અજબ પ્રેમ
અજબ પ્રેમ
અલય ગાડી લઈને ધંધાના કામે અમદાવાદથી વડોદરા જતો હતો. એકસપ્રેસ હાઈવે પસાર થઈ ગયા પછી વડોદરા શહેરમાં દાખલ થયો અને રસ્તામાં તેની ગાડી સાથે એક ઉંમર લાયક માણસ ભટકાઈને પડ્યો. અલયે ગાડી ઉભી રાખી અને એ વ્યક્તિને બેઠા કર્યા સદનસીબે બહુ વાગ્યું ન હતુ. આજુબાજુ મોટુ ટોળું ભેગું થઈ ગયું હતું. અલયે એક જણની મદદ લઇને એ વ્યક્તિને ગાડીમાં બેસાડીને નજીકના દવાખાને લઈ ગયો.
બહું વાગ્યું ન હોવાથી હાથે પાટો આવ્યો અને દવા લીધી પછી અલયે એ વ્યક્તિને એમના ઘરે મુકી જવા એડ્રેસ માંગ્યું એટલે એ વ્યક્તિએ 'ના' કહી કે મને કોઈ મંદિર પાસે ઉતારી દો તો અલયે પુછપરછ કરી કે 'વડીલ શું વાત છે ? આપ મને નિઃસંકોચ વાત કરો હું મારાથી બનતી મદદ કરીશ.' અલયની બહુ જિદ પછી એ વડીલે કહ્યું કે 'મને મારી પત્ની અને દિકરાએ કાઢી મુક્યો છે એજ વિચારોમાં હું તારી ગાડી સાથે ભટકાઈને પડ્યો. બસ બેટા હું ક્યાંક જતો રહીશ તે આ મદદ કરી ભગવાન તને ખુશ રાખે અને તારા માતા પિતા નસીબદાર કે તારા જેવા દિકરા હોય.'
અલયે જિદ કરી એમને ગાડીમાં બેસાડીને અમદાવાદ પોતાના ઘરે આશરો આપવા લાવ્યો. અલયે ગાડી ગેરેજમાં મુકી અને એ વડીલને ટેકો આપી ઘરમાં લાવ્યો અને મા મા બહાર આવો બૂમો પાડીને એની માને બોલાવી જ્યાં અલયની મા બહાર આવી અને એ વડીલ સામે નજર કરી તો બેવની આંખો પહોળી થઈ ગઈ અને એકબીજા ને અનિમેષ નજરે જોઈ રહ્યાં. અલયે બંનેને ઝંઝોળીને બોલાવ્યા તો ચોંકી ગયા. અલયે પુછ્યું 'મા તું ઓળખે છે આમને ? તો અલયની મા ચૂપ રહી ખાસીવાર પછી પેલા વડીલ બોલ્યા કે આ અલય એ કોનો દિકરો છે ?' અલયની મા કહ્યું કે એ આપણા પહેલા પ્રેમની નિશાની છે તમે મને મુકીને જતા રહ્યાં ત્યારે એ મારા પેટમાં હતો.'
વડીલ આ સાંભળીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા અને માફી માંગવા લાગ્યા કે મારા કર્મોનું ફળ મને મળ્યું કે મારી પત્ની અને દિકરાએ મિલકત પડાવી અને ઘર બહાર કાઢી મુક્યો. અલયે આ બધું સાંભળ્યું પહેલા એને તો ગુસ્સો આવ્યો પણ પછી એ એના સંસ્કાર અને સ્વભાવ પ્રમાણે વર્તયો અને પિતાનો દરજ્જો આપીને ત્રણેય સાથે રહેવા લાગ્યા. અજબ પ્રેમ હતો જેથી ફરી એક બનીને સાથે રહ્યા.