Independence Day Book Fair - 75% flat discount all physical books and all E-books for free! Use coupon code "FREE75". Click here
Independence Day Book Fair - 75% flat discount all physical books and all E-books for free! Use coupon code "FREE75". Click here

Nayanaben Shah

Drama


3  

Nayanaben Shah

Drama


અહેસાસ

અહેસાસ

4 mins 122 4 mins 122

"તીર્થક, જો કોઈનો પત્ર આવ્યો છે. પત્ર પરના સિક્કા પરથી લાગે છે કે ગોકુળથી આવ્યો છે. આ પત્ર તો આપણા ગામના સરનામે આવેલો. પરંતુ આપણે જેને ઘર વેચ્યું છે એનો દીકરો શહેરમાં આવ્યો હતો તે આપતો ગયો. ગોકુળમાં આપણું કોઈ ઓળખીતું રહે છે ? "તીર્થકની પત્નીએ કહ્યું ત્યારે તીર્થક હસી પડ્યો. પત્ની સામે જોઈ બોલ્યો,"મારો કૃષ્ણકનૈયો રહે છે. પરંતુ હજી મારૂ પુણ્ય એટલું નથી વધ્યું કે મને કાગળ લખે."

" કોનો પત્ર છે ? તેં વાંચ્યો ?" જો તીર્થક મને કોઈનો પણ કાગળ ખોલીને વાંચવાની ટેવ નથી. પછી એ પત્ર તારા નામનો પણ કેમ ના હોય !"

જયારે તીર્થકે પત્ર ખોલીને વાંચ્યો ત્યારે એ સ્તબ્ધ બની ગયો. શું કરવું એ સમજાતું જ ન હતું. તેથી જ એને પત્ર એની પત્નીને આપ્યો.

પત્નીએ પત્ર હાથમાં લઈ વાંચવા માંડ્યો. પછી પતિ સામે જોઈ બોલી,"એમાં શું વિચારવાનું ? આ પત્ર લખે હજી અઠવાડિયું જ થયું છે. તમે બને તેટલા જલદીથી ગોકુળ પહોંચી જાવ. આપણે કયારેય આપણી માણસાઈ કે ફરજ ચૂકવાની જરૂર નથી. આપણે આખી જિંદગી આપણી ફરજો બજાવવામાં પાછીપાની કરી નથી તો હવે સિત્તેર વર્ષે શા માટે ? આમ પણ આપણે એકલા છીએ. બાળકો પરદેશમાં એમના સંસારમાં સુખી છે. ભલે હવે તમે બહુ વિચાર કર્યા વગર ગોકુળના સરનામે પહોંચી જાવ."

તીર્થક પત્ની સામે જોઈ બોલ્યો,"ઘણા જન્મોના પુણ્ય ભેગા થયા હોય તો તારા જેવી ઉદાર દિલની પત્ની મળે."

"જેને જે યોગ્ય લાગે એ કરે. આપણને યોગ્ય લાગે તે આપણે કરવાનું. હવે વાતોમાં સમય બગાડ્યા વગર ગોકુળ જવાની તૈયારી કરો."

તીર્થક ગોકુળ જવા માટે ટ્રેનમાં બેઠો ત્યારે એ વિચારતો હતો કે સાઈઠ વર્ષે દીકરાની યાદ આવી ! દીકરામાં કંઈ સમજણ જ ન હતી અને એને છોડીને જતાં રહ્યા. એ પણ ના વિચાર્યું કે પત્ની અને બાળકનું શું થશે ? એ તો સારૂ હતું કે એમની મમ્મી નોકરી કરતી હતી. ઘર ચલાવવામાં ખાસ તકલીફ ના પડી પરંતુ મોજશોખ ના કરી શકે.

એકદિવસ સવારે ઉઠ્યા ત્યારે એમની પથારીમાંથી ચિઠ્ઠી મળી કે મને શોધવાનો પ્રયત્ન ના કરતાં.

એ વાતને વર્ષો વિતી ગયા. વારતહેવારે એ મમ્મીના આંસુ જોતો હતો. છતાંં પણ મમ્મી જીવી ત્યાં સુધી વટસાવિત્રીનું વ્રત કરતી. છેલ્લીઘડી સુધી એને ગળામાંથી મંગળસૂત્ર કાઢ્યું ન હતું.

એને શહેરમાં સારા પગારની નોકરી મળી ગઈ હતી. લગ્ન પણ ખાનદાન ઘરની યુવતી સાથે થયા હતાં. મમ્મીને ઘણું કહ્યું પણ શહેરમાં આવવા તૈયાર ના થઈ. બસ, એક જ વાત કરતી કે તારા પપ્પા પાછા આવે તો આપણને કયાં શોધે ? હું તો આ ઘર છોડી કયાંય નહીં આવું.

દિવસો પસાર થતાં રહેતાં હતા. તીર્થક સુખી હતો. બંને બાળકો ભણવામાં હોંશિયાર હતા. ભણીને બંને બાળકો પરદેશ જતા રહ્યાં. એમને તો ભારત અને અહીંનો મિત્રવર્ગ

છોડવો ન હતો. એકાદવાર ફરવા જઈ આવ્યા,દીકરાઓનો સુખી સંસાર જોઈ એક સંતોષ સાથે પાછા ફર્યા હતાં.

આટલા વર્ષો પછી એમના પપ્પાનો પત્ર હતો કે તું મને લેવા આવ મારી તબિયત સારી નથી. મારા શિષ્યો વારાફરતી આવે છે. પણ હવે મને થાય છે કે કોઈ મારૂ પોતાનું જોઈએ. તીર્થકને થયું કે એ કહી દે મને પણ થતું કે મારે પણ મારા બાપ હોય. પરંતુ તેની પત્નીએ કહેલું કે,"ભૂતકાળને યાદ કરી બિલકુલ મહેણાં ટોણા મારતા નહીં. ગમે તેમ તોય એ તમારા પિતા છે."

જયારે એમના પિતાને લઈને ગોકુળથી નીકળતાં હતાં ત્યારે એમના શિષ્યો એમને ઘેરી વળ્યા. એમના ચરણ સ્પર્શ કરવા લાગ્યા કેટલાક તો ચોધાર આંસુએ રડતાં હતાં.

તીર્થક ઘરે આવ્યો ત્યારે એની પત્ની સસરાને પગે લાગીને બોલી, "પહેલાં ચા નાસ્તો કરી ગરમ પાણીથી સ્નાન કરી લો જેથી મુસાફરીનો થાક ઉતરી જાય. તથા એમનો જમવાનો તથા ચા નાસ્તાનો સમય પણ પૂછી લીધો. તીર્થક આખો દિવસ મોબાઈલ,ટી.વી. તથા વાંચનમાં મશગુલ રહેતો. પિતાની રૂમમાં એકાદ વાર આંટો મારીને પૂછી લેતો ,"તમને અહીં કંઈ તકલીફ નથીને ? કંઈ જોઈતું કરતું હોય તો કહેજો."

તીર્થકના બોલવામાં માત્ર ફરજ જ હતી. એમાં કયાંય લાગણી શોધી જડે એમ ન હતી.

ફરિયાદ કરવા જેવું કંઈ જ ન હતું છતાં પણ કંઈક ખૂટતું હતુંં. નેવું વર્ષના એના પિતા એટલા અબુધ ન હતાં કે એ ફરજ અને લાગણી વચ્ચેનો ભેદ સમજી ના શકે.

એકરાત્રે એમના રૂમમાંથી રડવાનો અવાજ આવતાં તીર્થક તથા તેની પત્ની એમના રૂમમાં ગયા. તબિયત વિષે પૂછ્યું પણ રડવાનું બંધ ના થતાં તીર્થકે પત્નીને પાણી લાવવા માટે કહ્યું.

આખરે તીર્થકના પિતા એ કહ્યું,"અહીં બધુ જ છે. સિવાય મારા પ્રત્યે લાગણી." થોડું અટકીને બોલ્યા,"તીર્થક મેં ધર્મ ઉપર ઘણા પુસ્તકો લખ્યા છે. એ બધા તારી પાસે રાખજે. તું એનો અભ્યાસ કરજે."

તીર્થક તેના પિતાને બોલતાં અટકાવીને કહ્યું,"મેં જિંદગીમાં મારી જવાબદારી નિષ્ઠાથી નિભાવી છે. મારી ફરજ, મારી ઈમાનદારી, માનવતા એ જ મારો ધર્મ છે. મેં કયારેય કોઈને દુઃખી કર્યા નથી એ જ મારો ધર્મ છે."

"બેટા,મને લાગે છે કે તું મારી પર ગુસ્સે થયેલો છું. પણ મારે ભગવાનની પ્રાપ્તિ કરવી હતી. જે સંસારમાં રહીને પ્રાપ્ત ના થાત."

"પિતાજી,સંસારમાં રહીને પણ ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. નરસિંહ મહેતા સંસારી હતાં. નામદેવ દરજીનું કામ કરતાં, કબીર વણકર હતાં, ગોરાકુંભાર માટલાં બનાવતાં છતાં એમને ભગવાન મળ્યા છે. અરે, જનાબાઈ તો છાણા થાપતાં વિઠ્ઠલનું સતત સ્મરણ કરતાં તો એમના છાણાંમાંથી પણ વિઠ્ઠલ, વિઠ્ઠલનો ધ્વનિ આવતો. પુંડરિકે તો માત્ર માતાપિતાની સેવા કરી અને ભગવાનને પણ રાહ જોવાનું કહ્યું. સંસારમાં રહીને પણ ભગવાન ભજી શકાય છે."

"બેટા, તારી મારા પ્રત્યેના લાગણી વિહોણા વર્તનનો મને અહેસાસ થઈ ચૂક્યો છે. બસ તું મને માફ કરી દે તો હું શાંતિથી મોક્ષ પ્રાપ્તિના માર્ગે જઈ શકીશ." તીર્થક પિતા સામે જોઈ બોલ્યો,"મનુષ્યને એની ભૂલનો અહેસાસ થાય તો મનુષ્ય નહીં ઈશ્વર જ એને માફ કરે છે."


Rate this content
Log in

More gujarati story from Nayanaben Shah

Similar gujarati story from Drama