ તમારી સાથે એને દગો કર્યો. એને તમારી સાથે તમામ સંબંધ તોડી નાંખ્યો. તમારી હાલત કફોડી થઈ ગઈ.


હવે કરવું શું ?ઘરે વાત કરો તો આ બાબતને કોણ સ્વીકારે ? એક વખત તો તમે આત્મહત્યાનો વિચાર કરી લીધો. પણ ઈશ્વર તમને અને તમારા બાળકને જીવાડવા માંગતો હતો. એક બહેનપણી તમારી વ્હારે આવી. તેણે તમને આ બાબતે સાથ આપ્યો. એ પૈસે ટકે સુખી હતી એટલે તમે અને એણે હૉસ્ટેલ છોડી દીધી. રુમ રાખીને રહેવાનું શરુ કર્યું. એક અનાથાશ્રમનો સંપર્ક કર્યો. ત્યાંના મેનેજરને તમે તમારી આપવીતી જણાવી અને તમને મદદ કરવા જણાવ્યું. એમણે તમને મદદની ખાત્રી આપી. ઈશ્વરે તમારા માટે બે દેવદૂત મૂકયાં.


શીતલ, અમાસની એક ચાંદ વગરની રાતે તમે ચાંદના ટૂકડા જેવી દીકરીને જન્મ આપ્યો. જન્મતાની સાથેજ તમે એને અનાથાશ્રમમાં મૂકી આવ્યાં. એ દિવસે તમે બહુ રડેલા, શીતલ. પણ તરતજ સ્વસ્થ થવા સિવાય છૂટકોજ ન હતો. તમારી સાથે જિદંગી અજબ ખેલ ખેલી રહી હતી. તમે કશુંજ નથી બન્યું એ રીતે પાછા જીવનમાં ગોઠવાઈ ગયાં. માતા-પિતા પાસેથી મંજૂરી મેળવીને સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોમાં જોડાઈ ગયાં. કોઈ પણ હિસાબે નોકરી મેળવી લેવાની તમારી જિજીવિષાએ તમને જુનિયર કારકુનની નોકરી છ માસમાંજ અપાવી દીધી.


એક માના મનોબળમાં કેટલી તાકાત હોય છે તે તમે બતાવી દીધું. તમે આર્થિક રીતે પગભર થઈ ગયાં. તમે નોકરી મળતાંની સાથે લગ્ન ન કરવાના તમારાં નિર્ણયની જાણ તમારાં મમ્મી- પપ્પાને કરી દીધી. એમને તમને ખૂબ સમજાવ્યાં પણ તમે તમારા નિર્ણય પર મકકમ રહ્યાં. આ સમય દરમિયાન તમે પેલા અનાથાશ્રમમાં તમારા અમાસના ચાંદને જોવા, મળવા અવાર નવાર જતાં હતાં. અમાસના દિવસે જન્મેલી એ દીકરીનું નામ કાજલ પાડેલું તમે.

નોકરીના બે વર્ષ પછી એક બાળકી દત્તક લેવાનો નિર્ણય કર્યો. કાયદેસર રીતે તમે તમારી કાયદેસરની દીકરી કાજલને દત્તક લીધી ત્યારે એ ત્રણ વર્ષની હતી. આજે એ સાત વર્ષની છે. તમે એને જીવથીય વધારે જાળવી છે. એજ તમારું જીવન છે. દુનિયા તો કાજલને તમારી દત્તક બાળકી તરીકે ઓળખે છે,પણ એ તમારોજ અંશ છે એ સત્ય તમારી બહેનપણી, અનાથાશ્રમના સંચાલક અને તમારા સિવાયનું ચોથું કોઈ વ્યકતિ જાણતું નથી.

આ તમારી કહાની છે શીતલ. 'મા'નામને તમે ખરાં અર્થમાં સાર્થક કર્યુ છે. અમાસના દિવસે ચાંદ હોતો નથી, પણ તમારો ચાંદ અમાસના દિવસેજ ઉગ્યો છે.


Rate this content
Log in

Similar gujarati story from Crime