Mariyam Dhupli

Tragedy Inspirational

3.3  

Mariyam Dhupli

Tragedy Inspirational

અદલાબદલી

અદલાબદલી

2 mins
132


'એનું ભાગ્ય મને ન મળી શકે ?'

દર વખતે એને નિહાળતાંજ મારુ ઇર્ષ્યા ભર્યું મન આ પ્રશ્ન અચૂક પુનરાવર્તિત કરતું. ક્યાં મારુ ભાગ્ય અને ક્યાં એનું ? સરખામણીજ અશક્ય. 

મારા નાનકડા ફ્લેટની નાનકડી બારીમાંથી એનો વિશાળ બંગલો કેવો ભવ્ય દેખાતો ! મારા પતિ જોડે બાઈક ઉપર નીકળું ત્યારે નજર તો એના પાર્કિંગ વિસ્તારમાં ઉભી બી.એમ.ડબ્લ્યુ પર જ ચોંટી રહેતી. એના રૂપને નિખારવા એ છુટ્ટે હાથે પૈસા ખર્ચી શકતી. ટ્રિમ કરેલા વાળ, નિયમિત ફેસિયલ, પેડિક્યોર, મેનિક્યોર. બધુજ સંપૂર્ણ. માથેથી પગ સુધી બધુજ વ્યવસ્થિત અને સુંદર. આટલું બધું મારા મર્યાદિત બજેટમાં ક્યાંથી ફિટ થઇ શકે ? મારા વિખરાયેલા વાળ, એમાંથી સંતાકૂકડી કરતા કેટલાક સફેદ વાળ. હા , મહેંદી હું લગાવતી પણ ક્યારેક સમય ન મળે ત્યારે સીધેસીધી નફ્ફટાઈથી પારદર્શી થઇ દર્શન આપવામાં એ પણ પાછળ જરાયે ન પડતા. શાકભાજી સમારીને આંગળીની ચામડી કેટલી ખરબચડી થઇ હતી અને આકારવિહીન નખ વર્ષોથી જાતે માંજેલા વાસણનો આડકતરો પુરાવો આપી નાખતા. મારે ત્યાં પણ એની જેમ નોકરોની હરોળ હોત તો કદાચ મારો પણ માથાથી પગ સુધીનો નક્શોજ જુદો હોત. પણ મારુ ભાગ્ય !

ક્યાં એના ડિઝાઈનર કપડાઓ અને ક્યાં મારા સાધારણ વસ્ત્રો. ઈસ્ત્રી થયેલા તૈયાર કપડાઓ પહેરવાની મજાજ જુદી. કલાકો સુધી ઈસ્ત્રી પકડી થાકેલા મારા હાથ મને હંમેશા આજ કહેતા. રવિવારે ચોપાટી ઉપરથી પાવભાજી ખાઈને પરત થઈએ ત્યારે બી.એમ.ડબ્લ્યુમાં ફાઈવસ્ટાર હોટેલની લજ્જત માણી આવેલી એ દ્રષ્ટિનો સંપર્ક સાધ્યા વિનાજ હું ચુપચાપ એપાર્ટમેન્ટની દાદરો ચઢી જતી. 

એનું શરીર ઘરેણાંઓથી હમેશા ભારેખમ શણગારાયેલું રહેતું. એ પણ સમયે સમયે ચોક્કસ બદલાવ સાથે. જેવા કપડાં, એવા આભૂષણો. મારે તો લગ્ન સમયે મળેલ મંગળસૂત્રજ એક માત્ર મહત્વનું ઘરેણું હતું. સોનુ પોષાય નહીં તો ચાંદી ઉપરજ સોનાનું આવરણ મઢાવી લેવું. હય્યાને એનાથીજ સંતોષ મળી જતો. 


પણ એને નિહાળતાંજ સંતોષ લુપ્ત થઇ જતો. મન ઈશ્વરને એકજ પ્રશ્ન પૂછતું :

'એનું ભાગ્ય મને ન મળી શકે ? અને જો મળી જાય તો !

કેટલા મેઘધનુષી સ્વપ્નો રચાય જતા. પરંતુ આજે સવારે જયારે પડોશના ફ્લેટમાં રહેતા હેતલબેને કહ્યું, "તમને જાણ થઇ ? સામેના બંગલામાં રહેતા શ્રેયા બહેનને બ્લડ કેન્સર છે. લાસ્ટ સ્ટેજ. "

ત્યારથી ઈશ્વરને હું મનોમન કરગરી રહી છું .

'પ્લીઝ અદલાબદલી ન કરતા !'


Rate this content
Log in

Similar gujarati story from Tragedy