અદ્રશ્ય
અદ્રશ્ય
આકાશ બાકી છોકરાઓ કરતાં થોડો અલગ જ હતો, તે પોતાની એક અલગ દુનિયામાં જ ગુલતાન રહેતો હતો. યુવાવસ્થામાં પહોંચીને કહી શકાય તેવો એનો એકમાત્ર મિત્ર રોકી હતો. રોકી તેને સમજી નહોતો શકતો પણ તેને આકાશનો સાથ બહુજ ગમતો. આકાશ તેનાં સ્વભાવ મુજબ રોજ કંઈક ને કંઈક નવાં ઉપકરણો બનાવવામાં લાગ્યો રહેતો, તેનો રૂમ એક રીતે ભંગારનાં ગોદામ જેવો જ લાગતો હતો.
આકાશ ખૂબજ સંવેદનશીલ હતો તેથી સમાજમાં બનતી નબળી ઘટનાઓ તેને દુઃખી કરી જતી અને તે એ સમસ્યાઓને દૂર કરવાનાં ઉપાયો શોધવાં લાગતો. અત્યાર સુધી તેને એમાં એકપણ સફળતાં મળી નહોતી. આકાશ જ્યારે પણ સુપર હિરોનાં પિક્ચર જોવે ત્યારે એને પણ આવી જ કોઈ સુપર પાવર શોધવાની ધૂન લાગી જાય.
આકાશની સારી નીતિ ઈશ્વર સુધી પહોંચી ગઈ અને તેમણે આકાશને સુપર પાવરનો ધની બનાવી દીધો હતો. ધી હેલ્પમેન નામે તે બધાનો મસીહા બની ગયો હતો. સમાજમાં જ્યાં પણ કંઈ ખોટું થાય કે કોઈને મદદની જરૂર હોય તે ત્યાં હાજર થઈ જતો. પણ આ બધું સહેલું ક્યાં છે ! આટલી મોટી દુનિયામાં કરોડો, લોકોનાં દુઃખ, સમસ્યાઓને દૂર કરવાં. આકાશ દિવસ રાત બસ દોડ્યાં જ કરે પણ ઈશ્વર તરફથી મળેલી અમૂલ્ય ભેટ તેને હારવા કે થાકવા નહોતી દેતી. તેની સારી નીતિનાં કારણે ઈશ્વરે તેને સુપરપાવર આપ્યો પણ તેનાં આ સારાપણાનો દુનિયાનાં લોકો ગેરઉપયોગ કરવાં લાગ્યાં, નાની નાની બાબતોમાં લોકો હેલ્પમેનને બોલાવા લાગ્યા. આકાશને સમજાવા લાગ્યું કે આ રીતે પોતે બધી બાબતોમાં લોકોની મદદ કરી તેઓને પાંગળા બનાવી રહ્યો છે. તેથી એકદિવસ તેણે બધાન
ી સમક્ષ પોતાની સુપર પાવરને ત્યજી દીધી અને પોતે ફરી સામાન્ય માણસ બની ગયો.
ઈશ્વરે આકાશનાં આ નિર્ણયથી ખુશ થઈ તેને એક વધું સુપર પાવરનું વરદાન આપ્યું જેમાં આકાશ અદ્રશ્ય રહી લોકોની મદદ કરી શકે. ઈશ્વર તરફથી મળેલાં આ આશીર્વાદને તેણે નત મસ્તકે સ્વીકારી લીધો. હવે આકાશ અતિ વિકટ સમસ્યાનો ઉકેલ લાવવામાં જ પોતાનાં આ સુપર પાવરનો ઉપયોગ કરતો હતો અને લોકોને પણ આ બાબતની જાણ નહોતી થતી કેમકે એ અદ્રશ્ય થઈ જતો હતો. આકાશની દરેક વાત તેનાં મિત્ર રોકીને ખબર હોય જ. રોકી સાવ ભોળો હતો. કેટલાક પત્રકારો આકાશની વિગત જાણવાં માટે જાળ પાથરી બેઠાં જ હતાં. એક દિવસ ભોળપણમાંજ રીકીએ આકાશનાં નવાં સુપર પાવરની વાત પૂરી દુનિયાને જણાવી દીધી. આ સાથે જ પૂરી દુનિયાનાં વૈજ્ઞાનિકો, માફીયાઓ, સારાં, નરસા દરેક વૃત્તિનાં લોકો આકાશની પાછળ પડી ગયાં હતાં. બસ બધાં કોઈને કોઈ રીતે આકાશને પોતાનો ગુલામ બનાવી પોતાનાં કામો કરવા માંગતા હતાં.
આ બધી જ બાબતોથી કંટાળી આકાશ હંમેશ માટે આ દુનિયામાંથી અદ્રશ્ય થઈ ગયો. કોઈપણ પાવર ઈશ્વરથી મોટો ન હોઈ શકે. તેમણે બનાવેલી આ દુનિયા તેનાં જ નિયમો સાથે યથાવત ચાલતી રહે તો સંતુલન બની રહેશે. દરેક જીવ આ પૃથ્વી પર એક ધ્યેય સાથે જન્મ લે છે. જો પોતાનાં ધ્યેયની પૂર્તિ કરવામાં એ જીવ કાચો પડે તો તેનો ચોરાસીલાખનો ફેરો ખોટો ઠરશે. કોઈ સુપર પાવર થકી પોતાનાં કાર્યોનો કાર્યભાર સુપર પાવરનાં કર્મ બંધને બાંધી એ જીવ પોતાનાં ધ્યેયથી દૂર થઈ જશે આજ આત્મબોધે આકાશ પોતાને મળેલી અદ્રશ્ય સુપર પાવર સાથે અદ્રશ્ય થઈ ગયો.