Shobha Mistry

Horror Tragedy Thriller

4  

Shobha Mistry

Horror Tragedy Thriller

અજાણ્યો ભય

અજાણ્યો ભય

4 mins
335


"નીમા, પ્લીઝ મને છોડીને ના જઈશ." ઉલ્લાસે આર્જવભર્યા સ્વરે નીમાને આજીજી કરી પણ નીમા એનો હાથ તરછોડીને ઘર છોડી જતી રહી. નીમા ખૂબ ખુશ હતી. એના મનના માણીગર સાથે ઘર વસાવવાનું એનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું હતું. 

નીમાના ગયા પછી ઉલ્લાસ નિરાશ વદને માથે હાથ દઈ બેસી ગયો. એની નજર સામે પાંચ વર્ષ પહેલાંનો સમય આવી ગયો. કૉલેજમાં નીમા અને ઉલ્લાસની જોડી એટલે જાણે લવ બર્ડસ. જ્યારે જુઓ ત્યારે સાથે ને સાથે. કૉલેજ પત્યા પછી વડીલોની સમંતિથી બંને લગ્ન બંધનમાં બંધાય ગયાં. બે વર્ષ તો જોતજોતામાં પસાર થઈ ગયા. 

એક દિવસ ઉલ્લાસ સાંજે પોતાની સાથે પોતાના જૂના મિત્રને લેતો આવ્યો. "નીમા, આ જો મારો લંગોટિયો યાર ભૈરવ." નીમા અને ભૈરવે એકબીજાને નમસ્તે કર્યા. ભૈરવ આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો, સમૃદ્ધ યુવાન હતો, કંઈક અંશે દિલફેંક પણ ખરો. એની નજરમાં નીમાની સુંદરતા વસી ગઈ. 

શરૂઆતમાં એ ઉલ્લાસની હાજરીમાં બે ચાર વખત આવ્યો. પછી એક બે વખત એની ગેરહાજરીમાં જાણે અચાનક આવી ચડ્યો હોય તેમ આવ્યો. જ્યારે આવે ત્યારે નીમા માટે મોંઘી મોંઘી ભેટ લેતો આવે. વાતમાં એવો રસ ઠાલવે કે નીમા ધીરે ધીરે એની ચુંગાલમાં લપેટાવા લાગી. આમ ને આમ બીજા બે વર્ષ નીકળી ગયા. ભોળા દિલના ઉલ્લાસને ક્યારેય એ બંને પર અવિશ્વાસ ન આવ્યો. બહારથી વાત મળતી પણ એ માનતો નહીં. પછી બે ચાર વાર એણે નજરે જોયું ત્યારે વિશ્વાસ આવ્યો. પણ ત્યાં સુધીમાં વાત હાથથી નીકળી ગઈ હતી. 

ઉલ્લાસે નીમાને સમજાવવાના ઘણા પ્રયત્ન કર્યા પણ એ માની નહીં. આખરે એક દિવસ એણે ઉલ્લાસને ખુલ્લું કહી દીધું, "ઉલ્લાસ, હું અને ભૈરવ એકબીજાને પસંદ કરીએ છીએ. હવે હું તારી સાથે રહી શકું એમ નથી." એણે ઉલ્લાસનો હાથ તરછોડી દીધો અને ભૈરવ સાથે ચાલી નીકળી. 

વહાલસોયી પત્ની અને જીગરજાન દોસ્ત તરફથી ભેટ મળેલા આ દગાથી ઉલ્લાસ પડી ભાંગ્યો અને બીજે દિવસે એણે આત્મહત્યા કરી લીધી. સુસાઈડ નોટમાં એણે આ માટે કોઈ જવાબદાર નથી એમ લખ્યું હતું પણ બધાં જ જાણતાં હતાં. પણ કોઈ દેખીતા પુરાવા ન હોવાને કારણે પોલીસ કંઈ કરી ન શકી. 

ભૈરવ અને નીમા મધુરજની મનાવવા ભૈરવના માઉન્ટ આબુના બંગલે આવ્યાં હતાં. એના બંગલાથી થોડે દૂર ખ્રિસ્તી લોકોનું કબ્રસ્તાન બની ગયું હતું. ભૈરવના બંગલામાં સરસ સજાવટ કરી હતી. બહાર પૂનમનું સરસ ચાંદરણું પથરાયેલું હતું. ભૈરવ પોતાની મજબૂત ભુજાઓમાં નીમાને ઊંચકીને બેડરૂમ તરફ આગળ વધી રહ્યો હતો. ત્યાં જ ઊંચું ડોકું કરી શિયાળવા લારી કરવા લાગ્યા. ચિબરીઓએ કોલાહલ કરી મૂક્યો. વાતાવરણ બિહામણું થઈ ગયું. નીમા ભયથી ભૈરવને વળગી પડી પણ ભૈરવને તો એમાં નીમાનો મધુરજનીનો રોમાંચ દેખાયો. 

ભૈરવે નીમાને વધુ મજબૂતાઈથી છાતી સરસી ભીંસી દીધી. ફૂલોથી સજાવેલી સેજ પર એણે સલૂકાઈથી નીમાને ઉતારી અને પોતે બારણું બંધ કરવા ગયો. ત્યાં જ નીમા ભયથી ચીસ પાડી ઊઠી. પલંગ પર પહેલેથી જ ઉલ્લાસ સૂતેલો હતો. નીમાની ચીસથી બારણું બંધ કરીને આવતો  ભૈરવ એકદમ ચોંકી ગયો. "નીમા, નીમા, શું થયું ? કેમ ચીસ પાડી ?"

"ભૈરવ, આ જો અહીં ઉલ્લાસ સૂતો છે." નીમાએ ભયથી વિસ્ફારીત થયેલી આંખો સાથે કહ્યું.

"અરે ! નીમુ, તારા અને મારા વગર અહીં કોઈ નથી. નોકરો પણ આપણે આવ્યા એટલે જતા રહ્યાં છે. ખાલી રામુકાકા છે, તે તો પાછળ સ્ટાફ ક્વાર્ટરમાં સૂવા ગયા હશે. તું નકામી ડરે છે."ભૈરવે એને સાંત્વના આપતા કહ્યું. જો કે નીમાની ચીસથી મનોમન તો એ પણ ડરી ગયો હતો.

ભૈરવે નજીક આવી નીમાને પ્રેમથી ચૂમી લીધી અને એના આવરણો એક પછી એક ઉતારવાની શરૂઆત કરી પણ નીમાનું શરીર ભયથી ફિકું પડી ગયું હતું. એ એટલી ડરી ગઈ હતી કે ભૈરવને એ વળગી પડી. ભૈરવે એના માથા પર હાથ ફેરવવા માંડ્યો પણ એને પણ કંઈ અજુગતું બનવાના એંધાણ વર્તાવા લાગ્યા હતા. 

બપોરે મોડે સુધી એમના રૂમનો દરવાજો ન ખૂલ્યો એટલે રામુકાકાએ રસોઈ માટે આવેલા વીણાબેનને ઉપરથી ભૈરવને નીમાને જમવા માટે નીચે બોલાવવા મોકલ્યા. પણ આ શું ? બારણું તો અંદરથી બંધ. કેટલું ઠોક્યું પણ કોઈ બારણું ખોલે જ નહીં. બહુ વાર સુધી બારણું ન ખોલ્યું એટલે રામુકાકાને ચિંતા થઈ. એમણે નજીકના બંગલે ફોન કરી ધીરેનભાઈને બોલાવ્યા. ધીરેનભાઈએ પણ બહુ પ્રયત્ન કર્યા. પછી એમને કંઈક અજુગતું બન્યાની ગંધ આવી. તેથી તેમણે પોલીસને ફોન કર્યો. પોલીસે આવીને પંચની હાજરીમાં બારણું તોડી નાંખ્યું. 

ત્યાં હાજર સૌ અંદરનું દ્રશ્ય જોઈ અચંબિત થઈ ગયા. એકબીજાના બાહુપાશમાં ભૈરવ અને નીમા જકડાયેલા હતાં. બંનેની આંખોમાં એક 'અજાણ્યો ભય' દેખાય રહ્યો હતો. એમની લાશને જેમ તેમ કરી છૂટી પાડી. ખૂબ મહેનત કરી પણ એમના મોતનું કોઈ કારણ જાણી ન શકાયું. આખરે પોલીસે કૅસની ફાઈલ બંધ કરી દીધી. 


Rate this content
Log in

Similar gujarati story from Horror